તરોતાઝા

ચૈત્ર માસમાં લીમડો તમારો ડૉકટર બનીને આવે છે

કવર સ્ટોરી – મુકેશ પંડ્યા

ચૈત્ર સુદ એકમના દિવસે આપણે ત્યાં લીમડાનાં ફૂલ(મહોર)ની ચટણી ખાવાનો અથવા લીમડાનું પાણી પીવાનો રિવાજ છે. કઈ ઋતુમાં ક્યા વૃક્ષ ઉપયોગી છે તેનું સંશોધન કરી આમઆદમી પણ તેના સેવનથી તન-મનની સ્વસ્થતા જાળવી શકે એવી ભાવના સાથે વનસ્પતિઓ સાંકળી લઈ ઋષિમુનિઓએ આપણા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. ગૂડીપડવાથી કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઈ જાય છે. ઘરોમાં, દુકાનોમાં, ઑફિસોમાં ઍરકન્ડિશનરોનાં બટન `મહત્તમ’ હોય છે.

એક એક તરફ ઉનાળાનું આગમન અને બીજી બાજુ ગ્લોબલ વૉર્મિંગને કારણે વધતી જતી ગરમી એમ બેઉ બાજુથી આપણે ભીંસમાં આવી ગયા છીએ, ત્યારે મહાન ઋષિવર્ય જેવો જેને ગણવામાં આવ્યો છે તે `લીમડો’ જ આપણેને બચાવી શકે તેમ છે. તે કેવી રીતે એ હવે આપણે જોઈએ.

લીમડો : જીવતું-જાગતું ઍરકન્ડિશનર
પ્રકૃતિનો નિયમ છે કે જેની પાસે જે ન હોય એ વસ્તુ એને મળે તો એ ખૂબ જ ખુશ થઈ જાય છે. બળબળતા સૂર્યને પાણીની અંજલિથી ખૂબ જ સંતોષ થાય છે, તો સૂકા અને રુક્ષ વાયુદેવ સ્નિગ્ધ તેલથી હર્ષ પામે છે. આ જ રીતે અત્યંત ઠંડી પ્રકૃતિનો લીમડો ગ્રીષ્મઋતુમાં સૂર્યમાં પ્રખર કિરણોનો કોળિયો કરી જવા તલપાપડ બની જાય છે. જેમ કોઈ રસોઈ પકાવવા આપણે ચૂલા પર ગરમ કરીએ છીએ એ જ રીતે પોતાનાં ફળ પકાવવા લીમડો સૂર્યમાંથી ગરમી શોષે છે. આમ તો દરેક વૃક્ષ સૂર્યપ્રકાશ મેળવીને પોતાની રસોઈ કરતાં હોય છે, પરંતુ લીમડો, આંબો, કેસૂડો, બીલીવૃક્ષ, ગુલમહોર વગેરે વૃક્ષને કુદરતે ઉનાળામાં ફળ પકાવવાનો આદેશ આપ્યો હોય તેમ તેઓ ગરમીમાં જ વધુ ખીલી ઊઠે છે. જેટલી ગરમી વધુ એટલા એ વૃક્ષનાં ફળ વધુ ગુણકારી, જેમ કે લીંબોળી, કેરી વગેરે. આમાંય લીમડો વધુ ઠંડો હોઈ વધુ ગરમી મેળવવાનું કાર્ય કરે છે. પરિણામે લીમડા પર પડતી સૂર્યની ગરમી તુરત અને મોટા પ્રમાણમાં શોષાઈ જાય છે. આથી તેનાં સાંનિધ્યમાં આવતાં માનવ, પશુ-પક્ષી ભરઉનાળે પણ ઠંડક અનુભવે છે.

મનુષ્યે શોધેલું ઍરકન્ડિશનર ફક્ત રૂમના એક મર્યાદિત ભાગમાંથી ગરમી દૂર કરી પાછલા માર્ગે બહાર કાઢે છે, એટલે કે રૂમની અંદર ઠંડક થાય, પરંતુ રૂમની બહારનું વાતાવરણ વધુ ગરમ થાય છે. આમ, ઍરકન્ડિશનર ગરમીનું ફક્ત સ્થળાંતર કરે છે એમ કહી શકાય, જ્યારે લીમડો ગરમીનું પરિવર્તન કરે છે. ગરમ કિરણોનો ઉપયોગ કરી લીમડો પોતાનાં ફળ લીંબોળીને પકવે છે. વધારામાં આપણને ઠંડક આપે છે. આ જ રીતે આંબો ગરમી મેળવીને આપણાને સરસ મજાની કેરી ખાવા આપે છે. ઋતુઓના ફેરફાર થાય તો એ ફેરફારમાં માણસો પશુ-પંખીઓ ટકી રહે તે માટેનાં વૃક્ષો પણ કુદરતે આપણને આપ્યાં છે, પરંતુ આપણે લોકો વૃક્ષો વધુ વાવવાને બદલે કોંક્રિટ જંગલ બનાવવાનું કામ સતત કરી રહ્યા છીએ. ભારતના આવા પચાસ હજાર લીમડા મક્કામદીના જતાં અરાફતના મેદાનમાં ઉગાડવામાં આવ્યા છે, જે દર વર્ષે બે લાખ હજયાત્રીઓને રણમાંય ઠંડક પ્રદાન કરે છે. હવે તો અમેરિકા, યુરોપ સહિતના દેશોના વૈજ્ઞાનિકો લીમડો પોતાને ત્યાં ઉછેરવા લઈ ગયા છે અને લીમડો માત્ર ઠંડક જ નહિ, જંતુનાશક તરીકે અને વિવિધ રોગમાં દવા તરીકે પણ અત્યંત ઉપયોગી છે તેવું ત્યાંના વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ તો લીમડાને `મેડિસન ટ્રી ઑફ ઈન્ડિયા’ તરીકે જ ઓળખાવ્યો છે. વધુમાં તેઓ આ ઝાડને ઍર પ્યોરિફાયર એટલે કે હવાના શુદ્ધિકરણનો કર્તા કહ્યો છે. લીમડા ઉગાડવાથી ઠંડકની સાથેસાથે વાતાવરણમાં શુદ્ધતા પણ પ્રવેશે છે.

ગ્લોબલ વૉર્મિંગના જમાનામાં લીમડા જેવા જીવંત સંતવૃક્ષને ઠેરઠેર વાવીને તેમનું જતન કરવાનું લોકોએ અભિયાન કરવું જોઈએ. માણસ કરતાં તો પશુ-પંખી લીમડા' ને વધારે સમજે છે. ગરમ પ્રદેશના ઊંટ અને બકરી લીમડાનાં પાન હોંશેહોંશે ખાઈને શરીરને ઠંડક આપે છે. કાળા હોવાને કારણે ગરમીમાં વધું ત્રાસ પામતા કાગડા, કોયલ જેવાં અનેક શ્યામરંગી પક્ષી લીમડાને પોતાનું આશ્રયસ્થાન બનાવે છે. સંસ્કૃતમાં લીમડાનેકાકફળ’ એટલે જેનું ફળ કાગડાને પ્રિય છે તેવું વૃક્ષ કહ્યું છે.
ગુજરાતી દોહાની બહુ સરસ મજાની પંક્તિ છે કે

કડવો હોય લીમડો
તોય શીતળ એની છાંય,
ભાઈ હોય અબોલડો,
તોય અંતે પોતાની બાંય.

લીમડો માત્ર વાતાવરણમાં ઠંડીનો વીંઝણો નથી વીંઝતો. તેનો સેવનથી આપણા શરીરને પણ ઠંડક મળે છે. વળી, આપણા શાસ્ત્રોમાં તો એટલું બારીકાઈપૂર્વક નિરીક્ષણ થયું છે કે લીમડાનું ક્યું અંગ વધારે ગુણકારી છે તે પણ શોધવામાં આવ્યું છે, જેમ કે લીમડાનાં પાકટ પાન કરતાં કૂણાં પાન અને કૂણાં પાન કરતાં તેનાં ફૂલ(મહોર) વધારે ઠંડક આપે છે. એટલે જ તો ચૈત્ર મહિનામાં લીમડાનાં કૂણાં પાનનો રસ કે ફૂલ(મહોર)ની ચટણી ખાવાનું કહેવામાં આવ્યું છે. બારે માસ જોવા મળતાં લીમડાનાં પાકટ પાન કરતાં ઉનાળામાં મહોરતાં પુષ્પો અને કૂણાં પાન વધારે `ગરમીભૂખ્યાં’ હોઈ શરીરમાં દાખલ થતાં જ સક્રિય બની જાય છે અને શરીરની ગરમી શોષી લઈ ગરમીથી થતાં દર્દો જેવાં કે પિત્ત અને ચામડીના રોગોથી મનુષ્યને રક્ષણ આપે છે. ઓરી, અછબડા અને શીતળા જેવા રોગ વખતે બારી-બારણાં આગળ લીમડાની ડાળી લગાડવામાં આવે છે તેમ જ દર્દી પથારીમાં લીમડાનાં પાન પાથરવામાં આવે છે. શીતળતામા ને પોતાના નામ પ્રમાણે જ શાતા આપતો લીમડો વધુ ગમે છે. આજની વૈજ્ઞાનિક ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે જ્યાં લીમડો હોય ત્યાં શીતળામા એટલે કે શીતળતા પ્રસન્ન થાય છે.

ગરમીના દિવસોમાં લીમડોનો વધુમાં વધુ ઉપયોગ કરી કુદરતી રીતે જ ઠંડક મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેમ કે લીમડાનું દાતણ ખાસ કરવું જોઈએ. તેનાથી દાંત તો સાફ થાય છે સાથે મોઢાની ગરમી દૂર થાય છે. લીમડાનાં પાન પાણીમાં નાખી સ્નાન કરવાથી ચામડીને ઠંડક મળે છે. નરણેકોઠે તેના ફૂલ કે કૂમળાં પાનનું પાણી પીવાથી પેટની અને આંખની ગરમી દૂર થાય છે. લીમડાના સાંનિધ્યથી પણ ઠંડક મેળવી શકાય છે, જેમ કે ઘરમાં લીમડાની ફૂલ સહિત ડાળી લાવી ફૂલદાનીમાં ફૂલ સાથે રાખવા તેમ જ પાણીની નાની કુંડીએમાં પાન નાખી રાખવાથી પણ વાતાવરણમાં ઠંડક ફેલાય છે. તદુપરાંત બારી-બારણાંમાં લીમડાનું પાનનું તોરણ બાંધી શકાય. આવા પ્રયોગ માત્ર ઘરે જ નહિ, ઑફિસ કે દુકાનમાં પણ કરી શકાય. ચૈત્ર-વૈશાખ એટલે વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય. આવા સમયમાં વીજળીની તંગીના માહોલમાં આશાસ્પદ વિદ્યાર્થીઓને વાંચવા પૂરતી લાઈટ મળી રહે તે માટે પણ શક્ય હોય ત્યાં ઍરકન્ડિશનરનો ઉપયોગ ઓછો કરી કુદરતી નીમ કન્ડિશનરનો ઉપયોગ વધારવાથી વીજળી બિલ તો ઓછું કરી શકાય, સાથે એક જાગૃત નાગરિક તરીકે વીજળીની બચત કરવામાં નિમિત્ત પણ બની શકાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?