શું છે પાણી પર ટકી રહેવાનું વિજ્ઞાનટૂંક સમયમાં જ નિષ્ણાતો કરશે જાહેર
કવર સ્ટોરી – રમણ રાવલ
મધ્યપ્રદેશના એક સંત સાડા ત્રણ વર્ષથી માત્ર નર્મદાનું પાણી પીને જીવિત છે. તેમના દાવાની તપાસ તાજેતરમાં મધ્યપ્રદેશ સરકારના નિષ્ણાતોની સમિતિ દ્વારા કરવામાં આવી છે. હવે આ સમિતિ તેનો અહેવાલ સરકારને સુપરત કરશે, જે મધ્યપ્રદેશ સરકાર વિશ્વ સમક્ષ રજૂ કરશે કે આ કેવી રીતે શક્ય છે અને તે કેવી રીતે સનાતની પરંપરાનો સમૃદ્ધ વારસો છે.
જબલપુર વિસ્તારના એક સંત સાડા ત્રણ વર્ષથી માત્ર નર્મદાના પાણી પર નિર્ભર છે. ખાણી-પીણીના નામે તેઓ માત્ર પાણી પીવે છે, તે પણ પવિત્ર નદી નર્મદાનું. એકવીસમી સદીમાં આ એક અનોખી ઘટના તો છે જ, ચમત્કારિક ભલે ન હોય. ચમત્કારિક એટલા માટે નહીં કારણ કે સનાતન પરંપરામાં એક વિશાળ અને અદ્ભુત પરંપરા રહી છે, જ્યારે તપસ્વીઓ અન્ન-જળનો ત્યાગ કરીને તપ કરતા હતા. આધુનિક યુગમાં આ ચોક્કસપણે એક અસાધારણ બાબત છે. આમાં નોંધનીય બાબત એ છે કે મધ્યપ્રદેશ સરકાર ડોક્ટરોની દેખરેખમાં દાદા ગુની સાત દિવસ સુધી પરીક્ષણ કરવા જઈ રહી છે જેથી કરીને અધિકૃત રીતે ખાતરી કરી શકાય કે માત્ર પાણી પણ જીવનનો આધાર બની શકે છે. આ પરીક્ષણ બાદ વિશ્વ સ્તરે દાદા ગુની આ સિદ્ધિનો પ્રચાર કરવામાં આવશે.
ભારતીય શાસ્ત્રો, ગ્રંથો અને પુરાણોમાં આવી અસંખ્ય ઘટનાઓનો ઉલ્લેખ છે, જેમાં સંત મહાત્માથી લઈને સંસારિક વ્યક્તિ, રાજા-મહારાજા સુધીના દરેકે પોતાના કોઈ સંકલ્પ કે સિદ્ધિ માટે જપ અને તપસ્યા કરી હતી. આ સાધના વર્ષો લાંબી અને અત્યંત કઠણ પણ હતી. જેમાં કોઈ પણ જાતના ખોરાક કે પાણી વગર એક જ જગ્યાએ સમાધિમાં બેસીને ઈચ્છિત પરિણામ માટે તપ કરવામાં આવતું હતું. એવા ઘણા પ્રસંગો છે જ્યારે સર્વશક્તિમાનનું સિંહાસન ધ્રૂજવા લાગતુ અને તેમણે પૃથ્વી પર આવીને પોતાના ભક્તોની ઈચ્છાઓ પૂરી કરવી પડતી. રાવણ, માતા પાર્વતી, ભસ્માસુર, હિરણ્યકશ્યપ અને આવા સેંકડો તપસ્વીઓ થઈ ગયા, જેમણે નિરાહાર રહીને તપ કર્યા હતા.
કળિયુગમાં પણ કેટલાક મહાન લોકો આવી જ સાધના કરી રહ્યા છે. સાંસારિક જીવન જીવતા ઘણા લોકો આવી પ્રવૃત્તિઓ કરે છે, જે સામાન્ય રીતે કરી શકાતી નથી. જો આપણે સનાતન પરંપરાના વ્રત-ઉપવાસ પર નજર કરીએ તો, વ્યક્તિ થોડા દિવસો સુધી અન્ન અને જળ વિના જીવવાનો પ્રયાસ કરે છે. બંને નવરાત્રિ અને શ્રાવણ મહિનો ઉપરાંત અનેક આવા ઉત્સવો છે, જેમાં ભક્તો ઉપવાસ રાખે છે. જે એક દિવસથી લઈને એક અઠવાડિયા અને એક મહિના સુધીના હોય છે. આમાં, કેટલાક ભક્તો એક જ સમય ભોજન લે છે, કેટલાક એક સમય ફક્ત ફળાહાર કરે છે અને કેટલાક દૂધ અથવા ફળોના રસ પર આધાર રાખે છે. નવરાત્રિના નવ દિવસ નિરાહાર ઉપવાસ હજારો હિન્દુ ઉપાસકો કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બંને નવરાત્રિ દરમિયાન આવા ઉપવાસ કરે છે, જેમાં ફક્ત ફળો અથવા ફળોના રસનું સેવન કરે છે. તેમ છતાં તેઓ દેશને લગતી તમામ જવાબદારીઓ પૂરા ઉત્સાહથી નિભાવે છે. તાજેતરમાં, 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન, મોદીજીએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા અને મંદિર પરિસરમાં જ તેમના આધ્યાત્મિક ગુ ગોવિંદ દેવ ગિરીજીએ તેમને મધ મિશ્રિત પાણીનું ચરણામૃત આપીને તેમના ઉપવાસ સમાપ્ત કરાવ્યા હતા.
આ સાથે હિન્દુ ધર્મના કેટલાક અનુયાયીઓ 16 સોમવારના ખૂબ જ કડક ઉપવાસ કરે છે. આ દિવસે સાંજના નક્કી કરેલા સમયે એક જ જગ્યાએ બેસીને માત્ર ચા, દૂધ, કેળા કે અન્ય કોઈ ફળ, મિસરી ખાંડ કે એવી કોઈ વસ્તુ લેવાનો સંકલ્પ લઈ 16 સોમવાર સુધી તેનું પાલન કરે છે. કલ્પના કરો કે દિવસમાં એકવાર માત્ર એક ગ્લાસ પાણી અથવા એક કપ ચા પીને દિવસ પસાર કરવો કેટલો મુશ્કેલ હશે. મારા ફેમિલી ડોક્ટરે ગયા વર્ષે 16 સોમવારની તપસ્યા કરી, તેનું ઉધાપન કર્યુ હતું. કોઈ ડોક્ટરની આ પહેલ કોઈ ભ્રમણા કે ધાર્મિક પ્રથા ન હોઈ શકે.ચોક્કસપણે એક યોગ્ય વૈજ્ઞાનિક ક્રિયા હેઠળ જ આ સનાતન પરંપરા અનુસરવામાં આવી હશે, જેમાં શરીર અને મનની શુદ્ધિ મુખ્ય રહી હશે.
તેવી જ રીતે, શ્વેતાંબર જૈન ખતરગચ્છના સંઘના સાધ્વી સુશ્રી વિમલાયશાશ્રીજી છેલ્લા 45 વર્ષથી દિવસમાં બે વાર ચા પીને આધ્યાત્મિક સાધના કરી રહ્યા છે. ઘણી વખત તેમની તબીબી તપાસ પણ કરવામાં આવી છે, જેમાં સાધ્વીજીને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. ડોક્ટરોનું માનવું છે કે સાધ્વીજી જેવી વ્યક્તિને દરરોજ 1800 કેલરીની જરૂર હોય છે. બે કપ ચામાંથી 1200 થી 1400 કેલરી મળી જાય છે. આ સાધ્વીજીનું એક વાર પગનું હાડકુ તૂટી ગયું હતું, જે સારવાર વિના જ સા થઈ ગયું. તેઓ ચિકનગુનિયામાં પણ દવા વિના સ્વસ્થ થઈ ગયા હતા.
કેટલાક લોકો એવો સંકલ્પ પણ લે છે કે તેઓ એક અઠવાડિયા કે એક મહિના સુધી દિવસમાં એકવાર દાળ, ચોખા, ફળ, ફળોનો રસ, દૂધ કે એવો કોઈ પણ ખાદ્ય પદાર્થ લેશે. વર્ષોથી અઠવાડિયામાં એક દિવસ માટે નિરાહાર ઉપવાસ કરવો એ ભારતની પ્રાચીન પરંપરા છે. હવે તો
આધુનિક મેડિકલ સાયન્સના નિષ્ણાતો પણ એવું કહેવા લાગ્યા છે કે વ્યક્તિએ અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરવો જોઈએ જેથી તેના શરીરની મશીનરી જળવાઈ રહે. પેટ અને આંતરડાને ખરાબ બેક્ટેરિયાથી બચાવવા ઉપવાસ એ શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે.
કહેવાનો મતલબ એ છે કે દાદા ગુ જે કરી રહ્યા છે, તે ખૂબ જ મુશ્કેલ તપ અવશ્ય છે, પરંતુ ભારતમાં પ્રાચીન કાળથી એવા ઉપાસકો અને સાધકો રહ્યા છે, જેઓ આત્મ શુદ્ધિ, શરીર શુદ્ધિ માટે અન્ન, પાણી અથવા કોઈ વિશેષ વસ્તુનો ત્યાગ કરીને પોતાનું જીવન જીવે છે. આમાં સારી વાત એ છે કે મધ્યપ્રદેશ સરકારે આ પ્રશંસનીય પહેલ કરી છે કે તે દાદા ગુની સાધનાને વૈજ્ઞાનિક આધાર આપી તેને વિશ્વ સમુદાયની સામે લાવવાનો પ્રયાસ કરી રહી છે.
જબલપુર મેડિકલ કોલેજની ચાર નિષ્ણાતોની સમિતિ અને એક અન્ય સમિતિ સાત દિવસ સુધી યોગ્ય પરીક્ષા બાદ આગામી 3 મહિનામાં સરકારને તેની ભલામણો સુપરત કરશે.