તરોતાઝા

સંવાદમાં સ્પષ્ટતા ને વ્યક્તિત્વમાં નિખાર માટે કરો `ભરદ્વાજાસન’

કવર સ્ટોરી – દિવ્યજ્યોતિ `નંદન’

કોમ્યુનિકેશન સ્કિલ્સ એ આજના જમાનામાં તમારા કરિઅર માટે તેમ જ તમારા સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે. તમારા વ્યક્તિત્વના ઘડતર માટે પણ આ ખૂબ જ આવશ્યક છે.

જો તમે કોઇની સાથે વાતચીત કરવામાં ખચકાટ અનુભવો છો કે પ્રભાવશાળી અંદાજમાં સંવાદ ન સાધી શકો તો એ તમારા માટે એક પ્રકારે નકારાત્મક પણ ગણવામાં આવે છે. તમે જે વાત કહેવા માગો છો એ બાબતે તમે સ્પષ્ટ છો અને છતાં તમે પોતાની બાજુ યોગ્ય રીતે અને પ્રભાવશાળી રીતે ન માંડી શકો તો તમને એક યોગ મુદ્રાથી ખૂબ જ ફાયદો થઇ શકે છે. સંવાદમાં સ્પષ્ટતા અને વ્યક્તિત્વમાં નિખાર માટે `ભરદ્વાજાસન’ રામબાણ ઉપાય છે.

ખરેખર યોગ એ ફક્ત શારીરિક કસરત નથી. યોગ તમારા વ્યક્તિત્વને પ્રભાવશાળી તરીકે નિખારવાનું એક વિજ્ઞાન પણ છે. યોગ શરીરને લચીલું અને મજબૂત બનાવે છે, જ્યારે આપણા વ્યક્તિત્વને પ્રભાવશાળી અને સંવાદની શૈલીને સ્પષ્ટ અને આકર્ષક બનાવે છે. જો કોઇને વાતચીત કરવામાં ખચકાટ અનુભવાતો હોય પછી તે તમારા બોસ હોય, સહકર્મીઓ હોય કે પછી અન્ય લોકો હોય, તો અમુક યોગાસનો નિયમિત રીતે કરતા તમને ચોક્કસ ફાયદો થાય છે.

જેમ કે વૃક્ષાસન, ત્રિકોણાસન, ભરદ્વાજાસન. તેમાં પણ જો સંવાદમાં સ્પષ્ટતા અને વ્યક્તિત્વને કૂલ અને કૉમ બનાવવાનો સવાલ છે તો ભરદ્વાજાસન સૌથી વધુ ફાયદેમંદ છે. કારણ કે તે મનને શાંત કરે છે અને તણાવને દૂર કરીને વાણીને પ્રવાહ આપે છે. આ આસન કરવાથી ગભરાટ દૂર થાય છે, જેના કારણે સંવાદને પ્રભાવશાળી બનાવવામાં સૌથી વધુ કારગર સાબિત થાય છે.

શું છે ભરદ્વાજાસન?
આ એક પ્રાચીન યોગ મુદ્રા છે જેને અંગ્રેજીમાં `ભરદ્વાજાસ ટ્વિસ્ટ’ કહેવાય છે. આ આસન કરવાથી શરીરના ઉપલા અંગો ખૂબ જ લચીલા બને છે. તેનાથી શરીર અને મનનું સંતુલન વધુ સુધરે છે. બ્લડ પ્રેશર કાબૂમાં રહે છે તથા સંવાદમાં પ્રવાહ વિકસિત થાય છે.

ભરદ્વાજાસન કરવાની પ્રક્રિયા
જો તમે પહેલી વખત આ આસન કરો છો તો તમારે એકસાથે નહીં, પરંતુ અલગ અલગ તબક્કામાં કરવું જોઇએ. પહેલા તબક્કામાં એક ખુલ્લી જગ્યાએ અને સમતળ જમીન પર તમારી યોગા મેટ પાથરો અને તેના પર દંડાસન યોગ મુદ્રામાં બેસી જાવ. બીજા તબક્કામાં બંને ઘૂંટણને વાળો અને પગને પોતાના જમણા પૃષ્ઠભાગ પાસે લાવો અને એ કરતી વખતે શરીરનું વજન ડાબા પૃષ્ઠભાગ પર રાખો.

ત્રીજા તબક્કામાં જમણા પગને એડીથી પકડીને જમણા સાથળ પર રાખો. ત્યાર પછીના તબક્કામાં તમારી કરોડરજ્જુ અને ડોકને સીધી રાખો તથા ધીરે ધીરે ઊંડા શ્વાસ લો. ત્યાર બાદ જમણો હાથ વાળીને ડાબા હાથની કોણી સુધી લાવો અને ધીરે ધીરે પોતાની તરફ ખેંચો. છેલ્લે જમણા હાથને પાછળથી લાવીને ડાબા પગના અંગૂઠાને પકડો. આ યોગ મુદ્રાનો નિયમિત અભ્યાસ કરવો જરૂરી છે. એટલે જો શરૂઆતમાં આ યોગાસન કરવું મુશ્કેલ લાગે તો ધીરે ધીરે આગળ વધવું. જ્યારે દરેક મુદ્રા સરળતાથી થવા લાગે તો તેમાં એક સુયોગ્યતા આવશે.

ક્યારે ન કરવું?
ભરદ્વાજાસન કરતા પહેલા શરીરને એક વખત ઘણું વાળવું પડે છે. એટલા માટે શરીરના કોઇ ભાગમાં ગંભીર ઇજા હોય કે કોઇ ભાગ દુખતો હોય, ખૂબ થાકેલા જણાતા હોવ, કમજોરી જણાતી હોય તો આ આસન ન કરવું. માસિક ધર્મ તથા ગર્ભાવસ્થા અને હાઇ-લૉ બ્લડપ્રેશરની પરિસ્થિતિમાં પણ આ આસન ન કરવું. શરીરનું સંતુલન ન થાય, ઉંમર વધારે હોય કે શરીર વધુ સ્થૂળ હોય તો પણ વધુ બળ લગાવીને આ આસન ન કરવું. આમ કરવાથી ફાયદાને બદલે નુકસાન થઇ શકે.

આ સાવચેતી પણ રાખવી
આસન શરૂ કરતા પહેલા ઓછામાં ઓછી દસ મિનિટ વૉર્મ-અપ કરવું. એડીને સાથળ પર મૂકવા માટે બળજબરી કે વધુ જોર ન લગાડવું. ન થઇ શકે તો તેને છોડી દેવું. કમર અને ડોકને આસન દરમિયાન સતત સીધી રાખવી. નહીંતર કમર કે ડોક મચકોડાઇ શકે.

આ આસન પીઠના સ્નાયુઓને પણ ખૂબ ખેંચે છે. જેના કારણે પીઠ અને ડોક જકડાઇ ગઇ હોય તો ઠીક થઇ જાય છે પરંતુ જો આ સમસ્યા વધુ કપરી હોય તો તેને ધીરે ધીરે ઓછી કરવી. ભરદ્વાજાસનના અનેક ફાયદા છે. આપણે અહીં ફક્ત સંવાદ દરમિયાન વધુ સહજ પ્રવાહના ફાયદાની વાત કરી છે. જે આ આસનના અનેક ફાયદાઓમાંનો ફક્ત એક જ ફાયદો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ