તરોતાઝા

જીવનસંધ્યાએ જ્યારે જીવનસાથીનો સાથ છૂટી જાય…

ગૌરવ મશરૂવાળા

જીવનનું કડવું સત્ય એ છે કે જીવનસાથીનો સાથ છૂટી ગયા પછી એકલું પણ રહેવું પડતું હોય છે. જીવનનું અભિન્ન અંગ બની ગયેલ સાથી જ્યારે અવસાન પામે ત્યારે એમના વગર રહેવું ઘણું આકરું પડતું હોય છે. જેમને જીવન-મરણના કોલ આપ્યા હોય એ વ્યક્તિને યમરાજનું તેડું આવી જાય ત્યારે વસમું લાગે છે. લોકો કહે છે કે વિધુર કરતાં વિધવા આ સ્થિતિને વધુ સારી રીતે સંભાળી લે છે. આ વાત કેટલા અંશે સાચી છે એની મને ખબર નથી, પણ મારું માનવું છે કે કદાચ મહિલાઓ પરંપરાગત રીતે ઘરની તમામ જવાબદારીઓ સ્વીકારી લેતી હોવાથી તેઓ પોતાના કામમાં વ્યસ્ત રહે છે અને ઘર જ એમનું વિશ્ર્વ હોય છે. પરિવારજનો વચ્ચે રહીને એ પોતાનું દુ:ખ વધુ સારી રીતે સહન કરી લે છે.

બીજી તરફ, પુરુષો મોટા ભાગનો સમય ઘરની બહાર ગાળતા હોય છે. ઘરની બહાર પણ એમનું એક આગવું વિશ્ર્વ હોય છે. નિવૃત્તિ પછી એ વિશ્ર્વ સંકોચાવા માંડે છે. દરેક નિવૃત્ત પુરુષની સાથે આવું બનતું હોય છે. એવામાં જો પત્નીનો સાથ છૂટી જાય તો એ બીજું મોટું પરિવર્તન હોય છે. આ બન્ને ઘટનાનો આઘાત સહન કરવાનું ઘણું મુશ્કેલ બની જાય છે. જોકે, મેં એવા પણ પુરુષો જોયા છે જે આ સ્થિતિને સહેલાઈથી-સહજતાથી સ્વીકારી લે છે.

પુરુષ હોય કે સ્ત્રી, જીવનસાથીથી વિખૂટાં પડી ગયાનો વિચાર સતત મગજમાં ચાલતો રહેવો જોઈએ નહીં, કારણ કે એવું થાય તો મન અંદરથી કોતરાતું રહે છે અને માણસ પોતાની જ દયા ખાવા લાગે છે. જે વ્યક્તિ હંમેશાં દયામણી સ્થિતિમાં રહેતી હોય એની સાથે રહેવાનું કોઈને ગમતું નથી. લોકો મોઢા પર એ વાત કહેશે નહીં, પણ તમારી અવગણના કરવા લાગશે. આવી રીતે વધુ ને વધુ લોકો તમારાથી વિમુખ થઈ જાય ત્યારે પોતાની દયા ખાવાની સ્થિતિ વધુ વકરવા લાગે છે.

આ પ્રકારનો માનસિક આઘાત ઘણો વસમો હોય છે, પરંતુ આપણે ખુદ જાણીએ છીએ તેમ આ દરેકે સામનો કરવો પડતો હોય છે. સદ્નસીબે ભારતમાં પરિવારજનો, મિત્રો અને સમાજ તરફથી ઘણો સધિયારો મળતો હોય છે. વડીલો માટે આ સ્થિતિ આશીર્વાદ સમાન હોય છે. ઘણી વાર આ બાબત વડીલોના લક્ષમાં આવતી નથી. તમે ક્યાંક જતા હો ત્યારે રસ્તામાં પાડોશીનો દીકરો તમારા ખબરઅંતર પૂછવા ઊભો રહે અને તમારા મિત્રની દીકરી તમને સ્માર્ટ ફોનનાં બધાં ફીચર વાપરવાનું શીખવે એવું ભારતમાં બને છે અને એ ઘણું સારું કહેવાય.તમારા બિલ્ડિંગનો યુવાન વૉચમૅન પહેલાં કદાચ તમને પૂરતું માન આપતો ન હોય, પરંતુ જો તમારી નિવૃત્તિ પછીના સમયમાં તમારા માટે ટૅક્સી બોલાવી લાવે, તમારી પાસેથી વજનદાર થેલી પોતે ઊંચકી લે અથવા તો તમારી જૂની ઑફિસનો ચપરાસી તમારાં બિલ ભરી આવે એ બધી વાત પણ તમારા પ્રત્યેનો એમનો સ્નેહભાવ અને આદરભાવ વ્યક્ત કરે છે. ઘણા દેશોમાં આવી સહાય પણ કોઈ કરતું નથી. આવા લોકોની કદર કરવી. ક્યારેક એમનું વર્તન તમને અજૂગતું લાગે, પરંતુ એ સ્થિતિનો પણ તમારે સ્વીકાર કરવો રહ્યો.

જો તમે પરિવાર, મિત્રો કે સામાજિક વર્તુળના લોકો સાથે લાગણીના સંબંધો રાખશો તો તમે સૌની સાથે બંધાયેલા રહેશો. વડીલો કે નિવૃત્ત વ્યક્તિઓ કઈ રીતે સામાજિક યોગદાન આપી શકે છે એ વિશે આપણે આ કોલમમાં અગાઉ વાત કરી છે. જનસેવા એ જ પ્રભુસેવા કહેવાય છે એ વાત આપણે નાનપણથી સાંભળતાં આવ્યા છીએ. તમે જેટલા પ્રભુની વધુ સમીપ જશો એટલી જ વધુ માનસિક શાંતિ પામશો. અહીં એક નિવૃત્ત શિક્ષિકા કોકિલાબહેનનો દાખલો જોઈએ. એમનો પરિવાર અમેરિકામાં સ્થાયી થયો છે. એ પોતે ત્યાં જવા માગતાં નથી. એમણે અનાથાલયમાં સેવા આપવાનો નિર્ણય લીધો છે. એ બધા સાથે હળીમળી જાય છે. આંખોમાં ચમક સાથે એ કહે છે, ‘મારાં હવે ઘણાં બધાં સંતાનો છે.’

આ જ રીતે મિસ્ટર થોમસ ઝેવિયર વાયએમસીએ (યંગ મેન્સ ક્રિશ્ર્ચન્સ ઍસોસિયેશન)માં અડધો દિવસ સેવા આપે છે. મોટી ઉંમરે બીજા લગ્નનું ચલણ ભારતમાં હજી શરૂ થયું નથી. તમારો પરિવાર તો શું, સમાજ પણ તેના માટે હજીય તૈયાર થયો નથી. માણસ એકલો પડે ત્યારે સમાજ એને સધિયારો આપે છે. આથી એ વિશે સમજી-વિચારીને પગલું ભરવાનું હોય છે. જીવનની કડવી વાસ્તવિકતા એ છે કે તમને જ્યારે સૌથી વધારે જરૂર હોય એવા વખતે જ, તમારા જીવનભરના સાથી કહો કે મિત્ર કહો, તમને છોડીને જતા રહે છે. આવા સમયે એમનાં સંભારણાં જ તમને આધાર આપી શકે છે. હા, પણ એને પોતાની દયા ખાવાનું નિમિત્ત બનાવવાં નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button