તરોતાઝા

પ્રાણીઓ પાસે છે ગરમી સામે રક્ષણ માટે પોતાનું મેકેનિઝમ

કવર સ્ટોરી – કે. પી. સિંહ

જ્યારે આકાશમાંથી આગ વરસે છે, ત્યારે માત્ર માણસો જ નહીં, પ્રાણીઓ પણ બેચેન થઈ જાય છે, પરંતુ માણસોની જેમ, તેમની પાસે પણ ગરમીથી બચવાનો પોતાનો રસ્તો છે. આ વાત ખાસ કરીને જંગલી પ્રાણીઓને લાગુ પડે છે, પરંતુ જે વન્ય પ્રાણીઓની વનવિભાગ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે અથવા નિયંત્રિત જંગલ વિસ્તારોમાં રાખવામાં આવે છે, તેમને ગરમીથી બચાવવા માટે વન વિભાગ દ્વારા વિવિધ પગલાં લેવાય છે.

  • ઉનાળામાં, વ્યવસ્થાપિત વન વિસ્તારનાં તમામ તળાવો અને ખાડાઓને પાણીથી ભરી દેવાય છે. ખાસ કરીને મે અને જૂન મહિનામાં અભયારણ્યમાં વન્ય પ્રાણીઓ માટે માત્ર પીવા માટે જ નહીં ગરમીથી બચાવવા માટે પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.
  • જે પ્રાણીઓને પાંજરામાં રાખવામાં છે, આ દિવસોમાં
    તેમને ઠંડક આપવા માટે પડદા લગાવવામાં આવે છે, જેથી બહારની ગરમી અંદર ન જાય, અને કુલર વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. જે પ્રાણીઓને જાળીની અંદર રાખવામાં આવે છે, તેમની જાળીને સૂર્યથી રક્ષણ આપવા માટે લીલા રંગથી રંગવાનો પ્રયાસ કરવામાં આવે છે.
  • આ દિવસોમાં, પ્રાણી સંગ્રહાલય અને અન્ય પ્રાણી ઉદ્યાનોને ઘાસ અને લીલા પાંદડાઓથી ઢંકાયેલા રાખવામાં આવે છે, જેથી પ્રાણીઓ તેમની નીચે રહી શકે. પ્રાણીઓને આજુબાજુના વાતાવરણમાં કાળઝાળ ગરમીનો સામનો ન કરવો પડે તે માટે સાંજ અને સવારના સમયે જમીન અને ઝાડ-છોડ પર પાણીનો છંટકાવ કરવામાં આવે છે અને પાંજરાની અંદર પાણીના નાના-નાના તળાવ બનાવવામાં આવે છે જેથી પ્રાણીઓ તેમની ગરમી દૂર કરી શકે.

આ તો એવાં પ્રાણીઓની વાત થઈ, જેને મનુષ્ય પ્રાણી સંગ્રહાલયમાં અથવા વન્યજીવ અભયારણ્યમાં રાખે છે.

પરંતુ જે પ્રાણીઓ જંગલમાં પોતાની રીતે રહે છે તેમની પાસે પણ ગરમીથી બચવાની પોતાની રીત છે. ઉદાહરણ તરીકે, ભારતના મોટાભાગના ભાગોમાં, મે અને જૂન મહિનામાં, જ્યારે સૂર્યનાં કિરણો ખૂબ જ તીવ્ર હોય છે અને દિવસના ઘણા કલાકો સુધી આકાશમાંથી આગ વરસે છે, ત્યારે મોટાભાગનાં પક્ષીઓ ઊંચા અને ગીચ પાંદડાવાળા ઝાડમાં આશ્રય લે છે. ઉનાળા દરમિયાન, ખાસ કરીને બપોરના સમયે, મોટાભાગનાં પક્ષીઓ આવાં વૃક્ષોના પાંદડાઓમાં સંતાઈ જાય છે, જેના પાંદડા આ ઋતુમાં પણ લીલા હોય છે અને ગાઢ છાંયો આપે છે, પરંતુ આ સમયગાળા દરમિયાન પક્ષીઓને શિકારીઓથી ખતરો હોય છે, તેથી મોટાભાગે તેઓ ઊંચા વૃક્ષોની ટોચ પર જ સંતાવાનું જોખમ લે છે.

કેટલાંક પ્રાણીઓ અત્યંત ગરમ હવામાનમાં જમીનની અંદર જતા રહે છે અને ભૂગર્ભમાં જઈને પોતાને ગરમીથી બચાવે છે. ભારતમાં ઉનાળાની ઋતુ દરમિયાન, રીંછ, ખિસકોલી અને રેકૂન્સ જેવા વન્યજીવો શિકારનું જોખમ ઘટાડવા માટે કેટલીકવાર એક જ જગ્યાએ અને એક જ મુદ્રામાં કેટલાંક કલાકો વૃક્ષોમાં સંતાઈ જાય છે. ભારતમાં ખાસ કરીને ઉનાળાની ઋતુમાં, બહુ ઓછાં પક્ષીઓ પ્રજનન કરે છે, તેની પાછળનું એક કારણ ગરમીથી પોતાને બચાવવાની રીત છે. સિંહ જેવાં પ્રાણીઓ, જેને અન્ય પ્રાણીઓથી ખતરો નથી, તે ઉનાળામાં મોટા ઘટાદાર વૃક્ષો નીચે બેસે છે. ઘણાં પ્રાણીઓ કાદવમાં ડૂબીને ગરમીથી પોતાને બચાવે છે, જ્યારે ઘણાં પ્રાણીઓ ઉનાળામાં વધુ પડતા હાંફીને તેમના શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે, જેમાં કૂતરા સૌથી આગળ છે. ભારે ઉનાળા દરમિયાન હાથી તેમના કાન ફફડાવતા હોય છે, જે તેમને માત્ર ઠંડક અનુભવવામાં મદદ કરે છે, અને તેમના કાનમાંથી લોહી વહેતું બંધ થાય છે.

જે લોકો પક્ષીઓને ઘરમાં પાળે છે કે પ્રાણી સંગ્રહાલય, જ્યાં પક્ષીઓને રહેવાની જગ્યા હોય ત્યાં ઉનાળામાં પાણીનાં નાનાં-નાનાં તળાવો બનાવવામાં આવે છે, જેના કારણે પક્ષીઓ તેમાં સ્નાન કરે છે અને પાણીમાં મસ્તી કરે છે. એટલું જ નહીં, આ દિવસોમાં પ્રાણીઓ પણ તેમના આહારને ઉનાળાની મૌસમને અનુકૂળ બનાવે છે. ઉદાહરણ તરીકે, ઘણા પ્રાણીઓ આ દિવસોમાં ઇંડા ખાવાનું બંધ કરે છે અને કાકડી, પાંદડાવાળા શાકભાજી ખાવા લાગે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કુદરત તેમને પોતાને ગરમીથી બચાવવાની રીતો શીખવે છે.

ખિસકોલીઓ, કૂતરા, બિલાડીઓ પોતાને ભારે ગરમીથી બચાવવા માટે પોતાની મુદ્રાને વાળી લે છે, જેના કારણે તેમનું શરીર વધારે ગરમ થતું નથી, આ દિવસોમાં ઘણા પ્રાણીઓ કાદવમાં ડૂબી જાય છે, જેના કારણે તેમના શરીરનું તાપમાન ઘટે છે. આ રીતે માનવીની જેમ પ્રાણીઓ પણ ગરમીથી બચવા વિવિધ ઉપાયો કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button