મોજની ખોજ ઃ દારૂમાં નશો હોત, તો બોટલ ના ડોલતી હોત?
-સુભાષ ઠાકર
કહેવું પડે આ તો મારું બેટું જબરું, ચંબુલાલ..અમે જિંદગીભર પ્રાણાયામો, આસનો, કસરતો, સ્વિમિંગ, વોકિંગ આ બધુ કરી કરીને થાકી ગયા, તૂટી ગયા ને છતાં ઇકોતેરે પહોંચતા તો ગળી ગયેલા કેળાં જેવા થઈ ગયા ને મોઢા ઉપર તો નારિયેળના છોતરાં જેવી કરચલીઓ પડી ગઈ ને તમે કઇ કમાણી પર આ ક્રિકેટની સિઝનમાં જિંદગીના મેદાન પર દેવ આનંદ જેવા કાયમી લીલા એટલે કે એવરગ્રીન રહી ૯૪ રને નોટઆઉટ છો? તો શું છે આ તંદુરસ્તીનું રહસ્ય ?’ શું હોય બકા? શરીરમાં ગુટકા, તમાકુ, સિગારેટ માટે મો પર ‘નો એન્ટ્રી’નું પાટિયું મારી દીધું છે ને દારૂને તો ક્યારે હાથ પણ લગાડ્યો નથી.’ અરે, વાહ હાથ લગાડ્યા વગર ગ્લાસ ડાઇરેક્ટ મોઢે..?! ’
તું નસ ન ખેંચ, ડોબા મેં ક્યારેય પીધો જ નથી. જો બકા, આઉટ થવાના છીએ એની ખાતરી હોવા છતાં નોટઆઉટ રહેવા પ્રયત્ન તો કરવા જ પડે ને? છતાં મારી પણ ઘણી મહેનત પાણીમાં ગઈ’ કઇ?’ આ જુવાનીને જાળવવાની ને વૃધ્ધત્વ ને ટાળવાની.. બાકી તો મેચ ભલે પાંચ દિવસની હોય પણ આપણો દાવ પૂરો થાય એટલે મેદાન છોડી દેવું પડે અને..’ ત્યાં તો અચાનક ફળિયામાં ટુટિયું વાળીને સૂતેલા કૂતરાના કાન પણ બે ઘડી ઊંચા થઈ જાય ને સ્મશાનમાં સૂતેલા મડદા પણ બેઠા થઈ જાય એવો પ્રચંડ ધડાકો મારા કાને અથડાયો આ ધડાકો .. ’
‘મારા બાપુજી, રોજ પી ને રસોડાની બારીમાંથી એન્ટ્રી મારે છે. મારા ડોહા ૧૨૫ રને હજી નોટઆઉટ છે. આવા માણસો પર ઈશ્ર્વર આયખાનો ઢગલો શું કામ કરતો હશે? સાલું, પ્રભુ જાણે એમના મૃત્યુ પછી મને રડવાનો કે કારજનો લાભ મળશે કે નઇ? એમના પહેલાં કદાચ મારી એક્સિટ થઈ જાય એવું ….’ આટલું સાંભળી હું અંદરથી ચમક્યો ને બારથી હલબલી ગયો ત્યાં તો રસોડામાંથી મોતીલાલની,‘જિંદગી, ખ્વાબ હૈ’ ની અદાથી સ્કેટિંગ કરતાં કરતાં આવતા હોય એમ કાકાએ હોલમાં જાજરમાન પ્રવેશ કર્યો. દારૂ વગર ૯૪ ને દારૂ પીવા છતાં ૧૨૫ ની યાત્રા ..અદ્ભુત ! મિસ્ટર ચંપકકાકા, દારૂ કયારે શરૂ કરેલો?’ મે પૂછ્યું.
એવું તો ક્યાંથી યાદ હોય, પણ મારામાં પરોપકારની ભાવના વર્ષો પહેલાં પ્રગટ થયેલી. કોઈએ કીધું કે દારૂ તબિયત માટે બહુ ખરાબ છે એટલે મને થયું કે ચાલો, પી પી ને ખતમ કરી નાખીએ, શંકરે પણ ઝેર પી લોકોને અમૃત આપેલું જ ને ..’
‘કાકા, રોજ કેટલા પેગ?’.
કભી જ્યાદા કભી કમ
‘ક્યારે પીઓ?’
‘કભી સુબહ કભી શામ.’
‘દારૂના રૂપિયા કોણ આપે?’
‘કભી વો કભી હમ.’
‘પણ આટલો બધો પીવાનું કારણ?’
‘કભી ખુશી કભી ગમ.’
‘બસ… ઠાકર આવો જ પ્રાસ મેળવી મને ત્રાસ આપે છે.’ ચંબુ બોલ્યો. હું ક્યાં ત્રાસ આપું છું? અરે, હું તો મારી સહન શક્તિને માપુ છું.’ ‘અરે, એના કરતાં પીવામાં માપ રાખોને. ત્યાં તો માપ બહાર નીકળો છો. સૂન ઠાકર,.’ કાકો બોલ્યો: ‘હમ નહીં પીતે તો કહી બે મોસમ નહીં પીતે મગર બૈઠ ગયે તો કિસીસે કમ નહીં પીતે.’
અરે ઠાકર, દીકરો બાપનું નામ પાણીમાં બોળે એ સાંભળ્યું હશે પણ આ બાપ તો દીકરાનું નામ બોળે એવો આ જગતનો પહેલો બાપ. સાલું, ઘરમાં તો દારૂમાં પાણી પણ નથી મેળવતા.. નીટ.’ એય ડફોળ, દારૂ જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે.
અરે, આ મોંઘવારીમાં પાણી બચાવું છું એ નથી જોતો, અલ્યા ઠાકર… સમજાવ એને કે દારૂમાં જ જો પાણી ન મેળવું તો ઇજ્જત તો કેવી રીતે પાણીમાં બોળુ?’ ‘ઠાકર’, ચંબુ ઉવાચ : મારા બાપુજી દારૂ વગર જીવી શકતા નથી ને દારૂ જીરવી પણ શકતા નથી ને પીએ એનો વાંધો નથી, પણ પીધા પછી મને પીધેલો ધારે છે. એનું શું ? અરે, કાલની જ વાત કરું. કાલે અચાનક બૂમ આવી, ‘ચંબુડા, જલ્દી આવ’ પીને બૂમો પાડતા હતા, આપણા ઘરની છત નીચે આવી ગઈ છે.’ હું ગભરાયો, ચમક્યો કેમ કરતાં આવું બન્યું, બાપરે,.. જોયું તો બાપુજી ટેબલ નીચેથી બૂમબૂમ કરતાં હતા.
‘બાપુજી એ છત નથી. ટેબલ છે.. જલ્દી બહાર આવો ને પછી ભાનમાં આવો ,’ યસ, માય ડિયર આઈપીએલ’ એટલે હું પીધેલો છું’, બટ અબ આયા ઊંટ પહાડકે નીચે.’ પછી મારી બાજુ ડોકી ફેરવી બોલ્યા : ‘ઠાકર બેટા, આ મારો ચંબુ સરકારી ઓફિસર છે અને ટેબલ નીચેથી જ રૂપિયાની થપ્પીઓ લઈ લાંચ લઈ અમારા કુટુંબની આખી ઇજ્જતની છત નીચે જ લાવ્યો છે…. ઠાકર, સાંભળ.. નશો દારૂમાં હોતો જ નથી, નઇતર બોટલ પોતેજ ન ડોલતી હોત, નશો તો આપણામાં છે.
દારૂનો નશો તો ઊતરી પણ જાય પણ અમારા આ ચંબુ પુત્તરને ધનનો, કીર્તિનો, માયાનો નશો એવો ચડયો છે કે જીવનના અંત સુધી ઉતરશે નહીં. દારૂ જ નથી પીતો બાકી ઘણાના લોહી પીધા છે. બહારથી દેખાતો આ શેઠ અંદરથી શઠ છે એને લાંબું જીવવું છે પણ લાંબું વિચારવું નથી. અલ્યા ચંબુડા, તારા બાપને એક સવાલનો જવાબ આપ કે દારૂ ભલે મેં પીધો હોય પણ નશો તો તને ચડ્યો છે કે નઇ? ઠાકર, એને પૂછ કે ક્યારેય ઘરનાં બારણાં મારા માટે ખુલ્લા રાખ્યા છે? મારે શું કામ રસોડામાંથી આવવું પડે?’ ‘પણ વડીલ તમારી તો કમાલ છે… પીવા છતાં ૧૨૫ કેવી રીતે જીવ્યા?’ ‘યુ આર વન વીક લેટ ડિયર,
અઠવાડિયા પહેલાં જ મારી બા ગુજરી ગયાં .’ આ સાંભળતા મને મારુ હૃદય બંધ પડવાનો ભય લાગ્યો ઝાટકા પર ઝાટકો… કેવી રીતે?’ ‘બા સુવાવડમાં ગુજરી ગયા.’ હું બેભાન બની ગયો ત્યાં ચંપકલાલ ને ચંબુલાલ એક સાથે બોલી ઉઠયા,’ અરે, આ ઠાકરને અહીંથી ઉઠાવો. નઇતર એ ઇકોતેરે અહીં જ રનઆઉટ થઈ જશે!’ શું કહો છો ?