રોકાણમાં કેવી કેવી થાય છે સામાન્ય ભૂલ?
ફાઈનાન્સના ફંડા -મિતાલી મહેતા
ફક્ત બચત કરવાથી કંઈ થતું નથી. બચતનું રોકાણ કરવાનું હોય છે. જોકે, રોકાણનો માર્ગ સરળ હોતો નથી. જેમાં ફાયદો થતો હોય એવું કોઈ કામ સહેલું હોતું નથી, એવું જ રોકાણનું પણ છે. આથી જ રોકાણમાં લોકો અનેક ભૂલ કરતાં રહે છે. એમાં ભૂલ થાય ત્યારે અપેક્ષિત ભંડોળ ભેગું કરવામાં મુશ્કેલી નડે છે અથવા તો નિષ્ફળતા મળે છે.
Also read: મહાન ભારતમાં ખેલાશે મહાભારત
આવો, આજે આપણે આવી કેટલીક સામાન્ય ભૂલ વિશે જાણી લઈએ, જેથી ભવિષ્યમાં કોઈ તકલીફ થાય નહીં, જેમકે…
૧) લક્ષ્ય વિનાનું રોકાણ કરવાની ભૂલ
જ્યારે તમે કોઈ લક્ષ્ય વિના રોકાણ કરો છો ત્યારે તમે બજારની ચાલે ચાલવાનો પ્રયાસ કરો છો એમ કહી શકાય. તમે બજારની સ્થિતિના આધારે અચાનક નિર્ણયો લો છો. તમે રોકાણનું લક્ષ્ય નક્કી કર્યું નહીં હોવાથી તમે સંપૂર્ણપણે બજારની હિલચાલથી જ દોરવાઈ જાઓ છો. તમારો ઉદ્દેશ્ય ઘણું વધારે વળતર મેળવવાનો અથવા તો ઝડપથી નાણાં કમાઈ લેવાનો હોય છે. જોકે, આવું કરવાને લીધે તમારું ધ્યાન પોતાની જરૂરિયાતો તરફથી હટી જાય છે. જે ઘડીએ તમે રોકાણની સાથે લક્ષ્યને સાંકળી દો એ જ ઘડીએ તમારું વર્તન આપમેળે બદલાઈ જાય છે! ઉદાહરણ તરીકે, જો તમે ૧૦ વર્ષના સમયગાળા માટે બજારમાં તમારા નાણાંનું રોકાણ કર્યું હોય તો શું તમને લાગે છે કે તમને બજારની તાત્પૂરતી અસ્થિરતાથી અસર થશે..?! અહીં કહેવાનો અર્થ એ જ છે કે બજાર આજથી દસ વર્ષ પછી સમાન સ્થિતિમાં નહીં રહે. વચ્ચેના ગાળામાં ભલે ગમે તેટલી ઊથલપાથલ થઈ જાય, બજાર એક દાયકા પછી અલગ જ સ્થિતિમાં હશે! આથી જ આપણે ઉતાવળે કોઈ નિર્ણય લેવાને બદલે શાંતિ રાખવી જરૂરી છે.
Also read: ફોકસ: હાર્ટ-અટૅક ને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે શું છે તફાવત?
બીજું, જ્યારે તમે તમારાં રોકાણનાં ચોક્કસ લક્ષ્યો નિશ્ર્ચિત કર્યાં ન હોય ત્યારે બધાં જ લક્ષ્યો માટે એક જ ભંડોળ ઉપલબ્ધ હોય છે. આવામાં દરેક લક્ષ્ય માટે કેટલી રકમ ફાળવવી એ નક્કી હોતું નથી તેને લીધે ક્યારેક વધુપડતાં કે ક્યારેક ઓછાં નાણાંનો ઉપાડ કરવામાં આવે છે. એની અસર બાકીનાં લક્ષ્ય પર પડી શકે છે. મૂળ મુદ્દો એ છે કે, હંમેશાં તમારાં રોકાણો લક્ષ્યઆધારિત રાખો.
૨) કર – ફુગાવાની અસરને અવગણવાની ભૂલ
કરવેરા હંમેશાં અદૃશ્ય હોય છે અને ફુગાવો છૂપી રીતે અસર કરે છે માટે જ્યારે તમે આ બંનેને અવગણવાની ભૂલ કરો છો ત્યારે તમને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા રહે છે.
ઘણા રોકાણકારો આ ભૂલ કરતા રહે છે. એમણે એ સમજવું જોઈએ કે ફક્ત ટીડીએસ (ટૅક્સ ડિડક્ટેડ એટ સોર્સ)ને જ ટૅક્સ કહેવાતો નથી. ટીડીએસ તો આપોઆપ કપાઈ જતો ટૅક્સ છે. એ ઉપરાંત પણ કરવેરો ચૂકવવો પડતો હોય છે. આથી જ્યારે પણ રોકાણ કરવામાં આવે ત્યારે એમાં કરવેરાની અસરને લાગુ કર્યા બાદ મળતાં વળતરનો વિચાર કરવામાં આવવો જોઈએ.
દરેક વ્યક્તિને પોતાની આવકના સ્તર (સ્લેબ)ના આધારે કરવેરો લાગુ પડે છે અને તેથી દરેકે પોતાને લાગુ પડતા કરવેરા વિશે પોતાની ગણતરી માંડવાની હોય છે. રોકાણ પર મળતાં વળતરને જ્યારે કરવેરો લાગુ પડે છે ત્યારે વાસ્તવિક વળતર ઘટી જતું હોય છે.
Also read: કેવું નઇ? આપણા બેસણામાં બધા હાજર ને આપણે જ ગેરહાજર?
દાખલા તરીકે… ફિક્સ્ડ ડિપોઝિટ પર સાત ટકા વ્યાજ મળે ત્યારે એ સારું લાગતું હોય છે, પરંતુ જેમની આવક પર ૩૦ ટકાના દરે કરવેરો લાગુ પડતો હોય એમના માટે સાત ટકાનું એ વ્યાજ કરવેરાની અસરને ધ્યાનમાં લીધાં બાદ વાસ્તવમાં ૪.૯ ટકા જેટલું જ મળ્યું કહેવાય. બીજું, ફુગાવાની પણ તમારા ભંડોળ પર અસર થતી હોય છે, કારણ કે ફુગાવાને લીધે તમારી ખરીદશક્તિ ઘટી જાય છે. વળી, ભંડોળ જમા કરવાની તમારી શક્તિ પર પણ એનાથી અસર થાય છે. ફુગાવાની અસર તમારી આવાસ, ખર્ચ અને એસેટ્સ પર પણ પડે છે. આથી ભંડોળ કેટલું ભેગું થશે એનો આધાર ફુગાવાના દર પર પણ હોય છે. આ સંજોગોમાં દરેક રોકાણકારે ફુગાવો અને કરવેરા એ બન્નેની અસરને ધ્યાનમાં લઈને જ રોકાણ પરના વળતરની વાસ્તવિક ગણતરી કરવી જોઈએ.