બાળકોમાં પણ હૃદયની સમસ્યા હોઈ શકે…

આરોગ્ય એક્સપ્રેસ -રાજેશ યાજ્ઞિક
આજના સમયમાં હૃદયરોગ વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણોમાંથી એક છે તે આપણે સહુ જાણીએ છીએ. હંમેશાં એવું મનાતું આવ્યું છે કે હૃદયરોગ તો વયસ્કોને જ થાય- યુવાનને કે બાળકને ન થાય. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોથી એવું જોવા-સાંભળવા પણ મળ્યું છે કે નાની ઉંમરે પણ હૃદયરોગથી મૃત્યુ થાય છે.
આ એક ચિંતાનો વિષય છે. આપણે યુવાનો અને બાળકોમાં થતાં હૃદયરોગ વિશે માહિતગાર થવું જોઈએ. હૃદય સંબંધિત અનેકવિધ રોગ હવે બાળકોને પણ પજવી રહ્યા છે. જો કોઈના પરિવારમાં માતા-પિતા કે અન્ય સભ્યને હૃદયરોગ હોય તો સંતાનને પણ હૃદયરોગ થવાની શક્યતા રહે છે. કેટલાક બાળકને તો જન્મથી જ હૃદય સંબંધિત બીમારી હોય છે. એ ‘કોન્જેનિટલ હાર્ટ ડિસીઝ’ (જન્મજાત હૃદય રોગ) તરીકે ઓળખાય છે. આવાં બાળક માતાના ગર્ભમાંથી હૃદયની ખામી સાથે જન્મે છે. જે બાળકને જન્મથી જ હૃદયરોગ હોય તે સ્થિતિ સુધારી શકાય છે. નિષ્ણાતો કહે છે કે, આવી સ્થિતિમાં યોગ્ય સમયે સારવાર શરૂ કરવાથી આ રોગને ઘણી હદ સુધી ઘટાડી
શકાય છે.
બાળક કેટલા પ્રકારના હૃદયરોગથી પીડાય છે?
જન્મજાત હૃદયરોગ (કોન્જેનિટલ હાર્ટ ડિસીઝ) : બાળકને જન્મથી જ હૃદયની ખામી હોય ત્યારે તેને જન્મજાત હૃદયરોગ કહેવાય છે. આ વિકૃતિને કારણે, બાળકના હૃદયના વાલ્વ અને નસ પ્રભાવિત થાય છે. આ રોગમાં બાળકના શરીરમાં લોહીનો પ્રવાહ ખોરવાઈ જાય છે, પરંતુ આ સમસ્યાનો ઈલાજ છે.
એથરોસ્ક્લેરોસિસ : એથરોસ્ક્લેરોસિસને કારણે બાળકોના હૃદયની નસો સંકોચાવા લાગે છે. આ સાથે એ સખત થવા લાગે છે. આ બીમારીને અવગણવી ખતરનાક બની શકે છે. હૃદય સંબંધિત આ સમસ્યા બાળકના મગજને પણ નુકસાન પહોંચાડે છે.
અનિયમિત ધબકારા (એરિથમિયા) : આ સ્થિતિમાં બાળકોનું હૃદય સામાન્ય કરતાં અનિયમિત રીતે ધબકવા લાગે છે. આવી સ્થિતિમાં લોહીનો પ્રવાહ પ્રભાવિત થાય છે અને હૃદયમાં લોહીનો પ્રવાહ બાધિત થવા લાગે છે. આ સમસ્યામાં બાળકને થાક, નબળાઈ અને ચક્કર આવે છે. આ રોગમાં બાળકના હૃદયના ધબકારા ક્યારેક ઝડપી તો ક્યારેક ધીમા થઈ જાય છે.
કાવાસાકી રોગ : કાવાસાકી રોગ દુર્લભ રોગોની યાદીમાં સામેલ છે. કાવાસાકી રોગ (કેડી), જેને કાવાસાકી સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે હૃદય અને રક્ત વાહિનીઓને નુકસાન પહોંચાડી શકે છે. મોટે ભાગે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકમાં જોવા મળે છે.
છોકરીઓ કરતાં છોકરાઓને વધુ અસર કરે છે. કેડીનું કારણ જાણી શકાયું નથી. આ રોગમાં બાળકને હાથ, પગ, હોઠ, મોં અને ગળાની નસોમાં સોજો આવી શકે છે. આવી સ્થિતિમાં બાળકોને તાવ આવવાની શક્યતા વધી જાય છે. રક્તવાહિનીમાં સોજાને કારણે હૃદયની પમ્પિંગ (દબાણ સાથે લોહીનો પ્રવાહ વહેતો રાખવાની) ક્રિયામાં અવરોધ ઊભો થાય છે. તેને કારણે હૃદય ફાટી શકે છે, જેને કોરોનરી ધમનીનું વિસ્તરણ અને ‘એન્યુરિઝમ્સ’ કહે છે.
હૃદયનો ગણગણાટ (હાર્ટ મર્મર્સ) : આ સમસ્યામાં બાળકનું હૃદય પમ્પિંગ કરતી વખતે સામાન્ય કરતાં વધુ અવાજ કરે છે. જોકે તેનાથી કોઈ સમસ્યા થતી નથી, પરંતુ તેનાથી હૃદય સંબંધિત અન્ય ઘણી બીમારીની શક્યતા વધી જાય છે. બાળકોમાં ચિંતાજનક ગણગણાટ સામાન્ય રીતે જન્મ સમયે હૃદયની રચનાની સમસ્યાને કારણે હોય છે. તેના કારણોમાં હૃદયમાં કાણું હોવું અને ‘કાર્ડિયાક શન્ટ્સ’ (હૃદયની ચેમ્બર અથવા રક્તવાહિનીઓ વચ્ચે અનિયમિત રક્ત પ્રવાહ) સામેલ છે. નિર્દોષ હૃદયનો ગણગણાટ સમય જતાં દૂર થઈ શકે છે. કેટલીક વાર ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જ્યા વિના હૃદયનો ગણગણાટ જીવનભર ચાલુ રહે છે.
સંધિવા હૃદય રોગ (રહ્યુમેટીક હાર્ટ ડિસીઝ) : સંધિવા હ્રદયરોગ એવી સ્થિતિ છે, જેમાં સંધિવા તાવથી હૃદયના વાલ્વને કાયમી નુકસાન થયું હોય. સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાના કારણે ગળામાં દુખાવો અને સ્કારલેટ તાવ જેવી સ્થિતિ આ પ્રકારના હૃદય રોગ તરફ દોરી જાય છે. આ રોગ બાળકના હૃદયના વાલ્વ અને હૃદયના સ્નાયુઓને કાયમ માટે નુકસાન પહોંચાડી શકે છે. સંધિવા તાવ પાંચથી 15 વર્ષની વયના બાળકમાં વધુ જોવા મળે છે. ખાસ કરીને જે બાળકને વારંવાર ગાળામાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન થતાં હોય તેમને જોખમ વધી જાય છે.
આમ બાળકોમાં બહારથી સામાન્ય લાગતા બિનજોખમી લક્ષણો પ્રત્યે બેદરકાર ન રહેતાં, તેની યોગ્ય તપાસ કરાવીને બાળકોને આપણે ઘાતક બીમારીથી બચાવી શકીએ છીએ. ખાસ કરીને બાળકો પોતાને થતી તકલીફને યોગ્ય રીતે વર્ણવી શકતા ન હોવાથી આપણે એમની વિશેષ કાળજી લેવી જરૂરી છે.