તરોતાઝા

ડ્રાયફ્રૂટ્સ જેવી પૌષ્ટિકતા આપનાર બે ધાન્ય

કવર સ્ટોરી – કિરણ ભાસ્કર

આપણા જીવનમાં પોષણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ઉત્તમ દરજ્જાનું પોષણ સ્વસ્થ ગર્ભાવસ્થા સુનિશ્ચિત બનાવે છે. ઉત્તમ પોષણને કારણે જ બાળકોમાં ભરપૂર વિકાસ થતો હોય છે.

ઉત્તમ પોષણ મળવાથી આપણું વજન, આપણી ઉંમર અને આપણા શરીરને અનુરૂપ થાય છે. ઉત્તમ પોષણ મળવાથી જ ખાધેલા ખોરાકથી જરૂરી કેલેરી, ફાઈબર અને ફેટ વગેરે મહત્ત્વપૂર્ણ તત્ત્વ મળે છે અને આપણે હૃદયરોગ, મધુમેહ અને કેન્સર જેવી બીમારીઓથી બચીએ છીએ. જ્યારે આપણે ઉત્તમ પોષણની વાત કરીએ છીએ ત્યારે એનો અર્થ એ થાય છે કે આપણે જે ખાવાનું ખાઈએ છીએ એમાં એ તમામ પોષક તત્ત્વ હાજર છે જે આપણને સ્વસ્થ રાખવા માટે જરૂરી બનતા હોય છે. આને કારણે જ આપણી જૈવિક પ્રવૃત્તિ સુચારુ રૂપે ચાલે છે. જોકે પૌષ્ટિકતા એક ભારેખમ શબ્દ છે જેને સાંભળતાં જ આપણને એવું જણાય કે આપણે ઘણાંબધાં ડ્રાયફ્રૂટ્સ ખાવાં જોઇએ. જોકે એવું નથી હોતું. કુદરતે સૌથી જાડાં અને સામાન્ય ધાન્યમાં સૌથી કીમતી પૌષક તત્ત્વોની વ્યવસ્થા કરી છે.

આ માટે ઉત્તમ પોષણ માટે જરૂરી નથી કે તમે બહુ મોંઘાં ફળ કે ડ્રાયફ્રૂટ્સ ખાવ. આપણે અહીં બે મોટા અનાજ (મિલેટ્સ) અને એક સામાન્ય ફળને કારણે પણ ભરપૂર પૌષ્ટિકતા હાંસલ કરી શકીએ છીએ. હા, તમે સાચું જ વાંચ્યું, આ કોઇ ટીખળ કે મજાક નથી, પણ સો ટકા સાચી વાત છે.

પલાળેલા કાળા ચણા
પલાળેલા કાળા ચણા આવું જ એક પૌષ્ટિકતાથી ભરપૂર જાડું ધાન્ય છે, જેને આપણે સંપૂર્ણ ડાયેટ પણ કહી શકીએ છીએ. પોષણ વિશેષજ્ઞના જણાવ્યા અનુસાર ભલે પલાળેલા ચણાને કોઇએ કમ્પ્લીટ ડાયેટ ન કહ્યું હોય, પણ આમાં જે રીતે પૌષ્ટિક તત્ત્વોની ભરમાર છે એ કમ્પ્લીટ ડાયેટથી ઘણું વધારે સારું છે. આ જ એક કારણ છે કે ઘરેથી દૂર રહીને ભણવા ગયેલા વિદ્યાર્થીઓ એકલા રહીને પણ નોકરી કરતા યુવાનો અને કોઇ પણ કારણથી એકલી રહેતી વ્યક્તિને ખાવાપીવાની જાણકારી ધરાવતા વિશેષજ્ઞો પલાળેલા કાળા ચણા ખાવાની સલાહ આપતા હોય છે, કેમ કે આ ચણા તેમની ઘણી બધી સ્વાસ્થ્ય ચિંતાઓને પૂરી કરતા હોય છે.

રાતે પલાળીને સવારે ખાવામાં આવતા ચણામાં અનેક ગણા ગુણ હોય છે. આ ભરપૂર એનર્જી પ્રદાન કરતા હોય છે. વજનને પણ કંટ્રોલમાં રાખે છે. આને નાસ્તામાં તો ખાઈ જ શકાય છે, સાથે સાથે લંચના રૂપે પણ ખાઈ શકાય છે. આ ફાઈબર અને એન્ટીઓક્સિડેંટથી ભરપૂર હોય છે. આથી જ પલાળેલા ચણા ખાવાથી કલાકો સુધી ભૂખનું નામ પણ યાદ નથી આવતું. કાળા ચણામાં ભરપૂર કાર્બોહાઈડે્રડ, પ્રોટીન, ફાઈબર તેમ જ અનેક ગણા ગુણ હોય છે. નિયમિત રીતે કાળા ચણા ખાવાથી શરીર સારું બને છે અને નબળાઈ પણ દૂર થાય છે.

કાળા ચણામાં પ્રોટીન સારી માત્રામાં હોવાને કારણે શરીર તંદુરસ્ત રહે છે. આ સ્નાયુઓમાં ઘણી ઊર્જા પ્રદાન કરે છે. આ માટે જ જેને પણ બોડી બનાવવાનો શોખ હોય અને ડ્રાયફ્રૂટ્સ તેને મળતા ન હોય તો દરરોજ તેઓ માટે કાળા ચણા વિકલ્પ છે. આમ જોવા જાવ તો કાળા ચણા ન કેવળ આપણા માટે કમ્પ્લીટ ડાયેટ છે, પણ એ પૌષ્ટિકતાનો ભંડાર કે પછી પાવર હાઉસ છે.

પ્રોટીનનો ભંડાર સોયાબીન
સોયાબીનમાં અંદાજે 42 ટકા પ્રોટીન, 20 ટકા ફેટ, 30 ટકા કાર્બોહાઈડે્રડ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન મળી રહે છે. આ માટે જ ગર્ભવતી કે પછી દૂધ પિવડાવતી મહિલાના ખાવાપીવામાં ડોક્ટર સોયાબીનનો સમાવેશ કરવાની હંમેશાં ભલામણ કરતા હોય છે. ખરેખર તો સોયાબીન ઓછી ચરબીયુક્ત અને ઉત્તમ ગુણવત્તાયુક્ત પ્રોટીનનો મુખ્ય સ્રોત છે.
આથી જ સોયાબીન ખાસ કરીને એ લોકો માટે મહત્ત્વપૂર્ણ છે જેઓ માંસ કે પછી માછલી નથી ખાતા અને તેના માટે પણ જેઓ દુગ્ધ કે પછી ડેરીનાં ઉત્પાદનોને ટાળતા હોય છે. સોયાબીન ફાઈબર પ્રાપ્ત કરવા માટેનો એક મહત્ત્વપૂર્ણ સ્રોત છે. ફાઈબરયુક્ત ખાદ્ય પદાર્થ શરીરની પાચન ક્રિયાને સુચારુ રૂપે ચલાવવા માટે મદદરૂપ થાય છે. આને ખાવાથી કબજિયાત થતું નથી. સોયાબીનમાં મળતા પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, વિટામિન બી-ટુ, બી-1, વિટામિન વગેરે આપણા શરીરને સ્વસ્થ બનાવી રાખે છે.
સોયાબીનને ખાવાથી પહેલાં એમાં હાજર એન્ટી ટ્રિપસિન તત્ત્વ કાઢી નાખવા જોઇએ, કેમ કે આ પ્રોટીનના પાચનમાં નડતર બને છે.

સોયાબીનને સાફ કરીને પાણીમાં પલાળો. 8-10 કલાક પછી તેને મસળીને તેની છાલ ઉતારી દો. સારાં પાણીથી ધોઇને 10-15 મિનિટ સુધી તેને ઉકાળો અને તડકામાં તેને સુકાવીને લોટની સાથે મસળીને ઉપયોગમાં લઇ શકાય એમ છે. બીજી રીતમાં સોયાબીનને કડાઈમાં આછો રંગ થાય ત્યાં સુધી સાંતળો. આમાં છાલ કાઢીને સાફ કરીને તેને લોટની સાથે મસળી શકાય છે. સોયાબીનથી બનેલું દહીં ખૂબ જ પૌષ્ટિકતાવાળું હોય છે. આને બનાવતાં પહેલાં સોયાબીનને આછું તળી લો. ઠંડું થયા બાદ તેને પાણીમાં પલાળી દો. તેને 8-10 કલાક
સુધી પલાળી રાખો. ત્યાર પછી તેને પીસીને તેના પિંડને ગરમ પાણીમાં ભેળવી દો અને થોડા સમય તેને ઉકાળો. ઠંડું થવા પર આમાં થોડો બેકિંગ પાઉડર અને સાકર તેમ જ ચૂનાનું પાણી ભેળવી દો. થોડી પીસેલી એલચી પણ નાખી શકાય છે. આ પ્રક્રિયાથી બનેલા દૂધમાં થોડું દહીં ભેળવીને તેનું પૌષ્ટિક દહીં તૈયાર કરી શકાય છે.

આજકાલ સોયાબીનનું દહીં જમાવીને તૈયાર ટોફુ માર્કેટ પણ મળે છે. આ પનીરના વિકલ્પ રીતે વપરાશમાં લઇ શકાય છે. આ કડક અને મુલાયમ બંને સ્વરૂપે મળે છે. સોયાબીનનું દૂધ બનાવવા માટે તેને વિભિન્ન પ્રક્રિયાઓથી પીસીને તૈયાર કરવામાં આવે છે. આ પ્રોટીનયુક્ત દૂધ ખૂબ જ પૌષ્ટિકતાવાળું હોય છે. આમાં કેલ્શિયમ પર્યાપ્ત માત્રામાં હોય છે.

સોયાબીનથી તૈયાર થયેલા લોટથી બિસ્કિટ પણ બનાવી શકાય છે. બાળકોનો સાચા શારીરિક વિકાસ માટે તેને પૂરી રીતે સંતુલિત આહાર આપવો જરૂરી છે. આ માટે જ તેમની ડાયેટમાં વિભિન્ન સોયાબીન પ્રોડક્ટનો સમાવેશ કરવો જોઇએ. અન્ય ખાદ્ય પદાર્થોમાં પ્રોટીન જે રૂપે પ્રાપ્ત થતું હોય છે તેમાં ફેટ અને કોલેસ્ટ્રોલ પણ હોય છે, જેમ કે માંસ, દૂધ અને ઈંડાં વગેરે, જ્યારે સોયાબીનમાં એવું નથી હોતું. આ માટે જ બાળકોને સોયાબીનનું દૂધ આપવું જોઇએ, એક વાર જો તેઓ પીવાનું શરૂ કરે તો તેને એ સ્વાદિષ્ટ લાગવા લાગે છે.

સુપર ફ્રૂટ આમળાં
સ્વાસ્થ્યને લઇને આ દિવસોમાં એક શબ્દ જે ખૂબ પ્રચલિત થયો છે એ છે ઈમ્યુનિટી. આજ દરેક ફળો અને શાકભાજીની શોધમાં રહે છે, જે લોકો માટે ઈમ્યુનિટી બુસ્ટર બની રહે. આમળાંની આ કારણથી જ હાલમાં ખૂબ જ માગ રહી છે, કારણ કે વિટામિન સીનો ભંડાર હોવાને નાતે એમાં ખૂબ જ વધુ પ્રમાણમાં ઈમ્યુનિટી બુસ્ટર છે. આમળાંના આ ગુણોને કારણે જ તેને `સુપર ફ્રૂટ્સ’ કહે છે. આયુર્વેદમાં તો ખાસ કરીને એ પસંદગીનું ફ્રૂટ્સ છે. વિટામિન સીથી ભરપૂર હોવાને કારણે આપણને શરદી-ઉધરસ જેવી પરેશાનીઓથી બચાવે છે અને આંખો માટે પણ ઘણું સારું છે. સ્કીન માટે પણ તે ગુણકારી છે.

દરરોજ આમળાં ખાવાથી શરીરમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં રહે છે. સ્વાસ્થ્ય જ નહીં પણ તમારી સુંદરતા પણ વધારવા માટે આમળાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. એક વાત હજી ધ્યાનમાં રાખવા જેવી છે કે આમળાંનો ભરપૂર ફાયદો ઉઠાવવા માટે એને સવારે જ ખાવાં જોઇએ. સવારે ખાલી પેટે ખાવાથી શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢી નાખે છે અને શરીરને સાફ બનાવી દે છે.

આમળાં ઈમ્યુનિટી બુસ્ટર એટલા માટે છે કેમ કે આમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી શરીરના મેટાબોલિઝમને વધારે છે, જેને કારણે રોગથી લડવાની ક્ષમતા વધે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો