તરોતાઝા

વેર-વિખેર પ્રકરણ -૫

છાપાનાં મથાળાં કેવાં હશે ? જાણીતા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ જગમોહન દીવાને ઉંદર મારવાની દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું. નહીં… નહીં… પોતાનું મૃત્યુ પણ નામના પ્રમાણે મોભાદાર હોવું જોઈએ. આમ ઉંદરન મોતે કંઈ મરાય ? લોકો એના પ્રત્યે સહાનુભૂતિ દેખાડવાને બદલે એની ઠેકડી ઉડાડે!

કિરણ રાયવડેરા

‘અચ્છા માય ડિયર કબીર, મને એક વાત સમજાવ. તેં સવારના ચાર વાગ્યે કોલકાતામાં વધતા જતા સ્યૂસાઈડના કેસની ચર્ચા કરવા ફકર્યો હતો?’ આટલી તંગદિલી વચ્ચે પણ જગમોહને હળવી શૈલીમાં વાત કરવાનો પ્રયાસ કર્યો.

‘સોરી, સોરી જગ્ગે, રિટાયર્ડ પોલીસ ઑફિસર છું એટલે ઘરડા વાંદરાની જેમ ક્યારેક હું પણ ગુલાંટ મારી લઉં છું અને ક્રાઈમ, ગુનાખોરી, હત્યા, આત્મહત્યાની વાત કરી લઉં છું પણ ખરું પૂછને તો ડિસોઝા સાથે વાત થઈને ત્યારથી જ તારી ચિંતા થઈ આવી. અચાનક ડર લાગ્યો કે તું કોઈ મુસીબતમાં ફસાઈ નથી ગયો ને? બસ એટલે થયું વાત કરી લઉં. આજે તારી સાથે વાત કરી એટલે સંતોષ થઈ ગયો. ચાલ ડીયર, આવતા મહિને સાથે ચિક્કાર ચિયર્સ -દારૂ ને ધમાલ- મસ્તી… ઓકે? ટેક કેર.’
જગમોહન કંઈ પણ જવાબ આપે એ પહેલાં જ કબીરે લાઈન કાપી નાખી.

જગમોહન સૂનમૂન થઈ ગયો.

કબીરનો અવાજ એણે છેલ્લીવાર સાંભળ્યો હતો. ઠંડી નિષ્ઠુરતાથી ટ્રેન જાણે પ્લેટફોર્મ છોડીને આગળ નીકળી ચૂકી હતી. હાથ હલાવતાં મિત્રની આકૃતિ ધૂંધળી થતી જતી હતી
જગમોહને મન પર છવાતા જતા ઉદાસીના બોજને જાણે ધક્કો મારીને ખસેડ્યો.

આ કબીર પણ કમાલનો માણસ છે. મને પૂછે છે કે આ સુખી માણસો આપઘાત કેમ કરતા હશે?

અરે, સુખી કોને કહેવાય?

જેને ઈશ્ર્વરે બધું આપ્યું હોય એને સુખી કહેવાય? કે પછી જેની બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ હોય અને બીજી કોઈ અપેક્ષા ન બચી હોય એને?

કદાચ સુખી એને કહેવાય જેની પાસે બધું હોવા ઉપરાંત જીવન જીવવાનું એક સબળ કારણ હોય.

જગમોહન દીવાન પાસે એવું કોઈ કારણ નહોતું, એવો કોઈ ઉદ્દેશ્ય ન હતો. એ કંટાળી ગયો હતો. એકલા જીવવાની તાકાત હતી, પણ એકલા જીવવાનો આનંદ ન હતો.

આમેય જિંદગી એકલા રમવાની રમત નથી. જેની સાથે દિવસ-રાત રહેતા હો એમની સાથે મળીને-માણીને રમવાની રમત છે.

પણ હવે એણે થાકીને, હારીને, કંટાળીને પોતાનાં પાનાં ફેંકી દીધાં હતાં. હવે નથી રમવું એવું એણે નક્કી કરી નાખ્યું હતું.

અને કબીર… છેલ્લે છેલ્લે આ જૂનો મિત્ર ક્યાંથી મારા મજબૂત ઈરાદામાં પંક્ચર પાડવા આવી ચડ્યો. હા, પણ કાલે એને કોલકાતા
આવવું પડશે ત્યારે કેવું દુ:ખ થશે કે મેં એને મારા પ્લાન વિશે ગંધ પણ ન આવવા દીધી.

જગમોહને પેન ઉપાડી સામે પડેલી ડાયરીના પાના પર અક્ષરો માંડયાં :
‘પ્રિય કબીર,’
જગમોહને લખવાનું શરૂ કર્યું.

‘તું જ્યારે આ ડાયરી વાંચીશ ત્યારે હું આ દુનિયામાં નહીં હોઉં. કારણ નહીં પૂછતો કે મેં શા માટે સ્વેચ્છાએ મરી જવાનું પસંદ કર્યું! ઉતાવળે કોઈ એવું પણ જજમેન્ટ ન બાંધી લે તો કે હું નબળો નીકળ્યો. તને ખબર છે કે કોઈ નબળો-કમજોર કહી જાય એ મને બિલકુલ પસંદ નથી. જીવનથી મોઢું ફેરવી લેવું એ કાયરતા હશે,પણ બીજી તરફ, કદાચ, પણ મોતને ગળે લગાડવું એ પણ ઓછી મર્દાનગીનું કામ નથી, દોસ્ત. જેટલી શાનથી જીવ્યો છું એટલા જ દબદબાથી મરવાની ઈચ્છા છે. જ્યારે જિંદગી મોત જેવી અર્થહીન થઈ જાય ત્યારે મૃત્યુને ભેટવું જ વધુ ઉચિત ગણાશે એવું માનીને આ પગલું ભર્યું છે. મારા મરણ બાદ મારા કુટુંબીજનોને કોઈ કનડગત કે અગવડ ન વેઠવી પડે એનું ધ્યાન રાખજે.

અને હા, દોસ્ત, હવે આવતે જન્મે મળશું ત્યારે ખૂબ ખૂબ સાથે ચિયર્સ કરશું ને ધમાલ પણ મચાવશું.’

  • બાય… તારો જગ્ગે’
    સહી કર્યા બાદ એણે આંસુને ખાળવા આંખો બંધ કરી લીધી પણ આંખના ખૂણાથી ઊભરાઈને ટીપાં નીચે પાના પર પડ્યાં.
    કબીર ઘણી વાર કહેતો – ‘તારું મગજ ઉદ્યોગપતિનું છે પણ હૃદય કવિનું છે!’ ‘તું નસીબનો સાંઢ છે… તારા જેવો કોમળ માણસ વ્યવસાય કેવી રીતે કરી શક્યો એ એક નવાઈ છે. તારા જેવો સોફ્ટ માણસ તો ક્યાંક મ્યુઝિકનો ટિચર હોય કે પછી કોઈ ક્ધયાને ચિત્રકળા શીખવતો હોય.’ આ કબીર જ એનો એક મિત્ર હતો જે એને ધારે એ એને મોઢે કહી શકતો.

પણ આ જ જગમોહન દીવાન જ્યારે પોતાની વિશાળ ઑફિસમાં દાખલ થતો અને ચેર પર ગોઠવાતો ત્યારે એનો રુવાબ બદલાઈ જતો. જાણે કોઈ દૈવીશક્તિ એના બિઝનેસનો દોરીસંચાર કરત અને કોઈ પણ જટિલ સમસ્યાનો ઉકેલ પળભરમાં લાવી આપતી. જગમોહનને ખુદને આશ્ર્ચર્ય થતું, પણ ત્યારે એ ફક્ત સામે દીવાલ પર લાગેલાં મા-બાપનાં તોતિંગ તૈલચિત્રોને આંખોથી નમન કરી લેતો. નસીબની વાત નીક્ળે તો જગમોહન હંમેશાં કહેતો – ‘તમારું નસીબ પ્લાસ્ટર ઑફ પેરિસનો લોંદો છે. તમે તમારી આવડત પ્રમાણે ઈચ્છો એ આકાર આપી શકો.’

એની ખુરશી પાછળની દીવાલમાં જગમોહને પોતાના પિતાનું વાક્ય કોતરાવ્યું હતું-
‘તમારી સફળતા કે નિષ્ફળતા તમારા વિચારો તેમ જ કાર્યને આભારી છે.’

કેટલું સરળ પણ સચોટ વાક્ય!

આજે જગમોહને મરવાનો નિર્ણય કર્યો એમાં એનું નસીબ ક્યાંથી વચ્ચે આવે? એ નિર્ણય સાચો કે ખોટો, પણ સંપૂર્ણપણે એનો ખુદનો જ છે.
જગમોહને ઘડિયાળ સામે જોયું.

પોણા પાંચ વાગી ગયા હતા. એ બાલ્કની પાસે આવ્યો. હવામાં પરોઢની ઝાકળયુક્ત ઠંડીનો ચમકારો હતો. એના ગાલ ભીના થઈ ગયા. ડાબી બાજુ પૂર્વ દિશા લાલચોળ થવા માંડી હતી. પક્ષીઓ અર્ધગોળાકાર આકૃતિ બનાવીને આકાશમાં ઊડી રહ્યાં હતાં. નિશાળનાં બાળકોનો કિલકિલાટ અને પક્ષીઓના કલશોર વચ્ચે જગમોહનને હંમેશાં ગજબનું સામ્ય લાગ્યું હતું.
એના જીવનની આ છેલ્લી સવાર હતી…

એણે વરંડાની નીચે નજર કરી. ત્રણ માળની ઊંચાઈ બહુ ન ગણાય. અહીંથી કૂદી જાય તો માણસ મરે કે નહીં? એણે નીચે જોયું. મરી પણ શકે અને બચી પણ જાય કદાચ અહીંથી છલાંગ માર્યા પછી જીવ ન જાય તો? તો તો કમર કે પગનાં હાડકાં તૂટે. હોસ્પિટલમાં પાટાપિંડી કરેલી હાલતમાં પગ લટકાવીને કઢંગું સૂવું પડે. એટલું જ નહીં, ખબરઅંતર પૂછવા આવેલા મુલાકાતીઓ જતી વખતે જાણે હસતા હોય: આટલો મોટો ઉદ્યોગપતિ, પણ વરંડામાં ઊભા રહેતાં નથી આવડતું! કદાચ ખાનગીમાં કોઈ એવી પણ કોમેન્ટ કર્રે : દીવાનસરે ક્દાચ રાતે બે-ત્રણ પેગ વધુ ઠપકાર્યા હશે..!
ના, બાલ્કનીથી ન કુદાય. મરી જવાની કોઈ જ ગેરેન્ટી નથી અને બચી જવાનું જોખમ છે.

-તો પછી શું માર્ગ અકસ્માતમાં – કોઈ વાહનની હડફેટમાં આવીને મરી જવું? જગમોહનની સામે એક્સિડેન્ટમાં કચડાયેલી લાશનો ચહેરો તરવરવા માંડ્યો.

ધત્… મરવાની આ કોઈ રીત છે? મર્યા બાદ ચહેરો પણ ન ઓળખી શકાય. લોકોએ માની લેવું પડે કે આ શબ જગમોહન દીવાનનું જ છે.

જગમોહનને પહેલી વાર સમજાયું કે મરવાનો ફૂલપ્રૂફ પ્લાન શોધવો મુશ્કેલ છે. આ વિષયમાં કોઈની સલાહ પણ ન લેવાય. ‘એ ભાઈ, સાંભળો, મરી જવાનો સર્વોત્તમ માર્ગ કયો?’

જગમોહનને અચાનક એક સરળ ઉપાય સૂઝી આવ્યો. કાંડાની ધોરી નસ કાપીને બધું લોહી વહી જવા દઉં તો… આપોઆપ અંત આવી જશે, પણ થોડી જ ક્ષણોમાં જગમોહનને પોતાના જ વિચારોની મૂર્ખતા પર ચીડ ચડી : કેવો નાટકીય અને ફિલ્મી પ્લાન.. લોહી સ્લો મોશનમાં ટપકતું રહે ત્યાં સુધી તો હજારો વિચારો આવી જાય. કદાચ બ્રેકડાઉન પણ થઈ જવાય. લોહી જોઈને નર્વસ થઈને એ બૂમરાણ મચાવી દે તો! લોકો એને તાબડતોબ હોસ્પિટલમાં ભરતી કરી દે.

આમેય મરતા માણસને બચાવી લેવામાં લોકોને વધુ ઉત્સાહ -આનંદ આવે છે, પણ એ જ માણસને મોતના દ્વાર સુધી પહોંચાડી દેવામાં કોઈ પાછું વળીને જોતું નથી.
ના, મરવું તો એવી રીતે જોઈએ કે એક ઘા અને બે કટકા. કંઈ પણ વિચારવાનો અવકાશ જ ન રહે. પાંચ-દસ સેક્ધડમાં જ ખેલ ખતમ!

ઝેર – પોટેશિયમ સાઈનાઈડઈન્સ્ટંટ મોત માટે બેસ્ટ !

જગમોહનને પોતાના જ વિચાર પર હસવું આવ્યું : પણ આવું ઝેર તાત્કાલિક લાવવું કયાંથી ?

જગમોહનને અચાનક બાથરૂમમાં રાખેલી ઉંદર મારવાની દવા યાદ આવી.

એણે વાંચ્યું હતું કે આવી દવા પીવાથી તાત્કાલિક મૃત્યુ નીપજે એ ખરું, પણ પછી છાપાનાં મથાળાં કેવાં હશે ?

જાણીતા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ જગમોહન દીવાને ઉંદર મારવાની દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું. નહીં આવાં રીતે મોતને નોતરવામ્માં જગમોહનની જાણે ડિગ્નિટી નથી જળવાતી. મૃત્યુ પણ મોભાદાર હોવું જોઈએ. આમ ઉંદરન મોતે કંઈ મરાય ? લોકો એના પ્રત્યે સહાનુભૂતિ દેખાડવાને બદલે એની ઠેકડી ઉડાડે.

અચાનક એના દિમાગમાં બત્તી થઈ.

જગમોહને બાલ્કનીની રેલિંગ પર મુઠ્ઠી પછાડી : અત્યાર સુધી કેમ ન સૂઝ્યું?

એક રાજવીના અંદાજથી, શાહી છટાથી, એના સામાજિક મોભાને અનુરૂપ સ્ટાઇલથીન હવે મરી શકાશે.

જગમોહન દીવાન વોર્ડરોબ પાસે આવ્યો. ડ્રોઅરમાંથી એણે જર્મન મેકની રિવોલ્વર કાઢી. સાથે સાઇલેન્સર પણ કાઢ્યું. એણે નાજુક હથિયારને હાથમાં રમાડ્યું. હવે બરાબર. એક ધડાકો અને પછી શાંતિ… હંમેશ માટે…

જગમોહનને યાદ આવ્યું . એ ગન ખરીદી પછી એણે એક વાર જ રિવોલ્વરનો ઉપયોગ કર્યો હતો.

એક વાર મિત્રો સાથે જીપમાં શિકાર કરવા ગયો હતો. જવાની ઈચ્છા નહોતી, પણ યાર-દોસ્તો સામે ઝૂકવું પડ્યું. રસ્તામાં મિત્રોએ એને એક સસલા પર નિશાન તાકવા કહ્યું.

જગમોહન સસલા પાછળ દોડ્યો. એણે નવી રિવોલ્વરથી નિશાન તાક્યું. એના મિત્રો એને જોઈ શકે તેમ નહોતા.

જગમોહનને અચરજ થયું કે સસલું પણ એની સામે ટગરટગર જોઈ રહ્યું છે. એને ડર કેમ નથી લાગતો? સસલાને પ
ણ કદાચ ખબર હતી કે જગમોહન એના પર ગોળી નહીં છોડે.

માણસ આવા નિર્દોષ પ્રાણીને કારણ વગર કેમ મારી નાખતા હશે? એવો વિચાર આવતા જગમોહને ત્યારે હવામાં ગોળી છોડી હતી. એના મિત્રો સમજ્યા
હતા કે જગમોહન નિશાન ચૂક્યો હતો. એ ઘડી ને આજનો દિ.. જગમોહને એ રિવોલ્વરને વાપરી નહોતી.

ઘણી વાર એણે ગનને ડ્રોઅરમાંથી કાઢીને હાથમાં લીધી હતી. પછી એક બાળકની જેમ હાથમાં ગનને રમાડવામાં આનંદ લેતા. . ઘણી વાર આદમકદના અરીસા સામે જેમ્સ બોન્ડની સ્ટાઈલથી જુદા જુદા પોઝમાં નિશાન તાકવાની એને મઝા પડતી. પછી પોતાની જ હરકત પર એ લજાઈ જતો. કોઈ જોઈ નથી ગયું ને એની ચોકસાઈ પણ એ કરી લેતો.

આજે એ જ રિવોલ્વર એણે ફરી કાઢી હતી. આજે એની વરસોની ઈચ્છા પૂરી થઈ જશે. જોકે, દરેક હથિયાર વપરાયા પહેલાં જેટલું આકર્ષક લાગે એ જ એક વાર વપરાયા બાદ એના પર લોહીના ડાઘ લાગી જાય ત્યરે ભયજનક લાગવા માંડે છે.

સવારના નવ વાગ્યે જગમોહન રિવોલ્વરને પોતાના લમણા પર મૂકશે અને પછી ટ્રિગર દબાવશે. સાઈલેન્સર લગાડેલું હશે એટલે બહુ અવાજ નહીં આવે અને જગમોહન દીવાન ઢળી પડશે.
એણે છેલ્લી નજર ગન પર ફેંકી અને ધીરેથી વોર્ડરોબના ડ્રોઅરમાં રાખવા ગયો.

ત્યાં જ રિવોલ્વર એના હાથમાંથી છટકી અને એ વજનદાર હથિયાર ફર્શ પર
પડતાં અવાજ થયો. પ્રભા ઝબકીને જાગી ગઈ :
‘આ શું માંડ્યું છે? સવારના બંદૂક લઈને કોનું ખૂન કરવા નીકળ્યા છો? આત્મહત્યા કરવાનો વિચાર કરતા હો તો માંડી વાળજો.
જૂની રિવોલ્વર છે. વપરાઈ નથી એટલે કદાચ એનો ઘોડો જામ થઈ ગયો હશે તો કામ અધૂરું રહી જશે!’
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button