એકસ્ટ્રા અફેર : રાજ્યપાલો બિલ રોકી રાખે તો વિધાનસભાનું કામ શું?

-ભરત ભારદ્વાજ
રાજ્યપાલો દ્વારા રાજ્યોની વિધાનસભામાં પસાર કરાતાં બિલોને રોકી રાખવા મુદ્દે સુપ્રીમ કોર્ટે લીધેલા આકરા વલણના કારણે રાજકીય વિવાદ પેદા થઈ ગયો છે અથવા તો રાજકીય વિવાદ ખડો કરાઈ રહ્યો છે. કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ન્યાયિક અતિરેક ગણાવ્યો છે. આર્લેકરનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટ પોતાની મર્યાદા ઓળંગીને સરકાર અને વિધાનસભાના કામમાં દખલ કરી રહી છે. આર્લેકરે તો સવાલ પણ કર્યો છે કે, કોર્ટ બંધારણમાં સુધારો કરવા માંડે તો સંસદ અને વિધાનસભાની ભૂમિકા શું હશે? આર્લેકરનો સવાલ વાહિયાત છે ને તેની વાત કરીશું પણ પહેલાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાની વાત કરી લઈએ.
તમિળનાડુ સરકારે વિધાનસભામાં પસાર કરાયેલાં બિલોને રાજ્યપાલે રોકી રાખ્યાં છે એ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપીને આદેશ આપ્યો હતો કે રાજ્યપાલે એક મહિનાની અંદર વિધાનસભા દ્વારા મોકલવામાં આવેલા બિલ પર નિર્ણય લેવો પડશે. સુપ્રીમ કોર્ટે તમિળનાડુ વિધાનસભા દ્વારા મોકલાયેલાં પણ રાજ્યપાલે મંજૂર નહીં કરેલાં 10 બિલોને મંજૂર કરાયેલાં પણ જાહેર કરી દીધાં. એ પછી સુપ્રીમ કોર્ટે રાજ્યપાલો દ્વારા રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલાં બિલો અંગે પણ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે દેશના રાષ્ટ્રપતિએ કેટલા સમયમાં રાજ્યપાલે મોકલેલાં બિલો અંગે નિર્ણય લેવો તેની મર્યાદા પણ નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રપતિએ રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલ પર 3 મહિનાની અંદર નિર્ણય લેવો પડશે. સુપ્રીમ કોર્ટે પોતાની વેબસાઇટ પર અપલોડ કરેલા આદેશમાં બંધારણની કલમ 201નો ઉલ્લેખ કર્યો છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, રાજ્યપાલો દ્વારા મોકલવામાં આવેલાં બિલોના કિસ્સામાં રાષ્ટ્રપતિ પાસે સંપૂર્ણ વીટો અથવા પોકેટ વીટોનો અધિકાર નથી. રાષ્ટ્રપતિ કોઈ બિલને મંજૂરી ના આપે તો તેમના નિર્ણયની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે અને ન્યાયતંત્ર બિલની બંધારણીયતા નક્કી કરશે. આ વાત સો ટકા સાચી છે કેમ કે દેશની સુપ્રીમ કોર્ટને બંધારણીય અર્થઘટનનો સંપૂર્ણ અધિકાર છે.
બિલ મળ્યાના 3 મહિનાની અંદર રાષ્ટ્રપતિએ નિર્ણય લેવો ફરજિયાત છે. વિલંબ થાય તો વિલંબનાં કારણો જણાવવાં આવશ્યક છે. રાષ્ટ્રપતિ બિલને રાજ્ય વિધાનસભામાં સુધારા અથવા પુનર્વિચાર માટે પાછું મોકલે પણ વિધાનસભા તેને ફરીથી પસાર કરે તો રાષ્ટ્રપતિએ બિલ પર અંતિમ નિર્ણય લેવો પડશે કેમ કે વારંવાર બિલ પાછું ના મોકલી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાષ્ટ્રપતિના નિર્ણયની કલમ 201 હેઠળ ન્યાયિક સમીક્ષા કરી શકાય છે. બીજા કોઈ પણ સંજોગોમાં પણ ન્યાયતંત્રને બિલની સમીક્ષા કરવાનો અધિકાર છે જ.
સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે કેટલાંક લોકોએ વાંધો લીધો છે કે, સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને આદેશ કઈ રીતે આપી શકે ? તેમની દલીલ છે કે, રાષ્ટ્રપતિ દેશના બંધારણીય વડા છે ત્યારે તેમનાથી ઉપર કોઈ ના હોઈ શકે એ જોતાં સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને આદેશ આપીને પોતાની મર્યાદા ઓળંગી રહી છે.
આ વાંધો વાહિયાત છે અને આ દલીલ પણ વાહિયાત છે કેમ કે રાષ્ટ્રપતિ દેશના બંધારણીય વડા છે, પોતે બંધારણ નથી. આ દેશમાં બંધારણીય વડા હોય કે સામાન્ય નાગરિક હોય, દરેકે બંધારણ પ્રમાણે વર્તવું ફરજિયાત છે. બંધારણીય વડા કે બીજો કોઈ પણ ચૂંટાયેલો હોદ્દેદાર કે સરકારમાં બેઠેલો અધિકારી કે બીજું કોઈ પણ બંધારણ પ્રમાણે વર્તે છે કે નહીં એ નક્કી કરવાનું કામ સુપ્રીમ કોર્ટનું છે કેમ કે આ દેશના બંધારણે જ સુપ્રીમ કોર્ટને બંધારણીય અર્થઘટન માટેની સર્વોપરી સંસ્થા ગણાવી છે.
આપણા બંધારણની જોગવાઈ પ્રમાણે, રાષ્ટ્રપતિએ પણ બંધારણીય બાબતોમાં અર્થઘટન માટે સુપ્રીમ કોર્ટની સલાહ લેવી જરૂરી છે. રાષ્ટ્રપતિ પોતાની રીતે નિર્ણય ના લઈ શકે એવી સ્પષ્ટ જોગવાઈ છે. સદનસીબે આ દેશને મોટા ભાગે એવા રાષ્ટ્રપતિ મળ્યા કે જેમણે બંધારણીય ગૂંચવાડા વખતે સુપ્રીમ કોર્ટની સલાહ લીધી તેથી સુપ્રીમ કોર્ટે કોઈ રાષ્ટ્રપતિને આદેશ ના આપવો પડ્યો પણ તેનો અર્થ રાષ્ટ્રપતિ સર્વોપરી છે ને તેને કોઈ પડકારી કે આદેશ જ ના આપી શકે એવો નથી. રસપ્રદ વાત એ છે કે જે લોકો રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટ આદેશ ના આપી શકે એવી દલીલ કરે છે એ જ લોકો 1975માં રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદે લીધેલા કટોકટી લાદવાના નિર્ણયને ગેરબંધારણીય જાહેર કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાવી છે.
કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ન્યાયિક અતિરેક ગણાવ્યો છે તેની પણ વાત કરી લઈએ. આર્લેકરે આડકતરી રીતે કહ્યું છે કે, કોર્ટ પોતાની મર્યાદા ઓળંગીને સરકાર અને વિધાનસભાના કામમાં દખલ કરી રહી છે. આર્લેકરની દલીલ છે કે, રાજ્યપાલે કોઈ પણ બિલ પર કેટલા સમયમાં નિર્ણય લેવો એ માટે બંધારણમાં કોઈ સમયમર્યાદા નથી કરાઈ. આ સંજોગોમાં કોર્ટે 3 મહિનાની મર્યાદા નક્કી કરી એ બંધારણીય સુધારો કરવા જેવું છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે નહીં પણ રાજ્યપાલોએ પોતાની મર્યાદા ઓળંગી તેના કારણે સમસ્યા સર્જાઈ છે.
આર્લેકરની વાત સાચી છે કે બંધારણમાં કોઈ સમયમર્યાદા નક્કી કરાઈ નથી પણ સામે બિલને મંજૂર ના કરવાં કે કોઈ નિર્ણય ના લેવાં એવું પણ કહેવાયું નથી. રાજ્યપાલો કોઈ બિલને પાંચ-પાંચ વર્ષ સુધી રોકી રાખી શકે એવું બંધારણમાં ક્યાંય લખાયેલું નથી ને બંધારણમાં સમયમર્યાદા નક્કી કરી નથી તેનો અર્થ બિલોને રોકી રાખવાં એવો થતો નથી.
આર્લેકર સંસદ અને વિધાનસભાના અધિકારની દુહાઈ આપી રહ્યા છે ત્યારે અમે કરીએ એ લીલા ને બીજાં કરે એ છિનાળું જેવું લાગે છે કેમ કે સુપ્રીમ કોર્ટ વિધાનસભાનો અધિકાર નથી છિનવી રહી પણ રાજ્યપાલો એ અધિકાર છિનવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ તો રાજ્યોની વિધાનસભાના અધિકારને ફરી સ્થાપિત કરી રહી છે. રાજ્યોની વિધાનસભા જે બિલ પસાર કરે તેને એક વ્યક્તિ એટલે કે રાજ્યપાલ રોકી રાખે તો વિધાનસભાનો મતલબ શું છે?
પ્રજાએ પોતાના પ્રતિનિધિઓને જખ મારવા ચૂંટીને મોકલ્યા છે ? રાજેન્દ્ર આર્લેકરે એ સવાલનો જવાબ આપવો જોઈએ કે, વિધાનસભાએ પસાર કરેલાં બિલ તમે રોકી રાખો છો તો તમે વિધાનસભાથી ઉપર છો? આ બિલો રોકવાનો અધિકાર તમને કોણે આપ્યો છે ? આર્લેકર સહિતના રાજ્યપાલોએ બંધારણ વાંચવું જોઈએ અને તેની ગરિમા જાળવવી જોઈએ. બંધારણની કલમ 201 કહે છે કે વિધાનસભા બિલ પસાર કરે છે પછી તે રાજ્યપાલને મોકલવું જોઈએ અને રાજ્યપાલે તેને રાષ્ટ્રપતિ પાસે વિચારણા માટે મોકલવું જોઈએ. આ સ્થિતિમાં રાષ્ટ્રપતિએ કાં બિલને મંજૂરી આપવી પડે અથવા મંજૂરી આપી રહ્યા નથી એવું કારણ સાથે કહેવું પડે. લોકશાહીમાં સંસદ અને વિધાનસભા સર્વોપરી છે ત્યારે રાજ્યપાલોને તેમની સર્વોપરિતા સ્વીકારવામાં વાંધો શું છે એ જ ખબર નથી પડતી.
આપણ વાંચો: આરોગ્ય એક્સપ્રેસ : ઊંચી એડીના સેન્ડલ્સનો શોખ છે? જાણી લો તેની આડઅસર