તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
આ પદ્ધતિથી અને આ દષ્ટિકોણથી પ્રણવોપાસના કરવામાં આવે તો સાધકનો ધ્યાનાવસ્થામાં પ્રવેશ થાય છે.
(૪) પ્રણવ-પ્રાણાયામ-ગાયત્રીમંત્ર દ્વારા ધ્યાન
આ સાધનામાં પ્રણવ, પ્રાણાયામ અને ગાયત્રીમંત્રનો સમન્વય કરવામાં આવેલ છે. આ સમન્વિત સાધના ઘણી કઠિન અને ઉચ્ચ કોટિની સાધના છે, તેથી પ્રારંભ કરનાર નવા સાધક માટે આ સાધના નથી. જેમણે પ્રણવ, પ્રણાયામ અને ગાયત્રીની ઉપાસના અલગઅલગ કરીને ત્રણે સાધનાઓને હસ્તગત કરી હોય તેઓ જ આ સમન્વિત સાધના કરી શકે છે. આ સાધના કઠિન છે તેટલી જ તીવ્ર અને સમર્થ પણ છે અને તેવી જોખમી પણ છે, તેથી ઉતાવળ કે આંધળુકિયાં કરવાં નહીં.
પદ્ધતિ નીચે પ્રમાણે છે:
(૧) પૂરક કરો. પૂરક સાથે એક ગાયત્રીમંત્રનો માનસજપ કરો
(૨) કુંભક કરો. કુંભક દરમિયાન ચાર ગાયત્રીમંત્રનો માનસજપ કરો.
(૩) રેચક કરો રેચક સાથે પ્રણવનાદનું ઉચ્ચારણ કરો. તે સાથે બે ગાયત્રીમંત્રનો માનસજપ કરો.
આ રીતે યથાશક્તિ અનેક આવર્તન કરો.
આ સાધના ઘણી સમર્થ સાધના છે અને આ સાધકને ઉચ્ચતર ભૂમિકાએ પહોંચાડી દે છે.
(૫) ધારણા દ્વારા ધ્યાન:
देशबन्धश्चित्तस्य धारणा !यो. सू. ૩-૧
- “ધારણા એટલે ચિત્તનું કોઇ એક દેશવિશેષમાં સ્થિર રહેવું.
આધુનિક મનોવિજ્ઞાનનો એવો મત છે કે મન કોઇ એક વિષય પર થોડી ક્ષણોથી વધુ વખત સ્થિર રહી શકતું નથી. મન સતત ગતિમાન જ રહે છે. એક જ વિષય પર એકાગ્ર લાગતું મન વાસ્તવમાં તે વિષયનાં ભિન્નભિન્ન અંગો કે પાસાંઓ પર બદલાતું રહે છે. પરંતુ યૌગિક મનોવિજ્ઞાન સ્પષ્ટ રીતે કહે છે કે યોગાભ્યાસથી પરિશુદ્ધ ચિત્ત અભ્યાસ દ્વારા લાંબા સમય સુધી એક જ વિષય પર એકાગ્ર રહી શકે છે. બંને મતમાં ભિન્નતાનું કારણ એ છે કે આધુનિક મન સામાનય મનના સામાન્ય સ્વરૂપ વિશે કહે છે, પરંતુ યૌગિક મનોવિજ્ઞાન યોગીના ચિત્તના વિશિષ્ટ સ્વરૂપ વિશે કહે છે; તેથી પ્રથમ દષ્ટિએ જણાતો વિરોધ વસ્તુત: વિરોધ નથી. આમ યૌગિ દષ્ટિકોણથી ચિત્તનું એક જ વિષય પર લાંચા સમય સુધી એકાગ્ર થવું શક્ય છે, અર્થાત્ ધારણા શક્ય છે.
ધારણાના વિષયો પાંચ સ્વરૂપના હોય છે:
(૧) બાહ્ય વિષયો – મૂર્તિ, ચિત્ર, ઓમકાર વગેરે.
(૨) મનોમન વિષયો – બાહ્ય વિષયોની સૂક્ષ્મ મનોમય પ્રતિમા.
(૩) પોતાના શરીરના ભાગ પર – નાસાગ્ર, ભ્રૂમધ્ય વગેરે.
(૪) શરીરાન્તર્વર્તી- હ્રદય, આજ્ઞાચક્ર વગેરે.
(૫) અતીન્દ્રિય અનુભવો – નાદશ્રવણ, જ્યોતિદર્શન, દિવ્ય સ્પર્શ વગેરે.
ધારણા બે પ્રકારની હોય છે- કરેલી ધારણા અને થયેલી ધારણા. કરેલી ધારણામાં ધારણા અર્થાત્ એકાગ્રતાની સંકલ્પ હોય છે અને પ્રયત્ન હોય છે. થયેલી ધારણા આપમેળે થાય છે. પ્રાણાયામ, જપ આદિ સાધના દ્વારા સાધકને નાદશ્રવણ, જયોતિદર્શન, આંતરિક સ્પર્શ કે એવો કોઇ અનુભવ થાય છે. આમ બને ત્યારે સાધકનું ચિત્ત આપોઆપ જ તેમાં સ્થિર થાય છે. કરેલી ધારણા કરતાં આ થયેલી ધારણા ચડિયાતી છે, કારણ કે તેમાં આવાસ નથી.
ભગવત્પ્રેમને પરિણામે ભક્તની ભગવદ્વિગ્રહ પર જે ધારણા થાય છે તે પણ થયેલી ધારણા છે અને તેથી ઉત્તમ ધારણા છે.
तत्र प्रत्ययैकतानता ध्यानम् !यो. सू.: ૩-૨
“તે જ વિષયમાં પ્રત્યયનું એકધારાપણું એટલે ધ્યાન.
ધારણા માટે પસંદ કરેલા વિષય પર ચિત્તના પ્રત્યયની એકતાનતા સિદ્ધ થાય એટલે તે અવસ્થાને ધ્યાન કહે છે.
ધ્યાનની આ વ્યાખ્યા સમજવા માટે ‘પ્રત્યય’ શબ્દનો અર્થ સમજ્વો આવશ્યક છે. ‘પ્રત્યય’ પારિભાષિક શબ્દ છે. કોઇ પણ વિષયનું જ્ઞાનેન્દ્રિય દ્વારા આકલન થતાં ચિત્તમાં તદ્વિષયક વ્યાપાર થાય છે. આ વ્યાપારને પ્રત્યય કહે છે. જ્ઞાનેન્દ્રિય દ્વારા આકલન થતાં ચિત્તમાં તદ્વિષયક વ્યાપાર થાય છે. આ વ્યાપારને પ્રત્યય કહે છે. જ્ઞાનેન્દ્રિય બાહ્ય વ્યાપાર વિના ચિત્તના સંસ્કારને કારણે ચિત્તમાં તદ્વિષયક વ્યાપાર થાય તો તે પણ પ્રત્યેય (સૂક્ષ્મ પ્રત્યય) ગણાય છે.
ધારણા દરમિયાન આ પ્રત્યયની ધારા અંખડ નથી. અન્ય વિષયના પ્રત્યયો ચિત્તમાં કંઇક અંશે બાધારૂપ બને છે. અલબત્ત, ધારણામાં પણ ચિત્ત મહદંશે તો એક જ વિષયમાં બંધાયેલું રહે છે. પરંતુ તેમાં પ્રત્યયની એકતાનતા સિદ્ધ થઇ હોતી નથી. જ્યારે ચિત્તના પ્રત્યયની ધારા એક જ વિષયમાં તૈલધારાવત્ અખંડ સ્વરૂપે વહેવા માંડે ત્યારે તે અવસ્થાને ‘ધ્યાન’ કહે છે. ધારણામાં પ્રત્યયની એકતાનતા માટેનો પ્રયત્ન છે. ધ્યાનમાં તે સિદ્ધ થાય છે.
ધારણા જ વિકસીને ધ્યાન બને છે.
(૬) વૃત્તિનિરોધ દ્વારા ધ્યાન:
જાગ્રતાવસ્થામાં આપણા ચિત્તમાં વૃત્તિઓની ધારા લગભગ અખંડ સ્વરૂપે વહેતી રહે છે. આ વૃત્તિઓની ધારાને રોકવામાં આવે તો ચિત્ત તરત ધ્યાનાવસ્થામાં પ્રવેશી શકે છે.
પરંતુ વૃત્તિઓની ધારાને બંધ કરવી કેમ? ચિત્તવૃત્તિઓની ધારા આપણી સંમતિથી જ ચાલે છે અને આપણી સંમતિ વિના તરત બંધ પડી જાય છે. ચિત્ત કોનું છે? આપણું જ. ચિત્તની વૃત્તિઓની ધારા કોણ ચાલુ રાખે છે? આપણે જ ચાલુ રાખીએ છીએ. તેથી ચિત્તવૃત્તિઓનો નિરોધ પણ આપણે જ કરવાનો છે. જેમ આપણે ચિત્તવૃત્તિઓનો પ્રવાહ ચાલુ રાખીએ છીએ તેમ આપણે તેને બંધ પણ કરી શકીએ છીએ. સાધક પોતાની ઇચ્છાથી, પોતાના સંકલ્પથી, પોતાના પ્રયત્નથી ચિત્તવૃત્તિઓના પ્રવાહને રોકી શકે છે. આવશ્યક છે તે માટેની તાલાવેલી – ઝંખના.
સાધક પોતાની સંનિષ્ઠાના બળથી ચિત્તના આ અખંડ વહેતા પ્રવાહને રોકે છે. વૃત્તિઓનો આ પ્રવાહ બંધ થતાં જ સાધકનો ધ્યાનમાં અનાયાસે પ્રવેશ થાય છે. ચિત્તવૃત્તિઓનો નિરોધ તે જ યોગ છે.
જ્ઞાનપરક ધ્યાનપદ્ધતિઓ:જ્ઞાનયોગનો પ્રધાન સિદ્ધાંત છે- અદ્વૈત. જીવ અને બ્રહ્મ તત્ત્વત: એક જ છે. સાધક અને સાધ્ય વસ્તુત: એક જ છે. આપણે જેને પામવા ઝંખીએ છીએ તે તો આપણું સ્વરૂપ છે. માત્ર અજ્ઞાનને કારણે – અવિદ્યાને કારણે દ્વૈત ભાસે છે. તેથી દ્વૈતનું નિરાકરણ અને અદ્વૈતની સિદ્ધિ જ્ઞાનયોગનું પરમ અભીષ્ટ છે. આ અભીષ્ટની સિદ્ધિ માટે જ્ઞાનપથમાં પણ અનેકવિધ ધ્યાનપદ્ધતિઓ યોજવામાં આવી છે.
(૧) નિદિધ્યાસન:
શ્રવણ, મનન અને નિદિધ્યાસન વેદાંતનો અર્થાત્ વેદાંતપ્રણીત જ્ઞાનપથનો રાજમાર્ગ છે.