તરોતાઝા

શિયાળામાં `તલ’માં તલ્લીન થાવ તન મનથી સ્વસ્થ રહો!

કવર સ્ટોરી – મુકેશ પંડ્યા

સામાન્ય રીતે આપણે આગ લાગે ત્યારે જ કૂવો ખોદતા હોઈએ છીએ. એલોપથીમાં રોગ થયા પછી તેને દૂર કરવાની દવા શોધાય છે, જ્યારે આપણા ઋષિમુનિઓએ યોગ્ય સમયે યોગ્ય રીતે યોગ્ય તહેવાર મૂકીને પાણી પહેલા જ પાળ બાંધવાનું કાર્ય કર્યું છે. વાયુના રોગથી પીડાતા ઘણા લોકોને તેલનો માલિશ કરતાં તમે જોયા હશે, પરંતુ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે દર વર્ષે આ ઋતુમાં તેલનું સેવન યોગ્ય રીતે કરવામાં આવે તો વાયુદેવની સદાય કૃપા બની રહે છે અને વાયુકારક રોગોથી હેરાન થવું પડતું નથી. જેમ સૂર્યદેવને પાણીની અંજલિ આપીએ છીએ કે અગ્નિદેવને ઘી વડે આહુતિ આપીએ છીએ તે જ રીતે સૂકા અને રુક્ષ વાયુદેવને તેલનું સાનિધ્ય ગમતું હોય છે. તેથી જે લોકો તલના તેલનું માલિશ કરે છે, તલનું સેવન કરે છે કે તલનું દાન કરે છે તેને વાયુદેવ કનડતા નથી. આથી જ ઉત્તરાયણમાં તલની ચીકી બનાવી અવશ્ય ખાવી જોઈએ. વાયુદેવનું શમન તેલથી થાય છે તે વાત સાચી છે અને આયુર્વેદમાં તલના તેલને જ સર્વ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. અલબત્ત, તેલ શબ્દ જ તલ પરથી આવ્યો છે. માટે આ તહેવારમાં તલના ઉપયોગથી શરીર બહાર અને અંદરથી શુદ્ધ કરવું જોઈએ.


આજના ડૉક્ટરો હૃદયરોગ જેવા રોગમાં તેલનો વપરાશ બંધ કરવાનું કહે છે, જે સદંતર ખોટું છે, પરંતુ તેમાં એમનો વાંક નથી, કારણ કે લોકો તલનું તેલ ભૂલીને શરીરને નુક્સાનકર્તા બીજા તેલો વાપરતા થઈ ગયાં છે. દા.ત. કરડી, સફોલા તેલનો કોલેસ્ટ્રોલથી બચવા ઉપયોગ કરે છે. શરીરમાં જે ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે તે તેલમાં રહેલી સંતૃપ્ત ચરબીને આભારી હોય છે. કરડીના તેલમાં આવી ચરબીનું પ્રમાણ 9% છે, જ્યારે તલના તેલમાં ફક્ત 5% જ વધારે છે એટલે કે 14%નું પ્રમાણ છે. તેની સામે તલના તેલમાં શરીરને ઉપયોગી એવા અસંખ્ય ગુણો રહેલા છે. તલના તેલનું સેવન ન કરીને ખરેખર તો આપણે બકરું કાઢતાં ઊંટ પેસી જાય તેવું કામ કરીએ છીએ. તલ માથાથી લઈ પગ સુધી કેવી રીતે ઉપયોગી છે તે હવે જોઈએ.


તલનું તેલ અને સ્વાસ્થ્ય
માથાના વાળથી શરૂઆત કરીએ તો તલનું તેલ બીજા તેલની સરખામણીએ અત્યંત સૂક્ષ્મ કણ ધરાવે છે તેથી વાળના મૂળ સુધી ઝડપથી પહોંચી જાય છે અને વાળને ખરતા અટકાવે છે. કાળા તલનું તેલ વાળને સફેદ થતાં અટકાવે છે. એટલું જ નહીં બુદ્ધિને પણ તેજ બનાવે છે. શિયાળામાં કાળા તલમાંથી જે કચરિયું બનાવવામાં આવે છે તે મગજનું શ્રેષ્ઠ ટોનિક છે. આ ઋતુમાં બાળકોને ચૉકલેટ કે ટોફી ખવડાવવાના બદલે કચરિયું ખવડાવવામાં આવે તો મગજની શક્તિ ખીલી ઊઠે છે. તલને ચાવી ચાવીને ખાવા માત્રથી કે તલના તેલના કોગળા કરવાથી દાંતનાં પેઢાં મજબૂત બની જાય છે. પયોરિયા સહિતના તમામ રોગ આ ક્રિયા નિયમિત કરવાથી દૂર થાય છે. શિયાળામાં ઠંડીના કારણે ચામડી રુક્ષ અને સૂકી બની જાય છે. તેના પર વાયુનાશક તલના તેલની માલિશ કરવાથી તે મુલાયમ અને સુંવાળી થાય છે. નિયમિત રીતે અઠવાડિયામાં એકવાર તલના તેલનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના કોઈ રોગ થતા નથી. મોટી ઉંમરે પણ કાનમાં બહેરાશ આવતી નથી. તલના તેલમાં શરીરના અંગેઅંગમાં ફેલાઈ જવાના ગુણો છે. આથી હાથપગના સાંધા પર માલિશ કરવાથી સાંધામાં રહેલા વાયુનું ઝડપથી શમન થાય છે અને સાંધા મજબૂત બને છે. જેને સંધિવાનો રોગ હોય તેને રાહત થાય છે. આયુર્વેદમાં વાયુનાશક પદાર્થ તરીકે સૌ પ્રથમ નામ તલનું લેવાય છે એટલે વાયુના રોગની સારવાર માટે જે મહાનારાયણ તેલનો ઉલ્લેખ થયો છે તેમાં મુખ્ય ઘટક તરીકે તલનું તેલ હોય છે. તલના તેલનું નિયમિત માલિશ કરવાથી રુધિરાભિસરણ નિયમિત બને છે જેથી બ્લડપ્રેશર કાબૂમાં રહે છે અને હૃદયને વધુ કાર્યક્ષમ બનાવે છે.


તલનું તેલ અને રસોડું
સિંગતેલ, કપાસિયા તેલ કે પામોલીન તેલ આરોગ્યને નુક્સાનકારક છે. આયુર્વેદમાં તો તલના તેલ અને સરસવના તેલને જ સાચું તેલ ગણવામાં આવ્યું છે. આપણા શરીરમાં બે જાતના કોલેસ્ટ્રોલ રહેલા છે – એક સારું કોલેસ્ટ્રોલ અને બીજું ખરાબ કોલેસ્ટ્રોલ ! તલનું તેલ સારા કોલેસ્ટ્રોલને યોગ્ય પ્રમાણમાં જાળવી રાખે છે, સાથે સાથે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવાનું કામ પણ કરે છે. તેથી રસોડામાં તલના તેલનો ઉપયોગ કરવાથી ખોરાક પોષણયુક્ત અને આરોગ્યકારક બની રહે છે. આપણા જૂના પાકશાસ્ત્રીઓને આરોગ્યનું જ્ઞાન હતું. તેથી જ કોઈ પણ ચીજ કાચી કે બાફેલી ન ખાતાં તલના તેલમાં રાઈ, મેથી, જીરું નાખી વઘાર કરવાથી ઉત્તમ પ્રથા ભેટમાં આપી છે. કાચી કે બાફેલી વસ્તુઓ વાયુને વધારનારી હોય છે, જ્યારે વધુ તળેલી વસ્તુ શરીરમાં ચરબીનું પ્રમાણ વધારી દે છે. વઘારમાં તેલનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી ચરબીનું પ્રમાણ તો વધતું નથી, સાથે સાથે વાયુનું શમન પણ થાય છે. આમ, બાફવા કે તળવા કરતાં વઘારવું એ શ્રેષ્ઠ ક્રિયા છે. બીજાં તેલો કરતાં તલના તેલથી કરેલો વઘાર દાળના કે શાકના અણુએ અણુમાં પ્રસરી જઈ શરીરને વધુ લાભકર્તા બની રહે છે. વળી, તલનું તેલ લાંબા સમય સુધી ખોરું થતું નથી અને વિટામિનો પણ જળવાઈ રહે છે. આથી અથાણાં બનાવવા માટે પણ તલનું તેલ ઉત્તમ છે.


તલ અને દૂધાળાં પશુ :
જૂના તલનો ઉપયોગ લોકો વધુ કરતા હતાં. તેથી ગામડે ગામડે ઘાણીઓ ચાલતી હતી અને લોકોને તાજું તેલ તો મળતું, સાથે તલનો ખોળ નીકળતો તે ગાય-ભેંસને ખવડાવવામાં ઉપયોગ કરાતો. આવો ખોરાક ખાઈ ગાય-ભેંસ જે દૂધ આપતી તે દૂધમાં વાયુશામક ગુણો વધુ રહેતા હતા માટે આ દૂધ વધુ ગુણકારી સાબિત થયું. આજે કપાસિયા ખોળ અને સિંગખોળ ગાય-ભેંસોને ખવડાવવામાં આવે છે જેથી આવાં પશુઓનું દૂધ પણ ઊતરતા ગુણોવાળું હોય છે.
આમ, તલ કે તલનું તેલ મોંઘા હોવા છતાં શારીરિક કે માનસિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ-સરવાળે સસ્તા પડે છે માટે કમસે કમ ઉત્તરાયણના સરસ દિવસોમાં તેનું સેવન અવશ્ય કરવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button