દુનિયામાં અંધત્વ આજે પણ એક ગંભીર સમસ્યા છે

કવર સ્ટોરી-માજિદ અલીમ
નેત્રહીનતા અંગે જાગૃતિ ફેલાવવા માટે ૧૯૬૦થી ભારત સરકાર પહેલીથી લઈને સાતમી એપ્રિલની વચ્ચે અંધત્વ નિવારણ સપ્તાહનું આયોજન કરે છે. સરકાર આ આખા અઠવાડિયા દરમિયાન તે વર્ષે નક્કી કરવામાં આવેલી થીમને આધારે અનેક પ્રકારની ઝુંબેશ ચલાવતી હોય છે, જેનો હેતુ અંધત્વ અંગે દેશમાં જાગૃતિ વધારવાનો હોય છે, જેથી જે લોકો જન્મે દૃષ્ટિહીન હોય અથવા તો કોઈ હોનારતને કારણે પોતાની આંખો ગુમાવી બેઠા હોય તેમને માટે આંખોનું મૂલ્ય સામાન્ય નાગરિકો સમજી શકે. ભારત સરકાર આ ઝૂંબેશ વિવિધ સંસ્થાનો, એજન્સીઓ, હોસ્પિટલો વગેરેની મદદથી ચલાવતી હોય છે. આ એક અઠવાડિયા દરમિયાન આંખોની દેખભાળ વિશે લોકોને શિક્ષિત કરવામાં આવે છે. લોકોને આંખને થતી ઈજા, દૃષ્ટિને થતા નુકસાનને રોકવા, તેની જાળવણી અને ઉપચાર અંગેની માહિતી આપવામાં આવે છે.
ભારતમાં અંધત્વ નિવારણ સપ્તાહનું આયોજન નેશનલ સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ બ્લાઈન્ડનેસ ઈન ઈન્ડિયા (એનએસપીબી-આઈ) દ્વારા રાજ્ય સંગઠનોની મદદથી દેશભરમાં ચલાવવામાં આવે છે. વર્ષ ૨૦૨૪ માટેના સપ્તાહની થીમ છે ‘બીઈંગ સીન એન્ડ હર્ડ- તેમને જુઓ અને સમજો’ એટલે કે તેમને તેમની સમસ્યાને જાણો અને તેમની અવગણના ન કરો. આ આખી કવાયત વાસ્તવમાં એટલા માટે કરવામાં આવે છે કેમ કે તબીબી ક્ષેત્રની આટલી પ્રગતિ બાદ પણ અંધત્વ આજે પણ એક અત્યંત ગંભીર અને દર્દનાક સમસ્યા છે. આ સમસ્યાની ગંભીરતા એક વાક્યપ્રયોગ ‘એક આંધળાની સમસ્યા એક આંધળો જ સમજી શકે’ પરથી સમજી શકાય છે.
એક અહેવાલ મુજબ આપણા દેશમાં લગભગ દોઢ કરોડ લોકો દૃષ્ટિહીન છે. આખી દુનિયાની વાત કરવામાં આવે તો ૩.૭૦ કરોડ લોકો ચક્ષુહીન છે. દેશનાં કુલ ચક્ષુહીનોમાંથી બે તૃતીયાંશ આંધ્ર પ્રદેશ, ઓરીસા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં છે. દૃષ્ટિહીનતાનું મુખ્ય કારણ કુપોષણ, ટ્રેકોમા અને મોતિયો છે. બાળકોમાં અંધત્વનું મુખ્ય કારણ વિટામિન-એ ની અછત છે, જ્યારે વયસ્કોમાં સૌથી સામાન્ય કારણ મોતિયો છે. આખી દુનિયામાં દરવર્ષે ગ્લુકોમા અથવા મોતિયાને કારણે જેટલા લોકો અસરગ્રસ્ત થાય છે તેમાંથી ૬૮ ટકા ભારતીય હોય છે. આંખોમાં અસંતુલિત દબાણને કારણે ગ્લુકોમા થાય છે. આજે પણ દરવર્ષે એકથી સવા લાખ લોકો આ બીમારીને કારણે પોતાની દૃષ્ટિ ગુમાવી રહ્યા છે. ગ્લુકોમાને દૃષ્ટિનો ખામોશ ચોર કહેવામાં આવે છે, કેમ કે તેની જાણકારી ઘણું મોડું થઈ જાય ત્યારે થતી હોય છે. આથી જ આનાથી અસરગ્રસ્ત લોકોની દૃષ્ટિ બચાવવાનું મુશ્કેલ થઈ જાય છે. ગ્લુકોમાને સામાન્ય રીતે કાળો મોતિયો પણ
કહે છે.
આ રોગને કારણે અચાનક એક દિવસ કોઈ એક આંખથી દેખાવાનું બંધ થઈ જાય છે. આ સમયે જો યોગ્ય ડોક્ટર પાસે પહોંચી જાઓ તો ગ્લુકોમાનું નિદાન શક્ય છે અને મોડું થયું તો દૃષ્ટિ ગઈ. સમયસર સારવાર મળી જાય તો ઘણી ઝડપથી સામાન્ય સ્થિતિમાં આવી શકાય છે. આથી આજે ગ્લુકોમાને સારી રીતે જાણી લઈએ. ગ્લુકોમા દૃષ્ટિ સંબંધી એવો એક રોગ છે જેનાં લક્ષણો પ્રારંભિક તબક્કે ક્યારેય નજર આવતા નથી.
આ રોગમાં અપરિવર્તનીય રીતે દૃષ્ટિ નષ્ટ થાય છે. આખની પૌષ્ટિકતા અને આકાર એક તરલ પદાર્થની નિકાસી પર આધાર રાખે છે, જેને એક્યુઅસ હુમર તરીકે ઓળખવામાં આવે છે. ગ્લુકોમાને કારણે આ તરલ પદાર્થના ઉત્પાદનમાં કાં તો અચાનક વૃદ્ધિ થઈ જાય છે અથવા તો તે અત્યંત ઘટી જાય છે. આ અસંતુલનને કારણે આંખ પર પડતા દબાણમાં વધારો થાય છે. જેને કારણે પ્રકાશને ગ્રહણ કરનારી નસને પહોંચતા લોહીનો પુરવઠો ઘટી જાય છે. જેને કારણે આ નસ ખરાબ થઈ જાય છે અને વ્યક્તિને દેખાવાનું બંધ થઈ જાય છે. જેને કારણે દૃષ્ટિ દોષ અથવા તો અંધત્વની પ્રમુખ સમસ્યા નિર્માણ થાય છે. આ એક એવી બીમારી છે જેમાં આજીવન દેખભાળ અને સ્થાયી ઉપચારની આવશ્યકતા હોય છે. આંખના દબાણને નિયંત્રણમાં રાખવા માટે કોઈ સ્થાયી ઉપચાર કે દેખભાળ નથી. તે ઉપચાર પછી લેઝર દ્વારા કરવામાં આવે કે પછી દવાનું સેવન કરીને અથવા તો અન્ય કોઈપણ પદ્ધતિએ કરવામાં આવ્યો હોય.
ગ્લુકોમાની પ્રારંભિક ઓળખ માટે ત્રણ પ્રકારની તપાસ પ્રક્રિયા હોય છે-
ટોનોમીટર દ્વારા આંખના દબાણને માપવામાં આવે છે
ઓપ્ટિક ડિસ્ક નેત્ર બિમ્બનું પરીક્ષણ
દૃષ્ટિના બહારના ભાગની તપાસ માટે વિઝ્યુઅલ ફિલ્ડ્સ
સમયસર સારવારથી દૃષ્ટિને વધુ બગડતી કે અંધત્વથી બચી શકાય છે. આની સારવારમાં આઈ ડ્રોપ્સ, દવાઓ, લેઝર
સારવાર, એર્ગોન લેઝર ટ્રેબેક્યુલોપ્લાસ્ટી, સિલેક્ટિવ લેઝર ટ્રેબેક્યુલોપ્લાસ્ટી, ડ્રેનેજ ઈમ્પ્લાન્ટ સર્જરી વગેરે સામેલ છે. આ એક એવી બીમારી છે જે વધી ગયા બાદ તેને સંપૂર્ણ રીતે ઠીક કરવી તો શક્ય નથી, પરંતુ તેને મેનેજ કરી શકાય છે. સર્જિકલ ઉપચાર દ્વારા તે પ્રક્રિયા કરવામાં આવે છે જ્યાં એવો ઓપન એરિયા બનાવવામાં આવે છે, જ્યાંથી તરલ પદાર્થને માટે નવો જળ નિકાસ માર્ગ બનાવવામાં આવે છે અને લેઝર દ્વારા આને માટે જે પ્રક્રિયા કરવામાં આવે છે તેનું નામ છે ટ્રેબેક્યુલોપ્લાસ્ટી. આમાં લેઝરનો ઉપયોગ ટ્રેબેક્યુલરના જળ નિકાસી વિસ્તારને ખોલવા માટે કરવામાં આવે છે. આમાં એક નાનું કાણું બનાવવામાં આવે છે, જેનાથી વહેણ સહેલાઈથી થઈ શકે.
ગ્લુકોમાનાં લક્ષણો
થિયેટર જેવા અંધકારમય સ્થળમાં જોવામાં અસહજતા
આંખોના નંબરમાં જલ્દી-જલ્દી ફેરફાર
આંખોની બહારની દૃષ્ટિમાં ઘટાડો
પ્રકારની પાસે ઈન્દ્રધનુષી છબી દેખાવી
આંખોમાં ભારે પીડા અને ચહેરા પર પણ પીડા
વમન અને ઉબકા આવવા
દૃષ્ટિ પટલ પર અંધારું છવાઈ જવું
આંખો અને ચહેરાને ભારે પીડા, આંખોમાં લાલાશ
પ્રકાશની ચારેય તરફ ચમક સાથે ધુંધળું દેખાવું
-ઈમેજ રિફ્લેક્શન સેન્ટર