ચહેરા મોહરા -પ્રકરણ: 12
આટલો નિર્દોષ ચહેરો ધરાવતો આ યુવાન ખૂન કેવી રીતે કરી શક્યો હશે? વળી ખૂન પણ કોનું? સગા બાપનું?!
પ્રફુલ્લ કાનાબાર
સમયનું ચક્ર ફરતું ગયું. પાંચ વર્ષ વીતી ગયાં. આ પાંચ વર્ષ દરમ્યાન સોહમે જેલમાં કોઈની પણ સાથે ભાગ્યે જ ખાસ કોઈ વાત કરી હશે. એકલતાનું આકાશ ઓઢીને જ તે જેલમાં સજા કાપી રહ્યો હતો. આખરે જેલર ગામીત સાહેબની નિવૃત્તિનો દિવસ આવી પહોંચ્યો હતો. ગામીત સાહેબ ખૂબ જ કડક જેલર હતા તેથી મોટા ભાગના કેદીઓ તેમના જવાથી રાજી હતા.
એ જ દિવસે ગોહિલ સાહેબે જેલનો ચાર્જ સંભાળ્યો હતો. ગામીત સાહેબની સામેની ખુરશીમાં બેઠા બેઠા ગોહિલ સાહેબ કેદીઓની હિસ્ટ્રીની ફાઈલ પર નજર નાખી રહ્યા હતા. સોહમના ફોટાની બાજુમાં જ એક રિમાર્ક હતી.. જેમાં લખ્યું હતું કે આ કેદી ત્રણ દિવસના જામીન મળ્યા હોવા છતાં એક જ દિવસમાં પરત આવીને જેલમાં હાજર થઈ ગયો હતો. ગોહિલ સાહેબે આશ્ર્ચર્યથી પૂછયું હતું: ‘ગામીત સાહેબ, આવું કેમ? બહાર તેના જીવને કોઈ જોખમ હતું કે શું?’
‘ના.. ના ગોહિલ સાહેબ, એવું બિલકુલ નહોતું. એની મા હૉસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી હતી તેથી એ પેરોલ પર છૂટીને સીધો હૉસ્પિટલે પહોંચ્યો હતો. એ ત્યાં પહોંચ્યો ત્યારે તેની માએ દેહ મૂકી દીધો હતો. માના અગ્નિસંસ્કાર કરીને એ તરત અહીં હાજર થઈ ગયો હતો. માત્ર બાર કલાકમાં એ પરત આવ્યો ત્યારે મને પણ નવાઈ લાગી હતી. જવાબમાં એક જ વાતનું રટણ કર્યું હતું કે હવે બહાર મારું શું કામ છે? મેં ખાનગીમાં એક બાતમીદારને તપાસ કરવાનું કામ સોંપીને એ કેદીની વાતની ખરાઈ પણ કરી હતી. આટલો પ્રામાણિક કેદી મેં મારી સમગ્ર કરિયરમાં જોયો નથી.’ ગોહિલ સાહેબ ફાઈલમાં સોહમની આખી હિસ્ટ્રી ધ્યાનપૂર્વક વાંચવા લાગ્યા. ‘અરે.. આ છોકરાએ તો એના બાપનું ખૂન કર્યું છે.’ ફાઈલ જોતાં જોતાં ગોહિલ સાહેબથી અનાયાસે જ બોલાઈ ગયું. ‘હા ગોહિલ સાહેબ, કદાચ ક્ષણિક આવેશમાં તેનાથી તેના બાપનું ખૂન થઈ ગયું હોવું જોઈએ, પણ ખૂન કરીને તે તરત જાતે જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો એ પણ હકીકત છે.’
‘આમાં તો કારણમાં ગૃહકલેશ દર્શાવેલું છે.’ ગોહિલ સાહેબે ફાઈલમાંથી મોઢું ઊંચું કરીને ચશ્માં કાઢીને કહ્યું. ‘એનો બાપ દારૂડિયો અને જુગારી હતો. એની માને પણ મારતો. આમ રોજબરોજના ગૃહકલેશમાં જ સોહમે એના બાપને પતાવી દીધો હતો.’ ગોહિલ સાહેબ તેમની લાંબી કરિયરમાં અનેક જેલમાં જેલર તરીકે રહી ચૂક્યા હતા. કેદીના માનસનો અભ્યાસ કરવાનો તેમનો મુખ્ય શોખ હતો. તેમને પહેલે જ દિવસે સોહમના કેસમાં રસ પડયો હતો. ગોહિલ સાહેબની એક ખાસિયત એ પણ હતી કે એ દરેક કેદીનો ચહેરો હંમેશા તેના બિલ્લા નંબરથી જ યાદ રાખતા. સાંજે જયારે ગામીત સાહેબ ઓળખ પરેડ સમયે દરેક કેદીનો પરિચય કરાવી રહ્યા હતા ત્યારે ગોહિલ સાહેબ દરેક કેદીના પહેરણ પર ડાબા ભાગે લખાયેલ બિલ્લા નંબર જોઈને પછી જ તેના ચહેરા સામે જોઈ લેતા હતા. લાઈનમાં જેવો સોહમ સામે આવ્યો કે તરત ગોહિલ સાહેબથી સીધું તેના બિલ્લા નંબરની બદલે ચહેરા સામે જ જોવાઈ ગયું. આજ સુધીના ગોહિલ સાહેબના જેલર તરીકેના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નહોતું. ગોહિલ સાહેબ સોહમના સોહામણા ચહેરાને તાકી રહ્યા. તે મનમાં જ વિચારી રહ્યા.. આટલો નિર્દોષ ચહેરો ધરાવતો આ યુવાન ખૂન કેવી રીતે કરી શક્યો હશે? વળી ખૂન પણ કોનું? સગા બાપનું? કેટલાક સંબંધો લોહીના ન હોય તોપણ કોઈ અગમ્ય કારણસર સામેની વ્યક્તિ તરફ મન ખેંચાણ અનુભવતું હોય છે.
ગોહિલ સાહેબને પણ સોહમ પ્રત્યે સહાનુભૂતિનો ભાવ જાગ્યો હતો. ગોહિલ સાહેબ ગુનેગારોના મનનો અભ્યાસ બખૂબી કરી લેતા હતા. ગોહિલ સાહેબની આખી જિંદગી અનેક કેદીઓ સાથે પનારો પાડવામાં જ ગઈ હતી. કોઈ પણ માણસ જન્મજાત ગુનેગાર હોતો નથી. સમય અને સંજોગો જ તેને ગુનો કરવા પ્રેરતા હોય છે… એ વાત ગોહિલ સાહેબ સારી રીતે સમજતા હતા. ગોહિલ સાહેબને પહેલે જ દિવસે સોહમની આંખમાં એક અજીબ પ્રકારનો અજંપો જોવા મળ્યો હતો. સોહમે પણ ગોહિલ સાહેબની આંખમાં પોતાના પ્રત્યે સહાનુભૂતિ ભાળી હતી. જેલર અને કેદી વચ્ચે સામાન્ય રીતે ઔપચારિક સંબંધો જ હોય છે, કારણ કે જેમ કેદીને જેલનું બંધન હોય છે તેમ જેલરના હાથ પણ કાયદા વડે બંધાયેલા હોય છે. તે ઇચ્છે તોપણ કોઈ એક કેદીની ફેવર કરી શકતા નથી કે એ કેદીને સ્પેશિયલ ટ્રીટમેન્ટ પણ આપી શકતા નથી. જોકે કાયદાના દાયરામાં રહીને કયા કેદી સાથે કેવો વહેવાર કરવો એ બાબતથી ગોહિલ સાહેબ સારી રીતે વાકેફ હતા. એક વાર રાત્રે કડકડતી ઠંડીમાં ગોહિલ સાહેબ ઓવરકોટ પહેરીને જેલમાં રાઉન્ડમાં નીકળ્યા હતા. બેરેકમાં સોહમ ટૂંટિયું વાળીને સૂતો હતો. નિયમ મુજબ તેને એક ચોરસો આપવામાં આવ્યો હતો. ગોહિલ સાહેબે જોયું કે ચોરસાની અંદર સોહમ રીતસર ધ્રૂજી રહ્યો હતો. ગોહિલ સાહેબને સોહમની દયા આવી હતી. તેઓ જાતે પાછા ફરીને સ્ટોરમાંથી એક વધારાનો ચોરસો લઈને પરત આવ્યા હતા.ગોહિલ સાહેબે બે સળિયા વચ્ચેની જગ્યામાંથી ચોરસો અંદર સરકાવ્યો હતો. સોહમે ઠંડી લાગતી હોવા છતાં ઊભા થઈને એ ચોરસો પરત આપતાં કહ્યું હતું: ‘સાહેબ, મારાથી આ ન લેવાય.’
‘કેમ?’ ગોહિલ સાહેબે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું.
‘સાહેબ, હું આ બીજો ચોરસો લઈશ તો બીજાને અન્યાય થયો કહેવાશે.’ સોહમની વાત સાંભળીને ગોહિલ સાહેબ સ્તબ્ધ થઈ ગયા હતા. સળિયા પકડીને ઊભેલા સોહમના હાથ પર હાથ રાખીને ગોહિલ સાહેબ બોલ્યા હતા: ‘તારું શરીર ધખે છે તને તો તાવ છે આ સંજોગોમાં જેલના કાયદા પ્રમાણે તું વધારાનું ઓઢવાનું લઈ શકે છે. આખરે સોહમે બીજો ચોરસો ઓઢ્યો હતો. ગોહિલ સાહેબે મેડિકલની ઈમરજન્સી કીટમાંથી તાવ માટેની ગોળી કાઢીને સોહમને આપી હતી. આમ એ દિવસે ગોહિલ સાહેબનો સોહમ સાથેનો લાગણીનો તંતુ બંધાયો હતો.
‘ગુજરાત એક્સપ્રેસ’ પૂરપાટ દોડી રહ્યો હતો. આખો ડબ્બો હાલકડોલક થઈ રહ્યો હતો. સોહમના મનમાં ચાલતા અવિરત વિચારો પણ ડબ્બાની જેમ જ હાલકડોલક થતા હતા. ગઈકાલે જેલમાંથી બહાર નીકળીને સોહમે આકાશ સામે જોયું હતું. પંખીઓ મુક્ત મને ઊડી રહ્યા હતા. સોહમ પાસે પણ ઊડવા માટે મુક્ત આકાશ હતું. તેણે ઘર તરફ જવાને બદલે બીજો રસ્તો પસંદ કર્યો હતો. હા, એ બીજો રસ્તો અડાલજ તરફ જતો હતો. સોહમ માત્ર એટલું જ જાણતો હતો કે આ રસ્તો તેના માટે તદ્દન અજાણ્યો છે. જેણે આ રસ્તો બતાવ્યો હતો એ માણસ પણ અજાણ્યો હતો. આ સરનામે પહોંચ્યા પછી આગળ ક્યાં જવાનું થશે તે પણ સોહમ જાણતો નહોતો. તેર વર્ષ જેલમાં રહ્યા બાદ સોહમની હિંમત અનેકગણી વધી ગઈ હતી. સોહમ હવે જીવાઈ ગયેલો ભૂતકાળ કાયમ માટે દફનાવીને નવેસરથી જીવન જીવવા માગતો હતો. ગરીબી અને ભૂખમરામાં સડવાની તેની બિલકુલ તૈયારી નહોતી. સોહમને એટલો વિશ્વાસ હતો કે આ એ રસ્તો હતો જ્યાંથી ચોક્કસ તે તેનું જીવન નવેસરથી શરૂ કરી શકશે. આજ સુધી ભોગવેલી નાણાભીડના દિવસો પૂરા થશે.
તેની કિસ્મત ચમકશે. કદાચ તેની કુંડળીમાં કરોડપતિ બનવાના યોગ પણ ઊભા થઈ રહ્યા હતા! આ રસ્તે જવામાં સોહમને ગુમાવવાનું કાંઈ જ નહોતું. આમ પણ તેની પાસે ગુમાવવા માટે હતું પણ શું ? સોહમે માત્ર ખુદની એક નવી ઓળખ જ ઊભી કરવાની હતી. આમ કરવામાં જોખમ જરૂર હતું, પણ જો માત્ર ઓળખ બદલવાથી કરોડપતિ થવાતું હોય તો એ જોખમ લેવાનું સોહમને મંજૂર હતું.
એના મનમાં ફરી પેલું વાકય ગૂંજ્વા લાગ્યું: ‘આ તક ઝડપી લે… આવો ચાન્સ ફરી કયારેય નહીં મળે…!’
(ક્રમશ:)