તરોતાઝા

IPL: પુરુષ-નૃત્ય કાઉન્ટર પણ ચાલુ કરો!

મોજની ખોજ -સુભાષ ઠાકર

સજ્જનો ને સન્નારીઓ, (સજજનીઓ ન બોલાય! )
તમે માર્ક કર્યું કે હાલની IPL ની મેચમાં કેટલાય રોમેન્ટિક પુરુષ આત્માઓનું મન-ધ્યાન મેચના બદલે પેલી કાઉન્ટર પર પાંચ જ સેક્ધડ નૃત્ય કરતી પાંચ-સાત સુંદરીઓ પર જ હોય છે. મેચ ગઈ તેલ પીવા એવા હાવભાવ ચહેરા પર રમતા હોય છે.

કબૂલ કે આવા રોમેન્ટિક નૃત્ય જોઈ ભલભલા ટોપાઓનું મન મોર બની થનગાટ કરે, પણ સોરી ટુ સે કે મારું મન કાગડો બની કકળાટ કરે છે. આઈ નો, તમે ચમકશો ભડકશો ને પૂછવાના: કેમ? થોડી શાંતિ રાખો કારણ જાણ્યા પછી તમારા ગળામાંથી પણ સરકી પડશે : લાયા, બાપુ લાયા..!

-તો હે વીર વાંચકો, તમને નથી લાગતું કે IPLમાં એકાદ કાઉન્ટર પુરુષ નૃત્યનું રાખવું જોઈએ.. સુંદરીઓનું નૃત્ય હોય તો સુંદરાઓનું કેમ નઇ? ચિયર્સ ગર્લ્સ હોય તો ચિયર્સ બોય કેમ નઇ? શું પુરુષોને નાચતા નથી આવડતું? ડાન્સર પુરુષોને પોતાની લલિતકલા દેખાડવાનું મન નઇ થતું હોય, અરે કોઈ ચંપાને કોઈ હેન્ડસમ પુરુષનૃત્ય જોવાની ઝંખના જાગૃત નઇ થતી હોય?. બાકી એક નાનકડો અલ્પ બ્યુટીફૂલ ડાન્સ જોઈ આપણે પુરુષોને જો હૈયામાં ગલગલિયા થયા હોય તો સામે પક્ષે એવા ગલગલિયા નઇ થતાં હોય? જો નાની નાની બાલિકાબધુઓ ટુંકા વસ્ત્રો પહેરી ઝૂમઝૂઉઉઉમ કરતી ભોંય ચકરડીની જેમ ફેરફૂદડી ફરતા ફરતા હવામાં રંગબેરંગી ફૂમતા ઝૂલાવતી હોય તો પુરુષોને સ્વિમિંગ કોસ્ચ્યુમ કે ગંજી- જાંગિયા કે ચટાપટાવાળી ચડ્ડી પહેરી હાથમાં રંગબેરંગી પટ્ટા સાથેનું તલવારબાજી કરતું હોય એવું એક પણ કાઉન્ટર નઇ?

ધિક્કાર છે પ્રભુ, આવી (અ)વ્યવસ્થાને. મહિલાઓની લાગણીઓને સમજો. સાલું, થોડા વખત પહેલાં ચલણમાંથી બે જ નોટ ગુમ થઈ એમાં તો હાહાકાર મચી ગયો, જ્યારે અહીં તો લાગણીઓનું આખેઆખું ચલણ જ નાબૂદ થઇ ગયું છે, પણ તમને જરા ઊહકારો પણ નથી થતો?

મને ખબર છે કે સુંદરીલાલચુ ટોપાઓ મને સાથ નઇ આપે મને એકલોપાડી દેશે, પણ આવો ઘોર અન્યાય કેટલીય સન્નારીઓથી સહન ન થયો ને આમાંની એક મારી ચંપાકલી.

એક દિવસ મને કહે: ‘એય સુભુ સાંભળી લે, ભલે તમે તમારી જાતને સિંહ સમજતા હો પણ જે દિવસે નારી દુર્ગા બની સવાર થશે તો તમારી બીજા દિવસની સવાર નઇ પડવા દે. તમે નારી મનને કચડી નાખ્યું છે. બાકી વાટકી વ્યવહાર બંને બાજુ હોવો જોઈએ કે નઇ? અમારે હેન્ડસમ પુરુષનૃત્ય બે સેક્ધડ પણ નઇ જોવાનું? અમને મન નથી? જાહેર ચેતવણી સાંભળી લો. જો હવેની IPL માં પુરુષ નૃત્ય નઇ દેખાય તો જેમ કૉંગ્રેસ મુક્ત ભારત થતું જાય છે એમ IPL મુક્ત ક્રિકેટ થઈ જશે.. તાળાં લાગી જશે તાળાં. પછી કહેતા નઇ કે ચંપાકલી બોલી નઇ હા, હું બધી નારી વતી બોલું છું, કારણ કે કેટલીયે ગગીના હોઠ હલતા પણ ધ્વનિ સાઇલન્ટ મોડ હોવાથી બિચારી ચૂપ છે.’ આટલું એકધારું બોલ્યા પછી ચંપા હાંફવા લાગી.

મે શાંતિથી કીધું : ‘શાંત ચંપુ શાંત, આપણું બીપી વધી જાય. ને તું ભલે આ રીતે કૉંગ્રેસની મશ્કરી કરે પણ એક દિવસ આખું ભારત કૉંગ્રેસ જોવા તડપશે, તરસશે ને મૂળ તો મને જ ક્યાં ડાન્સ કરતાં આવડે છે.?’

‘તો શું થયું,યાદ છે? તમારા બાપુજીનો પગ બે-ચારવાર સળગતી બીડી પર પડ્યો એમાં ભારતનાટ્યમ શીખી ગયેલા. તમે પણ ધોમધખતા ભરબપોરના તડકામાં ચંપલ પહેર્યા વગર એક થી બે વાગ્યા સુધી દસ-બાર આંટા મારશો તો ઓટોમેટિક કથ્થક નૃત્ય શીખી જશો.’

આપણ વાંચો:  ‘રાજયોગ’ એટલે શું…? ‘યોગ’ એટલે શું…?

‘અરે માય લલ્લી, એનાથી પગના તળીયે સફેદ જાંબુ જેવા ફોડકા થઈ જાય, જામાં પડી જાય’ મારી છટકી.

‘અરે મેરે લલ્લુરામ, પણ ડાન્સમાં કેવો જામો પડી જાય. પુરુષાર્થ વગર સિદ્ધિ ન મળે’

અમારા આ સંવાદ પછી તો મારી ચંપાકલીના નેતૃત્વ હેઠળ મોરચો કાઢવાનું નક્કી કર્યું ને બનાવ્યું એક મજબૂત મંડળ : ‘નારી તું ના હારી.’

પણ… પણ લોચો એ પડ્યો કે મોરચા વખતે ચંપાએ ‘હમારી માંગે પૂરી કરો પુરુષ ડાન્સ કાઉન્ટર ચાલુ કરો’ જેવા સૂત્રોચ્ચાર કરવાનું નક્કી કર્યું. ચંપા ‘હમારી માંગે…’ જેવું બરાડી કે ત્યાં આઠ-દસ સુંદરીઓએ ‘સિંદૂરસે ભર દો’ નો સામૂહિક પ્રતિસાદ આપ્યો. કેટલાક પુરુષો સિંદૂરની ડબ્બી ખરીદવા દોડી ગયા . અરે, એ જ વખતે મારી ચંપાની માથાના વાળની વીગ હવામાં ઊડી ને ટકલું ખુલ્લુ પડી ગયું. આખું મંડળ વિખેરાઈ ગયુ. મામલો તૂટી પડ્યો. એમાં સાત સુંદરી “XXX વસ્ત્ર ભંડાર’ નામની કાપડની દુકાનમાં સેલ્સગર્લ તરીકે ગોઠવાઈ ગઇ ને એ જ દિવસે દુકાનદારે બહાર પાટિયું માર્યું : ‘નવો સ્ટોક આવી ગયો છે’ નવો સ્ટોક કોને ગણવો -કાપડને કે આ સુંદરીઓને એ જનતા જનાર્દન નક્કી નથી કરી શકી પણ એ પછી પેલા ક્લોથ સ્ટોરની ઘરાકી ત્રણ ગણી વધી ગઇ. બોલો, તમે શું કહો છો ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button