આરોગ્ય વીમો ખરીદતી વખતે `ક્નઝ્યુમેબલ્સ’ વિશે જરૂર સ્પષ્ટતા કરી લેજો…

નિશા સંઘવી
આ પણ જાણી લો
પ્રશ્ન: મારી આરોગ્ય વીમા પૉલિસી ક્નઝ્યુમેબલ્સ કવર કરતી નથી. હાલ ચાલી રહેલી પૉલિસીમાં એનો ઉમેરો કરાવી શકાય?
ઉત્તર: તમે વર્તમાન પૉલિસીમાં રિન્યુઅલ વખતે `ઍડ ઓન રાઇડર કવર’ તરીકે એનો ઉમેરો કરાવી શકો છો. તમારી પાસે ક્નઝ્યુમેબલ્સ કવર કરતી હોય એવી કંપનીમાં તમારી પૉલિસી પોર્ટ કરાવવાનો વિકલ્પ પણ છે. સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે આ `ક્નઝ્યુમેબલ્સ’ એટલે શું? `ક્નઝ્યુમેબલ્સ’ એટલે એ બધી વસ્તુઓ જે દરદીની સારવાર દરમિયાન ઉપયોગમાં આવી હોય અને એનો એક વખત ઉપયોગ કરી લીધાં બાદ ફગાવી દીધી હોય.આરોગ્ય વીમા હેઠળ જ્યારે પણ ક્લેમ કરવામાં આવે ત્યારે આ ક્નઝ્યુમેબલ્સની ગણતરી પણ ઘણું મહત્ત્વ ધરાવે છે.
જો આરોગ્ય વીમા હેઠળ ક્નઝ્યુમેબલ્સને સામેલ કરવામાં આવ્યાં ન હોય તો એનો બધો ખર્ચ દરદીએ સહન કરવો પડે છે. વર્ષ 2016માં `ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા’ (ઈંછઉઅ)એ વર્ષ 2012માં સૂચિત કરાયેલી 199 વસ્તુની યાદીની સમીક્ષા કરી હતી. વીમા કંપનીઓ જેનો ખર્ચ ક્લેમમાં ચૂકવતી નથી એવી એ વસ્તુઓ હતી. આ યાદીમાંથી કઈ વસ્તુઓને ક્લેમમાં ગણવી અને કઈ વસ્તુઓને નહીં ગણવી એ નક્કી કરવાની વીમા કંપનીઓને છૂટ હોય છે.
કેટલીક કંપનીએ ક્નઝ્યુમેબલ્સને પૉલિસીમાં પહેલેથી જ સ્થાન આપેલું હોય છે. બીજી કેટલીક કંપની એને વૈકલ્પિક રાખે છે, જેથી પૉલિસીધારકે પૉલિસી લેતી વખતે નક્કી કરવું કે એને સ્થાન આપવું કે નહીં. કેટલીક કંપની તો ક્નઝ્યુમેબલ્સને જરાય કવર કરતી નથી. રાઇડર ખર્ચમાં ક્નઝ્યુમેબલ્સને રાઇડર ગણવામાં આવે તો કુલ પ્રીમિયમના લગભગ પાંચ ટકા જેટલી રકમ રાઇડર ખર્ચ તરીકે લેવાય છે. એનું કવરેજ વીમાની રકમ જેટલું હોય છે.
હૉસ્પિટલના બિલમાં ક્નઝ્યુમેબલ્સના હિસ્સામાં વધારો કોરોનાના સમયમાં હૉસ્પિટલના બિલમાં ક્નઝ્યુમેબલ્સનો હિસ્સો ઘણો વધી ગયો હતો. અગાઉ કુલ બિલમાં એનો હિસ્સો લગભગ ત્રણથી ચાર ટકા જેટલો રહેતો, પરંતુ કોરોના વખતે એનું પ્રમાણ 25થી 30 ટકા જેટલું થઈ ગયું. કોરોના વખતે પીપીઈ કિટ, માસ્ક, ગ્લવ્સ, ક્રીપ બેન્ડેજ વગેરે વસ્તુઓ વધારાની થઈ ગઈ હતી, જે ઉપયોગમાં લઈને તરત જ ફેંકી દેવાતી હતી. ભારતની હૉસ્પિટલોએ કોરોનાના સમયમાં પોતાના સ્ટાફ માટે રક્ષણાત્મક પોશાક અને વસ્તુઓ ફરજિયાત બનાવ્યાં હતાં. તેમાં પીપીઈ કિટ, ગ્લવ્ઝ અને માસ્કનો સમાવેશ થતો હતો. હવે આરોગ્ય વીમા પૉલિસી લેતી વખતે ક્નઝ્યુમેબલ્સ બાબતે ધ્યાન આપવું અગત્યનું છે.
ક્નઝ્યુમેબલ્સમાં કઈ કઈ વસ્તુઓને ગણવામાં આવે છે?
નોન મેડિકલ વસ્તુઓ:
બેબી ફૂડ, ઝેરોક્સ, કુરિયર ચાર્જિસ, નેબ્યુલાઇઝર કિટ, ડાયાબિટીક ફૂટવેર, ની બ્રેસીસ, ઑક્સિજન માસ્ક,
ઈસીજી ઈલેક્ટ્રોડ્સ વગેરે.
હાઉસકીપિંગ વસ્તુઓ:
મિનરલ વોટર, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, સ્લિપર, સેનિટરી પેડ, ટિસ્યૂ પેપર, દાંતિયો, શેમ્પૂ, પાઉડર, હેન્ડવોશ,
ડાયપર, ક્રેડલ, કેરી બેગ વગેરે.
સારવારનો ખર્ચ:
રજિસ્ટે્રશન ચાર્જિસ, યુરિન ક્નટેઇનર, બાઇપેપ મશીન, એચઆઇવી કિટ, આલ્કોહોલ સ્વોબ્સ, બલૂન
સાઇન્યુપ્લાસ્ટી, ઓરલ કીમોથેરપી વગેરે.
રૂમ ચાર્જિસ:
વિઝિટર પાસ, ટેલિફોન, ટીવી, ડીવીડી પ્લેયર, ઍર કન્ડિશનર, એટેન્ડન્ટ ચાર્જિસ, આઇવી ઇન્જેક્શન વગેરે.
સર્જરીમાં વપરાતી વસ્તુઓ:
કોટન, રેઝર, નીડલ, સીરિજ, ગ્લવ્ઝ, માસ્ક, ગાઉન, સ્યુચર્સ, સર્જિકલ ટેપ, ટોર્નિકેટ, થર્મોમીટર,
સ્પ્લિન્ટ, સ્લિંગ, બ્રેસીસ, કોલર, હેર રિમૂવલ ક્રીમ, એપ્રન વગેરે.
કેટલીક મેડિકલ આઇટમ 50થી લઈને 500 રૂપિયા સુધીમાં આવે છે. તેની ગુણવત્તા અને બ્રાન્ડની પસંદગી ડૉક્ટર કે હૉસ્પિટલ પર આધાર રાખે છે. કેટલીક વાર અમુક વસ્તુ નકામી પણ જતી હોય છે. દાખલા તરીકે, 250 ગ્રામનો કોટન રોલ તમારા માટે લીધો હોય અને એમાંથી ફક્ત 50 ગ્રામ કોટન વપરાયું હોય. બાકીનું 200 ગ્રામ કોટન ભલે આખું વપરાયું ન હોય તોપણ એનો સંપૂર્ણ ખર્ચ તમારા બિલમાં ઉમેરવામાં
આવે છે.