તરોતાઝા

શિયાળામાં કરો વાયુ સ્નાન રહો સ્વસ્થ

પાણી તો શરીરને બહારથી જ શુદ્ધ કરે છે જ્યારે વાયુ શરીરને અંદરથી પણ શુદ્ધ કરે છે.

કવર સ્ટોરી – મુકેશ પંડ્યા

શિયાળામાં મકાનની અગાશી, ખુલ્લા બાગબગીચા કે મેદાનમાં સૂર્યની સાથેસાથે વાયુસ્નાન કરવામાં તમારે મેળવવાનું ઘણું છે, ગુમાવવાનું કશું જ નથી. પાણીને જ શરીરશુદ્ધિનું સાધન માનનારે એ જાણવું જરૂરી છે કે વાયુ પણ એટલી જ સારી-સુંદર રીતે શરીરને બહારથી અને અંદરથી પણ શુદ્ધ કરે છે. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે `પવિત્ર કરનારમાં પવન હું છું.’ એ સાબિત કરે છે કે પવન કેટલું ઉચ્ચ સ્થાન ભોગવે છે. અનેક ગ્રંથોમાં પવનદેવ અને તેના પુત્ર હનુમાન જે પવનસૂત હનુમાન તરીકે જગવિખ્યાત છે અને વાયુપુત્ર ભીમનો ઠેરઠેર ઉલ્લેખ છે.

ઉનાળાની ગરમીથી ત્રસ્ત અને ચોમાસાના ભેજથી ગ્રસ્ત થયેલો પવન શિયાળામાં સૂકો અને હળવો બની તમારી સાથે મસ્તીમજાક કરવા આવતો હોય છે. તેમાં ડૂબકી દઈ ગંગા નાહ્યાનું પુણ્ય અગાશીમાં બેઠા બેઠા મેળવવાનું ચૂક્શો નહીં. સૂકી હવા ખાવા લોકો દૂરદૂર સુધી જાય છે. હિલસ્ટેશન દરિયાકિનારા, ગામડાં, ખેતરો આ દરેક સ્થળોએ લોકો ખર્ચો કરીને જતાં હોય છે. શિયાળામાં આવી સૂકી હવા તમારા ઘરઆંગણે આવી પહોંચે છે. માનવીને કુદરતે પગ આપ્યા છે એટલે વિવિધતા મેળવવા એક સ્થળેથી બીજે સ્થળે મુસાફરી કરી શકે છે, પણ વર્ષોથી ધરતીના પેટામાં મૂળીયાં ઘાલીને બેઠેલા ઝાડ-છોડ, વનસ્પતિ તેમ જ અસમર્થ મનુષ્યોને મળવા સામે ચાલીને આવે છે. વાયુનો સદુપયોગ ત્યારે જ થાય જ્યારે તમે ઊંડા શ્વાસ લો. આજનું વિજ્ઞાન આરોગ્યમય જીવન માટે ઊંડા શ્વાસ લેવાનું કહે છે. આપણાં શાસ્ત્રોમાં પણ `પ્રાણાયમ’ને ઉચ્ચ કસરત ગણવામાં આવી છે, કારણ કે તેનાથી ફેફસાંને અને પેટને કસરત તો મળે છે, સાથેસાથે વધુ પ્રાણવાયુ લોહીમાં ભળવાથી તે વધુ શુદ્ધ બને છે અને શરીરને સ્ફૂર્તિ અને શક્તિ બક્ષે છે.

વાયુના કણો પાણીના કણો કરતાં પણ સૂક્ષ્મ હોઈ અને ઝડપથી પ્રસરતા હોઈ શિયાળામાં શરીરના રોમરોમમાં પ્રવેશી તેને સ્વચ્છ કરવામાં સુંદર ભાગ ભજવે છે. આ દિવસોમાં પતંગ ચગાવવાના બહાને પણ અગાશીમાં કે ખુલ્લા મેદાનોમાં ફરવા જવું જરૂરી છે. સૂર્યની ગરમી અને પવનની ઠંડક બન્નેના મિશ્રણથી તૈયાર થયેલી હૂંફ તમારા તન અને મનને પ્રફુલ્લિત કરી મૂકે છે. પવન આવતો હોય એ દિશામાં મોં કરી ચહેરા, હાથ અને પગ પર હળવો હાથ ફેરવવાથી છિદ્રો ખૂલે છે અને વધુ પ્રમાણમાં પ્રાણવાયુ શરીરમાં પ્રવેશી કોષોને અધિક શક્તિ પ્રદાન કરે છે. બને તેટલા ઓછા અને ખુલતા સુતરાઉ કાપડ જેવાં છિદ્રાળુ વસ્ત્રો પહેરવાથી વાયુસ્નાનનો વધુ ફાયદો લઈ શકાય છે.

આપણા શરીરમાં જે પાંચ પ્રકારના વાયુ ઋષિમુનિઓએ વર્ણવેલા છે, જેમ કે પ્રાણવાયુ, ઉદાનવાયુ, સમાનવાયુ, અપાનવાયુ અને વ્યાનવાયુ તે આજના શોધાયેલા વાયુઓની સાથે ઘણી રીતે મળતા આવે છે. દાખલા તરીકે પ્રાણવાયુ એટલે ઓક્સિજન કે જેના અધારે જ દરેક જીવનસૃષ્ટિના પ્રાણ ટકી રહેલા છે. આપણાં શાસ્ત્રોમાં પ્રાણવાયુનું સ્થાન હૃદયમાં બતાવ્યું છે, જે આજનું વિજ્ઞાન પણ કહે છે કે ઓક્સિજન ફેફસાં વાટે હૃદયમાં પહોંચી જીવનઊર્જા અર્પણ કરે છે. ઉદાનવાયુ, જેનું સ્થાન શાસ્ત્રોમાં કંઠ બતાવેલ છે, જેને કાર્બન ડાયોક્સાઈડ વાયુ ગણી શકાય જે આપણા શરીરની અશુદ્ધિ ગળામાંથી નાક વાટે બહાર કાઢે છે, જેને કારણે બોલવાનું પણ શક્ય બને છે. માટે જ તેનું સ્થાન કંઠમાં બતાવેલ છે. સમાનવાયુ, જે પેટના સ્થાનમાં રહેલો ગણાવ્યો છે, જે શરીરમાં ભૂખ અને તરસ લગાડવાનું કામ કરે છે. આ સમાનવાયુને આજના હાઈડ્રોજન વાયુ સાથે સરખાવી શકાય, કારણ કે પેટમાં રહેલા એસિટિક તત્ત્વ તેમાં રહેલા હાઈડ્રોજનના કારણે સક્રિય હોય છે, જે ભૂખ અને તરસની લાગણી જન્માવે છે. અપાનવાયુ આંતરડાંમાં રહેલા મળને ધકેલી મળદ્વાર વાટે બહાર કાઢવામાં મદદ કરે છે. આ વાયુને આજના મિથેન વાયુ સાથે સરખાવી શકાય. વ્યાનવાયુ મસ્તક તેમ જ સમગ્ર શરીરમાં પ્રસરેલો બતાવેલો છે, જે આજના શોધાયેલા નાઈટ્રોજન વાયુને મળતો આવે છે. આ નાઈટ્રોજન એટલે માથાથી લઈ પગ સુધી પ્રસરેલા પ્રોટીનના એક મહત્ત્વનો ઘટક જે શરીરનો વિકાસ કરે છે.

શ્વાસોશ્વાસ અને પાચનથી થતી દહનક્રિયાના પરિણામથી જે અશુદ્ધિ પેદા થાય છે, તેમાં મુખ્ય કાર્બન હોય છે. આ કાર્બનને હૃદયમાં રહેલો ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઈડ (ઈઘ2) ના રૂપમાં ઉચ્છવાસ દ્વારા બહાર કાઢે છે અને પેટમાં રહેલો હાઈડ્રોજન મિથેનના (ઈઇં4) રૂપમાં મળદ્વાર દ્વારા બહાર કાઢે છે. લોહીમાંની અશુદ્ધિ નાઈટ્રોજન સાથે સંયોજાઈ મૂત્ર સ્વરૂપે બહાર નીકળે છે. આમ, સમગ્ર શરીરની અશુદ્ધિ બહાર કાઢવાનું કાર્ય મુખ્યત્વે વાયુ દ્વારા થાય છે અને શરીર શુદ્ધ અને પવિત્ર બને છે. માટે જ `પવિત્ર કરનારામાં પવન હું છું’ એમ શ્રીકૃષ્ણ ભગવાને કરેલી વાત અહીં સાર્થક થાય છે. માત્ર શુદ્ધીકરણ જ નહીં, શરીરના પ્રત્યેક હિલચાલ વાયુને આભારી છે. હૃદયમાંનું શુદ્ધ લોહી વાયુના લીધે જ અંગેઅંગમાં પહોંચે છે.

શરીરની જેમ શરીરની બહાર પણ વિવિધ પ્રકારના વાયુ ભ્રમણ કરતા હોય છે. જે રીતે માછલી પાણીથી ઘેરાયેલી હોય છે એ જ રીતે સમગ્ર જીવનસૃષ્ટિ વાયુના આવરણથી ઘેરાયેલી હોય છે. આ આવરણ મનુષ્યને જિવાડે તો છે જ, પણ તેના સૌથી ઉપલા થરમાં રહેલા ઓઝોન વાયુના કારણે સૂર્યનાં હાનિકારક કિરણોથી બચાવ પણ કરે છે. વાયુના કારણે જ વાદળાં બંધાય છે અને વરસાદ પણ આવે છે. તેજસ્વી સૂર્ય પણ ધગધગતા હાઈડ્રોજન વાયુનો ગોળો જ છે. આમ, શરીર અને જગતનું સંચાલન વાયુદેવના કારણે જ શક્ય બને છે. આવા શક્તિશાળી દેવ, સૂર્યદેવ, અગ્નિદેવ કે જળદેવની જેમ જોઈ શકાતા નથી. તેથી તેમના તરફ દુર્લભ સેવાય છે. આવા આદ્ભુત દેવની વધુ વાત ઉત્તરાયણના પ્રકરણમાં કરીશું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button