તરોતાઝા

એકસ્ટ્રા અફેર : માનસરોવર યાત્રાને મંજૂરી: લાલો લાભ વિના લોટે નહીં

-ભરત ભારદ્વાજ

છેેલ્લા કેટલાક સમયથી ચીન સુધરી ગયું હોય એ રીતે વર્તી રહ્યું છે. ચીને પહેલાં ડ્રેગન અને એલિફન્ટ સાથે મળીને ડાન્સ કરે એવી ઈચ્છા વ્યક્ત કરેલી. એ પછી ભારત સાથે આર્થિક સંબંધો મજબૂત બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ચીને ભારત પાસેથી વધારે માલ લેવાની તૈયારી પણ બતાવ હતી અને હવે હિંદુ શ્રદ્ધાળુઓ માટે અત્યંત પવિત્ર મનાતી કૈલાશ માનસરોવર યાત્રાને મંજૂરી આપી દીધી છે.

કૈલાશ માનસરોવર ચીનના કબજા હેઠળના તિબેટમાં આવેલું છે તેથી હિંદુઓએ કૈલાશ માનસરોવર જવું હોય તો ચીનની મંજૂરી લેવી પડતી. છેલ્લા પાંચ વર્ષથી, ચીન ભારતીયોને કૈલાશ માનસરોવરની યાત્રા કરવાની મંજૂરી આપી રહ્યું ન હતું તેથી કૈલાશ માનસરોવર યાત્રા છેેલ્લા પાંચ વર્ષથી બંધ હતી. 2020માં પહેલાં કોવિડના કારણે યાત્રા બંધ રખાઈ ને પછી બંને દેશો વચ્ચે સરહદ વિવાદના કારણે ઘર્ષણ થતાં યાત્રાને મંજૂરી નહોતી અપાતી.

હવે અચાનક ચીન ભારત પર મહેરબાન થયું છે અને કૈલાશ માનસરોવર યાત્રાની મંજૂરી આપી દેતાં વિદેશ મંત્રાલયે રજિસ્ટ્રેશન શરૂ કરી દીધું છે. વિદેશ મંત્રાલયની જાહેરાત પ્રમાણે, કૈલાશ માનસરોવર યાત્રા 30 જૂનથી 25 ઓગસ્ટ વચ્ચે થશે. ભારતના વિદેશ મંત્રાલયે શનિવારે અરજી પ્રક્રિયા માટે વેબસાઇટ ખોલતાં યાત્રાળુઓ 13 મે, 2025 સુધીમાં અરજી કરી શકશે.

ચીને કુલ 750 શ્રદ્ધાળુઓનો ક્વોટા મંજૂર કર્યો છે તેથી ભારતમાંથી ઉત્તરાખંડના લિપુલેખથી 250 અને સિક્કિમના નાથુલા પાસથી 500 મળીને કુલ 750 શ્રદ્ધાળુ કૈલાશ માનસરોવર જઈ શકશે. વિદેશ મંત્રાલયે બનાવેલી યોજના પ્રમાણે ઉત્તરાખંડ અને સિક્કિમ થઈને યાત્રાળુઓના 15 જૂથ કૈલાસ માનસરોવર જશે. ઉત્તરાખંડથી પાંચ જૂથમાં 50-50 મુસાફરો મળીને 250 શ્રદ્ધાળુ લિપુલેખ પાસ પાર કરીને માનસરોવર જશે જ્યારે સિક્કિમથી 50-50 શ્રદ્ધાળુઓનાં 10 જૂથ એટલે કે 500 શ્રદ્ધાળુ નાથુલા થઈને યાત્રા માટે રવાના થશે.

ભારત માટે કૈલાશ માનસરોવર યાત્રાને મંજૂરી મોટી ઘટના છે કેમ કે ચીન હંમેશાં આપણી સાથે આડોડાઈ કરવા જ ટેવાયેલું છે. હિંદુ શ્રદ્ધાળુઓને કૈલાશ માનસરોવર જવા માટે ચીન મંજૂરી આપશે એવા કરાર આપણે છેક જવાહરલાલ નહેરુના સમયમાં કરેલા પણ ચીન વચ્ચે વચ્ચે ગમે તેવાં બહાનાં કરીને યાત્રાને રદ કરી નાખે છે.

કૈલાશ માનસરોવર યાત્રા માટે ભારત અને ચીન વચ્ચે છેેલ્લે બે કરાર દસેક વર્ષ પહેલાં થયા હતા. ભારતથી કૈલાશ માનસરોવરની યાત્રા માટે બે અલગ અલગ રૂટ છે તેથી ભારત અને ચીન વચ્ચે બે અલગ અલગ કરાર થયા છે. પહેલો કરાર 20 મે, 2013 ના રોજ લિપુલેખ પાસથી કૈલાસ માનસરોવર જવા માટે થયો હતો. બીજો કરાર 18 સપ્ટેમ્બર 2014 ના રોજ નાથુલા થઈને કૈલાસ માનસરોવર જવાના માર્ગ અંગે કરવામાં આવ્યો હતો. એ વખતે જ બંને કરાર દર પાંચ વર્ષે આપમેળે લંબાવવામાં આવશે એવું નક્કી થયેલું એ છતાં ચીને 2020માં કરાર સ્થગિત કરી દીધેલો. પહેલાં કોરોનાનું કારણ અપાયેલું એ સમજી શકાય એવું હતું પણ પછી ચીનની લુચ્ચાઈના કારણે કરાર રદ કરી દેવાયેલો.

2013 અને 2014માં થયેલા કરાર વખતે પણ 2017માં યાત્રાની મંજૂરી ચીને રદ કરી નાખેલી. એ વખતે આપણે વિનંતીઓ કરી પછી અહેસાસ કરતું હોય એમ ચીને મંજૂરી આપી હતી. આ વખતે પણ નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 23 ઓક્ટોબર, 2023ના રોજ પાંચ વર્ષ પછી મળ્યા ત્યારે ભારતે આ મુદ્દો ઉઠાવેલો. રશિયાના કાઝાન શહેરમાં જી-20ની બેઠક વખતે બંને નેતા મળ્યા ત્યારે ચીને બંને દેશોના પરસ્પર સંબંધો સુધારવા માટે કેટલાંક પગલાં લેવા સંમતિ બતાવી હતી પણ માનસરોવર કૈલાશ યાત્રાને મંજૂરી આપવા મુદ્દે મગનું નામ મરી નહોતું પડ્યું. હવે અચાનક ચીનનું વલણ બદલાયું છે અને ચીને સામેથી હા પાડી દીધી છે.

ગુજરાતીમાં કહેવત છે કે લાલો લાભ વિના લોટે નહીં. ચીનને આ કહેવત બરાબર લાગુ પડે છે. ચીન પોતાનો સ્વાર્થ સધાતો હોય તો કંઈ પણ કરવા તૈયાર થઈ જાય. કૈલાશ માનસરોવર યાત્રાને મંજૂરી પાછળ પણ ચીનનો સ્વાર્થ છે અને પોતાની ગણતરીઓ છે. ડોનલ્ડ ડ્રમ્પે લાદેલા ટૅરિફના કારણે ચીનની હાલત કફોડી છે. ચીન ટ્રમ્પના ટૅરિફ સામે વળતા ટૅરિફ લાદી રહ્યું છે પણ એ તમાચો મારીને મોં લાલ રાખવા જેવું છે. ચીન અમેરિકા સામે ઝૂકી જાય તો આબરૂ જાય તેથી અમેરિકા સામે વટ બતાવવો જરૂરી છે પણ અમેરિકા સાથેની ટૅરિફ વોરના કારણે થનારા આર્થિક નુકસાનને સરભર કરવા માટે ચીનને ભારત જેવું મોટું બજાર ધરાવતા સાથીની જરૂર છે. આ કારણે જ ચીન ભારતને લટૂડાંપટૂડાં કરી રહ્યું છે.

ભારતનો સાથ મળે તો ચીન અમેરિકા સહિતના કોઈ પણ દેશને પહોંચી વળે તેથી ચીન ગમે તે રીતે ભારત સાથેના સંબંધો સુધારવા મથી રહ્યું છે. તેના ભાગરૂપે ગયા વર્ષે ઓક્ટોબરમાં ચીને કરાર કરીને ડેમચોક અને દેપસાંગમાંથી પોતાના સૈનિકો પાછળ હટાવી લીધા હતા. એ પછી આર્થિક સહકાર માટે હાથ લંબાવ્યો અને હવે કૈલાશ માનસરોવર યાત્રાને મંજૂરીનો પાસો ફેંકી દીધો છે.

ચીને ભારત સાથે સંબંધો સુધારવા માટે ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવા પણ તૈયારી બતાવી છે. બંને દેશો વચ્ચેની સીધી ફ્લાઇટ સેવા પણ 2020 થી બંધ હતી. ભારત અને ચીન વચ્ચે જૂન 2020માં ડોકલામ વિવાદ થયો હતો. એ પહેલાં માર્ચ 2019માં કોવિડની પહેલી લહેર આવી ત્યારે ભારતે તમામ વિદેશી ફ્લાઈટ્સ બંધ કરી દીધી હતી. એ વખતે ચીનથી સીધી ફ્લાઈટ્સ પણ બંધ કરી દેવાયેલી પણ પછી ડોકલામ વિવાદ થતાં ફલાઈટ્સ શરૂ જ ના થઈ.

કોરોના પહેલાં બંને દેશો વચ્ચે દર મહિને 539 સીધી ફ્લાઇટ્સ હતી અને 1.25 લાખથી વધુ મુસાફરો અવરજવર કરતા. એર ઇન્ડિયા, ચાઇના સધર્ન એરલાઇન્સ, ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ જેવી કંપનીઓની ફ્લાઈટ ચાલતી પણ ફ્લાઇટ બંધ થતાં બંને દેશોના મુસાફરો વાયા બાંગ્લાદેશ, હોંગકોંગ, થાઇલેન્ડ અને સિંગાપોર જેવા કનેક્ટિંગ હબ દ્વારા આવનજાવન કરતા હતા. સ્વાભાવિક રીતે જ આ યાત્રા મોંઘી પડતી તેથી આ નિર્ણય પણ ભારતને ફાયદાકારક સાબિત થશે.

ચીનનો ભારત સાથેનો ટ્રેક રેકોર્ડ બહુ વખાણવા જેવો નથી પણ ડોનલ્ડ ટ્રમ્પના કારણે ચીન ખરેખર ભીંસમાં છે. આ કારણે આ વખતે ચીન ભારત સાથેના સંબંધો મજબૂત કરવા દિલથી પ્રયત્ન કરે એવી પૂરી શક્યતા છે.

આપણ વાંચો:  તંદુરસ્તી-મનદુરસ્તી : રાજયોગ પદ્ધતિસરનો સાધનમાર્ગ છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button