ફોકસ : મચ્છરોને ભગાડવા શું તમે પણ સળગાવો છો કોઇલ? તો થઈ જાઓ, સાવધાન
-નિધિ શુક્લા
મચ્છરોનો ઉપદ્રવ વધતાં આપણે મોટાભાગે મોસ્કિટો કોઈલ સળગાવીએ છીએ. જેનાં ધુમાડાથી મચ્છરો તો ભાગી જાય છે, પરંતુ એનો ધુમાડો અનેક બીમારીને નોતરે છે. મોસ્કિટો કોઈલ, અગરબત્તી અથવા તો અન્ય રેપ્લિકેન્ટનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, કેમ કે એની સાઇડ-ઇફેક્ટ્સ પણ ઘણી છે. એનાથી જીવનું પણ જોખમ છે.
યુનિવર્સિટી ઑફ સિડનીમાં મોસ્કિટો કોઈલ પર એક રિસર્ચ કરવામાં આવ્યુ હતું. જેમાં જાણવા મળ્યું કે એક કોઈલ સળગાવવાથી સો સિગારેટ સળગાવવા જેટલો ધુમાડો નીકળે છે.
મોસ્કિટો કોઈલ, અગરબત્તી કે લિક્વિડ, ફાસ્ટ કાર્ડમાં પાયરેથ્રિન પેસ્ટીસાઇડ, કાર્બન ફોસ્ફરસ અને ડાઇ ક્લોરો ડાઇફેનાઇલ ટ્રાઇક્લોરોઇથેન જેવા હાનિકારક તત્ત્વો હોય છે. જ્યારે એક બંધ રૂમમાં આવી કોઈલ સળગાવવામાં આવે તો એનો ધૂમાડો બહાર નીકળતો નથી અને આખા રૂમમાં કાર્બન મોનોક્સાઇડ ફેલાઈ જાય છે. એ ધુમાડો એ રૂમમાં સૂતેલા લોકોનાં શરીરમાં પ્રવેશે છે. એનાથી ઑક્સિજનની માત્રા ઘટી જાય છે અને શ્ર્વાસ લેવામાં તકલીફ શરૂ થાય છે. અનેક વખત તો જીવ મુંઝાવાને કારણે વ્યક્તિનું નિધન પણ થાય છે.
દરરોજ કોઇલ સળગાવાથી શું થઈ શકે છે નુકસાન
અસ્થમા, શ્ર્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા જેવી તકલીફો થાય છે. સાથે જ ફેફસાનું કૅન્સર કાં તો ત્વચા સંબંધિત બીમારીઓનું જોખમ રહે છે. મોસ્કિટો કોઈલમાં રહેલો કાર્બન મોનોક્સાઇડ લોહીમાં ભળી જાય છે અને હાર્ટમાં પ્રવેશે છે, જે અતિશય ભયંકર પરિણામો આપી શકે છે. મોસ્કિટો કોઈલને કારણે માથાનો દુખાવો વધી શકે છે. ઊધરસ આવવી અને ઊલટીઓ પણ શરૂ થઈ શકે છે.
એના સ્ટ્રૉન્ગ ધુમાડાને કારણે છીંક આવવી અને ગળાની તકલીફો શરૂ થઈ શકે છે. એ ધુમાડો કપડામાં પેસી જતાં એની વાસ સહેલાઈથી નીકળતી નથી. મોસ્કિટો કોઇલનો ધુમાડો બાળકોના આરોગ્ય માટે પણ જોખમી છે. એથી એને બાળકોથી દૂર રાખવું જોઈએ.
મોસ્કિટો કોઇલમાં રહેલાં ઇનસેક્ટિસાઇડ્સ ઝેરી હોય છે, જો ભારે માત્રામાં એ શરીરની અંદર પ્રવેશે તો એ જીવલેણ સાબિત થઈ શકે છે. આ કેમિકલ પર્યાવરણ માટે પણ જોખમી છે, જે વાયુ પ્રદૂષણ ફેલાવે છે.
મોસ્કિટો કોઈલ જવલનશીલ હોવાથી સરળતાથી આગ પકડે છે. જો એનો સાવચેતીથી ઉપયોગ ન કરવામાં આવે તો પડદાઓ, પેપર અથવા ફર્નિચરમાં આગ લાગી શકે છે. એથી એને આવી વસ્તુઓથી દૂર રાખવું જોઈએ. એથી મોસ્કિટો કોઈલ માનવજાત અને પર્યાવરણને ખાસ્સું નુકસાન પહોંચાડે છે. આ જ કારણ છે કે મચ્છર ભગાડવા માટે કોઈ પર્યાય વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ.