આરતી કરો, ગરબે ધૂમો, સ્વસ્થ રહો
વિશેષ -મુકેશ પંડયા
જાપાનના નિષ્ણાત ડાક્ટરોના કહેવા મુજબ દરરોજ સવાર સાંજ પંદર મિનિટ માત્ર તાળીઓ પાડવાથી શરીરને સ્વસ્થ રાખી શકાય છે. હવે જરા ભારતની પ્રાચીન કાળની વાત કરીએ જે સમયથી સવાર સાંજ તાળીઓ પાડીને આરતી કરવાનો રિવાજ ચાલતો આવ્યો છે. આપણા ઋષિમુનિઓ કેટલા વૈજ્ઞાનિક હશે જેમણે રોજ તાળીઓ પાડીને આરતી કરવાની સુંદર ઉપયોગી પ્રથા આપણને ભેટમાં આપી. આજની એક્યુપ્રેશર ચિકિત્સા પદ્ધતિ પણ જણાવે છે કે આપણા બેઉ હાથના પંજાઓમાં આખા શરીરને જોડતા કેન્દ્રબિન્દુઓ આવેલી છે જેના પર દબાણ આપવાથી શરીરના પ્રત્યેક અંગોને એનર્જી મળે છે. આરતી દરમ્યાન બે હાથની તાળીઓ
પાડવાથી પૂરા શરીરમાં શક્તિનો સંચાર થાય છે. જોકે આપણને આપણા સનાતન ધર્મનુ જ જ્ઞાન નથી એટલે રોજ તો શુ નવરાત્રિ દરમ્યાન પણ આપણા યુવાનો આરતીમાં ભાગ લેતા નથી. (જેમણે આરતી ગાવામાં ભાગ લીધો હોય એ અમને જણાવે).
આરતી ઉતારવા જે ધીનો દીવો પ્રકટાવાય છે તે પણ વાતાવરણમાં રહેલા હાનિકારક જંતુઓને દૂર કરી તન-મનને શુદ્ધ રાખે છે. ગઈ કાલે આઠમને નિમિત્તે જે હવન યજ્ઞ થયા તેનો મૂળ ઉદેશ પણ વાતાવરણને શુદ્ધ કરવાનો જ છે. વળી આ હવનમાં ગાયનું ધી, છાણ, ચોખા, જવ, તલ, સાકર, નાળિયેર, અને અનેક ઓષધિયુક્ત સમિધને હોમી જે વાયુ ઉત્પન્ન કરવામાં આવે છે તે પણ શરીરને નિરોગી અને મનને પ્રફુલ્લિત રાખવામાં મહત્વનો ફાળો ભજવે છે.
જે રીતે હાથમાં અંગોને રિચાર્જ કરતા કેન્દ્રો છે તે જ રીતે પગમાં પણ આવા કેન્દ્ર મોજુદ છે એટલે પગને ઠેકા દઈને ગરબા રમવા પણ એક ઉત્તમ શક્તિ પ્રાપ્ત કરાવતી કસરત જ છે. ટૂંકમાં તાળીઓ પાડીને ગરબા રમવાથી શરીરને ભરપૂર પ્રમાણમાં શક્તિ મળે છે. આથી જ નવરાત્રિને શક્તિપર્વ તરીકે ઉજવવામાં આવે છે.
શરદ ઋતુમાં ગરબા રમવાથી બીજા પણ અનેક ફાયદા થાય છે. આ ઋતુમાં દિવસે ગરમી વધવાથી શરીરમાં ગરમીનો વધારો અને પિત્તનો પ્રકોપ થાય છે. શરીરમાં વધેલા પિત્ત બીમારી ઊભી કરે એ પહેલા એને ગરબા રમીને શરીરની બહાર કાઢી શકાય છે. જે રીતે ર્વાશિંગ મશીન ગોળ ગોળ ફરે અને તેમાં રહેલા કપડાંનો મેલ બહાર ફેંકાઈ જાય એ જ રીતે રાત્રે ગોળ ગોળ ફરીને ગરબે
ધૂમવાથી પરસેવો વધારાના પિત્તદ્રવ્યો સાથે લઈને શરીરની બહાર ફેંકાય છે. આટલું જ નહીં આ પરસેવા દ્વારા શરીરમાં સંચિત થયેલા વિષદ્રવ્યો પણ બહાર ફેંકાય છે જેથી શરીર હળવાશ અનુભવે છે. શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે. આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.