તરોતાઝા

ફોકસ: સાફસફાઈના મહત્ત્વને આપણે ક્યારે સમજીશું?

-કિરણ ભાસ્કર

ટ્રેનમાં યાત્રા કરતી વખતે આપણે જોઈએ છીએ કે કેટલાક અળવિતરા નાસ્તો કર્યા બાદ એની પ્લેટ, પ્લાસ્ટિક્સ અને ગ્લાસ બધું જ સીટની નીચે ફેંકતા હોય છે. એમ કરતાં કરતાં થોડા સમય બાદ એવું લાગે છે કે તેઓ કચરાના ઢગલા પર જ બેઠા હોય છે. એવે વખતે વિચાર આવે છે કે શું આ લોકોને સ્વચ્છતા અભિયાન જરાપણ સ્પર્શી નથી? આપણા પૂર્વજો પથ્થરયુગમાં માત્ર પથ્થરના માધ્યમથી પોતાની જરૂરિયાતો પૂરી કરતા હતા.

ત્યારબાદ તો માનવ સભ્યતા અનેક વર્ષો બાદ અસ્તિત્વમાં આવી હતી. જોકે આવા લોકોના વર્તનને જોઈને લાગે છે કે આપણે હવે કચરા યુગમાં પહોંચી ગયા છીએ. રસ્તા, પાર્ક, બજાર, રેલ, કમ્પાર્ટમેન્ટ, બસ, નદી, સમુદ્ર, પહાડ દરેક ઠેકાણે કચરાનું સામ્રાજ્ય દેખાય છે. એને જોતા લાગે છે કે ગંદકી ફેલાવવામાં આપણે નંબર વન પર છીએ.

જ્યાં ત્યાં કચરો ઠાલવવામાં આપણને કોઈ લાજ-શરમ નથી આવતી. આપણાં દેશમાં સારામાં સારી આઈઆઈટી અને આઈઆઈએમ છે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદેશમાં ભણવા જઈએ છીએ. સારી રીતભાત અપનાવીએ છીએ, પરંતુ આપણી આસપાસ કચરો ફેલાવવામાં જરાપણ શરમ નથી અનુભવતાં. મોંઘી કારમાં બેઠા હોઈએ તો ખાલી ટિન, પેકેટ બધું રસ્તા પર ફેંકીએ છીએ. મનમાં એમ વિચારીએ છીએ કે હાશ! કચરાથી છુટકારો તો મળ્યો.

કચરો ફેંકવાની બાબતમાં આપણે બધા ભારતીયો એકસમાન છીએ. માણસ કેટલો પણ ભણેલો હોય કે પછી અશિક્ષિત વ્યક્તિ હોય, રસ્તા પર કચરો ફેકવામાં બન્નેનો સ્વભાવ એક સરખો જ છે. ચિપ્સ ખાધા પછી એના ખાલી પેકેટ જે આપણે રસ્તા પર ફેંકીએ છીએ એનાથી પર્યાવરણને કેટલું નુકસાન થાય છે એની તો આપણને કોઈ ચિંતા જ નથી. આપણી આ ગંદી ટેવને કારણે સાફસફાઈ કરતા કર્મચારીઓને પણ કેટલી તકલીફ થતી હોય છે એનો આપણને જરાપણ ખ્યાલ
નથી.

આટલું જ નહીં કચરાનો ઢગલો તો ક્યારેક લોકોના ઘરનું કે ઑફિસનું લેન્ડમાર્ક બની જાય છે. ઘણી વખત તો લોકો એડે્રસ સમજાવતી વખતે એમ પણ કહે છે કે કચરાના ઢગલાવાળો આ રસ્તો નજીક પડે છે મોં પર રૂમાલ રાખીને આવજો.

કહેવાય છે કે ‘સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા.’ જોકે આપણે એ બાબતને ગંભીરતાથી નથી લેતાં. કોઈ બિલ્ડિંગની સીડીઓ ચડતી વખતે ત્યાં પાનની પિચકારીઓ જોવા મળે છે. થૂંકવાની મનાઈ છે એવા પોસ્ટર લગાવવા છતાં પણ લોકો એને અવગણે છે.

ટીવી, સોશ્યલ મીડિયામાં પણ સ્વચ્છતા વિશે ઝુંબેશ ચલાવવામાં આવે છે. પર્યાવરણે પણ ખતરાની ઘંટડી વગાડી છે. આમછતાં લોકોને એની કોઈ કાળજી નથી. ઠેર-ઠેર પ્લાસ્ટિકનો કચરો પણ દેશ-દુનિયા માટે આફત છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની સલાહ વારંવાર લોકોને આપવામાં આવે છે.

સરકાર એના પર કરોડો રૂપિયા ખર્ચી નાખે છે, પરંતુ આપણે એના પર ધ્યાન નથી આપતાં. રેકડી પરથી કેળા ખરીદીને ત્યાં ઊભા રહીને ખાઈને એની છાલને ત્યાં જ ફેંકી દઈએ છીએ. પાણી પીધા પછી પ્લાસ્ટિકની બોટલને પણ હવામાં ઉછાળીને ફેંકીએ છીએ. આપણા આવા બિનજવાબદારી ભર્યા વર્તનથી કેટલું નુકસાન થાય છે એની તો આપણે જરાપણ ચિંતા નથી કરતા.

સમયસર જો આપણે નહીં સુધરીએ તો આપણી આવી હરકત આવનારી પેઢીને શું બોધપાઠ આપશે?

આપણ વાંચો:  આહારથી આરોગ્ય સુધી: પ્રસૂતિ પછી સ્ત્રી માટે રામબાણ ઔષધી દશમૂલ કાઢો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button