
ભારતે અંતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને બે વર્ષમાં બીજો વર્લ્ડકપ પોતાના નામે કર્યો. દુબઈમાં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂ ઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને બસો બાવન રનનો ટાર્ગેટ આપ્યો હતો ને થોડા ચડાવઉતાર પછી ભારતે 49 ઓવરના અંતે 6 વિકેટે આ સ્કોર ચેઝ કરીને ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી. આ પહેલાં ભારત 2013માં ઈંગ્લેન્ડ સામે ફાઈનલમાં જીતીને ચેમ્પિયન્સ ટ્રોફીનું ચેમ્પિયન બનેલું એ જોતાં 12 વર્ષ પછી ફરી ચેમ્પિયન્સ ટ્રોફી પર ભારતનો કબજો થયો છે.
ભારત છેલ્લે રમાયેલી 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પણ પહોંચેલું પણ પાકિસ્તાન સામે ભારતના ક્રિકેટ ઈતિહાસનો સૌથી ખરાબ પરાજય મેળવીને આપણે ધોયેલા મૂળા જેવા પાછા આવેલા. રોહિત શર્માની ટીમે આ વખતે એ ઈતિહાસનું પુનરાવર્તન ના થવા દીધું. સામાન્ય રીતે આવી મોટી મેચ હોય ત્યારે રોહિત શર્માનું ઘોડું દોડતું નથી પણ રોહિત શર્માએ આ વખતે એ ઈતિહાસનું પુનરાવર્તન પણ ના થવા દીધું અને ટીમ વતી હાઈએસ્ટ 76 રન ફટકારીને ભારતની જીતનો પાયો નાખ્યો.
અલબત્ત રોહિતે બેજવાબદારીભર્યા શોટ ફટકારીને આઉટ થવાની પરંપરા જાળવી. રોહિત શર્મા 83 બોલમાં 76 રન બનાવીને જામી ગયેલો હતો ત્યારે જ રચિન રવીન્દ્રના બોલ પર આગળ વધીને સિક્સ મારવા ગયો પણ બોલ ચૂકી જતાં વિકેટકીપર લાથમે તેનું સ્ટમ્પિંગ કરીને આઉટ કર્યો. આ હીરોગીરી બતાવવાની જરાય જરૂર નહોતી કેમ કે શુભમન ગિલ 31 રન બનાવીને અને વિરાટ કોહલી 1 રન બનાવીને આઉટ થઈ ગયેલા તેથી ભારત દબાણમાં હતું જ. રોહિત શર્મા આઉટ થયો પછી શ્રેયસ અય્યર અને અક્ષર પટેલ દબાણમાં આવી જ ગયેલા. એ વખતે રન રેટ ધીમો પડી જ ગયેલો પણ છેલ્લે કે. એલ. રાહુલે ધમાધમી કરીને એ દબાણ ઘટાડી દીધું તેમાં આપણે જીતી ગયા.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ચેમ્પિયનની જેમ રમ્યું એ સ્વીકારવું પડ્યું. ફાઈનલમાં વિરાટ કોહલી એક રન બનાવીને આઉટ થયો પણ એ સિવાય કોહલી શાનદાર રમ્યો. પાકિસ્તાન સામે સદી અને ઓસ્ટ્રેલિયા સામેની સેમી ફાઈનલમાં ચેઝ કરતી વખતે 84 રન કરીને કોહલીએ પોતે સાવ પતી ગયો નથી એ સાબિત કર્યું. ફાઈનલમાં કોહલીને માઈકલ બ્રેસવેલે એલબડીડબલ્યુ આઉટ કર્યો પછી વિરાટે ડીઆરએસ લીધો હતો. તેમાં વિરાટને શંકાનો લાભ મળી શકે તેમ હતો પણ થર્ડ અમ્પાયરે નિર્ણય બદલ્યો નહીં તેથી વિરાટ માટે ફાઈનલ નિરાશાજનક રહી પણ એકંદરે વિરાટ માટે ટૂર્નામેન્ટ સંતોષકારક છે. જો કે સરપ્રાઈઝ પેકેજ કે. એલ. રાહુલ છે. રાહુલને વારંવાર ઓપનિંગમાં મોકલાયેલો પણ માથે પડેલો. હવે તેની પાસે વિકેટકીપિંગ કરીને છઠ્ઠા નંબરે બેટિંગ કરવા ઉતારાય છે તો રાહુલ ખિલ્યો છે. ભવિષ્યમાં ફરી તેને ઓપનિંગમાં મોકલવાની લાલચ રાખવાના બદલે આ જ રીતે રમવા દેવાય તો સારું છે.
ક્રિકેટમાં જીતનો યશ બેટ્સમેનને વધારે અપાય છે તેથી રોહિત શર્મા, વિરાટ કોહલી, રાહુલ વગેરેની બેટિંગની વધારે ચર્ચા છે પણ ભારત ચેમ્પિયન બન્યું તેનો અસલી યશ બોલરોને જાય છે. વધારે મહત્ત્વની વાત એ છે કે, જસપ્રિત બૂમરાહની ગેરહાજરીમાં આપણે જીત્યા છીએ. મોહમ્મદ શમીએ જબરદસ્ત કમબેક કર્યું અને હાર્દિક પંડ્યાએ પોતાની મર્યાદિત ક્ષમતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને ટુ હંટ્રેડ પર્સન્ટ યોગદાન આપ્યું. દુબઈની સ્પિનરોને મદદ કરતી પિચો પર વરૂણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ કમાલ કરી દીધી. અક્ષર, હાર્દિક અને જાડેજા એ ત્રણ ગુજરાતી તો બોલિંગ અને બેટિંગ બંનેમાં ચાલે છે એ મોટો ફાયદો છે.
ભારતે આ જીત સાથે આઈસીસી ટૂર્નામેન્ટ્સમાં ન્યૂ ઝીલેન્ડ સામે હારનો સિલસિલો પણ રોક્યો છે. બાકી અત્યાર સુધી ન્યૂ ઝીલેન્ડ જ ભારતને ભારે પડતું હતું. ભારત અને ન્યૂ ઝીલેન્ડ વન ડે મેચોના વર્લ્ડ કપ, ટી-20 વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટકરાયાં તેમાં ન્યૂ ઝીલેન્ડ જ જીતતું રહ્યું છે. ભારત અને ન્યૂ ઝીલેન્ડ વન ડે વર્લ્ડ કપમાં દસ વખત ટકરાયાં છે ને તેમાંથી ન્યૂ ઝીલેન્ડે પાંચ મેચ જીતી છે ડ્યારે ભારતે ચાર જીત મેળવી છે.
એક મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું. ભારતે મેળવેલી જીતમાંથી બે જીત તો 1987ના વર્લ્ડકપની છે તેથી છેલ્લાં કેટલાંક વરસોમાં તો ન્યૂ ઝીલેન્ડ જ આપણા પર હાવી રહ્યું છે.
ન્યૂ ઝીલેન્ડે 2019 ની સેમિફાઇનલમાં ભારતને 18 રનથી હરાવ્યું હતું એ તો એવી હાર છે કે જેને ક્રિકેટ ચાહકો કદી નહીં ભૂલે કેમ કે આપણે 231 રનનો સાવ સામાન્ય સ્કોર ચેઝ નહોતા કરી શક્યા. ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂ ઝીલેન્ડની ટીમ ત્રણ વખત ટકરાઈ છે અને ન્યૂ ઝીલેન્ડે ત્રણેય મુકાબલા જીત્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત અને ન્યૂ ઝીલેન્ડે પાંચ મેચ રમી છે ને તેમાંથી ન્યૂ ઝીલેન્ડે ત્રણ વખત જીત મેળવી છે જ્યારે ભારતે એક જીત મેળવી હતી અને એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 2021ની ફાઇનલમાં કેન વિલિયમસનની જબરદસ્ત બેટિંગના કારણે આપણે હારી ગયેલા.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ન્યૂ ઝીલેન્ડ 2000ની ફાઈનલમાં ટકરાયાં હતાં. ભારતે 50 ઓવરમાં 264 રનનો એ જમાના પ્રમામે જબરદસ્ત સ્કોર ખડકેલો ને સૌરવ ગાંગુલીએ તોફાની બેટિંગ કરીને 117 રન ફટકારેલા. સચિને પણ 69 રન કરેલા ને બંનેએ 141 રનની પાર્ટનરશિપ કરીને જોરદાર શરૂઆત કરેલી. ન્યૂ ઝીલેન્ડે 132 રનમાં 5ાંચ વિકેટ ગુમાવી ત્યારે તેમની હાર નિશ્ર્ચિત લાગતી હતી પણ ક્રિસ કેઈન્સે તોફાની બેટિંગ કરીને 113 બોલમાં અણનમ 102 રન કર્યા અને ક્રિસ હેરિસે 46 રન કરીને મક્કમ બેટિંગ કરીને તેને સાથ આપીને ભારત પાસેથી મેચ આંચકી લીધેલી. આ રીયલ થ્રીલર મેચમાં બે બોલ બાકી હતા ત્યારે ન્યૂ ઝીલેન્ડ જીતીને ચેમ્પિયન બન્યું.
યોગાનુયોગ 2025ની ચેમ્પિયન ટ્રોફી ફાઈનલ પણ તેના રી-રન જેવી જ થઈ. સારી શરૂઆત પછી ન્યૂ ઝીલેન્ડ જબરદસ્ત સ્કોર ના બનાવી શક્યું ને ભારત પણ વચ્ચેના ગાળામાં ઉપરાછાપરી વિકેટો ગુમાવ્યા પછી શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કે.એલ. રાહુલ, હાર્દિક પંડ્યાની જોરદાર બેટિંગના કારણે જીતી ગયું. ન્યૂ ઝીલેન્ડ પણ 4 વિકેટે જીત્યું હતું ને ભારત પણ 4 વિકેટે જીત્યું છે. ન્યૂ ઝીલેન્ડ 2 બોલ બાકી હતા ને જીતેલું, ભારત 6 બોલ બાકી હતા ત્યારે જીત્યું છે.
ભારતે 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીની જીત પછી લાંબો સમય મોટી ટૂર્નામેન્ટ જીતવા માટે રાહ જોવી પડેલી ને હવે જીત મળી ત્યારે એક સાથે બે ટૂર્નામેન્ટ ભારતે જીતી છે. 2024માં ટી-20 વર્લ્ડકપ અને હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીતના કારણે ભારતના દિવસો ફરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
આશા રાખીએ કે, ટીમ ઈન્ડિયા આ ટેમ્પો જાળવે ને હવે પછીનાં વરસોમાં દરેક મોટી સ્પર્ધા જીતે.