ચહેરા મોહરા -પ્રકરણ: 23

પ્રફુલ્લ કાનાબાર
`જો સોહમ, હું તને એવી જગ્યાએ મોકલવા માંગું છું, જ્યાં તું ઓછામાં ઓછા ત્રણ હજાર કરોડ રૂપિયાની સંપતિનો માલિક બની જઈશ!’ `ત્રણ હજાર કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક?’ સોહમના ગળામાંથી માંડ માંડ અવાજ બહાર નીકળ્યો. `હા.. સોહમ.’ તુલસીરામ બાપુએ ઠંડકથી કહ્યું. સોહમનું આશ્ચર્ય શમવાનું નામ લેતું નહોતું. જેલમાં અંકુશ સાથે થયેલી વાતચીત બાદ તે કરોડપતિ થવા માટે તો આટલે સુધી લાંબો થયો હતો. સોહમ માનતો હતો કે કદાચ એકાદ- બે કરોડની જ વાત હશે, પણ આ તો એટલી મોટી રકમ હતી જે સોહમે સપનામાં પણ નહોતી વિચારી.
તુલસીરામ બાપુ સોહમના સોહામણા ચહેરાના બદલાતા જતા ભાવ નીરખી રહ્યા. આખરે સોહમે મૌન તોડતાં કહ્યું: `બાપુ, ત્રણ હજાર કરોડ રૂપિયામાં કેટલા મીંડા આવે એની પણ મને ખબર નથી.’`સોહમ, તારે મીંડા ગણવાની જરૂર નથી. તારે માત્ર એક્ડામાં જ રસ દાખવવાનો છે. કોઈ પણ રકમમાં મીંડાની કિમત જ્યાં સુધી આગળ એકડો ન લાગે ત્યાં સુધી શૂન્ય જ હોય છે. તારે એકડો બનવાનું છે. આ આખી ચાલમાં હું તને હુકમનો એક્કો બનાવવા માંગું છું.’ `એ કઈ રીતે?’ સોહમે આખરે પૂછી જ લીધું.
`સૌથી પહેલાં તારી જીવાઈ ગયેલી જિંદગીમાંથી કારાવાસના તેર વર્ષની બાદબાકી કરી નાખ.’ `હું સમજ્યો નહીં બાપુ.’
`જીવનમાં જે ભૂતકાળ યાદ રાખવાથી માત્ર અને માત્ર પીડા જ મળતી હોય તેવા ભૂતકાળને યાદ રાખવો વ્યર્થ છે…બહેતર છે કે એ ભૂતકાળને મનની કોઈ અજાણી ગુફામાં દફનાવી દેવો.’ સોહમને થયું કે બાપુની વાત તો સાચી છે. અરે.. એનું ચાલે તો જેલમાં ગયા પહેલાંનો ભૂતકાળ પણ ભૂલી જાય. સોહમે ફિક્કું સ્મિત કર્યું. જો માણસ ખરેખર ભૂતકાળ ભૂલી શકતો હોય તો તો એ સંતની કક્ષામાં ન આવી જાય? સંસારી માણસ અને સાચા સંત વચ્ચે આ જ તો મૂળ તફાવત હોય છે. સાચા સંત તેના પૂર્વાશ્રમને સાપ કાંચળી બદલે તેમ ઉતારીને ફેંકી શકતા હોય છે. અરે, સાચા સંત તો દીક્ષા લીધા પછીના જીવનને પુનર્જન્મ જ માનતા હોય છે!
સોહમને ગહન વિચારમાં પડી ગયેલો જોઇને તુલસીરામ બાપુ મંદ મંદ સ્મિત વેરી રહ્યા હતા. સોહમને અને બાપુની નજર એક થઇ. સોહમ હજુ પણ તેના વિચાર-વમળમાંથી બહાર આવ્યો નહોતો. જોકે, બીજી તરફ,સોહમ એમ પણ વિચારતો હતો કે સામે બેઠેલા તુલસીરામ બાપુ સાચા સંત તો ન જ કહેવાય. સાચા સંત તો લક્ષ્મીના સ્પર્શથી પણ દૂર રહેતા હોય છે.. જયારે અહીં તો બાપુની સમગ્ર વાતમાં ધનની વાત કેન્દ્ર સ્થાને હતી.
`શું વિચારમાં પડી ગયો?’ બાપુએ સોહમનું વિચાર-મંથન તોડવાના ઈરાદાથી જ કહ્યું.`બાપુ..કાંઈ નહીં.’ સોહમે ઝબકીને જવાબ આપ્યો. સોહમે મનોમન નક્કી કરી લીધું કે બાપુ સાથેનો આખો વાર્તાલાપ પૂરો ન થાય ત્યાં સુધી બાપુ વિશે હવે વધારે જજમેન્ટલ થવું નથી. આમ પણ બાપુ હજુ સુધી તાસના બધાં પાનાં તેમના હાથમાં પકડીને જ બેઠા હતા! જો બાપુ ખરેખર તેને હુકમનો એક્કો બનાવવા માંગતા હશે તો એ ક્યાં સુધી બધા પાના હાથમાં પકડી રાખશે? બાપુના મનમાં રમતો આખો પ્લાન સમજવા માટે સોહમે ચૂપકીદી સાધી લીધી. હવે બાપુ આગળ શું કહે છે તે સાંભળવા માટે એ એકદમ આતુર હતો. સોહમના ચહેરા પર આતુરતા અને તાલાવેલીની રેખાઓ અંકિત થઇ ચૂકી હતી!
`સોહમ, તારા જીવનના કારાવાસનાં એ વર્ષો દરમિયાન જેલની બહાર પણ એક દુનિયા હતી, જ્યાં સમય આગળ ધપી રહ્યો હતો, કારણકે સમયનું તો કામ જ છે વહેવાનું…જોકે એ વાત જુદી છે કે જેલમાં તારા માટે તો સમય થંભી ગયો હતો એમ જ કહી શકાય.’
સોહમ વિચારી રહ્યો : બાપુની આ વાત પણ સાચી હતી. આ તેર વર્ષમાં દુનિયા કેટલી બદલાઈ ગઈ છે એ વાતની જાણ તો તેને જેલમાંથી બહાર નીકળ્યા બાદ આ બે દિવસમાં થઇ જ હતી ને? અડાલજમાં બેઠા બેઠા ભોલુએ લેપટોપ ખોલીને તેની રેલવેની ટિકિટ બૂક કરી આપે એ વાતનું જ્વલંત ઉદાહરણ હતું. રૂટિન જિંદગીમાં પણ ડગલે ને પગલે ટેકનોલોજીનો પ્રવેશ જોઈ શકાતો હતો. સોહમ જયારે જેલમાં ગયો ત્યારે સેલફોન જેવા આધુનિક ઉપકરણોની તેને કલ્પના પણ ક્યાં હતી? બહારની દુનિયા ખરેખર બદલાઈ ચૂકી હતી. સમય ઘણો આગળ વહી ગયો હતો. જેલની કાળકોટડીનો એક એક દિવસ અંધકારમય હતો.
`બાપુ, જેલમાં ગાળેલા એ દિવસો મારા જીવનમાં વ્યાપેલો સૌથી મોટો અંધકાર હતો.’ બાપુએ મંદ મંદ સ્મિત સાથે કહ્યું : `સોહમ, કાલનો સૂર્યોદય તારા જીવનમાં અત્યંત મહત્ત્વનો નીવડશે. તારા જીવનમાં ઉજાસ લાવશે..ઉજ્વળ ભવિષ્ય પણ લાવશે. તારા જીવનનો એવો પડાવ તારી રાહ જોઈ રહ્યો છે, જ્યાં ચારે બાજુ લક્ષ્મીની રેલમછેલ હશે..’ સોહમ શાંત ચિત્તે તુલસીરામ બાપુને તાકી રહ્યો. તેની ધીરજ ખૂટી રહી હતી. બાપુ હવે પૂર્વભૂમિકા બાંધવાનું છોડીને મુખ્ય વાત પર આવે તેની એ રાહ જોવા લાગ્યો. `સોહમ, આવતી કાલથી તાં નામ સોહમમાંથી `સોહન’ થઇ જશે. તારી એ નવી ઓળખ જ તને ધનવાન બનાવશે.’ તુલસીદાસ બાપુએ થોડોક ફોડ પાડતા કહ્યું.
સોહમ વિસ્ફારિત નેત્રે બાપુને તાકી રહ્યો. સોહમને ઓળખ તો બદલવી જ હતી, કારણકે એના માથા પર લાગેલાં ખૂનીના લેબલ સાથે તે જીવવા માગતો નહોતો. ધનવાન થવાની પણ લાલસા હતી, કારણ કે અત્યાર સુધીની જિંદગી પૈસાના અભાવમાં જ વીતી હતી. આજે ત્રીસ વર્ષની ઉંમરે એ સાવ એકલો જ હતો. તેની આગળ કે પાછળ કોઈ જ નહોતું. સોહમ નવેસરથી જીવન શરૂ કરવાની તક ઝડપવા જ અહીં આવ્યો હતો એ વાત બાપુ પણ જાણતા હતા.
`હવે તને ખ્યાલ આવી ગયો હશે કે મેં શા માટે તારો ભૂતકાળ જાણવાની ખેવના કરી…કારણકે કોઈ પણ નવા પ્રોજેક્ટમાં તદ્દન અજાણ્યા માણસને મોકલતા પહેલાં તેની કાર્યક્ષમતા ચકાસવા માટે તેનો ભૂતકાળ જાણવો મારા માટે જરૂરી હતો.’ `જી.. બાપુ’ સોહમે ટૂંકાક્ષરી જવાબ આપ્યો. સોહમ, મુંબઈમાં બળવંતરાય શેઠનો ડાયમંડનો મોટો બિઝનેસ છે.એ સિવાય પણ દાર્જીલિંગમાં એમની માલિકીના ચાના બગીચાઓ છે. થોડા સમયથી તેમની કંપની હિન્દી ફિલ્મોના નિર્માણમાં પણ કરોડો રૂપિયા લગાવી રહી છે. લગભગ એંસી વર્ષના બળવંતરાય શેઠનો તમામ બિઝનેસ વિશ્વાસુ માણસોના હસ્તક છે.
બાપુએ બાજુમાં રાખેલા રિમોટ વડે સામેની દીવાલ પરનું ટીવી ઓન કર્યું. ટીવી પર એક વૃદ્ધનો ચહેરો ઊભરી આવ્યો. ગોરો મોટો ચહેરો સફેદ મૂછ અને માથા પર પહેરેલી ફ્લેટ કેપમાં એ વૃદ્ધ બિઝનેસમેન કરતાં વધારે મિલિટરીના કોઈક રિટાયર્ડ કર્નલ જેવા દેખાતા હતા. બાપુએ રિમોટનું બીજું બટન દબાવ્યું. શૂટ અને શૂઝ પહેરેલા હાથમાં વોકિગ સ્ટીક સાથેના એ જ વૃદ્ધનો ફૂલ સાઈઝનો ફોટો દેખાયો. સોહમ અપલક એ ફોટાને તાકી રહ્યો. બળવંતરાયના આ ફોટા આશ્રમના સીસીટીવી કેમેરામાંથી લીધેલા છે. સોહમને નવાઈ લાગી, કારણકે આશ્રમમાં સીસીટીવી કેમેરા છે તેનો તેને અણસાર પણ નહોતો આવ્યો. આજથી ત્રીસેક વર્ષ પહેલાં તેમનો દીકરો અને વહુ મુંબઈથી ગુજરાતના કોઈક અંતરિયાળ ગામડામાં કુળદેવીના દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત આવી રહ્યા હતા ત્યારે ભારે વરસાદ તૂટી પડયો હતો. એ સમયે ઘણી નદીઓ પર ખખડધજ પૂલ હતા. અતિશય ભારે વરસાદમાં સુરેન્દ્રનગર પાસે ભોગાવો નદીમાં તેમની કાર ખાબકી હતી. બળવંતરાય શેઠના ડ્રાઈવર તથા દીકરા અને વહુની લાશ મળી હતી, પણ પાંચેક વર્ષના પૌત્ર સોહનની લાશ પાણીમાં જ ક્યાંક વહી ગઈ હતી. મહારાષ્ટ્રના એક પ્રખ્યાત જ્યોતિષીએ બળવંતરાય શેઠને વર્ષો પહેલાં કહ્યું હતું કે એક દિવસ તમારો પૌત્ર સોહન જરૂર ઘરે પરત આવશે. દાદાજી તેમના વારસદાર એટલે કે પૌત્ર સોહનની ખાસ્સાં વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. `બાપુ, આ વાતની તમને કેવી રીતે ખબર પડી?’ સોહમે મુદ્દાનો સવાલ કર્યો.
(ક્રમશ:)