તરોતાઝા

સમજણપૂર્વક વાપરો તો સારું નહીં તો એસી. આપણીકરી નાખશે ઐસી કી તૈસી

કવર સ્ટોરી – મુકેશ પંડ્યા

એસી… ક્ષણભર ઠંડક આપે છે પરંતુ તેના કારણે વાતાવરણમાં ગરમી વધતી જાય છે. તેનું શું?

શિયાળાની ઋતુ પૂર્ણ થવાને આરે છે. ઉનાળો ટૂંક સમયમાં શરૂ થશે. ગરમી વધશે તેમ ઘરો અને ઓફિસોમાં એ.સી.ના બટન મહત્તમ પર જવા લાગશે. એર કંડિશનરની શોધ થયા પછી માનવી કાળઝાળ ગરમીમાં શીતળતા તો પ્રાપ્ત કરી શક્યો, સાથે સાથે બીજા પણ અનેક ફાયદા થવા લાગ્યા. જેમ કે, એ.સી. ધૂળની રજકણો, ઊડતી રહેતી ફૂલોની પરાગરજો અને કેટલાક સૂક્ષ્મ જીવાણુંઓને પણ પોતાના ફિલ્ટરમાં ગાળી લે છે અને શુદ્ધ હવા રૂમમાં ફેલાવે છે. અસ્થમાથી પીડાતા દર્દીઓને આનાથી ખૂબ ફાયદો થાય છે. અનિદ્રાની બીમારીથી પીડાતા દર્દીઓ માટે પણ એ.સી. ઉપકારક છે. ગરમીનો પારો ચઢે એમ મનુષ્યના મગજનો પારો પણ ચઢતો જાય છે. સરખી ભૂખ પણ નથી લાગતી. દિમાગ અશાંત રહે છે. આ સંજોગોમાં યોગ્ય શીતળતા મળે તો મગજને ઠંડક મળે છે. મન શાંત રહે છે. મન શાંત હોય તો કામકાજ પણ સારી રીતે પાર પડે છે અને ઊંઘ પણ સારી આવે છે.
કાળઝાળ ગરમીમાં શરીરને પરસેવો વળે છે. પરસેવો વળવાથી શરીરમાંથી પાણી ઓછું થાય છે અને ડિહાઇડે્રશન સંબંધી બીમારીઓ વધે છે. આથી ઉલ્ટું એ.સી.માં પરસેવો ખૂબ એાછો થાય છે જે શરીરને ડિહાઇડે્રશનથી બચાવે છે. વધુ પડતી ગરમીથી શરીરને તેનું તાપમાન જાળવી રાખવામાં ખૂબ તકલીફ પડે છે. શરીર હીટ સ્ટ્રોકનો ભોગ બને છે. આવી તકલીફ એ.સી.રૂમમાં પડતી નથી.
એ.સી.નો વધુ પડતો ઉપભોગ જોખમી
આપણે આજકાલ સુવિધાપૂર્વક જીવવા માટે એ.સી.નો ઉપયોગ તો વધારી રહ્યા છીએ પણ ખાટલે મોટી ખોડ એ છે કે એ.સી.ના વધુ પડતા વપરાશથી ન માત્ર ઇલેક્ટ્રિક બિલ વધુ આવે છે, પર્યાવરણ પર એની ખૂબ ખરાબ અસર પડી રહી છે. આ ઉપકરણો જે વાયુઓ વાતાવરણમાં છોડે છે તે ગ્રીન હાઉસ તરીકે બદનામ થયા છે. આ વાયુઓ વાતાવરણ ફરતે જે ઓઝોન વાયુનું સ્તર છે તેમાં ગાબડું પાડવની ક્ષમતા ધરાવે છે. ઓઝોન વાયુનું સ્તર આપણને અને પૂરી પૃથ્વીને સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે, પરંતુ તેમાં ગાબડાં પડવાથી આ કિરણો પૃથ્વી પર સરળતાથી પહોંચીને આપણને નુકસાન પહોંચાડે છે. એટલું જ નહીં આને લીધે પૃથ્વી અને તેની આસપાસનું વાતાવરણ પણ વધતું જાય છે જેને આપણે ગ્લોબલ વૉર્મિંગ તરીકે ઓળખીએ છીએ. ગ્લોબલ વૉર્મિંગ વધવાથી કલ્ાાઇમેટ ચૅન્જની સમસ્યા પણ સતાવા લાગે છે. ઋતુઓમાં અણધાર્યા ફેરફાર આવવા લાગે છે. શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ સતાવવા લાગે છે.
હવે તમે એમ કહેશો કે આ તો બધાને ખબર છે પણ આ સમસ્યાનો હલ તો જે તે દેશની સરકાર કે વૈજ્ઞાનિક પાસે હોય. આપણે શું કરી શકીએ? તો વાચકમિત્રો આપણે એ.સી.નો વપરાશ ઘટાડી શકીએ. એ.સી. ને યોગ્ય રીતે વાપરવાનું પણ શીખી શકીએ. ચાલો થોડા ઊંડા ઊતરીએ.
તમે ઉનાળામાં ઘરનું ઉષ્ણતામાન ઠંડુ રાખવા નીચેના પ્રયોગો કરી શકો છો. જ્યારે સૂર્યના કિરણો બારી-બારણા દ્વારા તમારા ઘરની અંદર ઘૂસી આવતા હોય ત્યારે જાડા પડદા પાળી કિરણો સીધા અંદર પ્રવેશી ન શકે તેવી જોગવાઇ કરી શકો છો. બારી-બારણા આગળ લીલા કૂણા છોડના કુંડા રાખો અને તેમાં પૂરતું પાણી ભરી રાખો. ઉનાળામાં લીલોતરીને જોવા કે સ્પર્શ કરવા માત્રથી થોડી ઠંડકની અનુભૂતિ થાય છે. જો તમે પંખાથી ચલાવી શકતા હો તો એ.સી.નો ઉપયોગ ટાળો. એ.સી.નો ઉપયોગ કરવાનું મન થાય તો એને 24 ડિગ્રીથી નીચે ન જવા દો. ઘણા દેશોમાં સરકારે એ.સી દ્વારા રૂમમાં 24 ડિગ્રી તાપમાન રહે એવી જ અપીલ કરી છે. જ્યારે એ.સી.નું બટન 24 ડિગ્રીથી નીચે જાય છે ત્યારે તે વધુ પ્રમાણમાં હાનિકારક ગૅસ છોડવા લાગે છે. થોડીક વધુ ઠંડી મેળવવાની લ્હાયમાં આપણે આખા જગતને ગ્લોબલ વૉર્મિંગ તરફ ધકેલીએ છીએ એ ભૂલતા નહીં. તમને 24 ડિગ્રી તાપમાનામાં ગરમી જેવું લાગે તો સાથે પંખો પણ ચાલુ કરો જેથી રૂમ જલદી ઠંડો પડશે. અને હાં એ.સી. ના સમયનું નિયમન કરવાનું ભૂલતા નહીં. ધારો કે રાત્રે 11 વાગે એ.સી. ચાલુ કર્યું હોય તો મળસ્કે ત્રણ કે ચાર વાગે બંધ થઇ જાય તેની તકેદારી રાખવી. આં થોડા સમય માટે એ.સી અને 24થી નીચે તો નહીં જ એ વાત મનમાં રાખજો.
આ દિવસોમાં સવાર-સાંજ ઠંડા પાણીનું સ્નાન કરવાથી ગરમી સામે રાહત મળે છે. સફેદ કે આછા રંગના કપડા પણ આપણને ગરમી સામે રક્ષણ આપે છે. ખાવા પીવામાં પણ પ્રવાહી જેમ કે દૂધ, દહીં,છાશ, લસ્સી અને વિવિધ ફળોના રસનું સેવન વધુ અને સૉલિડ ખોરાક ઓછો લેવો જોઇએ. તીખા-ખારા-ખાટા ખાદ્ય પદાર્થો ઓછા અને મધુર પદાર્થો વધુ ખાવા જોઇએ.
બીજી એક વાત. ગરમીમાં પરસેવો તો ખૂબ થાય, પરંતુ આ પરસેવો શરીર માટે સારો પણ છે. નાના હતા ત્યારે
અમારા પિતાશ્રી અમને એક કહેવત કહેતા કે બફા સો નફા. આજે માણસ ગરમી અને ભેજવાળી ઋતુથી જલદી ત્રાહિત થાય છે, પણ વર્ષો પહેલાં જ્યારે એ.સી. ન હતાં ત્યારે પણ માણસો ઉનાળો અને બફારો સહન કરતાં જ હતાં. આ ઋતુમાં પરસેવો વળે એ સારી વાત છે. એ શરીરનું તાપમાન તો નીચું લાવે જ છે. સાથે સાથે મળ-મૂત્રની જેમ શરીરના ઝેરી પદાર્થોનો પણ નિકાલ લાવે છે. શરીરમાંથી ટોક્સિન્સનો નિકાલ થતાં જ શરીર ચૂસ્તી અને સ્ફૂર્તિ અનુભવે છે. જો કે પસીનો વધુ સમય શરીર પર રહે તો તેમાં બૅક્ટેરિયા પોતાનું ઘર ભાળી જાય છે અને અનેક પ્રકારના ચામડીના દર્દો જેમ કે ખુજલી, અળાઇ, ફોડલા અને ગુમડાંને આમંત્રણ મળે છે. માટે પસીનો થયા પછી જે તે ભાગમાં વધુ પસીનો થયો હોય તે ભાગને ટુવાલથી સ્વચ્છ કરવા જોઇએ. બની શકે તો સ્નાન કરી લેવુું જોઇએ. સ્નાન કરતી વખતે લીમડાના પાન પાણીમાં ભેળવી નહાવાથી બે ફાયદા થાય છે. એક તો લીમડાનો શીત ગુણધર્મ શરીરને ઠંડક આપે છે અને જંતુનાશક હોવાથી શરીરને ચામડીની વિવિધ બીમારીથી પણ બચાવે છે. વર્ષો પૂર્વે એ.સી. નહોતા ત્યારે આપણા પૂર્વજો એના વગર પણ ચલાવી લેતા હતા અને શીતળતા પામવા માટે અનેક દેશી નુસ્ખા પણ અપનાવતા હતા. દરેક ઋતુનો આનંદ પણ માણતા હતા.
એ.સી.ના વધુ પડતા વપરાશથી પર્યાવરણને તો નકસાન થાય જ છે, પરંતુ શરીરને પણ નુકસાન થાય છે જેની વધુ વિગતો આવતા અંકે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો