તરોતાઝા

ઉત્તમ ભારતીય નાસ્તા

આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા

સાનંદાશ્ર્ચર્ય! ભારતીય ખાણું વિશ્વપ્રિય થઇ રહ્યું છે. ભારતીય વ્યજંન વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ અને પૌષ્ટિકતાથી ભરેલાં છે. ફકત સ્વાદ અને મસાલા છે એવું નહીં વિટામિન્સ ખનિજ તત્ત્વ અને હિમોગ્લોબીનથી શરીરને ભરી દે છે. જે આપણને સ્વસ્થ રાખવા માટે અનુકૂળ છે. સવારના નાસ્તા જે ભારતીય છે તે સ્વાસ્થ્ય જાળવવાનો સુખદ માર્ગ છે. ભારતીય પદ્ધતિ પ્રમાણે ખાદ્ય-પદાર્થના ઘટકોનું મિશ્રણ શક્તિશાળી છે. જે ઊર્જા પ્રદાન કરે છે અને માનસિક રીતે તરોતાજા કે ખુશ રાખે છે. જે વિદેશીઓ ભારતીય પડોશથી નાખુશ હતાં તે હવે ભારતીય પડોશને ઝંખે છે. જો ભારતીય પડોશ સાથે મિત્રતા હશે તો જીવનભર ઉત્તમ પ્રકારનું ખાણું મળતું રહેશે. શિયાળાની ઋતુમાં શરીરને સ્વસ્થ રાખવા માટે અનેક વ્યંજનો છે. પર્યટન સ્થળો પર પણ મજેદાર નાસ્તાઓ આ શિયાળાની ઋતુમાં મળી રહે છે. સ્વાદ સુગંધ અને પોષણથી ભરપૂર નાસ્તો ભારતીય જ હોઇ શકે. વિદેશી બ્રેડ-બટરમાં કોઇ સુગંધ પોષણ નહીવત્ છે.

શિયાળાની ઋતુઓમાં નાસ્તાની વિવિધતા દરેક રાજયમાં જોવા મળે છે. સુખદ ઠંડા વાતાવરણમાં હલકી વરાળ નીકળતા નાસ્તાઓની યાદી બહુ મોટી છે. જે શરીરને ઊર્જા પ્રદાન કરે છે. કાશ્મીરથી શરૂઆત કરી એ તો કાશ્મીરી કાવા અને શીરમલ રોટી જે કેસર, મેવાથી ભરપૂર બન્ને વ્યંજન છે. કાશ્મીર, પંજાબ, હિમાચલમાં બનતી ગાજર-બીટની કાંજી જે લોહતત્ત્વથી ભરપૂર છે. જે સવારના નાસ્તામાં પીવાય છે. જે એક ઉત્તમ પ્રો-બાયોટીક છે જે વિટામિન-બીથી ભરપૂર છે. પંજાબમાં મકાઇની વાનગીઓ ભરપૂર છે. જેમાં મકાઇનો ઉપમા જે ખાટી છાસ નાખી બનાવાય છે. હરિયાણામાં સવારના બાજરાની આલુ રોટી અને ચંદનબથુઆ ભાથુનું રાયતું બનાવી ખવાય છે. જે દિવસભર ઊર્જા આપે છે. તેમ જ શરીરને અનોખી મજબૂતી પ્રદાન કરે છે. ચંદનબથુઆ ભાજી શિયાળાની ભાજી છે જે શરીરના ઝેરીલા તત્ત્વોને બહાર કાઢી નાખે છે.

છત્તીસગઢ એ વ્યંજનનો ગઢ છે. જે વાંસના અથાણા સાથે છિલકા રોટી, વિવિધ પ્રકારની કાંજીઓ અને અનોખી ચટણીઓનો નાસ્તો કરે છે. મેઘાલય જે ઘેરા જંગલોથી ઘેરાયેલું છે. ત્યાં થેથરી, ગુલગુલે, ચોસેલા અરેસા ચિલા ફારા, ખુરમી જેવા મીઠા અને ખારા વ્યંજનોનો નાસ્તો લે છે. બિહારના લીટી ચોખા અને થેકૂઆ જેવા વ્યંજનોનો નાસ્તો બને છે. જે બિહારને મજબૂત ઊર્જાથી ભરી દે છે. મણિપુરમાં અરોમ્બા જે બાફેલા અને છૂંદેલા શાકભાજીથી બને છે. જે વિટામિન્સથી ભરપૂર છે. રાજસ્થાનમાં બનતી રાબ જે બાજરા અને ઘઉંના લોટને શેકી તેમાં દૂધ અને મરી નાખી બનાવાય આનો સ્વાદ ચહા-કોફીના સ્વાદથી અનેક ઘણો આનંદદાયક છે અને જે ઠંડીની મોસમા શક્તિશાળી પીણું છે, તેમ જ બાજરાની રોટલી પર માખણ નાખી ખાય છે. મકાઇની ઘાટ બનાવી આનો ઉપયોગ નાસ્તામાં થાય છે. આ પણ એક ઉત્તમ પ્રો. બાયોટીક છે.

ગુજરાતની વાત અનોખી અનેક પ્રકારના નાસ્તા જે વિશ્વમાં મોટી ખ્યાતિ પામ્યા છે. વિવિધ પ્રકારની રાબ જેમ કે ગુંદરની, બાજરાની, ચોખાની, અસેરિયા રાબો પીવાય છે. સાથે સેવ-ખમણી, થેપલા, ખાખરા, બાજરાના લોટના ઢેબરા, અડદિયા જે વસાણાથી ભરપૂર છે.

આંધ્ર પ્રદેશ અને તેલગણાંમાં ચૂનો અને ટમેટાનું મિશ્રણ કરી અથાણું અને ઢોસા કે અપ્પમ બનાવી નાસ્તામાં લે છે. બીજા અન્ય અથાણાં અવકાયા, મગાયા પણ અનોખા અથાણાં છે. સોરેલના પાનમાંથી બનાવેલું ગોગૂરા નામનું અથાણું ખૂબ ખવાય છે. ઓડિશામાં છૂંદેલા બટાટાનું આલુ ભર્તા અને પખાલા જે દહીંમાં અલગ અલગ જાતના શાકભાજી અને રાંધેલા ભાત નાખી ખવાય છે. આ પણ ઉચ્ચ પ્રકારનું પ્રોબાયોટીક છે. આખા દિવસની ઊર્જા શરીરને આપે છે. કેરલામાં ઇલીયપ્મ, ફૂટ જેવી વાનગી સાથે ગુલાબ સફરજનનું અથાણું ખવાય છે.જેને ચંબાક્કા કહેવાય છે. આ ઉત્તર ભારતના ઘણાં રાજ્યોમાં પણ સફરજનનું અથાણું બનાવાય છે. આ અથાણું વિટામિન-બીની કમીને દૂર કરે છે. પણ ઓર્ગેનિક અને પારંપારિક રીતથી બનવું જરૂરી છે.

ભારતના હૃદય સમા રાજય એટલે મધ્ય પ્રદેશ જયાં પૌઆ પ્રસિદ્ધ છે. મહારાષ્ટ્રમાં પણ કાંદાપૌઆ અને ગુજરાતમાં બટેકા પૌઆ બને છે. જે એક આદર્શ નાસ્તો છે. આની ઘણીય વિવિધતા છે. વટાણા પૌઆ, દહીં પૌઆ, તરી પૌઆ (જે એક પ્રકારની ખાટી-તીખી- મીઠી રસવાળી તરી છે). પૌઆ એ કેલ્શિયમ રીચ નાસ્તો છે. પૌઆ આર્યન સામગ્રીથી સમૃદ્ધ છે. જે રક્તકોશિકાઓને તંદુરસ્ત રાખે છે. વિટામિન બી-1થી ભરપૂર છે. જે લોહીમાં ખાંડના સ્તરને કંટ્રોલ કરે છે. પાચનની બીમારીથી પીડાતા લોકો માટે પૌઆ ઉત્તમ આહાર છે. પ્રોટીનથી સમૃદ્ધ છે. જે સ્નાયુના સમારકામ માટે ઉપયોગી છે. દહીં સાથે પૌઆ હાડકાંને મજબૂત બનાવે છે. ઝડપથી તૈયાર થતો નાસ્તો છે. સ્વાદિષ્ટ હળવા નાસ્તા તરીકે આ ઉત્તમ છે. ઘણીયે જાતના પૌઆ મળે છે પાતળા, જાડા, દગડી સુગંધિત પૌઆ લગભગ બધે જ મળે છે. ઉપમા ઘણીય પ્રકારના બને છે. જે રવો, બાજરાનો રવો, મકાઇનો રવો, વર્મીસેવ ચોખાની કણકીથી બને છે. જે જલદી તૈયાર થઇ જાય છે. ચટણી અને દહીં સાથે લઇ શકાય છે.

ભારતીય નાસ્તા એ ઉત્તમ સાબિત થયા છે. જે વિશ્વ પ્રસિદ્ધ થયા છે જે આપણા માટે ગર્વની વાત છે. વિશ્વ આને સહજતાથી અપનાવી રહ્યું છે. ઇડલી-ઢોસા જે દુનિયાના બધા જ ખૂણે બને છે. સ્વાસ્થયને ખરાબ કરતાં બ્રેડ-બટર જામ, મેગી, નુડલ્સ, પાસ્તા સોસ, બિસ્કિટ નો ઉપયોગ સદંતર બંધ કરવો. આ અખાદ્ય પદાર્થમાં કોઇ ન્યૂટ્રીશન, વેલ્યુ નથી. શરીરનો ગ્લાયકેસેમિક ઇન્ડેકસને વધારી ખરાબી પેદા કરે છે. વિવિધ પ્રકારની બીમારીનો ઉદ્ભવ કરે છે. આપણાં ભારતીય વ્યંજનના નાસ્તા જે સરળતાથી બને છે. શરીરને પોષણ પૂરું પાડે છે તે અપનાવા જરૂરી છે. હજુ ઘણાં પ્રકારના નાસ્તા કે વ્યંજન વિસરાઇ ગયા છે, તેની યાદી પણ લાંબી છે. આ વિસરાઇ ગયેલાં વ્યંજન ‘લોસ રેસીપી’ નામની સિરિયલમાં જોઇ શકાય છે. જે વડીલોએ આપણને વ્યંજનનો આ વારસો આપ્યો છે તેને ‘નમન.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button