તરોતાઝા

પેશાબ જરા પણ રોકતા નહી, ભૈસાબ !

વિશેષ -રેખા દેશરાજ

વધુ વરસાદ અને વધુ ઠંડીમાં રહી રહીને પેશાબ આવતો હોય છે. આવા સંજોગોમાં ઘણા લોકો ખાસ કરીને મહિલાઓ પેશાબ કરવા જવામાં આળસ કરતી હોય છે અને લાંબા સમય સુધી રોકી રાખે છે. કેટલાક યુવાનો પણ આવું કરતા હોય છે, પરંતુ ડૉક્ટરો કહે છે કે ન તો ક્યારેય પેશાબના વેગને રોકવો જોઇએ કે ન તો ક્યારે પેશાબ લાગે તો કરવામાં મોડું કરવું જોઇએ, નહીંતર ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધી તકલીફો ઊભી થઇ શકે છે, જેમ કે,
-આના કારણે મૂત્રાશય પર દબાણ વધે છે

  • કિડનીમાં પથરી બનવા લાગે છે
  • મૂત્રમાર્ગમાં ચેપ અર્થાત્ યૂટીઆઇ થઇ
    શકે છે
  • શરીરમાં બૅક્ટેરિયા વધી જવાની આશંકા વધે છે. વરસાદના દિવસોમાં આવું સૌથી વધુ થાય છે કારણ કે આ દિવસોમાં બૅક્ટેરિયાનું સંક્રમણ ઘણું ઝડપથી થાય છે. જો વરસાદના દિવસોમાં પેશાબ રોકવામાં આવે તો પેશાબ જોડે લોહી આવવાની સમસ્યા પણ થઇ શકે છે.

જો તમે એ દેખાડવાની કોશિશ કરતા હોવ કે તમારામાં પેશાબ રોકી રાખવાની ક્ષમતા છે તો એવી તાકાત ન દેખાડો. આનાથી તો લેવાના દેવા પડી શકે છે. લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાથી મૂત્રાશય પર ભાર વધી શકે છે. ઘણી વાર તો એ બંધ પણ પડી શકે છે. આનાથી શરીરની પૂરી વ્યવસ્થા પર ખરાબ અસર પડી શકે છે. પેશાબ રોકવો એટલે એક રીતે આપણી
કિડનીઓ સાથે ખરાબ રમત રમવી. કારણ કે એમ કરવાથી કિડની સંબંધિત અનેક બીમારીઓ થઇ શકે છે.

ક્યારેક કોઇ એવી મુશ્કેલ ઘડી આવે કે પેશાબ રોકવો મજબૂરી બની જાય તો એકાદ વાર આવું કરી શકો છે, પરંતુ નિયમિતરૂપે આવું કરવું બિલકુલ યોગ્ય નથી. આનાથી પેશાબથી ચેપ વધવાની આશંકા બની રહે છે. મૂત્રમાર્ગમાં બળતરા થઇ શકે છે. પેશાબમાં બદબૂ વધી શકે છે. વાસ્તવમાં તો મૂત્ર એ શરીરમાંથી ફિલ્ટર કરી દીધેલું ખરાબ પાણી જ છે, જેને બની શકે એટલું જલદી શરીરની બહાર કરી દેવું જોઇએ. વધુ સમય મૂત્રને શરીરમાં રોકી રાખવાથી આ ફિલ્ટર પ્રોસેસ ખરાબ થઇ જાય છે.

કેટલાક લોકો કોઇ પણ કારણ વિના આદતવશ પેશાબ રોકી રાખે છે. આવું કરવાથી પેટ અને પીઠના નીચલા ભાગો અને પાંસળીઓમાં દર્દ થઇ શકે છે. વધુ વાર પેશાબ રોકી રાખવાથી મૂત્રાશયની દીવાલો પણ નબળી પડી જાય છે. જેનાથી બ્લેડર ખરાબ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. પેશાબમાં યૂરિક ઍસિડ અને કૅલ્શિયમ ઓક્ઝલેટ નામક મિનરલ્સ હોવાથી જો પેશાબ વધુ વાર રોકી દેવાય તો પથરીમાં પરિણમી શકે એમ છે.

કેટલીક વાર ઘણા લોકોને જલદી જલદી પેશાબ કરવાની તલબ લાગે છે. જો આવું સામાન્ય દિવસો કરતાં વધુ થાય તો આપણે સચેત થઇ જવું
જોઇએ અને કોઇ મૂત્રરોગ વિશેષજ્ઞને મળી લેવું જોઇએ.

એક ઉંમર પછી ચાહે મહિલા હોય કે પુરુષ, તેમને જલદી જલદી પેશાબ આવવા લાગે છે. આ ફક્ત તેમની શારીરિક સમસ્યાને કારણે જ નથી થતું, પણ ક્યારેક આનું કારણ બગડતું જતું પર્યાવરણ પણ હોઇ શકે છે. વારંવાર પેશાબ આવવાનાં અનેક કારણો છે અને દરેક કારણોનો સંબંધ કયાંકને કયાંક શરીરના આરોગ્ય સાથે છે. એટલે આ બાબતે લાપરવાહ ન રહેતાં તુરંત નિષ્ણાત ડૉક્ટરને મળવું જોઇએ. મોટે ભાગે પેશાબની સમસ્યા શરૂઆતમાં તો નાની અમથી હોય છે, પણ લગાતાર એની ઉપેક્ષા કરવાથી તે સમસ્યા વકરી શકે છે. જે સિનિયર સિટીઝનોને વરસાદ કે ઠંડીના દિવસોમાં દિવસ દરમ્યાન ૧૦થી ૧૫ વાર પેશાબ કરવા જવું પડે છે તો એ તેમની અંદર ઝડપથી વિકસી રહેલી કોઇ બીમારીનું લક્ષણ હોઇ શકે. એટલે જ્યારે પણ આવી હાલત થાય એને હળવાશથી ન લેતાં અને ખુદ ડૉક્ટર ન બનતાં કોઇ સારા ડૉક્ટરને દેખાડવું જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button