શહેર અને ગામડું (એસિડિટી અને મરડો)
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’
મરડામાં જો યોગ્ય સારવાર કરવામાં ન આવે, ખાવા પીવામાં ધ્યાન રાખવામાં ન આવે કે સારવાર અધુરી મૂકવામાં આવે તો મોટા આંતરડા પર કાયમની અસર રહી જવાની પૂરી શક્યતાઓ રહે છે
શહેરીજીવન અને ગ્રામ્યજીવન એ ભારત જેવા વિકાસશીલ દેશમાં એક સિક્કાની બે બાજુ જેવા છે. બંનેના પોતપોતાના ફાયદા અને ગેરફાયદા છે. વર્તમાનમાં વધુને વધુ લોકો ગ્રામ્યજીવનમાંથી સ્થળાંતર કરીને લોકો શહેરીજીવનમાં પ્રવેશી રહ્યાં છે.
શહેરમાં વધારે પડતો તણાવ, વધુ તેલ મસાલા વાળું ભોજન વગેરે કારણોસર એસિડિટી, જ્યારે ગામડામાં પાણી અને શૌચની સ્વચ્છતા અપૂરતી હોવાને લઈને મરડો આ બંને મુખ્ય રોગો છે.
શહેરમાં રહેતા લોકોમાંથી કોઈ એવી વ્યક્તિ નહીં હોય કે જેને એસિડિટી ન થઈ હોય અને ગામડામાં રહેતા વ્યક્તિઓમાંથી કોઈ એવી વ્યક્તિ નહીં હોય કે જેને મરડો ન થયો હોય.
એસિડિટી, હાઈપર એસિડિટી, ગેસ્ટ્રાઈટીસ, ઍસિડ-પેપ્ટિક ડિસીઝ વગેરે ‘નામ રૂપ જૂજવા’ ધરાવતી એસિડિટી માટે ભૂતકાળમાં આ જ જગ્યાએ લખાઈ ચૂક્યું છે.
ગ્રામ્ય જીવનમાં ચોખ્ખી હવા, ચોખ્ખું દૂધ અને તાજા શાકભાજી એ પ્લસ પોઇન્ટ હોવા છતાં અગાઉ કહ્યું એમ પીવાનું પાણી અને શૌચાલયોની પરિસ્થિતિ યોગ્ય ન હોવાને લઈને આંતરડામાં થતા ચેપ, સંક્રમણ કે ઇન્ફેક્શનના પ્રશ્ર્નો વધુ જોવા મળે છે.
મરડો એ આવું જ એક આંતરડાનું ટૂંકા કે લાંબા સમયનું ઇન્ફેક્શન છે. મરડો એ એવો ચીકણો રોગ છે કે જો એક વાર ઘર કરી જાય તો ખૂબ લાંબા સમય સુધી દવાઓ લેવા છતાં પણ તેમાં સંતોષકારક પરિણામ આપી શકાતું નથી.
મરડાને આધુનિક વિજ્ઞાનમાં ડિસેન્ટ્રી, એમિબીયાસીસ, ક્રોનિક કોલાઈટીસ, એમીબિક ડિસેન્ટ્રી વગેરે અનેક શીર્ષક હેઠળ લઈ શકાય છે. આયુર્વેદમાં મરડાને પ્રવાહીકા નામ અપાયેલું છે.
સામાન્ય રીતે મરડાના બે પ્રકાર પાડવામાં આવે છે નવો મરડો (એક્યૂટ) અને જૂનો મરડો (ક્રોનિક). ટૂંકા ગાળાનાં મરડાની જો યોગ્ય ચિકિત્સા કરવામાં ન આવે કે ચિકિત્સા અધૂરી મૂકવામાં આવે કે રોગના આક્રમણ સમયે યોગ્ય પરેજી પાડવામાં ન આવે તો મરડાના જંતુઓ લાંબા સમય સુધી આંતરડામાં રહી જાય છે જે જૂનો મરડો એટલે કે ક્રોનિક ડિસેન્ટ્રી ડેવલપ કરે છે.
નવા મરડામાં રોજ બેથી આઠ ઝાડા થાય છે. દુખાવા સાથે-ચૂંક સાથે ઝાડામાં ચીકાશ અને લોહી પણ પડી શકે છે. વારેવારે ઝાડે જાવાની ઈચ્છા એટલે કે અર્જ થાય છે ને જ્યારે અર્જ થાય ત્યારે આંખમાં આંસુ આવી જાય એવો દુખાવો થાય છે. વારંવાર જવા છતાં સુખપૂર્વક ને સંતોષકારક મળપ્રવૃત્તિ થતી નથી અને આંતરડું વલોવાતું હોય એવું લાગે છે.
મરડામાં જો યોગ્ય સારવાર કરવામાં ન આવે, ખાવા પીવામાં ધ્યાન રાખવામાં ન આવે કે સારવાર અધુરી મૂકવામાં આવે તો મોટા આંતરડા પર કાયમની અસર રહી જવાની પૂરી શક્યતાઓ રહે છે. મોટા આંતરડામાં વિકૃતિ થવાથી આધુનિક વિજ્ઞાનમાં વર્ણવેલ મ્યુકસ કોલાઈટીસ, અલ્સરેટીવ કોલાઈટીસ, ર્જીણ તાવ (ક્રોનિક ઇન્ફેક્ટિવ ફીવર), પાઇલ્સ, ફિસર, ઈમડાઈજેશન, વિટામિન ડેફિસિયન્સી, નબળાઈ, વેઇટલોસ… વગેરે અનેક રોગો કે લક્ષણો થાય છે.
આયુર્વેદમાં મરડાની દીપન-પાચનથી લઈને બસ્તી સુધીની અનેક ચિકિત્સાઓ આપેલી છે. પણ જનસામાન્યને ઉપયોગી થાય એ હેતુથી અહીં એક ઘરે બનાવી શકાય એવાં ઔષધની વાત કરવી છે કે જે લગભગ બધી જાતનાં મરડામાં ઉપયોગી થઈ શકે છે. તેમ છતાં વિશેષ પ્રયોગ માટે નિષ્ણાત વૈદ્યની સલાહ લેવી જરૂરી છે.
દેશી દવાની દુકાને મળતા ઇન્દ્રજવ (હોલારહેના એન્ટિ ડિસેન્ટ્રીકા), કલોંજી જીરું (નિગેલા સફાઇવા) મેથી (ટ્રાઈગોનેલ્ટા ફેનુગ્રીકામ) અને બકાયન લીમડા (એઝાડીરેકટા મેલિયા)ની છાલ, આ ચારેય ઔષધો સરખા ભાગે લઈ તેનું સૂક્ષ્મ ચૂર્ણ બનાવવું.
આ ચૂર્ણમાંથી એકથી ત્રણ ગ્રામ ચૂર્ણ શરીરનાં વજન અને રોગની તીવ્રતા મુજબ સવાર, બપોર, સાંજ કે સવાર અને સાંજ મોળી અને તાજી છાશ સાથે લેવું.
જુના મરડામાં આજ ચૂર્ણ બે ગ્રામ સવારે ને બે ગ્રામ સાંજે જમ્યા પહેલાં મોળી ને તાજી છાશ સાથે લેવું.
આ ચૂર્ણ સ્વાદમાં કડવું હોય છે જે કડવું ઔષધ ન લઈ શકતા હોય તેઓ આ ચૂર્ણ સાકર સાથે પણ લઈ શકે છે. ઇન્દ્રજવ ઉષ્ણ, અગ્નિદિપક, પાચક, રૂક્ષ, મળને બાંધનાર તેમ જ રક્તદોષ, અતિસાર હરસ, આમદોષ અને પ્રવાહીકાને મટાડનાર છે.
કલોંજી જીરુ કફ-વાતનાશક, પિત્તવર્ધક, ઉષ્ણ, તીક્ષ્ણ, દીપન, પાચન અનુલોમક, ગ્રાહી, કૃમિનો નાશ કરનાર અને મૂત્રલ છે.
કલોંજી જીરુ મરડા સિવાય મુખની દુર્ગંધ, અરુચી, અર્જીણ, આદમાન, અતિસાર, સંગ્રહણી, પાશ્ર્વશુલ વગેરેમાં પણ ખૂબ જ ઉપયોગી છે.
મેથી ઉષ્ણ છે અને વાતજ વિકારો પર ખૂબ જ ઉપયોગી છે. શૂલનો નાશ કરે છે.
બકાયન લીમડો અનુલોમક, સ્તંભક, કૃમિઘ્ન અને કફ-પિત્તશામક છે. પ્રમેહમાં પણ ખૂબ જ ઉપયોગી છે.
સગર્ભા સ્ત્રીઓ તેમ જ અમલપિત (એસિડિટી)નાં દર્દીઓએ આ ઔષધ વૈદ્યની સલાહ વગર ન લેવું.
મરડાની ચિકિત્સામાં સૌથી વધારે મહત્ત્વ શુદ્ધ પાણીનું છે. એટલે બને ત્યાં સુધી પાણી ખૂબ ઉકાળીને પીવું જોઈએ.
મરડામાં ઉકાળેલું પાણી, મોળી અને તાજી છાશ, પકાવેલો ભાત, દાડમ લીંબુનું સાકરવાળું પાણી વગેરે પથ્ય છે, જ્યારે કઠોળ, વાયુ કરે તેવો ખોરાક, તેલ-મસાલાવાળો ખોરાક ને મરચા જેવા ગરમ પદાર્થો વગેરે વર્જ્ય છે.