તરોતાઝા

વૃક્ષો જો સાંભળી શકે છે તો શું બોલી પણ શકે છે?

ફોકસ – નિકહત કુંવર

વૃક્ષો એક જ સ્થળે રહેતા હોવાથી અને ભાગી શકતા ન હોવાથી તેમને માટે શ્રવણ ક્ષમતા ખરેખર આશીર્વાદ સમાન છે. એક પ્રયોગમાં જોવા મળ્યું હતું કે જેવો વૃક્ષે હાનિકારક અવાજ સાંભળ્યો કે તરત જ તેણે કીટક નાશક દ્રવ્યનું ઉત્પાદન કર્યું હતું. કલ્પના કરો કે જો આના પર સંશોધન કરવામાં આવે તો કૃષિ ક્ષેત્રને કેટલો લાભ થઈ શકે.

સોલોમન દ્વીપના આદિવાસીઓ જીવતા વૃક્ષને કાપતા નથી, પરંતુ તેમને જ્યારે લાકડાની આવશ્યકતા હોય ત્યારે તેઓ એક વૃક્ષને ઘેરીને ઊભા રહી જાય છે અને કલાકો સુધી તેને અપશબ્દો અને શ્રાપ આપે છે. થોડા જ દિવસોમાં તે વૃક્ષ સુકાઈ જાય છે અને મરી ગયા પછી આ વૃક્ષને કાપી નાખવામાં આવે છે.

આપણામાંથી મોટા ભાગના લોકોને આ વાત પર ભરોસો બેસશે નહીં કેમ કે વૃક્ષમાં તો હૃદય કે પછી મગજ બેમાંથી એકેય વસ્તુ હોતી નથી તો તેને અપશબ્દોથી કેવી રીતે નુકસાન થઈ શકે છે. જોકે, બ્રુસ એચ. લિપ્ટનનું પુસ્તક ધ બાયોલોજી ઓફ બિલીફ વાંચશો તો ફક્ત સોલોમન દ્વીપની કથા પર વિશ્વાસ બેસી જશે સાથે જ પછી તમે પોતાના અંગત અને પ્રિયજનોને ક્યારેય અપશબ્દો બોલવા પહેલાં હજાર વખત વિચાર કરશો.

વાસ્તવમાં જ્યારે સોલોમન દ્વીપના આદિવાસીઓ વૃક્ષને અપશબ્દો કહે છે ત્યારે તે વૃક્ષની ભાવના (હા, વૃક્ષોમાં પણ ભાવના હોય છે)માં નકારાત્મક અને હાનિકારક લાગણીઓનો પ્રવેશ થઈ જાય છે અને કેટલાક દિવસોમાં આ નકારાત્મક વાતો જ તેની આસ્થા બની જાય છે, જે આખરે વૃક્ષના મોલિક્યુલર આર્કિટેક્ચરને બદલી નાખે છે અને તેને અંદર જ મારી નાખે છે.

તમે એ જ છો, જે તમે વિચારો છો એમ બુદ્ધે 2500 વર્ષ પહેલાં કહ્યું હતું. તે કોઈ દાર્શનિક સિદ્ધાંત જણાવતા નહોતા, પરંતુ વૈજ્ઞાનિક તથ્ય જણાવી રહ્યા હતા. જેની સાથે કવાન્ટમ ફિઝિક્સ અને મોલેક્યુલર બાયોલોજી પણ આ વાતને માને છે. વૃક્ષોની લાગણીઓ- તેઓ કેવું સંગીત પસંદ કરે છે વગેરેની કથા તો તમે સાંભળી જ હશે. જેની વાત પીટર ટોમ્પકિંસ અને ક્રિસ્ટોફર બર્ડની 1973ના પુસ્તક ધ સિક્રેટ લાઈફ્ ઓફ પ્લાન્ટ્સમાં કરવામાં આવી હતી. બોટની (વનસ્પતીશાસ્ત્ર)ને આજ સુધી આ પુસ્તકની વાતો પરેશાન કરી રહી છે.

વૈજ્ઞાનિક દૃષ્ટિએ યોગ્ય ન હોવા છતાં આખી દુનિયામાં આ પુસ્તક પોપ્યુલર છે. આ જ કારણ છે કે સંશોધકો અને વિજ્ઞાનીઓને ભંડોળ આપનારા આ પુસ્તકના વિષયથી દૂર ભાગે છે. તો પછી સવાલ એ ઊભો થાય છે કે વૃક્ષો કેવી લાગણીઓ ધરાવે છે અને શું અનુભવે છે? જ્યારે વૃક્ષોની ઈન્ટેલિજન્સના વિવાદિત સંસારમાં જોએ શલૈંગરને પોતાના અભ્યાસ પત્ર ધ લાઈટ એન્ટર્સ: હાઈ ધ અનસીન વર્લ્ડ ઓફ પ્લાન્ટ ઈન્ટેલિજન્સ ઓફર્સ ન્યૂ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ ઓન અર્થથી ડગ માંડ્યા છે.

વાસ્તવમાં અસલ મુદ્દો એ છે કે ઈન્ટેલિજન્સને (બુદ્ધિ)ને કેવી રીતે પરિભાષિત કરી શકાય. લાંબા સમયથી એવાં પ્રાણીઓમાં જ ઈન્ટેલિજન્સની શોધ થઈ રહી છે જે માનવની નજીક છે, જેમ કે ડોલ્ફીન, શ્વાન અને પ્રાઈમેટ. હવે જ્યારે માનવ સિવાયની ઈન્ટેલિજન્સ વિશેની જાણકારી મળી છે ત્યારે ખબર પડી છે કે ઓક્ટોપસ સ્વંતત્ર રીતે અત્યંત બુદ્ધિશાળી તરીકે વિકસિત થયો છે.

વૃક્ષોની ઈન્ટેલિજન્સની મિકેનિક્સ અને ઉદ્દેશ હજી પણ રહસ્ય બની રહ્યા છે. જેમાં મગજ ન હોય તેમને ઉશ્કેરવાથી પ્રતિક્રિયાનો સમન્વય કેવી રીતે કરી શકે? વૃક્ષો ગ્રેવિટી (ગુરુત્વાકર્ષણ) અંગે સ્પષ્ટ પ્રતિક્રિયા આપે છે, તેમના મૂળિયાં જમીનમાં અંદર આગળ વધે છે અને થડ તેમ જ ડાળીઓ ઊપર તરફ જાય છે.

વૃક્ષ પર પગ મૂકીને આગળ વધી જાઓ તો પ્રયોગોથી સિદ્ધ થયું છે કે જ્યારે વૃક્ષમાં કાપીને નિશાન લગાવવામાં આવે તો તેની બાયોકેમિસ્ટ્રી તરત જ બદલાઈ જાય છે. વૃક્ષો ફ્રિક્વન્સી અને કંપન સાથે એવી રીતે સંકળાય છે કે જેમ કે ખરેખર તેમની પાસે કાન હોય. તેઓ કેટરપિલરના ચાવવાના અવાજની પણ નોંધ કરે છે. વાસ્તવમાં વૃક્ષો એક જ સ્થળે રહેતા હોવાથી અને ભાગી શકતા ન હોવાથી તેમને માટે શ્રવણ ક્ષમતા ખરેખર આશીર્વાદ સમાન છે.

એક પ્રયોગમાં જોવા મળ્યું હતું કે જેવો વૃક્ષે હાનિકારક અવાજ સાંભળ્યો કે તરત જ તેણે કીટક નાશક દ્રવ્યનું ઉત્પાદન કર્યું હતું. કલ્પના કરો કે જો આના પર સંશોધન કરવામાં આવે તો કૃષિ ક્ષેત્રને કેટલો લાભ થઈ શકે.
શું વૃક્ષો મધમાખીના બણબણવાનો અવાજ સાંભળીને પરાગ પેદા કરી દેશે કે પછી વાદળાના ગડગડાટનો ધ્વનિ સાંભળીને પોતાને વરસાદ માટે સજ્જ કરી લેશે? તેમના પાંદડા પર વાળ જેવા જે ટ્રાયકોમ્સ એન્ટેના જેવું કામ કરશે? વૃક્ષ જો સાંભળી શકે છે તો શું તેઓ બોલી પણ શકે છે? હવે રસાયણિક સિગ્નલનું વિશ્લેષણ કરવાનું શક્ય બની ગયું છે.

વૃક્ષો બીજી પ્રજાતિઓ સાથે કમ્યુનિકેટ કરતી હોય છે. ભૂખી મધમાખીઓ પાંદડાને કરડે છે, જેથી તેમનું પેટ ભરવા માટે ફૂલ જલ્દી ખીલી જાય છે. કેટલાક વૃક્ષ પોતાના દુશ્મનો જેમ કે ચાંચડ-ભમરાથી લડવા માટે કીડીઓની મદદ લેતા હોય છે. આંતરપ્રજાતી કમ્યુનિકેશન સતત ચાલી રહ્યું હોય છે, પરંતુ માનવીને દેખાતું નથી.

વૃક્ષોનું સામાજિક જીવન પણ હોય છે, કેટલાક પરોપકારી હોય છે અને કેટલાકને એકાંત પસંદ હોય છે. કેટલાક પરિવાર પ્રત્યે સારા હોય છે, પરંતુ અન્યો માટે ખૂંખાર. તેઓ પોતાના બાળકોને પોતાની ઈન્ટેલિજન્સ ટ્રાન્સફર પણ કરે છે.

જેનેટિક્સના માધ્યમથી ધીરે ધીરે નવી પેઢીઓ વાતાવરણમાં જીવિત રહેવા માટે પોતાનામાં પરિવર્તન લાવે છે. વૃક્ષોની ઈન્ટેલિજન્સ પર ચર્ચા કરવા માટે તેનો ઝીણવટભર્યો અભ્યાસ આવશ્યક છે. વૃક્ષોની લાગણી અને અનુભવને સોલોમન દ્વીપના આદિવાસીઓ સમજે છે, આપણે તથાકથિત પ્રગતિશીલ લોકો ક્યારે સમજશું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button