તરોતાઝા

ઔષધિ ગુણોથી ભરપૂર પીપળો-વડ

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

જીવનના દરેક ક્ષેત્રમાં વૃક્ષોનું મહત્ત્વ અધિક છે. આપણા સ્વાસ્થ્યથી લઈને નિવાસ સુધી વૃક્ષોનું મહત્ત્વ ગજબનું છે. લગભગ બધા જ રોગોનો ઉપચાર એ વૃક્ષો પર આધારિત છે. વૃક્ષો આપણા મિત્રો છે જે જીવનભર આપણને સાથ આપે છે. આપણા પર્યાવરણ અને પરિસ્થિતિને જીવંત અને સુખદ બનાવે છે. તાપમાન અને ઓક્સિજનનું પ્રમાણ જાળવી રાખે છે. હજારો પ્રકારનાં વૃક્ષો ધરતીનું અલંકાર છે. વૃક્ષો વિના પૃથ્વી મૃત અને શુષ્ક થઈ જાય. વૃક્ષો પૃથ્વી પર જીવન માટે સૌથી પ્રમુખ આશીર્વાદ છે. વૃક્ષો જીવંત હોય ત્યાં સુધી માનવ અને પશુ-પંખીની મદદ કરે છે તેમ જ સુકાઈ પછી પણ મદદ કરે છે.

પીપળાનું વૃક્ષ માનવ જીવન માટે વરદાનરૂપ છે. આ વિશાળકાય વૃક્ષ ભારતીય સંસ્કૃતિમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. સંપૂર્ણ વૃક્ષ ઔષધિય ગુણ ધરાવે છે. આખો વખત સૌથી વધુ ઓક્સિજન આપે છે. રાતમાં પણ આ ઓક્સિજન છોડે છે. આનો ચારો એટલે કે પાન જાનવરોને ખવડાવવામાં આવે છે. વિશેષ રૂપથી હાથી માટે ઉત્તમ ચારો છે.

પીપળના વૃક્ષનું વૈજ્ઞાનિક નામ ફાઈકસરીલીજીઓસા. સંસ્કૃતમાં અરવત્થ કહેવાય છે. આના પુષ્પો ગુપ્ત રહે છે. તેથી આને ગુહ્યપુષ્પક પણ કહેવાય છે. જેમ દેવ ઋષિઓમાં નારદ, સપ્ત-મહર્ષિઓમાં ભૃગુ, ગંધર્વોમાં ચિત્રરથ, સિધ્ધોમાં ઋષિ કપિલ તેમ વૃક્ષોમાં ઉત્તમ પીપળો છે. આની બીજી પ્રજાતિ પણ છે. એમાંની એક પ્રજાતિમાં ગૌતમ બુદ્ધ જ્ઞાન પામ્યા હતા. તેથી બોધિવૃક્ષ પણ કહેવાય છે.

આયુર્વેદ અનુસાર પીપળો ઔષધિય ગુણોનો ભંડાર છે. પ્રોટીન, ફેટ, કેલ્શિયમ આયર્ન અને મેગ્નેશિયમ જેવાં જરૂરી પોષક તત્ત્વો છે. વૈજ્ઞાનિક શોધ અનુસાર બાયોએક્્િટવ યૌગિક છે. પાનમાં તેલ છે જેમાં સ્ટે્રરોઈડ, ફ્લેવેનોઈડ, અલ્કલોઈડ્સ જેવા યૌગિક છે.

હૃદયને સ્વસ્થ રાખે છે. આના પાન રાતભર પાણીમાં ભીંજવી સવારે તેના અર્ક કાઢી લઈ શકાય છે જે હૃદયની સમસ્યાઓ હલ કરવામાં મદદ કરે છે તેમ જ કાર્ડિયોપ્રોટેક્ટિવ ગુણ છે તેમ જ ઓક્સિડેટિવ સ્ટે્રસ અને સોજા દૂર કરે છે.

દાંતની સમસ્યામાં તે દાંતને સ્વસ્થ રાખે છે. મોંઢાની દુર્ગંધ દૂર કરે છે. પાનનું ચૂર્ણથી કે ડાળીનું દાતણ કરવાથી દાંતની સમસ્યા દૂર થાય છે. એન્ટી બેક્ટિરિયલ ગુણ છે. જેનાથી પેટની સમસ્યામાં પ્રભાવી કામ કરે છે. પીપળની છાલ ઉકાળી લઈ શકાય છે. ઝાડામાં પણ રાહત આપે છે.

પીપળના ફળને સૂકવી ચૂર્ણ બનાવી શકાય છે જે ભૂખ વધારવામાં મદદ કરે છે. કાગડો આનું સેવન કરે છે. તેના બીજ ઝીણાં છે. જ્યાં કાગડો ખગાર કરે ત્યાં ઝાડ ઊઘી નીકળે છે. બિલ્ડિંગમાં તિરાડમાં આ ઝીણા બીજને લીધે ઊગે છે.

એડીમાં પડતા ચીરામાં છાલની પેસ્ટ લગાડી શકાય છે. અસ્થમાની બીમારીમાં આના ઝાડ નીચે બેસી ઓક્સિજનનું પ્રમાણ શરીરમાં વધારી શકાય છે. પાનની ચટણી બનાવી ખાવામાં ઉપયોગ લઈ શકાય છે.

આ પીપળનું ઝાડ આપણી માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. પીપળ અને વડના ઝાડમાં ભૂત છે એવી માન્યતા છે પણ આ માન્યતા પીપળ અને વડને બચાવવા માટે છે. વિશાળ કાય વૃક્ષમાં આવતું વૃક્ષ વડ'નું ઝાડ. આ વૃક્ષ નીચે બેસી વાણિયા વેપાર કરતા તેથી અંગ્રેજોએ આનું નામબનિયન ટ્રી’ આપ્યું. ધાર્મિક મહત્ત્વ ધરાવતું વૃક્ષ છે. અંજીરના વર્ગનું વૃક્ષ છે. આના પર આવતા ફળ લાલ ટેટા કહેવાય છે. જે અંજીર જેવા છે. આનું વૈજ્ઞાનિક નામ ફાઈકસ બેનગેલાનસીસ છે. આ વૃક્ષ હિબીજપત્રી કે સપુષ્પક વૃક્ષ છે. અક્ષયવટ કહેવાય છે, કારણ લાંબી આયુવાળું વૃક્ષ છે.

શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારે છે. ઓક્સિજનનો ભંડાર છે. આખું વૃક્ષ ઔષધિય ગુણ ધરાવે છે. દાંત માટે દાતણ કારગર છે. જે દાંતના સોજા અને પાયોરિયા મટાડે છે.

મંજનમાં આનું ચૂર્ણ ઉમેરી શકાય. એન્ટી માઈક્રોબિયલ અને એન્ટી ઓક્સિડેન્ટ છે જે બેક્ટેરિયાનો પ્રભાવ નષ્ટ કરે છે.

હેક્સેન, બ્યુટેનોલ, ક્લોરોફોર્મ અને પાણી અંદર છે. તેથી જીવાણુ સામે લડવાની ક્ષમતા અધિક છે. વડના ઝાડમાંથી નીકળતા દૂધમાં રેજીન, અલ્બ્યુમિન, સેરિન અને મૈલિક એસિડ જેવાં તત્ત્વો છે જે લોહીવાળા ઝાડા, બવાસીર, ડાયેરિયાની સમસ્યાથી છુટકારો આપે છે. તેમ જ પાનનો થોડો રસ છાસમાં લેવો. ડાયાબિટીસની બીમારીમાં આ ઝાડના મૂળનો અર્ક પીવાથી હાઈપોગ્લાસેમિડ (લોહીમાં સાકર) ઓછી થાય છે. માનસિક બીમારી કે અવસાદમાં કે ચિંતા-તનાવમાં આના વૃક્ષનું ઓક્સિજન દૂર કરે છે તેથી આ વૃક્ષ પર દોરા બાંધીને પરિક્રમા કરવામાં આવે છે. આર્થરાઈટીસ જેવી બીમારીમાં સોજા દૂર કરવા પાનની ચટણી લઈ શકાય તેમ જ સોજા પર પાન બાંધી શકાય છે.વાંઝિયાપણાની સમસ્યામાં જાણકારની સલાહ લઈ આના ફળનો ઉપયોગ કરી શકાય છે.

મૂત્ર માર્ગના રક્તસ્રાવમાં પણ સારો ઉપચાર છે. વડની કોમળ ટીશીઓ-નવા અંકુરને મસૂર દાળમાં વાટી લગાડવાથી ખીલ અને ડાઘ નીકળી જાય છે. કમરના દર્દમાં વડનું દૂધ લગાડવાથી દુ:ખાવો મટી જાય છે.

વડના તાજા અંકુરોની ચટણી બનાવી ખાવાથી સ્ત્રીરોગમાં ફાયદો થાય છે. વડના ટેટાનું શાક અને અથાણું પોષ્ટિક છે. જે પેટના કૃમિ, પસીનાની વાસ, અશક્તિ વગેરે દૂર કરે છે. કાનમાંથી પરુ નીકળતું હોય ત્યારે વડના દૂધના ટીપા નાખવાથી પરુ બંધ થાય છે. આવા ઘણા રોગો દૂર કરવાની ક્ષમતા આ વૃક્ષોમાં છે તેથી આ વૃક્ષ પૂજનીય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button