જાણીતા સર્જક રજની આચાર્યે બિસાઉમાં ભજવાતી`મૂક રામલીલા’ને કચકડે કંડારી!
મંચને બદલે મહોલ્લામાં ભજવાતી સંવાદ વિનાની મૂક રામલીલા સાંસ્કૃતિક ધરોહર સમાન છે
કવર સ્ટોરી – જવલંત નાયક
રામ'. બે અક્ષરનો આ શબ્દ સમગ્ર ભારતીય ઉપખંડ માટે માત્ર શબ્દ નહિ, પણ વિચાર છે, જીવનશૈલી છે. જેમ કરોડરજ્જુ માણસને ટટ્ટાર ઊભો રાખે છે, એ જ રીતે રામની કથા, એમાંથી પ્રાપ્ત થતા મૂલ્યોએ ભારતીય ઉપખંડને ટટ્ટાર-અડીખમ સામાજિક બંધારણ આપ્યું છે. રામાયણ સંસ્કૃત ભાષાનું પ્રથમ મહાકાવ્ય છે, પરંતુ માત્ર આટલી ઓળખ પૂરતી નથી. મહાકાવ્ય હોવાની સાથે જ તે હિંદુ ધર્મ અને સંસ્કૃતિનું અભિન્ન અંગ પણ છે. રામાયણની અસર વિનાના ભારતીય સમાજની કલ્પના જ અશક્ય છે. શબ્દાર્થની વાત કરીએ તો રામાયણ એટલે રામની ગતિ, કે પ્રગતિ! અને રામાયણની નાટ્યસ્વરૂપે થતી ભજવણી, તે
રામલીલા’.
રામલીલાને પોતીકો ઇતિહાસ છે. નાટ્યશાસ્ત્રને પાંચમો વેદ કહ્યો છે, એટલે નાટક – પરફોર્મિંગ આર્ટસનો જનમાનસ પર પ્રભાવ સમજી જ શકાય. એમાંય રામલીલા એક વિશિષ્ટ સ્વરૂપનું પરફોર્મિંગ આર્ટ ગણાય. કેમકે સેંકડો વર્ષોથી ગામેગામ યોજાતી રામલીલામાં વ્યવસાયી કળાકારોની સાથે જ-કળાકાર ન હોય સામાન્ય પ્રજાજનો પણ ઉમળકાભેર ભાગ લે છે અને વિવિધ પાત્રો ભજવે છે. એવું મનાય છે કે સંત તુલસીદાસના શિષ્ય મેઘા ભગતે ઇસ 1625માં રામચરિતમાનસ આધારિત રામલીલા ભજવવાની શરૂઆત કરેલી. જો કે એ પહેલા પણ ઉત્તર ભારતીય પ્રદેશોમાં વાલ્મીકિ રામાયણ આધારિત રામલીલાઓ ભજવાતી રહી હોવાના દાખલા મળે છે. ટૂંકમાં, રામલીલા ભારતની લોકકલા નહિ પરંતુ પ્રાચીન પરંપરા પણ છે, જે ઉત્સવ-ઉજવણીના આનંદ સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરે છે. અને માટે જ આજે જ્યારે આખું ભારત રામમય છે, ત્યારે એક વિશિષ્ટ પ્રકારે ભજવાતી રામલીલા વિષે અહીં વાત કરવી છે.
બિસાઉ. રાજસ્થાનના ઝુંઝૂનુ જીલ્લાનો આ કસ્બો પોતાની વિશિષ્ટ રામલીલા માટે ખાસ્સી ખ્યાતિ પામ્યો છે. એવું તો શું છે બિસાઉની રામલીલામાં? સામાન્ય રીતે રામલીલાની શરૂઆત નવરાત્રિના સ્થાપન સાથે થાય છે, અને દસમા, એટલે કે દશેરાના દિવસે રાવણ દહન સાથે એ પૂર્ણ થાય છે. પરંતુ બિસાઉમાં ભજવાતી રામલીલા પૂરા પંદર દિવસ ચાલે છે. આ લીલાના સાતમે દિવસે લંકાના પૂતળાનું દહન કરવામાં આવે છે. એ પછી કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન થાય, અને દશેરાને બદલે ઠેઠ ચતુર્દશીને દિવસે અહીં રાવણદહન યોજાય. આ બધી ખાસિયતોને ટપી જાય એવી બાબત એ કે બિસાઉની રામલીલા મૂક રામલીલા' છે! એટલે કે એક્કેય પાત્રનાં ભાગે સંવાદ નથી! ભજવણી વખતે દર્શકોનાં ટોળાં
જય શ્રી રામ’નો ઉદ્ઘોષ કરતા રહે, બેકગ્રાઉન્ડમાં ચોપાઈ-દોહા ગવાતા રહે અને જરૂર જણાય ત્યાં કોમેન્ટેટર પૂરક માહિતી આપતો રહે એટલું જ, બાકી લીલા ભજવી રહેલા કળાકારો એક્કેય સંવાદ બોલતા નથી. માત્ર અંગભંગિમાઓ દ્વારા જ સંવાદ સાધવાનો હોય છે. નીવડેલા કલાકારોનેય આ રીતે પરફોર્મ કરવું અઘં પડે, જયારે અહીં તો બિસાઉના લોકો જ આખી ભજવણી પાર પાડે છે. વિશ્વમાં આ રીતે ભજવાતી આ એકમાત્ર રામાયણ છે, જે મૂક રામાયણ'નું બિદ પામી છે. અને આ બધી માહિતીનો આનંદ બેવડાઈ જાય, એવી વાત એ છે કે બિસાઉની મૂક રામલીલા પર આપણા પ્રતિષ્ઠિત ગુજરાતી સર્જક-ફિલ્મમેકર રજની આચાર્યે સરસ મજાની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. મૂળ હળવદનાં અને મુંબઈ સ્થાયી થયેલા રજની આચાર્ય વરિષ્ઠ ડોક્યુમેન્ટરી મેકર છે. તેઓ રામાનંદ સાગરની પ્રખ્યાત સિરિયલ
રામાયણ’ના પ્રોડક્શનનો હિસ્સો પણ રહી ચૂક્યા છે. મુંબઈ સમાચારના આ લેખ માટે થયેલ ટેલીફોનિક ચર્ચા દરમિયાન રજનીભાઈએ બિસાઉની મૂક રામાયણ અને પોતે ઉતારેલી ડોક્યુમેન્ટરી વિષે કેટલીક રસપ્રદ માહિતી આપી.
બિસાઉમાં દર વર્ષે યોજાતી મૂક રામાયણ ઉપર ડોક્યુમેન્ટરી બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? આ પ્રશ્નનો ઉત્તર આપતા રજનીભાઈ પોતાના મિત્ર કમલજી પોદ્દારનો ઉલ્લેખ કરે છે, જેમના ઉપર લક્ષ્મી અને સરસ્વતી, બંનેના આશીર્વાદ છે. બિઝનેસમાં ધન કમાયા બાદ કમલ પોદ્દાર એજ્યુકેશન સહિતની સાંસ્કૃતિક બાબતો માટે ધન ખર્ચ કરતા રહ્યા છે. તેઓ મૂળ બિસાઉના જ વાતની હોવાને કારણે બાળપણથી જ મૂક રામાયણના સાક્ષી તો ખરા જ. એક દિવસ વિચાર આવ્યો કે આ મૂક રામાયણ એ બિસાઉ માટે માત્ર વિશિષ્ટ ઓળખ જ નહિ, પણ એક સાંસ્કૃતિક ધરોહર પણ છે. આથી એમણે પોતાના મિત્ર રજની આચાર્યને ડોક્યુમેન્ટરી બનાવવાની અને એ માટેનો આર્થિક સહકાર આપવાની વાત કરી. અગાઉ રામાયણ સિરિયલ સાથે સંકળાયેલા રજનીભાઈએ સહર્ષ ઓફર સ્વીકારી.
ડોક્યુમેન્ટરી બનાવવી એ સહેલું કામ નથી. ફિક્શન ફિલ્મોમાં તમે ગમે તે દેખાડી શકો, પરંતુ આવી ડોક્યુમેન્ટરીઝમાં પુષ્કળ સંશોધન કરવું પડે. રજનીભાઈ માહિતી આપતા જણાવે છે કે રામલીલા પ્રબંધન સમિતિ (બિસાઉ) દ્વારા ઠેઠ 1857થી બિસાઉ ખાતે મૂક રામલીલા યોજાતી આવી છે. એના તાર ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે પણ જોડાયેલા છે. એ સમયે ત્રણેક ક્રાંતિકારીઓએ બિસાઉમાં આશરો લીધેલો. એ પૈકી એક હતા સાધ્વી જમના. એમને વિચાર આવ્યો કે બાળકો, યુવાપેઢીને લડતનો જુસ્સો જાગે, શસ્ત્ર ચલાવવાની તાલીમ મળે અને સાથે ધર્મનું સાચું શિક્ષણ મળે, એ અત્યંત જરૂરી છે. આથી એમણે રામણ જૌહડ ગામ ખાતે કેટલાક બાળકોને ભેગા કરીને એમની પાસેથી રામલીલાની ભજવણી કરાવવાનું શરૂ કર્યું. અહીં તકલીફ એ હતી કે બાળકો માટે સંવાદ ગોખવાનું કામ અતિકઠીન હતું. આથી સાધ્વી જમનાએ કોઈ પણ સંવાદ વિનાની મૂંગી રામલીલા ભજવવાનું નક્કી કર્યું. અને આ રીતે શ થઇ મૂક રામલીલાની ઐતિહાસિક સફર, જે આજદિન સુધી વણથંભી રહેવા પામી છે.
રજનીભાઈ જ્યારે શૂટિગ માટે બિસાઉ પહોંચ્યા, ત્યારે કંઈક જુદો જ સિનારિયો જોવા મળ્યો. સામાન્ય રીતે આ પ્રકારના પરફોર્મન્સનું શૂટિગ કરવું હોય તો ત્રણ કેમેરાઝની જરૂર પડે. સિનેમેટોગ્રાફી માતબર લાગે, એ માટે ડ્રોનનો ઉપયોગ પણ થવાનો હતો. પણ બિસાઉ પહોંચીને રજનીભાઈએ જોયું કે અહીં તો કોઈ સામાજ્ય સ્ટેજ-મંચને બદલે જાહેર સડક પર રામલીલા ભજવવાની તૈયારીઓ થઇ રહી હતી! હકીકતે, બિસાઉમાં આ રીતે જ, જાહેર રસ્તા ઉપર જ લીલા ભજવાતી આવી છે.
આ માટે ગઢ નજીકના પંદરેક ફીટ પહોળા રસ્તા ઉપર બસો ફીટ જેટલા વિસ્તારમાં માટી પાથરવામાં આવે છે. આમ તો આ રસ્તાની બંને તરફ દુકાનો આવેલી છે, પણ રામલીલા સમયે અહીં જુદા જુદા ખૂણાઓ – યોગ્ય સ્થાન શોધીને અશોક વાટિકા, અયોધ્યા, યુદ્ધ ક્ષેત્ર જેવા સેટ ઊભા કરવામાં આવે છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે સેટ ઊભા કરવા, સુશોભન કરવું, સંગીત પીરસવું કે મેક-અપ કરવા જેવા તમામ કામોની જવાબદારી સ્થાનિક લોકો જ ઉપાડી લે છે. પેઢી દર પેઢી આ રીતે કામ ચાલતું રહે છે.
રજનીભાઈએ જ્યારે આ જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે નાટકના પરમ્પરાગત શૂટિગ માટેની પદ્ધતિ અહીં કામ નહિ આવે. કેમકે સતત પંદર દિવસ સુધી ખુલ્લી શેરીમાં ભજવાઈ રહેલ `લાઈવ શો’ કેપ્ચર કરવાનો હતો. આખરે વધારાના ત્રણ કેમેરા મંગાવીને કુલ છ કેમેરા વડે શૂટિગ કરાયું. દરેક કેમેરાને નિયત સ્પોટ પર ગોઠવીને કેમેરામેન વચ્ચે શૂટિગની જવાબદારી વહેંચી દેવામાં આવી. મૂક રામલીલાના શૂટિગ માટે રજની આચાર્યનાં માર્ગદર્શન હેઠળ 35 સભ્યોની સમર્પિત ટીમે 6 કેમેરા, ડ્રોન, ક્રેન્સ અને ટ્રોલીની મદદથી લગભગ 150 કલાક સુધી શૂટિગ કર્યું હતું. આ રો-શૂટને ચીવટાઈપૂર્વક એડીટ કરીને માત્ર 72 મિનિટની ફિલ્મ બનાવવામાં આવી છે. શૂટિગ દરમિયાન કેટલીક હળવી ક્ષણો પણ આવતી રહી. જેમકે રાજા દશરથનું કેરેક્ટર ભજવનાર વ્યક્તિને આંખે ચશ્મા હતા. હવે આ કોઈ મંજાયેલા કળાકારો તો હતા નહિ, એટલે દશરથની વેશભૂષામાં સજ્જ થયેલા એ કલાકારે ભજવણી દરમિયાન ચશ્મા પહેરી જ રાખ્યા! દર્શકોએ કદાચ પહેલી વાર ચશ્માધારી દશરથ રાજા જોયા હશે!
રજનીભાઈ કહે છે કે આ પ્રકારના પ્રોજેક્ટ પર કામ કરવું અઘં ગણાય, પણ કદાચ ઈશ્વરીય સંકેતથી કામ થતું હશે, એટલે લોકોની મદદ સામેથી મળતી ગઈ. જ્યાં દોહા-ચોપાઈ-શ્લોકોના રેફરન્સની જરૂર પડી, ત્યાં વિદ્વાન આચાર્ય ધનંજય વ્યાસનો સહયોગ મળ્યો. જાણીતા લીરિસીસ્ટ મનજીત સિંઘ કોહલી, વોઇસ ઓવર માટે તારક ઓઝા, સંગીત માટે અવિશેક મજુમદારે તો પોતાનો કસબ આપ્યો જ, સાથે જાણીતા પાર્શ્વ ગાયકો અનુરાધા પૌડવાલ અને અનુપ જલોટાએ પણ બિસાઉ કી મૂક રામાયણ માટે પોતાનો સ્વર આપ્યો છે.
હવે આ ફિલ્મ સ્ક્રીનીંગ માટે તૈયાર છે. રજનીભાઈ કહે છે કે આ ફિલ્મ ભારત બહાર પણ પ્રસાર પામે, અને બિનભારતીય દર્શકો સુધી એની વાત પહોંચે એ જરૂરી છે. આ માટે એમણે તાઈવાન અને અમેરિકાની કંપનીઝ સાથે કોલોબરેશન કર્યું છે. અયોધ્યામાં આકાર લઇ રહેલા એક્ઝિબિશન સેન્ટરના એક ઓડિટોરીયમમાં પણ કદાચ આ ફિલ્મ દર્શાવવામાં આવે, એમ બને.