તરોતાઝા

તહેવારો અને આરોગ્ય

આહારથી આરોગ્ય સુધી – હર્ષા છાડવા

ભારત તહેવારોનો દેશ છે. દર વર્ષે દર મહિને અને લગભગ બધા જ રાજ્યોમાં તિથિ અનુસાર તહેવાર મનાવવામાં આવે છે. તહેવારો ઉજાવવા પાછળ ધાર્મિક, ઐતાહાસિક, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિરાસત છે જે પરંપરાગત રીતે પેઢી દર પેઢી માન્યત: પ્રમાણે ઉજવવામાં આવે છે. ભારતમાં વિભિન્ન ધર્મો અને જાતિઓ કર્મ અને સંસ્કારોને વિશેષ રૂપથી તહેવારમાં પ્રગટ કરે છે. વિશ્ર્વમાં સૌથી વધુ તહેવાર આપણા ભારત દેશમાં જ મનાવવામાં આવે છે તેથી ભારતને તહેવારોનો દેશ કહેવાય છે. પ્રાચીન કાળમાં કોઈ વેકેશન, રવિવારીય રજા કે બીજી તારીખી રજાઓ ન હતી. આરામ અને ઉમંગ ઉત્સાહ માટે તહેવારો ઉજવાતા. તહેવારો અને રોજનું કામકાજ બેઉ એકબીજા સાથે અભિન્નપણે જોડાયેલા છે. ઘણા પારંપારિક તહેવારો રાષ્ટ્રીય તહેવારો તરીકે પણ ઉજવાય છે. તહેવારોની ઉજવણી એ શારીરિક અને માનસિક સ્વાસ્થયને એક નવો નિખાર આપે છે.

આપણી સંસ્કૃતિ તહેવારોની સાથે સંલગ્ન થયેલી સંસ્કૃતિ છે. જીવન લગભગ તમામ પાસાને આપણે વિવિધ તહેવારો દ્વારા ઉજવીએ છીએ. તહેવારો ઉજવવા દ્વારા પર્યાવરણની જાળવણી અને તેના યથાગત્ નિયમોની જાણ જે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી છે. તહેવારની ઉજવણી એટલે નવી દરેક વસ્તુઓ વસાવવી. જેમ કે નવા કપડાં, નવા વાસણો, નવા ઘરેમાં, નવું ધાન્ય જે માનસિક સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે તેમ જ નિરાશા કે એકલાપણાંને દૂર કરી સામાજિક મેલ-જોલ માટે કે એકબીજાની જાળવણી માટે જરૂરી છે. આર્થિક સધ્ધરતા અને વ્યવહારીક સધ્ધરતા જળવા રહે છે.

આજની જીવનશૈલી એટલી વ્યસ્ત છે કે તહેવારોની ઉજવણીના આનંદથી આપણે વંચિત થઈ રહ્યા છીએ. તેથી આજે શારીરિક અને માનસિક ઉદાસીનતા વધી રહી છે. સામજિક મેળ-જોળથી આપણે દૂર થઈ રહ્યા છે. તેથી દવાઓનો ઉપયોગ વધ્યો છે. જરૂરી ખાન-પાન જે તહેવારોને લીધે હતું તે પણ દૂષિત થયું છે તેમજ બનાવવાની પ્રક્રિયા ભૂલાતી જાય છે. બજારોમાં મળતી આધુનિક વસ્તુઓનો વપરાશ વધ્યો છે. જે આરોગ્ય માટે હાનિકારક પુરવાર થયું છે.

તહેવાર ને ઉત્સવો જેમ માનવવું જોઈએ જે આપણને ઘણું બધું શીખવે છે. જેમ કે અંગ્રેજી વર્ષના કેલેન્ડરમાં પ્રથમ આવતો તહેવાર મકરસંક્રાંતિની તલ સાંકળી આપણને તલનો સ્નેહ અને ગોળની આંતર અને બાહ્ય ઉભય રીતની મીઠાશ રાખવાનું શીખવે છે. સાથે સાથે આરોગ્યનો લાભ પણ આપે છે. તલમાંથી આયોડીન અને કેલ્શિયમ મળે છે. ગોળમાંથી આયરન મળે છે. મહાશિવરાત્રી અપરિગ્રહ અને ભૂતદયાનો સંદેશ આપે છે. આ મહિનામાં શરીરની ઊર્જા વધારવા માટે ફળનો આહાર લેવો જોઈએ. તેમજ મખાના લેવા જે કેલ્શિયમ અને ફાઇબરનો સ્રોત છે.

હોળીનો તહેવાર ખરેખર તો એક મહિનાનો હોય છે. ઠંડી ઋતુ પછી ગરમીની ઋતુ આવે છે. ઋતુના ફેરફારથી શરીર પર રોગોની અસર ન થાય તે માટે ફૂલોના પાણીથી સ્નાન કરવું અને ફૂલોના શરબત પીવાથી શરીર ગરમીથી બચી શકે છે. ફૂલોના રંગો બનાવી તેનો લેપ કરવો તે હોળી છે. જેથી માનસિક આનંદનો ગ્રાફ ઊંચો રહે છે. આપણા એકધારા જીવનમાં વિવિધતા લાવે છે. લોકો સાથે મળીને તહેવારો ઉજવતા હોવાથી પરસ્પરનો પરિચય વધે છે. આનંદ અને ઉલ્લાસનું અનેરુ વાતાવરણ સર્જાય છે.

નવરાત્રિ એ નવ દિવસનો ઉત્સવ જે શરદ ઋતુમાં આવે છે. શરીરમાં કફનો પ્રભાવ વધે છે. શરદ ઋતુને રોગોની જનની કહેવાય છે. આ ઋતુમાં શરીરને વિશેષ ઊર્જાની જરૂર પડે છે. બાહ્ય સંક્રમણથી બચવા માટે નવ દિવસ અનાજનો ત્યાગ, ફળોનું સેવન અને દૂધનું સેવન કરવામાં આવે છે. નવ દિવસ ગરબા રમવા જે શરીરની ખરાબ ઊર્જા પસીના રૂપે બહાર કાઢે છે. શરીરની ઊર્જા ચરમસીમા રહે છે. ફળોનું કે દૂથ પૌઆનું સેવન શરીરમાં નવ સર્જન કરે છે. સંગીતના તાલ સાથે રમવું એ માનસિક અને શારીરિક આનંદ લેવાથી જીવન તરોતાજગી વાળુ લાગે છે.

દિવાળીનો તહેવાર એ વિજય પામવાનો તહેવાર છે. અંધકારને દૂર કરવાનો તહેવાર છે. આ ઋતુમાં પણ સંક્રમણ ફેલાય છે. તેથી તલના તેલના દિવા પ્રગટાવામાં આવે છે. જેથી જીવાણુઓની વૃદ્ધિ ન થાય. રંગોલી કરવી જે ખરેખર તો ચોખાના લોટથી કરવામાં આવે છે જેથી કીડી મંકોડાને આહાર મળે અને તે ઘરમાં ન પ્રવેશે. જુદી જુદી મીઠાઈ જે શરીરની ઊર્જા વધારવા માટે છે તે એકબીજાને આપીને આનંદ મેળવાય છે. ભારતીય સંસ્કૃતિના તહેવારો એક એવા સાધનોની જેમ જોવાય છે જે આપણા જીવનમાં પ્રચુરતા અને ઉત્સાહની અવસ્થામાં લઈ જાય છે.

ભારતમાં નાના-નાના તહેવારોનું પણ ખૂબ મહત્ત્વ છે. શીતળા સાતમ જે બાળકોને સંક્રમણથી બચાવે છે. આ તહેવારમાં સફાઈનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. આગલા દિવસે બનાવેલું ભોજન ખાવાથી શરીરમાં કોઈ જાતના સંક્રમણ થતા નથી. જેમ કે ઓળી અછબડા નીકળે છે તે એક સંક્રમણ છે તેને દૂર કરવા આગલા દિવસનું ભોજન લેવામાં આવે છે. જેને બાસોદા કહેવાય છે. આ ભોજનથી શરીરમાં વિટામીન બીની તકલીફ નથી રહેતી.

આપણા ઉત્સવોની મહત્ત્વ ઉત્સવો વર્ષે વર્ષે આવ્યા કરવાના. એક ઉત્સવ ગયો અને બીજો આવીને ઊભો જ છે ને આવી સાંસ્કૃતિક રૂઢિ અને ઉત્સવોની પ્રણાલિકા આપણા સામાજિક જીવનને સંસ્કૃતિના એક સામાન્ય તારમાં પરોવી દે છે. આ પ્રકારની વિશિષ્ટતાઓ સમજ્યા પછી એમને આપણા જીવનમાં સ્થાન આપવાનું આપણે ભૂલવું ન જોઈએ. આવા નાના-મોટા તહેવારો ભારતમાં ઘણા છે જે મનાવી આનંદ લઈ શકાય તેમજ આરોગ્ય જાળવી શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button