તરોતાઝા

આજે આતંક મચાવી રહેલો આ ચાંદીપુરા વાઈરસ શું છે?

ફોકસ – રાજેશ યાજ્ઞિક

ગુજરાતમાં અત્યારે એક વાઈરસે લોકોને ભયભીત કરી દીધા છે. `ચાંદીપુરા વાઈરસ’ નામે ઓળખાતા એ રોગે આતંક મચાવ્યો છે. છેલ્લા સમાચાર મુજબ ગુજરાતના આરોગ્ય પ્રધાન ષિકેશ પટેલના કહેવા મુજબ સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના 50 જેટલા કેસ નોંધાયા છે અને શંકાસ્પદ વાઈરસથી 16 લોકોએ જીવ ગુમાવ્યા છે.

જાણીએ શું છે આ વાઈરસ અને તેનાથી બચવા કેવી તકેદારી રાખવાની જરૂર છે. ચાંદીપુરા વેસિક્યુલોવાઈરસ, જેને ઘણીવાર ચાંદીપુરા વાઈરસ (સીએચપીવી) તરીકે ઓળખવામાં આવે છે, તે રાબડોવિરિડે પરિવારનો સભ્ય છે. મહારાષ્ટ્રના ચાંદીપુરા જિલ્લામાં 1965 માં સૌપ્રથમ વાર ઓળખવામાં આવેલો, તેથી આ વાઈરસ સાથે ચાંદીપુરા નામ જોડાઈ ગયું છે. આ વાઈરસ મુખ્યત્વે તીવ્ર એન્સેફાલીટીસ, ખાસ કરીને બાળકોમાં મગજના ગંભીર સોજા માટે જાણીતો છે.

આ ચેપની ઘાતકતા પાછળ એઇએસ' અર્થાત કેએક્યુટ એન્સેફાલીટીસ સિન્ડ્રોમ’ મુખ્ય કારણ માનવામાં આવે છે. ચાંદીપુરા વાઈરસ મુખ્યત્વે મચ્છર, ટીક અને સેન્ડ ફ્લાય જેવા વાહકો દ્વારા ફેલાય છે. આ ચેપગ્રસ્ત સેન્ડ ફ્લાય માખી માણસોને કરડે છે અને વાઈરસ લોકોના લોહીના પ્રવાહમાં દાખલ થાય છે.

આ રીતે આ રોગના ચેપનું સંક્ર્મણ થાય છે. સંક્રમણની અન્ય સંભવિત પદ્ધતિઓ, ઓછી સામાન્ય હોવા છતાં, ચેપગ્રસ્ત વ્યક્તિ અથવા પ્રાણીના શારીરિક પ્રવાહી સાથેના સંપર્કનો સમાવેશ થાય છે.

જો કે, આ વાઈરસના ચેપના કિસ્સાઓ ખૂબ જ ઓછા છે, પરંતુ ચેપગ્રસ્ત લોકોમાં ખતરનાક પરિસ્થિતિઓ વિકસાવવાનું જોખમ રહેલું છે. આ ચેપ, જે તાવ, ફ્લૂ જેવાં લક્ષણોથી શરૂ થાય છે, બાળકોમાં એન્સેફાલીટીસનું કારણ બની શકે છે. ગંભીર કિસ્સાઓમાં તે કોમા અને મૃત્યુનું કારણ બની શકે છે. આ ચેપને કારણે મૃત્યુદર પણ 56 થી 75 ટકા સુધી જોવા મળે છે. એવું માનવામાં ખાસ છે કે પંદર વર્ષથી નાની ઉંમરનાં બાળકોને આ રોગનું જોખમ સૌથી વધુ છે.

ચાંદીપુરા ચેપનાં લક્ષણ અચાનક દેખાય છે અને ઝડપથી વધી શકે છે. સામાન્ય લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો અને ઊલ્ટીનો સમાવેશ થાય છે. તીવ્ર એન્સેફાલીટીસ (મગજનો સોજો) ચેપના ગંભીર કિસ્સાઓમાં થઈ શકે છે. સમયસર સારવારના અભાવે દર્દીના મૃત્યુનું જોખમ વધી જાય છે. એઇએસ' (એક્યુટ એન્સેફાલીટીસ સિન્ડ્રોમ’) એ ન્યુરોલોજીકલ સમસ્યા છે, જે ઘણા વિવિધ વાઈરસ, બેક્ટેરિયા, ફૂગ, પરોપજીવી, સ્પિરોચેટ્સ, રસાયણોને કારણે થઈ શકે છે. મગજના સોજાની સમસ્યાઓથી ભ્રમ, આંચકી, નબળાઈ અને સંવેદના ગુમાવવી જેવા લક્ષણ જોવાં મળી શકે છે, જેને તાત્કાલિક તબીબી સારવારની જરૂર હોય છે. ગંભીર કિસ્સાઓમાં, તે જીવલેણ બની
શકે છે.

આસપાસના પરિસરની સ્વચ્છતા એ સૌથી મહત્ત્વપૂર્ણ ઉપાય છે, જેથી આ રોગથી બચી શકાય. દર ચોમાસામાં વિવિધ રોગચાળા ફેલાતા હોવા છતાં અને કોવિડ રોગચાળાની ભયંકરતાને અનુભવ્યા પછી પણ, કમનસીબે લોકો સ્વચ્છતા પ્રત્યે હજી પણ બેદરકાર રહે છે. લોકોએ એક વાતની ખાસ નોંધ લેવી જોઈએ કે હાલમાં, આ રોગની સારવાર માટે કોઈ એન્ટિરેટ્રોવાયરલ સારવાર અથવા રસી ઉપલબ્ધ નથી. આમ મૃત્યુને રોકવા માટે મગજના સોજાનું સંચાલન કરવું મહત્ત્વપૂર્ણ છે. કેટલાક બાળરોગ ચિકિત્સકો કહે છે કે આ રોગ દિવસની શરૂઆતમાં તીવ્ર તાવથી અને સાંજે કિડની અને યકૃત પર અસર થવાથી ઝડપથી આગળ વધી શકે છે.

લક્ષણોની સારવાર અને મુશ્કેલીઓ અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને સહાયક સંભાળ એ પ્રાથમિક અભિગમ તરીકે મહત્ત્વના છે. મચ્છર, માખી કે અન્ય જંતુઓથી બચાવ કરવો, ખાસ કરીને બાળકોનો, એ આ રોગથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. સામાન્ય લોકોને મચ્છર કે માખીની પ્રજાતિ વિશે સ્વાભાવિક રીતે કોઈ જાણકારી ન હોય. તેથી યોગ્ય એ છે કે આસપાસના પરિસરમાં જો મચ્છર, માખીના ઉપદ્રવ હોય તો બાળકોને આખી બાંયના કપડાં પહેરાવો. રાત્રે સૂતી વખતે નેટનો ઉપયોગ કરો. મોસ્કીટો રિપેલેન્ટનો ઉપયોગ કરો.

બની શકે તો બારીઓ ઉપર પણ જંતુઓ રોધક જાળીઓ લગાડી રાખવી ,કેમકે ચાંદીપુરા વાઈરસ જેવા કેટલાક કિસ્સાઓમાં કોઈ પ્રતિરોધક સારવાર ઉપલબ્ધ ન હોય, ત્યારે સાવચેતી એ જ આપણી સલામતી બની રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button