ડેન્ગ્યુ

આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
ડેન્ગ્યુનાં લક્ષણ:
* માથામાં દુ:ખાવો, શરીરમાં કળતર, બેચેની તથા અશક્તિ થવી, સ્નાયુ અને સાંધાઓમાં દુ:ખાવો થવો, આંખો દુ:ખવી, ઊલટી, ઊબકા આવવા.
* પેટમાં દુ:ખાવો થવો અને ઝાડા થવા.
* ચામડી ઉપર લાલાશપડતા ટપકાંવાળા રેસા થવા.
ડેન્ગ્યુ થવાનાં કારણ:
ડેન્ગ્યુના વાઈરસનો ચેપ લાગેલું મચ્છર જ્યારે વ્યક્તિને કરડે ત્યારે ડેન્ગ્યુનો તાવ આવે છે.
ડેન્ગ્યુમાં આહાર:
* સાતથી દસ દિવસ સુધી અનાજ બંધ કરી માત્ર ફ્રૂટ જ્યૂસ, લીંબુ અને નાળિયેરનું પાણી વગેરે પ્રવાહી પર જ રહેવું.
* પપૈયું અને પપૈયાનાં પાનનો જ્યૂસ આ રોગનો અકસીર ઈલાજ છે.
* બાફેલી વસ્તુ, લીલાં શાકભાજી અને ફ્રૂટ લેવાં.
* ગળ્યાં, તળેલાં, ખાટાં અને તીખા પદાર્થો ન લેવા.
ડેન્ગ્યુના ઉપચાર:
1) અડધો કપ પપૈયાનાં પાનનો રસ કાઢી કપડાથી ગાળીને પીવો.
2) 1 કપ પાણીમાં અડધી ચમચી મેથીના દાણા નાખીને અડધો કપ પાણી રહે ત્યાં સુધી ઉકાળીને ગાળી લેવું. આવું પાણી દિવસમાં 3 વાર પીવું.
3) લીમડાનાં પાનના રસમાં 1 ગ્રામ મરીનું ચૂર્ણ મેળવી સવાર-સાંજ પીવું.
4) 2 કપ પાણીમાં તુલસીનાં 20 પાન તથા 5 નંગ મરી 5 મિનિટ સુધી ઉકાળી, તેને ગાળી દિવસમાં બે વાર પીવું અથવા તુલસીના પાનને ચાવવાથી પણ ડેન્ગ્યુની ગરમી ઘટે છે.
5) 20 ગ્રામ કડુ, 20 ગ્રામ કરિયાતું અને 1 ચમચી ખાંડેલા મરી 1 કપ પાણીમાં ઉકાળીને ગાળીને દિવસમાં 2 વાર સવાર-સાંજ પીવું.
સાવધાની
ડેન્ગ્યુનો ફેલાવો કરતા મચ્છરો વધુ પ્રમાણમાં સ્વચ્છ પાણીમાં જ રહેતા હોય છે. માટે પાણી ભરેલાં વાસણો, ટાંકી, કૂંડાં વગેરે ખુલ્લાં ન રાખવાં.
* ડેન્ગ્યુના દર્દીએ સંપૂર્ણપણે પથારીમાં આરામ કરવો, જેથી બીમારી વધુ ગંભીર થતી અટકાવી શકાય.
* ડેન્ગ્યુના દર્દીને સમૂહમાં ન રાખતા અલગ રાખવો.
* દર્દીએ તથા પરિવારના અન્ય સભ્યોએ મચ્છરથી દૂર રહેવું. જેથી ડેન્ગ્યુનો ચેપ બીજાને ન લાગે.
*શક્ય હોય તેટલું ઠંડા વાતાવરણમાં રહેવું. કેમ કે એવા વાતાવરણમાં મચ્છરો ઓછા હોય છે.
* ડેન્ગ્યુના મચ્છરો રાત્રિ કરતાં દિવસે, પરોઢિયે તથા સંધ્યા સમયે વધારે હોય છે. તેથી તે સમયે બહાર ઓછું રહેવું.
કમળોનો કોપ
આયુર્વેદની દૃષ્ટિએ કમળો એ પિત્તદોષની વિકૃતિ છે. સામાન્ય રીતે લિવર જ બિલિરૂબિન (એક પ્રકારનું પિત્ત)ને લોહીમાંથી મળ કે પેશાબ દ્વારે બહાર કાઢી નાખે છે, પરંતુ કમળા દરમ્યાન બિલિરૂબિન લોહીની અંદર જ રહે છે, તેથી ચામડીનો રંગ પીળાશવાળો થઈ જાય છે.
લક્ષણ
* આંખો તથા શરીરની ચામડીનો રંગ પીળાશ પડતો થવો.
* જમ્યા પછી ઊલટી-ઊબકા થવા, પેટમાં દુ:ખાવો થવો.
* પેશાબ ઘાટો પીળો થવો અને ઝાડો આછા સફેદ રંગનો થવો.
* અશક્તિ-કમજોરી રહેવી.
*તાવ આવવો, શરીર તૂટવું તથા શરીર પર ખંજવાળ આવવી.
કમળો થવાનાં કારણ:
હીપેટાઈટીસ- A-B-C-D અથવા E – વાઈરસના ચેપથી.
*દારૂના વ્યસનથી, યકૃત પર સોજો આવવાથી.
* પિત્તાશયની પથરી થવાથી અથવા પિત્તવર્ધક આહાર-વિહારથી.
કમળામાં આહાર:
* શરૂઆતમાં હળવો ખોરાક લેવો. તેમાં પણ શક્ય હોય તેટલાં પ્રવાહી ખોરાક વધુ લેવાં. જેથી આંતરડાંને આરામ મળે.
* મેંદાની વાનગીઓ, ગળ્યા તથા તેલ-ઘીયુક્ત પદાર્થોનો સદંતર ત્યાગ રાખવો.
* ફ્રૂટ જ્યૂસ (ગાજર, બીટ વગેરે), મગનું ઓસામણ, સૂપ, નાળિયેરનું પાણી વગેરે લઈ શકાય. વધુ પ્રમાણમાં લીલાં શાકભાજી અને તાંદળજાની ભાજી આહારમાં લેવી. જેથી લોહી શુદ્ધ થાય.
* રોજ સવારે થોડું મીઠું અને મરી નાખીને 1 કપ ટમેટાનો જ્યૂસ પીવો.
* શેકેલા દાળિયા રોજ ગોળ સાથે કે એકલા જમવા.
* દહીં અને છાશ લઈ શકાય, પરંતુ દૂધનો બને ત્યાં સુધી ત્યાગ રાખવો.
* તાવમાંથી રાહત થયા બાદ ધીરે-ધીરે દહીં-ભાત જેવો હળવો ખોરાક લેવાનું શરૂ કરવું.
કમળાના ઉપચાર:
1) સૂર્યોદય પહેલાં પાકેલાં 2 કેળાં 2 ચમચી મધ સાથે લેવાથી કમળામાં ખૂબ જ રાહત થાય છે.
2) શેરડીને ઝાકળમાં રાખી સવારે તેને ચૂસીને ખાવી.
3) રોજ સવારે લીંબુની ચીર ઉપર ખાવાનો સોડા નાખીને ચૂસવી.
4) આદુનો રસ ને ગોળ ભેગાં કરીને ખાવાં.
5) મધ સાથે ગાજરનો રસ પીવો.
6) સૂંઠ અને ગોળ ભેગાં કરીને ખાવાથી કમળામાં રાહત થાય છે.
7) 100થી 200 ગ્રામ દહીંમાં 2થી 4 ગ્રામ પાપડખાર મેળવીને વહેલી સવારે નરણે કોઠે લેવાથી 3 દિવસમાં કમળામાં રાહત થાય છે.
8) અડધો કપ તાંદળજાની ભાજીના રસમાં 1 ચમચી સાકર નાખીને સવાર-સાંજ પીવો.
9) 50 ગ્રામ દહીંમાં 5 ગ્રામ હળદરનું ચૂર્ણ મેળવીને ખાવું.
10) સવારમાં નરણે કોઠે 2 ચમચી મધ તથા લીમડાનાં પાનનો રસ પીવો.
11) દોઢ ગ્રામ સાજીખારની ભૂક્કી, 10 ગ્રામ ગોળમાં મેળવીને રોજ સવાર-સાંજ ખાવી.
12) 5-7 પીપળાના પાનને વાટીને રસ કાઢીને તેમાં 1 ગ્લાસ પાણી અને સાકર ઉમેરી સવાર-સાંજ પીવું.
સાવધાની
* દર્દીએ ખાસ સંપૂર્ણ આરામ કરવો. ભૂલેય કોઈ પણ શારીરિક કે માનસિક શ્રમ કરવો નહિ. થોડોઘણો શ્રમ કરવાથી પણ દવાની કાંઈ અસર થતી નથી.