વસંતઋતુમાં કુદરતની નજીક જાઓ, શરીર-મનને નિરોગી બનાવો
વસંત ઋતુમાં સોળે કળાએ ખીલી ઊઠતા પુષ્પો અને પર્ણો માદક સુગંધ સાથે તન-મનને સ્વસ્થ કરી દે તેવા ઔષધીયુક્ત ગુણો પણ ધરાવતા હોય છે
કવર સ્ટોરી – મુકેશ પંડ્યા
પુષ્પમ્ સમર્પયામિ
શહેરની વ્યસ્ત ભાગદોડભરી જિંદગી અને લગ્ન કે પાર્ટીઓમાં બનાવટી ફૂલ જેવા સ્મિતની આપ-લે કરી કંટાળ્યા હોવ તો નજીકના વન-ઉપવનમાં ભ્રમણ કરીને ફૂલો સાથે દોસ્તી કરી લેજો. એ એવા મિત્રો છે જે તમને કદી નિરાશ નહીં કરે. વસંતઋતુ કયા મહિનામાં આવે તે કેટલા યુવાનોને ખબર હશે? મહા સુદ પાંચમ એટલે વસંતપંચમીએ લગ્નો કે શુભપ્રસંગો ઉજવવાનો દિવસ એટલું જ મહત્ત્વ ખાસ કરીને શહેરોમાં રહી ગયું છે. સિમેન્ટ કોંક્રીટનાં જંગલોમાંથી થોડા બહાર નીકળો તો ખબર પડે કે આ દિવસોમાં કેટકેટલાં ફૂલો પોતે ખીલીને તમને ખીલવવા આતુર હોય છે.
કુદરતે વનસ્પતિમાં વિવિધ સ્વાદોના સરોવર રચી દીધાં છે, પણ ફૂલોની રચના કરીને તો જાણે સુગંધનો દરિયો રચી દીધો છે. અત્યારે ફૂલોની ફોરમથી તાજગી અને સ્વાસ્થ્ય વધે એવી એરોમા થેરપીનો વિકાસ થયો છે, પરંતુ આપણાં શાસ્ત્રોએ એ થેરપીને વાર-તહેવારમાં ગૂંથીને અદ્ભુત કાર્ય કર્યું છે. રોજ ભગવાનની પૂજામાં ફૂલ અને ફૂલોના હારનો ઉપયોગ થાય અને આરતીના અંતમાં પુષ્પાંજલિ વખતે પણ ઇષ્ટદેવ પર પુષ્પ તો ચઢાવવાના ખરા જ. આમ ફૂલ વગરની પૂજા અધૂરી જ ગણાય છે. શહેરમાં તમારે ત્યાં ફૂલપડીવાળો એક પડીમાં ફૂલ અને હાર આપી જાય છે, પરંતુ જૂના સમયમાં ગામડામાં પૂજાનો સમય થાય એ પહેલાં હાથમાં પાત્ર લઇને લોકો ફૂલો ચૂંટવા નીકળતા. મોર્નિંગ વૉક અને ફૂલોની સુગંધ ચિકિત્સા એક કામમાં બે કામ થઇ જતાં. માત્ર ભગવાનને જ નહીં, કોઇ પણ મહેમાન, વડીલ કે મહાનુભાવનું સન્માન કરવું હોય તો આપણે ત્યાં ફૂલોનો હાર પહેરાવવાનો રિવાજ છે. તમેં મોંઘાદાટ ફૂલોના બૂકે પ્લાસ્ટિકના કાગળમાં કેદ કરીને આપો છો એ બીજી જ ક્ષણે ખૂણામાં ગોઠવાઇ જાય છે. એની સુગંધનો લાભ મળતો નથી, જ્યારે ફૂલોનો હાર ગળામાં પડયો પડયો મહેકતો રહે છે અને જેનું સન્માન થયું હોય તેના તનમનની તાજગી અને સ્વાસ્થ્યની કાળજી લેતો રહે છે.
સન્માનનીય વ્યક્તિ જેટલી વાર શ્વાસ લે એટલી વાર આ સુગંધનો દરિયો તેના હૈયામાં હિલોળા લેતો રહે છે. ફૂલોની સુગંધ તો દેવોને પણ અતિપ્રિય છે. તો મનુષ્યને પ્રિય હોય તેમાં શું નવાઇ. આપણે ત્યાં કોઇ પણ પ્રસંગ કે તહેવારમાં ફૂલોનાં તોરણ ઘરનાં દ્વાર પર કે મંડપમાં ખાસ લગાડવામાં આવતાં હોય છે. જે વાતાવરણને મહેકતું તો રાખે છે. સાથે સાથે ત્યાં હાજર સર્વે લોકોને તાજગીનાં ઘૂંટડા પીવડાવ્યા કરે છે. લગ્ન સમયે વરક્નયાને ફૂલોના હાર પહેરાવવામાં આવે છે તેમ જ વરક્નયાના શયનકક્ષ તથા શય્યાને ફૂલોના હારથી શણગારવામાં આવે છે. જે વરક્નયાના દિલદિમાગને તાજગી અને પ્રસન્નતા આપે છે. હવે તો સેક્સચિકિત્સકો પણ કહે છે કે લગ્નજીવન માણવાની ક્ષમતામાં વધારો કરવામાં સુગંધ અતિ મહત્ત્વનો ફાળો આપે છે.
જૂના સમયમાં ફૂલોને ઘરેણાં જેટલું માન અપાતું હતું. ફૂલોની માળાઓ જે ગળાની શોભા વધારતું . ગજરા કે વેણી સ્ત્રીના અંબોડલે શોભતા, હાથનાં બાવડા અને કાંડા ફૂલોની માળાથી શોભતાં. આમ મનુષ્ય વધુને વધુ કુદરતની નજીક રહેવાના પ્રયત્ન કરતો હતો. સમયની સાથે સાથે આપણે થોડા બદલાયા હોઇએ અને આ બધુ ન કરી શકતા હોઇએ તો વાંધો નહીં, માત્ર આવનારી વસંત ઋતુમાં તમે અને તમારાં બાળકો ફૂલોની સાથે થોડી હળવી ક્ષણો માણી લેજો. તમારે તનમનની અશાંતિ સિવાય કશું જ ગુમાવવું નહી પડે. ફૂલોના વિવિધ ઉપયોગ તો ઘણા જૂના સમયથી ચાલ્યા આવે છે. જેમ કે વિવિધ અત્તર બનાવવામાં, સૌંદર્યપ્રસાધનોમાં, ઔષધ તરીકે ઉપયોગ કરવામાં, વાળ અને માલિશ માટેના સુગંધી તેલો બનાવવામાં ફૂલોનો ખૂબ જ બહોળો ઉપયોગ થાય છે.
ફૂલોના ઔષધિ ઉપયોગોને આપણે ટૂંકમાં જોઇએ.
ગુલાબ: પ્રેમના પ્રતીક તરીકે ગણાતા આ ફૂલની સુગંધ મનને પ્રસન્ન કરે છે અને હૃદયમાં પ્રેમની લાગણી પણ જન્માવે છે. આ ફૂલ પિત્તશામક છે. તેથી તેનું સેવન પિત્તના રોગોમાં ફાયદાકારક રહે છે. ગુલકંદમાં મુખ્ય ઘટક તરીકે તેનો ખૂબ ઉપયોગ થાય છે. જેનું સેવન ઉનાળામાં શીતળતા પ્રદાન કરે છે. તે દાહશામક છે તેથી શરીરમાં કોઇ પણ પ્રકારનો દાહ કે બળતરા દૂર કરે છે. તે રેચક છે માટે તેના સેવનથી કબજિયાત પણ દૂર થાય છે. ઉપરાંત ફૂલનો વધુ ઉપયોગ ગુલાબજળ બનાવવામાં થાય છે. જે ઔષધિ તરીકે પીવામાં, આંખની બળતરા દૂર કરવામાં તેમ જ સૌંદર્યવર્ધક તરીકે ઉપયોગી છે.
કમળ: દેવપુષ્પ તરીકે ઓળખાતા આ પુષ્પને અનેક દેવ-દેવીઓએ પોતાનું આસન બનાવેલું છે. લક્ષ્મીજીને તો આ પુષ્પ અધિક પ્રિય છે. તેથી જ આ પુષ્પ સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે. સ્ત્રીઓના અનેક રોગોમાં તે ઉપયોગી છે. તેનું સેવન પ્રજનન અંગોને સ્વસ્થ બનાવે છે અને ગર્ભસ્થાપન માટે પણ ઉપયોગી છે. તે કફપિત્તનાશક છે તેથી કફપિત્તના રોગોને પણ દૂર કરે છે. તેનું સેવન બુદ્ધિ અને સૌંદર્યમાં વધારો કરનારું છે.
ચમેલી: આ ફૂલ વર્ણસુધારક છે તેથી ઉબટન કે ફેસપેક જેવાં સૌંદર્ય પ્રસાધનોમાં તેનો ઉપયોગ થાય છે. ચમેલીના ફૂલમાંથી બનાવેલું તેલ, વાતનાશક અને ત્વચાપોષક છે. શિરશૂલ અને માનસિક દુર્બળતામાં આ તેલનું મસ્તકે માલિશ ઉપયોગી છે. નેત્રરોગમાં ફૂલોનો લેપ તેમ જ ફૂલનો રસ આંખમાં નાખવાથી ફાયદો થાય છે. મૂત્રઘાતમાં ફૂલ અને પાનનો લેપ બસ્તી પ્રદેશમાં કરવાથી ફાયદો થાય છે.
મોગરો: આ ફૂલ ત્રિદોષશામક અને નેત્રહિતકારી છે. ફૂલોનો લેપ શરીરના કોઇ પણ ભાગના સોજા દૂર કરનારો છે. તેની આહ્લાદક સુગંધ કામોત્તેજનમાં વધારો કરનારી છે.
કેસૂડો: આ ફૂલ રક્તશોધક, જવરઘ્ન, કફપિત્તનાશક અને દાહશામક છે. પ્રદર અને મૂત્રકૃચ્છમાં પણ આ પુષ્પનો ઉપયોગ થાય છે. કેસૂડાના પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગ દૂર થાય છે. ચામડીનો રંગ ખીલે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
જાસૂદ : આ ફૂલ પિત્તનાશક છે, તે રક્તપિત્ત અને રક્તપ્રદરમાં ખૂબ જ ફાયદો કરે છે. તેનું સેવન, મસ્તક દૌર્બલ્ય અને ઉન્માદમાં પણ લાભકારક છે. તે કેશહિતકારી છે તેથી તેનું સેવન તેનું લેપન કે તેનું તેલ ખરતા વાળ, સફેદ વાળ કે ખોડો જેવી વાળની સમસ્યાઓ દૂર કરે છે.
ચંપો: આ ફૂલ કફપિત્તનાશક, દીપક, રેચક, રક્તશોષક, જવરઘ્ન, વ્રણશોધક અને રોપણ છે. તે ચામડીના રોગો દૂર કરી સૌંદર્ય વધારનાર છે. આ ફૂલનું સેવન અરુચિ,
મંદાગ્નિ, આમદોષ અને કૃમિરોગને દૂર કરનારું છે. હૃદય દૌર્બલ્ય અને શ્વાસના રોગમાં તેનું સેવન
લાભકારક છે.
ગલગોટા : આ ફૂલ રક્તવિકાર, રક્તપિત્ત, રક્તપ્રદર અને કફપિત્તના વિકારોમાં ઉપયોગી છે. સોજા અને વ્રણ પર તેનો લેપ લાભ કરે છે. બેકટેરીયા નાશક છે.
વનસ્પતિ શુદ્ધ પ્રાણવાયુ આપે, વરસાદ ખેંચી લાવે, દાતણ આપે, ફૂલ, ફળ, ખોરાક, હવા આપે, રહેઠાણ-ફર્નિચર માટે લાકડું આપે, ઇંધણ આપે અને અંતે તમે જગત છોડી જાવ ત્યારે ચિતા પર તમારી સાથે કોઇ બળવા તૈયાર ન થાય, પણ એ તમારી સાથે બળી મરે. જે દેશમાં એક જમાનામાં આવી વનસ્પતિ દેવરૂપી પૂજાતી હતી, જે દેશમાં ખેતી એક ઉત્તમ વ્યવસાય હતો એ દેશમાં હવે કતલખાનાને અત્યાધુનિક બનાવી માંસ-મટન એકસપોર્ટ કરવાનો ધંધો વિકસી રહ્યો છે.
પર્ણોનો વૈભવ
વનસ્પતિને શ્વાસ લેવો હોય કે ખોરાક બનાવવો હોય બન્ને ક્રિયાઓ પાંદડાં વગર ન ચાલે. પાંદડાંના લીલા રંગના કણો સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને અંગારવાયુ ખેંચી સરસ મજાનો ખોરાક તૈયાર કરે છે. વનસ્પતિ દરેકેદરેક અંગ લૂંટાવા બેઠું હોય તેમાં પાંદડાં પણ માનવીને ઘણું અર્પણ કરે છે. નાક કે રસોઈઘરરૂપી પાંદડાં આપણને કેટલા ઉપયોગી છે તે હવે વિગતવાર જોઈએ.
પાંદડા અને ધાર્મિક શુભ પ્રસંગો: ઘરના દરેક ધાર્મિક કે શુભ પ્રસંગો પાંદડા વગર અધૂરા છે. તોરણમાં ફૂલની આજુબાજુ રહેલા આસોપાલવના પાન શોભી તો ઊઠે છે. સાથેસાથે ઘરમાં હકારાત્મક તરંગો ખેંચી લાવે છે. પૂજાના કળશ આંબાના પાનની તો સત્યનારાયણની પૂજાનો મંડપ કેળના પાન અને શેરડીના પાનથી સજાવાય છે. વિષ્ણુને તુલસીપત્ર તો શંકરને બીલીપત્ર, ગણેશને દુર્વાપત્ર તો હનુમાનને આકડાનાં પાન વિશેષ પ્રિય છે. પીપળા, વડ અને ખાખરાનાં પાન ઘણી પૂજામાં તેમજ મંત્ર લખવાના કાર્યમાં વપરાય છે. પ્રભુને વિવિધ ફળ, પુષ્પ પત્ર ધરાવીએ છીએ, પણ આપણે પ્રસાદ ગ્રહણ કરીએ ત્યારે માત્ર ફળ જ ખાઈએ છીએ. જ્યારે બીજું બધું દરિયામાં પધરાવાય છે. હકીકતમાં તેમને ધરાવાતાં પુષ્પોનો, પત્રોનો ઉપયોગ કોઈ નિષ્ણાંતની સલાહ લઈ તમારી રુચિ કે પ્રકૃતિને અનુસાર પ્રસાદ તરીકે ગ્રહણ કરી તમારા સ્વાસ્થ્યમાં સુધારો કરી શકો છો. દા.ત. શંકર ભગવાનને બીલીપત્ર ચડાવ્યા બાદ તેને ચાવી જવાથી વધુ ફાયદો થાય છે.
પાંદડા અને ભોજન: વનસ્પતિ પોતાનો ખોરાક પાંદડાં દ્વારા તૈયાર કરે છે, પણ એનો સંગ્રહ દરેક વનસ્પતિ પોતાના જુદા જુદા અંગમાં કરે છે. કોઈ વનસ્પતિ મૂળમાં તો કોઈ થડમાં, કોઈ ફળમાં, કોઈ બીજમાં તો કોઈ ફૂલમાં ખોરાકનો સંગ્રહ થાય છે, તો પાંદડા કેમ બાકી રહી જાય. ભોજનનો સ્વાદ વધારવા કોથમીર-ફુદીનાનાં પાન, લીમડાંના પાન, તમાલપત્ર વગેરેનો તો નિત્ય ઉપયોગ રસોડામાં થાય જ છે. અળવીનાં પાન, મેથીની ભાજી, પાલકની ભાજી, મૂળાની ભાજી, તાંદળજાની ભાજી, શીલની ભાજી, સુવાની ભાજી વગેરે આ બધાનો આપણે ભોજનમાં ઉપયોગ કરીએ છીએ. શરીરને પોષક તત્ત્વો આપવા ઉપરાંત આ ભાજીઓમાં રહેલા રેસા, પેટ અને આંતરડાંને સાફ રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે. ભોજનમાં ભાજીઓને નિત્યસ્થાન આપવાથી કૅન્સર સહિત અનેક રોગોથી બચી શકાય છે. ભોજનને પચાવવાની અને મુખશુદ્ધિની ક્રિયામાં નાગરવેલનાં પાન ખૂબ જ ઉપયોગી છે. ભોજન પછી પાનનું બીડું ખાવાની ભારતીય લોકોની આગવી પ્રણાલી છે. નાગરવેલનાં પાન તો ભારતીયા સંસ્કૃતિના અવિભાજ્ય અંગ જ બની ગયાં છે. તેનો ઉપયોગ પૂજામાં પણ ખૂબ થાય છે. ભગવાનને ભોગ ધરાવ્યા પછી મુખવાસ તરીકે પાનનાં બીડાં અવશ્ય મૂકવામાં આવે છે. ઉત્તમ પાચક હોવા ઉપરાંત નાગરવેલનાં પાન કફનાશક, હૃદયને બળ
આપનારાં છે.
મુખને સુગંધિત કરનારાં પાન વાજીકરણનો પણ ગુણ ધરાવે છે. શાક અને કચુંબર તરીકે વપરાતી કોબીનાં પાન એન્ટિ કૅન્સર દ્રવ્યો ધરાવે છે. વિદેશી ભોજનમાં વપરાતી બ્રોકોલીના પાન જે હવે અહીં પણ છૂટથી મળે છે તેમાં વૃદ્ધત્વને દૂર ધકેલવાનો ગુણ રહેલો છે. સવારના પહોરમાં સુસ્તી ઉડાવવા ઘરઘરમાં પીવાતી ચાની ચાપત્તી વાસ્પતિનાં પાંદડામાંથી જ બને છે. લીલી ચા તો સ્વાદ સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.
પાંદડા અને સૌંદર્ય: સૌંદર્ય વધારવામાં મેંદીના પાનનો સ્ત્રીઓ સૌથી વધુ ઉપયોગ કરે છે. લગ્ન કે શુભ પ્રસંગે મુકાયેલી મહેંદી હાથ અને પગના સૌંદર્યમાં વધારો કરે જ છે. તદુપરાંત તેની સુગંધ અને તેના ઔષધીય ગુણોના
કારણે તે વધુ મહત્ત્વની બની રહે છે. હાથ-પગમાં થતી તજાગરમીને તે દૂર કરે છે અને
શરીરમાં ઠંડક પહોંચાડે છે. કુવારપાઠાનાં પાનનો ગર્ભ ચામડીના સૌંદર્ય વધારવામાં ખૂબ જ ઉપયોગી છે. તેથી તેનો સૌંદર્યવર્ધક પ્રસાધન બનાવવામાં ખૂબ ઉપયોગ થાય છે. આ ઉપરાંત તેનું સેવન રક્તશુદ્ધિ અને લીવરના રોગમાં ખૂબ જ ઉપયોગી છે. તેમાં વયસ્થાપનનો ગુણ હોવાથી તેનું નિત્ય સેવન કરવાથી લાંબા સમય સુધી વૃદ્ધત્વને દૂર રાખે છે. ચમેલીનાં પાન, ભાંગરાનાં પાન, બોરડીનાં પાન વગેરેના વાળનો ચામડીના સૌંદર્ય માટે વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. લીમડાંના પાનનું સ્નાન ચામડીના રોગ અને દુર્ગંધને દૂર કરી તેનું સૌંદર્ય વધારે છે.
પાંદડા અને ઔષધિ: ઔષધિ તરીકે તો અનેક વનસ્પતિનાં પાંદડાનો ઉપયોગ વિવિધ રીતે જુદા જુદા રોગ પર થાય છે. તેમાંથી કેટલીક વનસ્પતિઓનાં પાનનો ઉપયોગ ટૂંકમાં જોઈએ.
ક માનસિક રોગોમાં અને યાદશક્તિની વૃદ્ધિ માટે બ્રાહ્મીનાં પાનનું ચૂર્ણ અને શંખપુષ્પીનાં પાનનું ચૂર્ણ ખૂબજ ઉપયોગી છે.
ક દમ, ક્ષય, ઉધરસ અને કફના રોગોમાં અરડુસીનાં પાનનો રસ ખૂબ ફાયદો કરે છે.
ક વાત રોગોમાં આકડાનાં પાન, ધતુરાના પાન અને નિર્ગુડીનાં પાનના તેલનું માલિશ ખૂબ લાભકારક રહે છે.
ક વધારાની ચરબીને દૂર કરવા માટે અરણીનાં પાનનો ઉકાળો ઉપયોગી છે.
ક જીભ પર પડતી ચાંદી અને મુખની ગરમી દૂર કરવામાં ચણોઠીનાં પાનનું સેવન ફાયદો કરે છે.
ક દાદર અને ખુજલી જેવા રોગો દૂર કરવામાં કુવાડિયાનાં પાંદડા અને બીજનો લેપ લગાડવામાં આવે છે.
ક શરદી, ખાંસી અને છાતીનો કફ દૂર કરવા તુલસીનાં પાનની જેમ નીલગીરીનાં પાનનો પણ ઉપયોગ થાય છે.
ક પીલુડીનાં પાન દમ અને શ્વાસને દૂર કરનારાં છે.
ક અગથિયાનાં પાનના સ્વરસના નસ્યથી અપસ્માર રોગ દૂર થાય છે તેમ જ આ સ્વરસ આંખમાં અંજન કરવાથી નેત્રરોગો દૂર કરી દૃષ્ટિતેજ વધારે છે.
ક કરિયાતુના પાનનું ચૂર્ણ મંદાગ્નિ, અજીર્ણ અને તાવને દૂર કરનારું છે. આનો ઉકાળો શરીરનાં વિષદ્રવ્યોને બહાર કાઢી નાખી લોહીને શુદ્ધ બનાવે છે.
ક પુનર્નવા-સાટોડીનાં પાનનું સેવન કરી ઉપર દૂધ પીવાથી શરીરમાં બળ વધે છે. વૃદ્ધત્વ દૂર થઈ યૌવનનો સંચાર થાય છે. આ તો માત્ર આપણા રોજબરોજના ઉ5યોગમાં પાંદડાંની ઝલક માત્ર છે. બાકી સમગ્ર પાનની સૃષ્ટિ કે વિપુલ વનસ્પતિની જાતો વિશે જાણવા બેસીએ તો એક નવો ગ્રંથ રચાઈ જાય.