મોજની ખોજ : ખોટું ન લાગે તો સાચું કઉં?

- સુભાષ ઠાકર
જેમ ગાઢ નિંદ્રામાં સૂતેલો કોઈ પણ ટોપાલાલ પોતાના નસકોરાં સાંભળી શકતો નથી એમ મૃત્યુ પછી ફોટોફ્રેમમાં ગોઠવાયેલા બાપુજી કશું સાંભળી શકતા નથી તો પછી આ બધા શ્રદ્ધાંજલિના ધખારા શું કામ?
ખોટું ન લાગે તો સાચું કઉ? સાચુકલી શ્રદ્ધાંજલિ સાંભળીએ તો 440 વોલ્ટેજના ઝાટકા લાગે. આ રહ્યો તાજો જ નમૂનો…‘પરિવારજનો ને આત્મીય શ્રોતાઓ’ અંબાલાલ બોલ્યા:
‘ચંપકલાલને કોણ નથી ઓળખતું?. સમાજમાં જેમ લોકો બાળક સાથે બાળક, સમોવડા સાથે સમોવડા ને વડીલ સાથે વડીલ બની જીવે છે એમ જ આપણા ચંપકલાલ નાનપણથી જ જુગારી સાથે જુગારી, દારૂડિયા સાથે દારૂડિયા, ને વ્યભિચારી સાથે વ્યભિચારી બનીને જીવ્યા. એમનો મૂળ શોખ જુગારનો. એ એવો ડેવલોપ કરેલો કે દાગીના વેચવા પડે કે ઘર ગીરવી મૂકવું પડે, પણ રમવાનું એટલે રમવાનું! એમની નીતિમત્તા માટે બહુ માન હતું, ગૌરવ હતું. મૃત્યુ પામ્યા ત્યાં સુધી સાંજનો મુકામ ક્લબમાં જ રહેતો.ચાલાકીથી એ લગભગ હારે નહીં ને હારે તો કોઈની પાસેથી ઉછીના લેવા હાથ પાછો પડે નહીં. એ માટે સમાજના ઘણા લોકોનું કરી નાખ્યું હોવાથી ‘પ્રધાન’ નામના ઉપનામથી ઓળખાતા….સમાજના પૈસા એ પોતાના કુટુંબ માટે જ વાપરતા. આમ એ એમની કુટુંબ પ્રત્યેની લાગણી બતાવતા. હજી ગયા અઠવાડિયે મારી પાસેથી જુગાર માટે 28000 ઉછીના લીધા છે, પણ મને વિશ્ર્વાસ નહિ બલકે ખાતરી છે કે એમનો પુત્ર ચંબુ કોઈની પાસેથી પણ ઉછીના લઈ કે કોઈનું કરી નાખીને ય મને મારી રકમ ચૂકવીને પિતૃઋણમાંથી મુક્ત થશે. બીજી ખાસિયત એમની એ હતી કે હાર્યા તો ઠીક, પણ જુગારમાં જો જીત્યા તો એ રકમ ક્યારેય ઘરે નઇ લાવવાની. આ રીતે કમાયેલી લક્ષ્મીને એ હરામની કમાણી સમજતા એથી ક્લબમાંથી સીધા બારોબર બિયરબારમાં જતા. આવા સિદ્ધાંતવાદી માણસ દારૂમાં પણ તુલસીનું પાન નાખીને જ પીતા. એ માનતા કે ગંગામાં ન્હાવાથી જો પાપ ધોવાય તો દારૂ પેટમાં જઈને લીંબુ સરબત કેમ ન બને? આ રીતે પીવાથી અપવિત્રતા સ્પર્શે જ નઇ અને ખાસ તો પાંચ પેગ સુધી તો ચડે જ નઇ અને ચડે પછી કેટલાં પેગ પેટમાં પધરાવ્યા એ યાદ જ ન આવે. પછી તો ફરતા ભમરડાની જેમ ડોલતા-ડોલતા લથડિયું ખાતા-ખાતા પોતાના જ ઘરે પહોંચી જાય એ એમની કેપેસિટીનો મોટો પુરાવો. એમના તન મનનો કાબૂ તો જુઓ….આને કહેવાય પીધા પછીનો સંયમ…!!
આપણ વાંચો: સ્વાસ્થ્ય સુધા : સાદી સફેદ ખાંડ છોડીને અપનાવો નાળિયેરની ખાંડ…
શરૂ શરૂમાં પ્રેક્ટિસ વગર પીવાથી એવી ભૂલ થતી કે એક-બે વખત રાતે ગંગાસ્વરૂપ ગંગાબાનો દરવાજો ખખડાવેલો અને એ બે રાત ગંગાબાએ પણ મોટું મન રાખીને એમને સાચવી લેતા. એ એમનું ઋણ કેમ ભૂલાય? પરિવાર ગંગાબાનો હંમેશાં ઋણી રહેશે. એ જમાનામાં આવા સંબંધ જાળવવા એ ખેલ નહોતા. બે પેગ પીધા પછી જ આંખો ખૂલતી હોવાથી ચક્ષુદાન ન કરી શક્યા એનો પરિવારને રંજ છે.
એમના જવાથી ચંપાબાને આઘાત લાગે દુ:ખ થાય પણ સામે રહેતી મણીડોશી, બાજુવાળી ઝમકું ડોશીનું હૈયાફાટ રુદન ઉપરાંત મોંઘીબાને આ ઉંમરે વોમીટિંગનો અહેસાસ થવાને કારણે ઘણા લોકો મોંઘીબાને ચંપાબા સમજે છે ને ગંગાબાનો વિયોગ પણ કેમ ભૂલાય?
મિત્રો, આ જ બતાવે છે કે ચંપકલાલે જીવનમાં કેટકેટલી કો-ઓપરેટિવ બેંકમાં રોકાણ કર્યું હતું ને ઘરની ફિક્સ ડિપોઝિટ તો અલગ જ.. મોબાઈલ વગર આટઆટલી ડોશીઓનો પ્રેમ મેળવવો એ કામ આ કાકો જ કરી શકે- આપણુંં ગજું નઇ… અમારા ગ્રુપનો આ કાનુડો આજે આપણી વચ્ચે રહ્યો નથી. એને દિલમાં ઘણી લલ્લીઓને સ્થાન આપેલું પણ ઘરમાં તો માત્ર ચંપા એટલે ચંપા…. આમ છતાં, ‘બહારના ઓર્ડર પર પૂરતું ધ્યાન આપવામાં આવશે’ એ એમની નીતિ અને રીતિ પણ ખરી… હવે એમના ગયા પછી કોણ એમની ખોટ પૂરી કરી શકશે એ તો ચંપાબા સિવાય કોને ખબર પડે?
મિત્રો, એ તો સારું છે કે એમના વર્તનથી ને પ્રભુકૃપાથી આ પરિવારની સમાજમાં બહુ ઇજ્જત નથી. જો બચી હોત તો જતા વાર ન લાગત. તમને થશે કે આવું બોલીને મેં જૂની દાઝ કાઢી છે, પણ હું જૂની કે નવી દાઝો શું કામ કાઢું? અગ્નિ બાળે એ પહેલા જ કેટલાયે લોકોને એમને બાળી મૂક્યા હતા.. આખા જીવન દરમિયાન એક માત્ર સુંદર કાર્ય કર્યું હોય તો એ ખુદ મર્યા એ…! આવા થ્રી-ઇન-વન જેવા જુગારી-શરાબી ને વ્યભિચારી આત્માઓ આ પૃથ્વી પર વારંવાર જન્મ નથી લેતા. સમાજમાં અને સંસારમાં જીવનભર કેટકેટલી ગાળો-દુ:ખ-ગમ-પીડા-વેદના સહન કર્યા પછી આ સ્ટેજ સુધી પહોંચી શકાય છે. હું જાણું છુ કે જિંદગીભર જેમને ચંપકલાલ જોડે 10 મિનિટ પણ બેસતા જોયા નથી એ બધા આજે બેસણામાં દોઢ કલાકથી બેઠા છે એમાં હજી ઘણા ઉઘરાણીવાળા મારી જેમ જ દર્શકોમાં છે એથી પ્રભુ આ સંસ્કારી દીકરાને આપણા પૈસા પરત કરવાની શક્તિ આપે અને બુદ્ધિ હોય તો નનામી ઊંચકવા આવેલા ભાડૂતી માણસોને ભાડું ચૂકવી દે ને એમનાં અધૂરાં કાર્યોમાં જે દારૂ એમણે અધૂરો છોડ્યો હોય એ ઢીંચી જવાનું પરિવારને પ્રભુ જ્ઞાન આપે.
-અને અંતમાં મૃત્યુ એટલે પ્રભુને હિસાબ આપવાનો પવિત્ર દિવસ…જેનો હિસાબ શુદ્ધ એનું જીવન શુદ્ધ ને મૃત્યુ પણ શુદ્ધ. પરમાત્મા એના પ્રેતાત્મા…સોરી, આત્માને શાંતિ આપે… આજે એ સદેહે આપણી વચ્ચે નથી એટલે સાચું બોલવાની મેં હિંમત કરી છે.. (તાળીઓના ગડગડાટ ) સૌને જય શ્રી કૃષ્ણ…
મિત્રો, આ સાવ સાચ્ચુકલી આખી શ્રદ્ધાંજલિથી આપનું દિલ દુભાવ્યું હોય તો ક્ષમા..
શું કહો છો?