તરોતાઝા

NPSમાં એસેટ એલોકેશનની પસંદગી

ફાઈનાન્સના ફંડા -મિતાલી મહેતા

NPS એટલે કે ‘રાષ્ટ્રીય પેન્શન યોજના’ વિશે આપે આ અગાઉની મારી કૉલમમાં જાણ્યું. એ જ વિશે આગળ વધારીએ. આ યોજના હેઠળ અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણ કરવાની તક મળે છે અને સાથે સાથે તમે કઈ કઈ એસેટમાં કેટલું રોકાણ રાખવા માગો છો એ પણ નક્કી કરવા મળે છે. દરેક એસેટ ક્લાસમાં વળતર અને જોખમનું પ્રમાણ અલગ અલગ હોય છે. દરેક રોકાણકાર પોતે કેટલું જોખમ ખમી શકે છે એના આધારે આ ફાળવણી નક્કી થાય છે. હાલ રોકાણકારોને બે વિકલ્પ ઉપલબ્ધ છે:

એસેટ એલોકેશનમાં પસંદગી ઍક્ટિવ ચોઇસ ઈક્વિટી (ઈ) સબસ્ક્રાઇબરની ઉંમર 50 વર્ષની થાય ત્યાં સુધી ઈક્વિટીમાં 75 ટકા રોકાણ કરવામાં આવે છે. 51મા વર્ષથી આ મર્યાદા દર વર્ષે 2.5 ટકાના હિસાબે ઘટાડવામાં આવે છે અને 60મા વર્ષે એ 50 ટકા સુધી આવી જાય છે. કૉર્પોરેટ ડેટ (સી) મહત્તમ ફાળવણી 100 ટકા સરકારી સિક્યોરિટીઝ (જી) મહત્તમ ફાળવણી 100 ટકા ઑલ્ટરનેટિવ એસેટ (એ) મહત્તમ ફાળવણી 5 ટકા અહીં નોંધવું ઘટે કે એનપીએસની ઍક્ટિવ પસંદગી હેઠળ ઈક્વિટી માટે દર્શાવાયેલી મર્યાદા મહત્તમ છે. દરેક સબસ્ક્રાઇબર પોતાની જોખમ ખમવાની શક્તિના આધારે પોતાના પોર્ટફોલિયોમાં ઈક્વિટીની ઓછી ફાળવણી પણ રાખી શકે છે.

ઍક્ટિવ ચોઇસનો એક ફાયદો એ છે કે સબસ્ક્રાઇબરને પોતાનાં રોકાણનાં લક્ષ્યો સુધી પહોંચવા માટે જેટલો સમય યોગ્ય લાગે એના આધારે એ એનપીએસમાં એસેટ એલોકેશન નક્કી કરી શકે છે. આપણે જોયું કે નિવૃત્તિની ઉંમર જેમ જેમ નજીક આવતી જાય તેમ તેમ ઈક્વિટીમાં રોકાણ ઘટતું જાય છે અને ડેટમાં રોકાણ વધતું જાય છે.

એસેટ એલોકેશન – ઑટો ચોઇસ:
ઑટો ચોઇસમાં ફાળવણી આપોઆપ બદલાતી જાય છે. જેમ જેમ ઉંમર વધે એમ એમ જોખમ ઘટાડીને સંપત્તિનું જતન કરવા પર વધુ લક્ષ આપવામાં આવે છે. સબસ્ક્રાઇબરની ઉંમરના આધારે એનપીએસનું એસેટ એલોકેશન બદલાય છે. જોકે, ઑટો ચોઇસમાં પણ સબસ્ક્રાઇબરને થોડી ફ્લેક્સિબિલિટી મળે છે. આ ચોઇસમાં ફાળવણીના ત્રણ અલગ અલગ મોડેલ છે. એમને ‘લાઇફ સાઇકલ ફંડ્સ’ કહેવાય છે. દરેક ફંડ વચ્ચે તફાવત હોય છે. આ તફાવત સબસ્ક્રાઇબરની ઉંમરના આધારે દરેક એસેટ ક્લાસમાં થતી ફાળવણી પર આધારિ હોય છે. જેમને નાણાકીય બજાર વિશે વધુ જાણકારી ન હોય એવી વ્યક્તિ ઑટો ચોઈસમાં જઈ શકે છે.

એગ્રેસિવ લાઇફ સાઇકલ ફંડ (એલસી75):
આ ફંડમાં ઈક્વિટીમાં રોકાણ માટેનો હિસ્સો મહત્તમ 75 ટકા હોય છે. કૉર્પોરેટ ડેટમાં મહત્તમ 10 ટકા અને સરકારી સિક્યોરિટીઝમાં મહત્તમ 15 ટકા હિસ્સો રાખવામાં આવે છે. આ ટકાવારી 35 વર્ષથી ઓછી વયના સબસ્ક્રાઇબર્સ માટે છે. 36મા વર્ષથી આ ફાળવણીમાં દર પાંચ વર્ષે ફેરફાર કરવામાં આવે છે. 35 વર્ષની વય સુધી ઈક્વિટી હિસ્સો વધારે હોવાને કારણે નિવૃત્તિ માટેની બચત નોંધપાત્ર પ્રમાણમાં વધી શકે છે.

મોટી ઉંમરે ઈક્વિટીનો હિસ્સો ઘટીને ડેટનો ભાગ વધતો હોવાથી એનપીએસ અકાઉન્ટમાં ટૂંકા ગાળાની વોલેટિલિટી ઘટતી જાય છે અને મૂડીનું રક્ષણ થાય છે, જેથી નિવૃત્તિ સમયે કોઈ વાંધો ન આવે.

મોડરેટ લાઇફ સાઇકલ ફંડ (એલસી50):
એનપીએસ ઑટો ચોઇસમાં આ પણ એક પૂર્વનિર્ધારિત વિકલ્પ હોય છે. એમાં ઈક્વિટીનો હિસ્સો મહત્તમ 50 ટકા, કોર્પોરેટ ડેટનો 30 ટકા અને સરકારી સિક્યોરિટીઝનો 20 ટકા રાખવામાં આવે છે. ઉંમર બદલાતાં એમાં ફેરફાર થાય છે. મૂડીની વૃદ્ધિ અને સંપત્તિનું રક્ષણ એ બન્નેનું સંતુલન સાધવા માટેનું આ ફંડ છે.

ક્ધઝર્વેટિવ લાઇફ સાઇકલ ફંડ (એલસી 25):
આ ફંડમાં ઈક્વિટીનો હિસ્સો 25 ટકા, કૉર્પોરેટ ડેટ 45 ટકા અને સરકારી સિક્યોરિટીઝનો હિસ્સો 30 ટકા સુધી સીમિત રાખવામાં આવે છે. બાકીનાં બે ફંડ્સની જેમ અહીં પણ ઉંમરની સાથે ફાળવણીની ટકાવારીમાં ફેરફાર કરવામાં આવે છે. આ એલસી 25 ફંડ જે વધારે જોખમ સહન કરી શકતા નથી એવા લોકો માટે યોગ્ય છે, કારણ કે એમાં ઈક્વિટી માટેની ફાળવણી ઓછી હોય છે.

આ પણ વાંચો…આ આયુએ હવે કેવી હોવી જોઈએ ખાણી-પીણીની ટેવ?

નિષ્કર્ષ:
ટૂંકમાં, અહીં જણાવવું રહ્યું કે એનપીએસ લાંબા ગાળાનું રોકાણ છે. એનો મુખ્ય ઉદ્દેશ નિવૃત્તિ બાદની નાણાકીય સલામતીનો છે. એસેટ એલોકેશનની મદદથી જોખમ ઘટાડીને મહત્તમ વળતર મેળવી શકાય છે. એનપીએસમાં પોતાને ફાવે એટલા પ્રમાણમાં ઍસેટ એલોકેશન રાખીને સંપત્તિનું સર્જન કરી શકાય છે, જેથી આગળ જતાં નિવૃત્ત જીવનમાં આર્થિક રીતે કોઈ તકલીફ પડે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button