વિગન વિવાદ વિલન

કવર સ્ટોરી – મુકેશ પંડયા
શ્ર્વેત ક્રાંતિ : શું દૂધનો રંગ લાલ થઇ રહ્યો છે?
ઢોર કરે છે પોષણ, માણસ કરે છે શોષણ ?
ગયા મંગળવારના લેખથી આપણે વિગન થિયરીના સત્યો અને તથ્યો વિશે પ્રામાણિક ચર્ચા કરવાનો આરંભ કર્યો છે ત્યારે ઘણા વાચકોના પ્રતિભાવ મળી રહ્યા છે.
મલાડમાં રહેતા મુંબઈ સમાચારના સુજ્ઞ વાચક અતુલ એન. દોશીએ તો તેમણે સંપાદિત કરેલી એક પુસ્તિકા મોકલી આપી છે.
તેમના મત પ્રમાણે શ્ર્વેત ક્રાંતિને કારણે દેશની વધતી માગને પહોંચી વળે તેવું ઉત્પાદન તો વધ્યું, પરંતુ તેની આડમાં અસાંસ્કૃતિક, હિંસક અને અમાનવીય કાર્યો પણ વધવા લાગ્યા.
૧૯૭૦ના સમયમાં દેશમાં શ્ર્વેત ક્રાંતિની શરૂઆત થઈ તે અગાઉ અને તે પછીની પરિસ્થિતિની તેમણે વિષદ છણાવટ કરી છે.
તેમણે વર્ણન કર્યું છે એ પ્રમાણે એક સમય એવો હતો, જ્યારે ગાય, ભેંસને સંતાનોની જેમ ઉછેરવામાં આવતા હતા. પશુ પાલકો અને ખેડૂતો તેમને નામ પાડીને બોલાવતા હતા, જ્યારે આજે પ્રાણીઓ વેપાર માટેની વસ્તુ અર્થાત્ કૉમોડિટી બની ગયા છે.
તે સમયે પ્રાણીઓના ઉછેર, વિકાસ અને ગર્ભાધાન કુદરતી રીતે થતા હતા. ગાય ભેંસોને ચરવા માટે દરેક ગામમાં ગોચરની જમીન રહેતી. કૃષ્ણ જેવા ગોવાળ તેમની સાર-સંભાળ કરતા. સેવા – શુશ્રૂષા પણ કરતા હતા. આખલાઓની મદદથી કુદરતી સેક્સની મદદથી અને પોતાની મરજીથી ગાયો ગર્ભવતી બનતી હતી. આજે ગાયો નામથી નહીં પણ નંબરથી ઓળખાય છે એટલે તેમની પ્રત્યેનો પ્રિતી ભાવ હણાઈ રહ્યો છે. તેમના શરીર પર ગરમ ગરમ લોખંડની પ્લેટોની મદદથી નંબરો પાડવામાં આવે છે. તેમને બાંધી રાખવામાં આવે છે; દૂધ વધારવાના આશયથી તેમને ઓક્સિટોસિન નામની હોર્મોન વધારવાની દવાના ઇંજેકશનો અપાય છે. કેમિકલનો ઉપયોગ થાય છે. ભૂતકાળમાં પ્રાણીઓને હાથેથી દોહવામાં આવતા. આનાથી દૂધ જ્યારે આવતું બંધ થાય ત્યારે હાથ આપોઆપ અટકી જાય છે, જ્યારે આજે પ્રાણીઓના આંચળને મશીન લગાડી દૂધ દોહવામાં આવે છે ત્યારે મશીનને ક્યારે અટકવું એ ખબર ન પડતાં ઘણીવાર દૂધની સાથે લોહી અને પરુ પણ ખેચાઇ આવે છે. આ ક્રિયામાં પ્રાણીઓને વેદના પણ થાય છે. અગાઉ પ્રાણીઓના દૂધ પર તેમના બચ્ચાઓનો પહેલો હક રહેતો, જ્યારે આજે ઉત્પાદન વધારવાની લહાયમાં ઘણા આંખ આડા કાન થઈ રહ્યા છે. મા અને બચ્ચાં વચ્ચે થતી વિરહ વેદના આજના યાંત્રિક યુગમાં ભૂલાતી જાય છે. અગાઉ ખેડૂતો વાછરડા નર હોય કે માદા બન્નેને પાળતા અને ઉછેરતા હતા. નર વાછરડો મોટો થાય એટલે તેનો ઉપયોગ ખેતી તેમ જ બળદગાડા હાંકવાના કામમાં થતો. આજે ટ્રેક્ટર અને યંત્રથી ચાલતા વાહનો આવી ગયા છે એટલે નર વાંછરડાને વધેરી તેનું માસ મોકલવાનો વ્યવસાય સીધી કે આડકતરી રીતે વધ્યો છે. પહેલાના સમયમાં ઢોર વીસ-પચીસ વર્ષનું આયુષ્ય ભોગવતાં. આજે કૃત્રિમ ગર્ભાધાનને કારણે તેમનું આયુષ્ય પાંચથી છ વર્ષનું થઈ ગયું છે. એમના હાડકાં વહેલાં નબળા પડી જાય છે’ તેઓ તેમના શરીરનો પણ ભાર ઊંચકી શકતા નથી. એક વાર દૂધ આપવાનું બંધ થાય એટલે કતલખાને મોકલી દેવાય છે. આજે તો પ્રાણીઓના કુદરતી મૃત્યુની કલ્પના કરવી જ અઘરી છે. અગાઉ પશુઓના કુદરતી મોત થતા ત્યારે જ ચામડું મેળવવામાં આવતું આજ ચામડાની વધતી જતી માગને પહોંચી વળવા કુદરતી મૃત્યુની રાહ જોવાતી નથી. અગાઉના સમયમાં પ્રાણીઓના અન્ય અવયવોનો ઉપયોગ નહોતો થતો. આજે તેમના આંતરીક અવયવોનો ઉપયોગ થઈ અનેક જાતના સાબુ- શેમ્પૂ અને કોસ્મેટિક્સ બને છે. જેને કારણે તેમની હાલત યુઝ ઍન્ડ થ્રો જેવી બની ગઈ છે. દૂધ આપતી બંધ થાય એટલે કતલખાને મોકલી માંસ તેમ જ અન્ય આંતરિક અવયવો મેળવાય છે. સાચે જ, શ્ર્વેત ક્રાંતિથી મેળવાતા દૂધનો રંગ લાલ થતો જાય છે.
કોઈ પણ પ્રકારની હિંસા વિરુદ્ધ અભિયાન ચલાવવું જોઈએ ન કે જીવનશૈલી ઉપર આક્રમણ કરવું જોઈએ
બીજી બાજુ પ્રફુલ કાટેલિયા નામના મુંબઈ સમાચારના લોકપ્રિય કટાર લેખક અને ગોરક્ષક – ગોપાલક જણાવે છે કે વિગન એ પાશ્ર્ચાત્ય દેશોમાંથી કરુણાના નામે ઉપજાવી કાઢેલ થિયરી છે જે ખરેખર જૈન સંસ્કૃતિ (કંદ મૂળ નો ત્યાગ )ની હરીફાઈ કરી વિગનને સર્વોત્તમ જીવદયાની થિયરી સ્થાપવા માગે છે. પરંતુ ભારત દેશમાં આદિકાળથી સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત થયેલ કામધેનુનો અનેરો મહિમા છે. જેની ઉત્પત્તિ નો ઉદેશ્ય જ પર્યાવરણ અને માનવ જગત ના પોષણ માટે થયો છે.. જેને વિશ્ર્વમાં કોઈ થિયરી નકારી ન શકે…..
બચી વાત હિંસાની.. તો વિગન સોસાયટીના સભ્યોને પ્રશ્ર્ન કરવાનું મન થાય છે કે જે માતાઓ પૂરતું દૂધ પોતાનાં બાળકોને આપી ન શકતી હોય તેવી માતાઓ શું પોતાનાં નવજાત બાળક ને ભૂખ્યું મરવા દેશે..?
સદીઓ થી દરેક માતાઓ પોતાનાં શિશુને વધારાનું પોષણ ગૌમાતા ના દૂધ ઉપર ભરોસો (વિશ્ર્વાસ ) રાખે છે, અને નિશ્ર્ચિતં થઈને આપે છે.કારણ કે વિશ્ર્વમાં જો નવજાત શિશુને પચવામાં કોઈ સરળ અને ઉર્જા પ્રદાન કરતું હોય તો એ ફક્ત ગૌમાતાનું દૂધ જ છે. જેની તુલના વિશ્ર્વમાં બીજો કોઈ આહાર ન કરી શકે..
વિગન સોસાયટીની થિયરીમાં અપ્રાકૃતિક રીતે લેવામાં આવેલ દૂધને અયોગ્ય હિંસાત્મક ગણે છે તેમાં હું સંમત થાઉ છું… પરંતુ આ પ્રકારની હિંસા (વધું દૂધ માટે ટોક્સિન દેવા, મશીનથી દોહવું વગેરે ) વિરુદ્ધ અભિયાન ચલાવવું જોઈએ ન કે સમસ્ત જીવનશૈલી ઉપર આક્રમણ કરવું જોઈએ. વિગન સોસાયટીએ અભ્યાસ કરવાની જરૂર છે કે જો દૂધ દેતાં પાલતુ પશું નું સમયસર દૂધ કાઢવામાં ન આવે તો તે પશુંના આંચળમાં ગાંઠ અને પછી મસ્ટરાઈટીસ નામનો જીવલેણ રોગ થાય છે. માટે જ વધારાનું દૂધ દોહી લેવામાં આવે છે. આધુનિક યુગમાં પાશ્ર્ચત્ય દેશોમાં તો રીતસર માતાઓના દૂધની બેંક અને વિતરણની ડેરીઓ ચાલે છે. જે બતાવે છે કે તેમને ગૌમાતાનું દૂધ પ્રાપ્ત નથી થતું. માટે પરાણે આ વ્યવસ્થા ઊભી કરવાની ફરજ પડી હશે. જાણ્યે અજાણ્યે એલોપેથી દવાઓમાં અને હાલ છેલ્લાં સમયમાં કોરોનાં વૅક્સિનમાં પણ પશુઓ ના તત્ત્વો ધરાવતા ઈન્જેકશન અને પ્રોટીન, વિટામિન, એન્ટિબાયોટિકનો વિરોધ કે નિષેધ આ લોકો કરી શકે છે ? (ક્રમશ:)ઉ