એકસ્ટ્રા અફેર : ટ્રમ્પની જીદ અમેરિકાને અરાજકતા-અંધાધૂંધીમાં ધકેલી દેશે

- ભરત ભારદ્વાજ
ડોનલ્ડ ટ્રમ્પ આ વર્ષના જાન્યુઆરીમાં ફરી અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે કેટલાક વિશ્લેષકોએ ચેતવણી આપી હતી કે ટ્રમ્પ અમેરિકાને અરાજકતા અને અંધાધૂંધી તરફ ધકેલી દેશે. ટ્રમ્પને છ મહિના પણ નથી થયા ત્યાં આ આગાહી સાચી પડી રહી હોય એવું લાગી રહ્યું છે. ટ્રમ્પની નીતિઓના કારણે અમેરિકામાં અસંતોષ વધી રહ્યો છે અને લોસ એન્જલસની ઘટનાએ સાબિત કર્યું છે કે, ટ્રમ્પ પોતાની નીતિઓ નહીં બદલે તો અમેરિકા અરાજકતા અને અંધાધૂંધીની આગમાં ધકેલાઈ શકે છે.
ટ્રમ્પે પ્રમુખ બનતાં જ અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા ભારતીયો સહિતના વિદેશીઓને દેશમાંથી ધકેલવાનો કાર્યક્રમ શરૂ કરી દીધેલો. પહેલા તબક્કામાં કોઈ પણ દસ્તાવેજો વિના અમેરિકામાં ઘૂસતાં ઝડપાઈ ગયેલા વિદેશીઓને પ્લેનમાં બેસાડી બેસાડીને તેમના દેશભેગા કરી દેવાયેલા. ટ્રમ્પનો એ કાર્યક્રમ બહુ સફળ નહોતો થયો પણ ટ્રમ્પના માથે વિદેશીઓને તગેડવાની સનક સવાર છે એટલે ટ્રમ્પ એક કદમ આગળ વધ્યા છે. હવે ટ્રમ્પે અમેરિકામાં મોટાં શહેરોમાં ગેરકાયદે રીતે રહેતા વિદેશીઓને શોધી શોધીને ઘરભેગા કરવાનું ફરમાન બહાર પાડ્યું છે.
ટ્રમ્પના આદેશના પગલે અમેરિકન સરકારે 6-7 જૂનના રોજ લોસ એન્જલસમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે ઝુંબેશ શરૂ કરી અને તેની સામે ભડકો થઈ ગયો. ટ્રમ્પની દેશનિકાલ નીતિના ભાગરૂપે શરૂ કરાયેલી આ ઝુંબેશ સામે લોકો રસ્તા પર આવી ગયાં છે. લોસ એન્જલસમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહીના વિરોધમાં ચાર દિવસથી દેખાવો થઈ રહ્યા છે અને આ દેખાવોએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે.
ગેરકાયદે રીતે રહેતાં લોકો સામે ટ્રમ્પ સરકારની કાર્યવાહીના વિરોધમાં કેલિફોર્નિયામાં સ્થાનિક લોકો મેદાનમાં આવી ગયાં છે કેમ કે કેલિફોર્નિયાની ઈકોનોમી ગેરકાયદે રીતે રહેતાં લોકોના ભરોસે જ ચાલે છે. કેલિફોર્નિયામાં આવેલાં વિશાળ ખેતરોથી માંડીને હોલિવૂડ સુધી બધે જ મજૂરીનાં કામ આ લોકો જ કરે છે. આ લોકોને તગેડી મુકાય તો કામ કોણ કરે એ ચિંતામાં સ્થાનિક લોકોએ મોરચો માંડ્યો છે.
દેખાવકારોને વિખેરવા માટે સિક્યુરિટી કર્મચારીઓ ટીયર ગેસના શેલ, ફ્લેશ બેન્ગ વિસ્ફોટકો અને આંખમાં બળતરા થાય તેવો મરી-મરચાંનો ભૂકો ફેંકી રહ્યા છે. સામે દેખાવકારો પણ પૂરી તૈયારી સાથે આવ્યા છે એટલે બોર્ડર પેટ્રોલના વાહનો પર પથ્થરો અને સિમેન્ટનો મારો ચલાવી રહ્યા છે. દેખાવકારોએ શહેરામાં અનેક સ્થળે આગ ચાંપી દીધી છે અને અનેક વાહનોને ફૂંકી માર્યાં છે.
દેખાવકારો રસ્તા પર ટાયરો સળગાવ્યા, સળગાવીને ધુમાડો ધુમાડો કરી દીધો છે તેથી સિક્યુરિટી કર્મચારીઓ પણ અટવાઈ ગયા છે. ભીડને કાબૂમાં લેવા માટે જાત સજાતના ઉપાયો કરવા છતાં ભીડ વિખેરાતી નથી તેથી ટ્રમ્પે નેશનલ ગાર્ડ્સને મોકલવા પડ્યા છે. આ હિંસામાં કોઈનો જીવ ગયો નથી, પણ સ્થિતિ ગંભીર છે તેમાં બેમત નથી.
એક તરફ હિંસા ભડકી છે ત્યારે બીજી તરફ રાજકીય જંગ પણ જામ્યો છે. લોસ એન્જલસના મેયર તરીકે ટ્રમ્પની વિરોધી ડેમોક્રેટિક પાર્ટીનાં કારેન બાસ છે જ્યારે કેલિફોર્નિયાના ગવર્નર તરીકે પણ ડેમોક્રેટિક પાર્ટીના ગેવિન ન્યૂસમ છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમ અને લોસ એન્જલસના મેયર કારેન બાસ બંનેએ લોસ એન્જલસમાં ગેરકાયદે રીતે રહેતા વિદેશીઓ સામે કોઈ પણ કાર્યવાહી કરવા સામે ચેતવણી આપેલી, પણ ટ્રમ્પે તેમને અવગણીને કાર્યવાહી શરૂૂ કરાવી.
આ કાર્યવાહીના કારણે હિંસા ફાટી નિકળી પછી ટ્રમ્પે નેશનલ ગાર્ડ્સ મોકલવાનો નિર્ણય લીધો. નેશનલ ગાર્ડને મોકલતાં પહેલાં રાજ્યના ગવર્નર અને શહેરના મેયરની સંમતિ જરૂરી છે પણ કારેન અને ન્યૂસમ બંનેએ નેશનલ ગાર્ડ્સ મોકલવાનો વિરોધ કર્યો હતો. ટ્રમ્પ આ વિરોધને ઘોળીને પી ગયા અને ટ્રમ્પે લોસ એન્જલસમાં પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે 2000 નેશનલ ગાર્ડ્સ મોકલ્યા. અમેરિકાના ઈતિહાસમાં પહેલી વાર કોઈ રાજ્યના ગવર્નરની મંજૂરી વિના નેશનલ ગાર્ડ્સને મોકલવામાં આવ્યા હોય એવું બન્યું છે તેથી જોરદાર જંગ જામ્યો છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમ અને લોસ એન્જલસના મેયર કારેન બાસે નેશનલ ગાર્ડ્સ મોકલવા સામે કોર્ટમાં જવાનો અને ટ્રમ્પ સામે દાવો માંડવાનું એલાન કરતાં આ મુદ્દે કાનૂની જંગ જામશે એ નક્કી છે.
સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે જંગ જામ્યો છે. લોસ એન્જલસનાં મેયર કારેન બાસ અશ્વેત છે તેથી મેક્સિકન અને કેરેબિયન અશ્વેતોને છાવરી રહ્યાં છે એવા આક્ષેપો થઈ રહ્યા છે. દેખાવકારોમાં ઘણા મેક્સિકન ઝંડા ફરકાવી રહ્યા છે તેના કારણે મેક્સિકો સાથેની સરહદ તાત્કાલિક સીલ કરવાની માગણી પણ શરૂ થઈ છે. લોસ એન્જલસમાં રમખાણો શાંત થવાનું નામ નથી લેતાં તેના માટે મેયર કારેન બાસને જવાબદાર ગણાવીને તેમની ધરપકડ કરવાની માગણી પણ સોશિયલ મીડિયા પર થઈ રહી છે.
સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ રમખાણો મેયર બાસે જ શરૂ કરાવ્યા છે કે જેથી ફરીથી ચૂંટણી જીતી શકાય. આ પહેલાં આ વર્ષના જાન્યુઆરીમાં લોસ એન્જલસ પાસેના જંગલમાં આગ ફાટી નીકળી હતી, ત્યારે પણ સોશિયલ મીડિયા પર કારેનની ધરપકડ કરવા જોરદાર ઝુંબેશ શરૂ કરાઈ હતી. ડેમોક્રેટિક પાર્ટીનું કહેવું છે કે, ટ્રમ્પ પોતાના રાજકીય ફાયદા માટે ગેરકાયદે રીતે રહેનારાં વિદેશીઓ સામેની કાર્યવાહીને જોરદાર પબ્લિસિટી આપે છે અને લોકોમાં ઉન્માદ પેદા કરે છે. ટ્રમ્પનું કહેવું છે કે, અક્ષમ ગવર્નર અને મેયર હંમેશાની જેમ કામ કરવામાં અસમર્થ સાબિત થયાં તેના કારણે તોફાનો ભડક્યાં છે.
લોસ એન્જલસનાં તોફાનો અમેરિકામાં ભવિષ્યમાં કેવી સ્થિતિ સર્જાશે તેનું ટે્રલર છે. ટ્રમ્પને અમેરિકાને ફરી મહાન બનાવવા માટે તમામ વિદેશીઓને તગેડી મૂકવામાં રસ છે, પણ તેમને તગેડવા અઘરા છે. અમેરિકામાં લગભગ દોઢ કરોડ વિદેશીઓ ગેરકાયદે રીતે રહે છે. હવે લોસ એન્જલસ જેવા એક શહેરમાં જ વિદેશીઓને તગેડવાની ઝુંબેશ સામે ઉગ્ર દેખાવો થતા હોય ને હિંસા ફાટી નિકળતી હોય તો અમેરિકાના બીજા ભાગોમાં કેવાં રીએક્શન આવશે તેની કલ્પના કરવી અઘરી નથી. લોસ એન્જલસ જેવાં રીએક્શનના કારણે અમેરિકા આંતરિક યુદ્ધ તરફ ધકેલાઈ શકે કેમ કે ટ્રમ્પ માને છે તેમ બળ વાપરીને બધા વિદેશીઓને પાછો માકલવા શક્ય નથી.
આપણ વાંચો: આહારથી આરોગ્ય સુધી : થાઈરોઈડનું એક કારણ સેલેનિયમની ઓછપ…
અમેરિકનો પણ ગેરકાયદે રીતે રહેતા વિદેશીઓને પાછા તગેડવાની તરફેણમાં નથી એ કેલિફોર્નિયાના દેખાવોએ સાબિત કર્યું છે. આ ગેરકાયદે રીતે રહેતા વિદેશીઓ સસ્તામાં મજૂરી કરીને અમેરિકનોનાં કામ ચલાવે છે તેથી તેમને અમેરિકનો પણ અમેરિકામાં જ રાખવા ઈચ્છે છે.