અષ્ટાંગ યોગનું અનોખું વિજ્ઞાન ‘નિયમ’નું ચોથું ચરણ-‘સ્વાધ્યાય’થી આત્મભાન

ફિટ સોલ – ડૉ. મયંક શાહ
એક ફિલસૂફે કહ્યું કે આ પૃથ્વી પાગલ ગ્રહ છે. અહીં ખળભળાટ, ઉત્પાત, અશાંતિ અને અસ્વચ્છ વાતાવરણ છે. આ પૃથ્વી પર આપણે શું કામ આવ્યા છીએ એનો જવાબ મેળવવું સહેલું નથી. એનાથી પણ વધારે જટિલ પ્રશ્ર્ન એટલે “હું કોણ છું? અને “મારો સાચો સ્વરૂપ શું છે? આવા ફિલસૂફીભર્યા પ્રશ્ર્નો વગર આપણું જીવન દિશાહીન બની જાય છે, નિરર્થક બની જાય છે. ખરું ને…?
પ્રાચીનકાળમાં, મનુષ્યો પોતાના જીવનની સમીક્ષા કરતા, પોતે ‘શું કરી રહ્યા છે’ અને ‘શું કામ કરી રહ્યા છે’ એ વાતને ઝિણવટથી તપાસ કરતા હતા. અષ્ટાંગ યોગની પરંપરા પણ આ જ સિદ્ધાંતને અનુલક્ષીને અસ્તિત્વમાં આવી હશે. આપણે આત્મા છીએ એ વાતની ઓળખ સાથે આત્માને પરમાત્માનો દરજ્જો કેમ આપવું એ વિજ્ઞાન એમાં ગૂંથાયેલો જોવા મળે છે.
વર્તમાનકાળમાં આત્માને શુદ્ધ પોષણ કેમ આપવું એ વાતની આપણે અવગણના કરી રહ્યા છીએ. આત્માના સ્વાસ્થ્ય વગર, એટલે કે ‘સોલ ફિટનેસ’ (Soul Fitness) વગર, અર્ધપૂર્ણ જીવન જીવી શકાય નહીં એ સમજવાની જરૂર છે. અષ્ટાંગ યોગ આત્મા ફિટનેસ માટેનું ઉત્તમ વિજ્ઞાન છે.
‘યમ’ આપણા બાહ્ય વ્યવહારને શુદ્ધ કરે છે અને ‘નિયમ’ આતમના વ્યવહારને દિશા આપે છે. વિવિધ આત્મ વ્યવહારોમાં જો કોઈ મહત્ત્વનું સ્થાન ધરાવે છે તો એ છે ‘સ્વાધ્યાય’! સ્વાધ્યાય દ્વારા જ આપણે કોણ છીએ, કેવા છીએ, શું કરી રહ્યા છીએ એ બાબતનો ખરો પરિચય થાય છે. સ્વાધ્યાય ‘આત્મભાન’ કેળવવા માટે ઉત્તમ સાધન છે.
સ્વાધ્યાય એટલે શું?
સ્વાધ્યાયનો સાધારણ અર્થઘટન એટલે ‘સ્વ’નું ‘અધ્યન’ એમ કરવામાં આવે છે. આવી સમજ દ્વારા સ્વાધ્યાયના ગહન મર્મો કદાચ સમજી શકાય નહીં.
“સ્વાધ્યાય માત્ર આત્મનિરીક્ષણ સુધી સીમિત નથી, તે આત્મ રૂપાંતરણની દિવ્ય પ્રક્રિયા છે, એક મહાન યજ્ઞ છે.
એક વાત ચોક્કસ છે, કે સ્વાધ્યાયની શરૂઆત અભ્યાસથી થાય છે. પોતાના શરીર ધારી સ્વરૂપના અભ્યાસ સાથે શરીર રહીત અસ્તિત્વનો પણ અભ્યાસ થાય છે. પણ આ અભ્યાસ અર્થપૂર્ણ ત્યારે બનશે જ્યારે આપણી ‘આધ્યાત્મિક જાગરૂકતા’ને સક્રિય કરી શકશું. આવી વિશેષ જાગરૂકતા વગર આત્મનિરીક્ષણ થાય નહીં, સ્વાધ્યાય થઈ શકે નહીં…
સાધારણ મનુષ્ય માટે એનો બાહ્ય અસ્તિત્વ જ એની ઓળખ બની જાય છે. આ મનુષ્ય પોતાના શરીર, સામાજિક ઓળખ અને તેની પાસે જે સાધનસંપત્તિ છે એને જ પોતાનો સ્વરૂપ માની બેસે છે. શરીર ધારી મનુષ્યનો આ ભૌતિક પાસો એક વિશિષ્ટ વ્યક્તિત્વ પણ ધારણ કરે છે. એમના વ્યક્તિત્વમાં ક્રોધ, લોભ, કપટ, પરિગ્રહ, ભોગવૃત્તિ, ઈર્ષા વિ. વિષ ભરેલા હોય છે. આવા અવગુણો તેમના સંસારી વ્યવહારનો પાયો બની જાય છે. એજ વ્યવહારને જોઈને પેલા ફિલસૂફે કહી દીધું કે આ પૃથ્વી પાગલ ગ્રહ છે!
પ્રત્યેક મનુષ્ય પોતાના ભૌતિક વ્યક્તિત્વ ઉપરાંત આત્મિક વ્યક્તિત્ત્વ પણ ધરોવે છે. આ દિવ્ય વ્યક્તિત્વ આપણો ખરો માર્ગદર્શક બની શકે છે. પણ આ વ્યક્તિત્ત્વને સક્રિય કરવાની કલા પ્રત્યે ભાગ્યે જ કોઈ ધ્યાન આપે છે. આળસુ અને રોગી શરીર, અહંકાર અને અજ્ઞાનતાથી ઘેરાયેલો મનુષ્ય પોતાની ગુણ-શક્તિઓથી અજાણ હોય છે. સ્વાધ્યાયનો સૂક્ષ્મ અર્થ એટલે આપણા ભૌતિક વ્યક્તિત્વ સામે આત્મિક વ્યક્તિત્વને ઊભો કરી દેવું તે… ત્યારે જ આપણો આત્મ રૂપાંતરણ શક્ય બનશે.
સ્વાધ્યાયથી આત્મભાન
સ્વાધ્યાય એક મહાન તપ છે જે આપણી જાગરૂકતા (Consciousness)નું શુદ્ધિકરણ અને વિસ્તાર કરે છે. સ્વાધ્યાય પ્રકાશ છે જે અજ્ઞાનતાનો નાશ કરે છે. સ્વાધ્યાયની સાધના માટે એક ખૂબ જ સરલ અને શક્તિશાળી પ્રયોગ છે ‘માઈન્ડફૂલનેસ’ (Mindfullness), અથવા વર્તમાનની અનુપ્રેક્ષા!
કોઈપણ સાધકને આધ્યાત્મિક વિકાસ અને સદ્ગતિ પ્રાપ્ત કરવી હોય, તેને અનુપ્રેક્ષા સાધવાની કલા વિકસાવી જોઈએ. અનુપ્રેક્ષા ફક્ત આધ્યાત્મિક વિકાસ માટે સીમિત નથી, પણ વર્તમાન સંસારી જીવન ને ઉચ્ચ કક્ષાએ લઈ જનાર પ્રક્રિયા છે. ‘સ્વ’ની અનુપ્રેક્ષા એ જ ખરું સ્વાધ્યાય છે. એના દ્વારા આત્મભાન (Awareness) નો વિકાસ થાય છે અને સાવધ થઈને વ્યવહાર કરી
શકાય છે.
સ્વાધ્યાયના ચાર મુખ્ય અનુપ્રેક્ષાઓ:
(૧) સંકુચિત અભિપ્રાયથી મુક્તિ : આપણે સહજ રીતે કોઈપણ વ્યક્તિ કે કોઈપણ વિષયનો અભિપ્રાય અથવા ટીકા-ટિપ્પણી કરતા હોઈએ છીએ. આપણા અભિપ્રાય પાછળ આપણી જ સંકુચિત બુદ્ધિ અને પૂર્વગ્રહો છે એ વાતનો સ્વીકાર કરીને એમાં યોગ્ય બદલાવ લાવવાની જરૂર છે.
(૨) ઉતાવળથી નહીં, ધૈર્યથી કામ કરવું: જે પણ મેળવવું હોય, તેને મેળવવા આપણે અધીરા બની જતા હોઈએ છીએ. આપણી અધીરાઈ પર ધ્યાન કેન્દ્રિત કરીને જે કાર્ય પાર પાડવાનું હોય તે તેના સમય પર પૂરો થશે એ વિશ્ર્વાસ સાથે ધૈર્યથી શાંત રહેવું…
(૩) જે થયું, ભલુ થયું: મનુષ્ય હંમેશાં પોતાની ઈચ્છા અનુસાર બધું થાય, એની ભાવના કરતા હોય છે. એવી ઈચ્છાઓ અને મનોકામનાઓ પર અનુપ્રેક્ષા કરી અને સ્વીકારવૃત્તિને કેળવણ કરવા સ્વાધ્યાય કરી શકાય…
(૪) સ્વ સાથે બે ક્ષણ: સવારથી સાંજ ધમાલિયું જીવન જીવવાની આદત પડી ગઈ છે. જો બે ક્ષણ પણ કામ વગરના હોય તો બેચેની થાય એવી વિચિત્ર મનોદશા છે. આ જગતમાં બે ક્ષણ એકાંતમાં સ્થિર થઈને આત્મિ વ્યક્તિત્વ પર અનુપ્રેક્ષા કરવાથી આપણી વિવેકબુદ્ધિ જાગરૂક થાય…
સ્વાધ્યાય એ માત્ર જ્ઞાન ગોષ્ટી અથવા ધર્મ ગ્રંથોનું વાંચન નથી. તે તમારા આતમની ઓળખ કરાવનાર તપ છે. તમારી નબળાઈઓનું ભાન કરાવે અને આત્મ રૂપાંતરણ માટે યોગ્યતા કેળવે છે…!
ચાલો પરિણામલક્ષી સ્વાધ્યાય કરીએ. ઉ