તરોતાઝા

ફોકસ : એવા ઇન્ડોર પ્લાન્ટ લગાવો જે ઘરની હવાને તરોતાજા રાખે

-અનુ આર.

ઘરની બહારનું પ્રદૂષણ જ નહીં, ઘરની અંદરનું પ્રદૂષણ પણ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ઘરના શૌચાલય, ડસ્ટબિન, ગેસ સ્ટવ, ડિટર્જન્ટ, ક્લીનર વગેરેમાંથી ઘણા પ્રકારના ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે. આ સિવાય વધુ પડતી ગરમી અને ઠંડીને કારણે અને ઘરના દરવાજા અને બારીઓ લાંબા સમય સુધી બંધ રાખવાથી, બહારથી શુદ્ધ અને સ્વચ્છ હવા ઘરની અંદર ન આવવાને કારણે ઘરમાં પ્રદૂષણનું સ્તર વધે છે. આ સિવાય જો ઘરમાં કોઈ બીમાર પડે તો બીજાને પણ ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. ઘરમાંથી પ્રદૂષણ દૂર કરવા માટે જગ્યા ભલે ગમે તેટલી નાની હોય, તેમ છતાં આપણે ઘરમાં એવા અનેક છોડ લગાવી શકીએ છીએ, જેનાથી ઘરમાં હવા તાજી રહી શકે. જેમ કે-

મનીપ્લાન્ટ
મની પ્લાન્ટ એક એવો છોડ છે જે ખૂબ જ ઝડપથી વધે છે. તે ઘરની હવાને સ્વચ્છ રાખે છે અને ઘરમાં વપરાતા કેમિકલ્સની ખરાબ અસરને ઘટાડે છે. તેને માટી સિવાય પાણીમાં પણ લગાવી શકાય છે. એકવાર તે પાંગરવાનું શરૂ કરે પછી ખૂબ જ ફેલાય જાય છે. તમે તેને ઘરના કોઈપણ ભાગમાં લગાવી શકો છો. જો ઘરમાં કાચી જમીન હોય તો તેને જમીનમાં જ લગાવો. એકવાર પાંગરે પછી, તમે તેને ઘણી જુદી જુદી જગ્યાએ લગાવી શકો છો.

સ્પાઈડર પ્લાન્ટ
સ્પાઈડર પ્લાન્ટ પણ ઝડપથી વિકસતો છોડ છે, જેના માત્ર એક છોડમાંથી ઘણા નવા છોડ મેળવી શકાય છે. આ છોડના પાંદડા એલર્જી પેદા કરતાં તત્વોને તરત જ કાબૂમાં રાખે છે. કાર્બન મોનોક્સાઇડને શોષીને, તેઓ ઘરની અંદરની હવાને પ્રદૂષણ મુક્ત બનાવે છે.

એલોવેરા
એલોવેરા પ્લાન્ટ પણ ખૂબ જ ઝડપથી વિકસતો છોડ છે, જેનો ઉપયોગ ઔષધીય અને સૌંદર્ય સારવાર માટે થાય છે. એલોવેરાના એક છોડમાંથી નીકળતા અન્ય નાના છોડ ઘણી જગ્યાએ લગાવી શકાય છે. આ છોડ કેમિકલની અસરને સરળતાથી દૂર કરે છે. તેની જેલનો ઉપયોગ ત્વચા અને વાળની સુંદરતા માટે થાય છે. એલોવેરાનો છોડ ઘરે લગાવ્યા પછી બજારમાંથી એલોવેરા જેલ ખરીદવાની જરૂર પડતી નથી. તેના જાડા અને જેલ ભરેલા પાંદડાને નીચેથી કાપીને તેનું જેલ ત્વચા અને વાળ માટે વાપરી શકાય છે. આ છોડને પણ ઓછા પાણીની જરૂર પડે છે. તે નાના કૂંડામાં ખૂબ જ સરળતાથી લગાવી શકાય છે અને તે ખૂબ જ ઝડપથી વધે છે.

સ્નેક પ્લાન્ટ
સ્નેક પ્લાન્ટના પાંદડાની કિનારી ધારદાર હોય છે. તે દેખાવમાં સુંદર લાગે છે. તેને મધર ઇન લોસ્ટન પણ કહેવામાં આવે છે. આ છોડમાં ઘરની હવામાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને ખતમ કરવાની અદભુત ક્ષમતા છે. જો તેને બાથરૂમની આસપાસના વિસ્તારમાં રાખવામાં આવે તો તે ત્યાંની હવાને પણ સ્વચ્છ રાખે છે. તેને ઉગાડવા માટે તેના એક પાનને કાપીને તેના ત્રણ-ચાર ટુકડા કરી, નીચેથી ત્રિકોણ આકારમાં કાપીને તેને પાણીમાં રાખો. 10 થી 12 દિવસની અંદર, તેમાંથી નવા મૂળ ઊગવા લાગે છે, જેને પછીથી તમે મોટા વાસણોમાં ઉગાડી શકો છો.

આ પણ વાંચો…સાંધાના દુખાવા ને ખરજવામાં રાહત આપે છે ગૂગળ

ઇંગ્લિશ આઇવી પ્લાન્ટ
બાથરૂમ અને રસોડું આપણા ઘરની એવી જગ્યાઓ છે જે પ્રદૂષણથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. ઇંગ્લિશ આઇવી એ બાથરૂમ માટે યોગ્ય છોડ છે. ઘરની સફાઈ કરવા માટે વપરાતાં ઉત્પાદનોમાં વપરાતું કેમિકલ ફોર્માલ્ડીહાઈડને વધવા દેતું નથી. જો તેને બાથરૂમ સહિત ઘરના કોઈપણ ભાગમાં રાખવામાં આવે તો ત્યાંનો રૂમ સ્વચ્છ અને વ્યવસ્થિત બને છે.

બાંબૂ પામ
બાંબૂ પામ એ ઝડપથી વિકસતો છોડ છે. જે ઘરમાં હાજર કેમિકલથી થતા ઝેરી તત્ત્વોને ખતમ કરે છે. જો તમારા ઘરની આબોહવાને પ્રદૂષણથી મુક્ત રાખવા માગો છો, તો આ છોડને ચોક્કસ લગાવો.

પિસ લિલી
પિસ લિલી માત્ર ઘરની હવાને શુદ્ધ નથી કરતી, તે દેખાવમાં પણ ખૂબ જ સુંદર છે. જો આ છોડને ઘરના એવા ભાગોમાં રાખવામાં આવે કે જ્યાં સૂર્યપ્રકાશ ઓછો અથવા આવતો જ નથી, તો તે સરસ રીતે ખીલે છે. આ છોડ બાથરૂમમાં રાખવા માટે પણ યોગ્ય છે. કારણ કે તે કોસ્મેટિક્સ, હેર સ્પ્રે, ક્લીનર અને ફેબ્રિક સોફ્ટનરમાંથી મુક્ત થતા પ્રદૂષક તત્ત્વોને નિયંત્રણમાં રાખે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button