તરોતાઝા

વાઇરલ ઇન્ફેક્શનથી બચવા ચોમાસામાં રોજ કરો અર્ધ-મત્સ્યેંદ્રાસન

કવર સ્ટોરી – દિવ્ય જ્યોતિ નંદન

ચોમાસાની ઋતુમાં જાતજાતના ચેપી રોગો ફેલાવાની આશંકા વધી જતી હોય છે. કારણ કે આ મોસમમાં ગરમી અને ઠંડી બન્નેનો હુમલો તેજ થઇ જાય છે. આવા વાતાવરણમાં વાયરસ અને બૅક્ટેરિયા ખૂબ ફૂલે-ફાલે છે એથી આ દિવસોમાં સ્વાસ્થ્યને લઇને ખૂબ સજાગ રહેવાની જરૂર છે. આ સમયમાં જો થોડા આસન જેવા કે અર્ધ-મત્સ્યેંદ્રાસન, હલાસન, પવન મુક્તાસન અને સુપ્ત વજ્રાસન કરવામાં આવે તો આપણે સ્વસ્થ રહી શકીએ તેમ છીએ. આ બધા આસન મહત્ત્વપૂર્ણ છે, પણ એમાંય અર્ધ-મત્સ્યેંદ્રાસન સહુથી સરળ અને અસરકારક આસન છે. આપણે ઘણી શારીરિક તકલીફો- માંસપેશીઓનું જકડાવું ત્યાંથી લઇને વાયરલ ઇન્ફેક્શન સુધીની બીમારીઓથી બચી શકીએ છીએ.

કેમ મહત્ત્વનું છે અર્ધ-મત્સ્યેંદ્રાસન?
મહાન યોગી મત્સ્યેંદ્રનાથના નામ પર બનેલું અર્ધ-મત્સ્યેંદ્રાસન ચોમાસામાં આપણા શરીરને ઘણા ફાયદા પહોંચાડે છે. આ આસનથી આપણું બ્લડ સર્ક્યુલેશન સુધરે છે, જેથી માંસપેશી જકડાઇ નથી જતી. આ ઋતુમાં પાચનની સમસ્યા પણ ઊભી થાય છે પણ નિયમિતરૂપે આ આસન કરવાથી એ સમસ્યા પણ દૂર થાય છે. આપણી કરોડરજ્જૂ પણ મજબૂત અને લચીલી બને છે. માનસિક તણાવથી પણ બચીએ છીએ.

આ આસન કેવી રીતે કરશો?
યોગ્ય રીતે આ આસન કરવા તમારા બે પગને સામેની તરફ ફેલાવીને બેસી જાવ. ધ્યાન રહે કે આ સમયે બન્ને પગ એક સાથે હોય અને કરોડરજ્જૂ બિલકુલ ટટ્ટાર અને સીધી હોય. ત્યાર બાદ ડાબા પગને વાળો અને જમણા નિતંબ પાસે લાવો. હવે જમણા પગને ડાબા ઘૂંટણની ઉપર સામેની તરફ રાખો. કમર, ખભા અને ગરદનને જમણી તરફ જમણી તરફ વાળતા એ તરફના ખભાની ઉપરથી જુઓ. આ સ્થિતિમાં જેટલી વાર રહી શકો એટલી વાર રહો. પછી ઊંડા શ્વાસ લો. શ્વાસ છોડતી વખતે પહેલા જમણા હાથને ઢીલો છોડો, પછી કમર, છાતી અને ગરદનને ક્રમશ: ઢીલા છોડો. આ મુદ્રામાં પણ 20-30 સેકંડ રહો પછી આ પ્રક્રિયાને વિપરિત દિશાથી ફરી વાર કરો.

ધ્યાન રાખવા જેવી બાબતો
શરીરને અંતિમ મુદ્રામાં વાળતી વખતે સુનિશ્ચિત કરો કે તમે શ્વાસ બહારની તરફ છોડી રહ્યા છો. આમ કરવાથી તમને ઝૂકવામાં સરળતા રહેશે. આ વાત પણ ધ્યાનમાં રાખો કે આ મુદ્રાને ખોલતી વખતે ધીરે ધીરે પણ ઊંડા શ્વાસ લેવા. આ આસન કરતી વખતે કરોડરજ્જૂના હાડકા ઘણા વળાંક લે છે એટલે સાવધાની રાખવી જરૂરી છે. અગર કરોડરજ્જૂને એક તરફ વાળશો તો પરેશાની રહેશે, પરંતુ જ્યારે બન્ને બાજુથી આ પ્રક્રિયા કરશો કરોડરજ્જૂ વધારે સ્વસ્થ અને સમતોલ રહેશે.

આટલી વાતો જાણી લો
કોશિશ કરો કે સવારે અને બની શકે તો આ આસન વહેલી સવારે કરો જ્યારે સૂર્યના કિરમો પણ ન નીકળ્યા હોય.
જોકે, આ કોઇ કડક નિયમ નથી. સવારે સંભવ ન હોય તો દિવસમાં ક્યારે પણ કરી શકો છો. સવારે સ્વાભાવિક જ પેટ ખાલી હોય છે એટલે આ આસનનો વધુ ફાયદો થાય છે. પરંતુ જ્યારે પણ કરો ત્યારે એ વાતની ખાતરી રાખો કે પેટ પૂરું ખાલી હોય કે પછી ભોજન ચારથી છ કલાક પહેલા કર્યું હોય અર્થાત્‌‍ ભોજન પૂરું પચેલું હોય.

અર્ધ-મત્સ્યેંદ્રાસન ક્યારે ન કરવું?
જો તમે હૃદય, પેટ, હાડકા કે મસ્તકમાં કોઇ પણ પ્રકારની સર્જરી કરાવી હોય તો આ આસન કરવાથી બચો. જો તમે પેપ્ટિક અલ્સર કે હર્નિયાથી પીડિત હો તો ભૂલેચૂકે આ આસન ન કરવું. કરોડ રજ્જૂમાં ચોટ પહોંચી હોય તો પણ આ આસન ન કરવું. જો હળવો સ્લિપ ડિસ્ક હોય તો આ આસનથી થોડો ફાયદો થઇ શકે, પરંતુ ગંભીર હોય તો કદાપિ ન કરવું. અર્ધ-મત્સ્યેંદ્રાસન પહેલાં કરવા હોય તો બદ્ધકોણાસન, ભરદ્વાજાસન,વીરાસન જેવા આસન કરી શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button