ફોકસ: લગ્નમાં ભરપેટ જમવાનું જોખમ
-રાજકુમાર દિનકર
મોસમ બદલાય એટલે આપણું બીમાર પડવું પણ સ્વાભાવિક છે. એવામાં જો થોડી સાવચેતી રાખવામાં આવે તો આપણે બીમાર પડતાં બચી શકીએ છીએ. વરસાદની ઋતુમાં વિવિધ રોગચાળો ફાટી નીકળે છે. એથી જો બીમાર ન પડવું હોય તો થોડી તકેદારી તો રાખવી જ રહી. આ તો થઈ વરસાદની વાત પરંતુ લગ્નસરાની ઋતુમાં પણ સમારંભમાં પેટભરીને જમતાં લોકોએ થોડી સાવધાની રાખવી જરૂરી છે.
તળેલા, ગળ્યાં, ઠંડા અને તીખા પદાર્થો પર તૂટી પડતાં લોકોને બાદમાં માંદા પડવાનો વારો આવે છે. એવામાં લગ્નની આ મોસમમાં પોતાને બીમાર પડતાં બચાવવા માટે શું સાવધાની રાખવી એનાં પર એક નજર નાખીએ.
ભૂખ્યા પેટ ન રહેવું
કેટલાંક લોકોને ટેવ હોય છે કે લગ્નમાં પેટ ભરીને જમવાની લાલચમાં આખો દિવસ તેઓ ભૂખ્યા રહે છે. આવું કરવું તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. વધારે ભૂખ લાગવાથી તેઓ પાર્ટીમાં પેટ ભરીને જમે છે. એથી ઘરેથી નીકળતા પહેલા ભલે ઓછું અને હલ્કું ભોજન લેવું જોઈએ. સાવ ભૂખ્યા પેટ તો ન જ રહેવુ જોઈએ.
હલ્કું જમવું
જો પાર્ટીમાં રાતે જવાનું હોય તો હલ્કું લંચ લેવું. લગ્નના દિવસે બપોરે ભોજનમાં ફળ કાં તો સૂપ લઈ શકાય. જે કાંઈ પણ ખાઓ તે પૌષ્ટિક અને હળવો ખોરાક હોવો જોઈએ. એથી રાતે વધારે કેલેરીવાળો ખોરાક લેતા બચી શકીએ.
વધુ ડ્રિન્ક ન કરવું
મૉકટેલ ડ્રિન્કસમાં વધુ કેલેરી હોય છે. હળવો પદાર્થ લેવાના નામે લોકો ફ્રૂટ સલાડ અને મૉકટેલ ડ્રિન્કસ વધારે પ્રમાણમાં લે છે. એના બદલે હળવો ખોરાક લેવો જોઈએ. આલ્કોહોલ ફ્રી મળતો હોવાથી વધારે ડ્રિન્ક ન કરવું, કેમ કે એમાં પણ કેલેરીઝ વધારે હોય છે.
તળેલો ખોરાક ન લેવો
લગ્નમાં તળેલો ખોરાક વધુ પિરસવામાં આવે છે. એથી સ્ટાર્ટર જેટલું શક્ય હોય એટલો ઓછો લેવો, કેમ કે બધા સ્ટાર્ટર્સ તળેલાં હોય છે. બેક્ડ સ્ટાર્ટર્સ સારો વિકલ્પ છે. ગ્રિલ્ડ નૉનવેજ કે પછી ફીશ લઈ શકાય છે. ડિપ્સમાં પણ વધારે પડતી કેલેરીઝ હોય છે. એને બદલે તમે અલગ-અલગ પ્રકારના સલાડ લઈ શકો છો. સલાડમાં મૂળા, ગાજર, કાકડી લઈ શકાય છે.
પાણી, શરબત અને લસ્સી
લગ્નની ઇવેન્ટમાં પાણી, શરબત અને લસ્સી જેવા પીણાં બનાવવામાં અતિશય બરફનો ઉપયોગ કરવામાં આવે છે. એથી એ પીણાં પણ સમજી-વિચારીને પીવા જોઈએ. બજારમાં મળતાં બરફમાં ખરાબ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણને બીમાર કરી શકે છે.
ડિઝર્ટસ
લગ્ન સમારોહમાં ભોજન બાદ મીઠી વાનીઓના ઘણાં પર્યાય હોય છે. કેટલાક લોકો તો થોડા-થોડા સમયમાં વિવિધ મીઠી વાનીઓને ચાખ્યા કરે છે. ચાસણં ડૂબાડેલા રસગુલ્લા હોય કે જલેબી કે પછી ગાજરનો હલવો હોય, રસમલાઈ હોય કે પછી આઇસક્રીમ હોય. લોકો એનાં પર તૂટી પડે છે. એથી ભરપેટ જમીને માંદા ન પડવું હોય તો થોડી પરેજી પાળવી પણ ખૂબ જરૂરી છે.