તરોતાઝા

ચહેરા મોહરા -પ્રકરણ: 6

મા, તું નાહકની ગભરાય છે. આમ પણ હું મોટો થયો પછી એણે તારા પર હાથ ઉપાડવાનું તો બંધ કરી જ દીધું છે ને? તેમ છતાં પણ જો એ હાથ ઉપાડશે તો હું….. પ્રફુલ્લ કાનાબાર એ વાત સાંભળીને સોહમના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. તે મનમાં જ વિચારી રહ્યો: આ મારા બાપુ નથી તો મારો અસલી બાપ કોણ?! માતા- પિતા વચ્ચે થઈ રહેલી વાતચીત સાંભળીને સોહમને ભારે આઘાત લાગ્યો હતો. હાથમાં મીઠાઈના બૉક્સ સાથે ઘરમાં જવાને બદલે ધીમા પગલે ચાલીને એ દૂર જતો રહ્યો. ચાલીની બહાર આવ્યા બાદ સોહમની આંખો છલકાઈ ઊઠી હતી. તેને માથું ભારે લાગી રહ્યું હતું. સોહમ થોડે દૂર આવેલી ચાની લારી પાસે આવ્યો. અડધી ચાનો ઑર્ડર આપીને તે બાંકડા પર બેઠો. વીસેક વર્ષની ઉંમરમાં સોહમ આટલો બધો અપસેટ ક્યારેય નહોતો થયો. તેને એકાએક યાદ આવ્યું કે બાપુ જ્યારે પણ સોહમ વિષે મા સાથે વાત કરતા ત્યારે કાયમ ‘તારો દીકરો’ એમ જ બોલતા. સોહમની આંખ સમક્ષ બાળપણથી લઈને આજ સુધીના અનેક પ્રસંગો ફિલ્મની પટ્ટીની જેમ પસાર થઈ ગયા. એ સાવ નાનો હતો ત્યારે બાપુ નોકરી કરવા જતા. મા તેમને ટિફિન ભરી આપતી. સાંજે ઘરે આવીને બાપુ મા સાથે જમવા પણ બેસતા. એ દિવસોમાં તો બાપુ દારૂ પણ નહોતા પીતા. એક દિવસ અચાનક ફૅક્ટરી બંધ થતાં બાપુની નોકરી છૂટી ગઈ હતી. તે દારૂની લતે ચડી ગયા હતા.

માએ પારકાં ઘરે કામ કરવા જવાનું શરૂ કર્યું હતું. ઘરમાં સતત આર્થિક ખેંચને કારણે તથા બાપુના દારૂના વ્યસનને કારણે મા અને બાપુના સંબંધમાં તણાવ ઊભો થયો હતો, જે ક્રમશ: રોજબરોજના ટકરાવમાં અને ઝઘડામાં પલટાઈ ગયો હતો. કંકાસની શરૂઆત કાયમ બાપુ જ કરતા. આમ તો મા સહનશીલતાની મૂર્તિ હતી. એ સતત પિતાનાં અપમાનો સહન કર્યે જતી હતી. ક્યારેક નાછૂટકે જ તે બાપુને સામો જવાબ આપતી. સોહમ બાળપણથી જ માતા પિતાના કાચ જેવા સબંધોમાં પડેલી તિરાડનો સાક્ષી હતો. ઘણી વાર માએ પિતાના હાથનો માર પણ ખાધો હતો. સોહમ ચૌદ વર્ષનો થયો ત્યારે તેની સામે જ પિતાએ એક વાર પૈસા માટે મા પર હાથ ઉગામ્યો હતો. સોહમે બાપુનો હાથ પકડીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ‘તેની મા હવે એકલી નથી તેનો દીકરો તેની સાથે છે. મા પર હાથ ઉપાડનારનો એ હાથ તોડી નાખશે…!’ બસ, ત્યાર બાદ બાપુએ ક્યારેય મા પર હાથ નહોતો ઉપાડ્યો. જોકે બાપુનું દારૂનું વ્યસન તો ચાલુ જ રહ્યું હતું!

ચાવાળો છોકરો સોહમને ચાનો કપ આપી ગયો. સોહમે હજુ તો ચાની પહેલી ચુસકી જ લીધી હતી ત્યાં અચાનક સોહમનું ધ્યાન પડયું. સામેથી બાઈક પર આવી રહેલ મનોહર બાઈક ઊભું રાખીને કોઈકને એડ્રેસ પૂછતો હતો. સોહમે ઊભા થઈને બૂમ પાડી મનોહરભાઈ મનોહરનું ધ્યાન સોહમ પર પડ્યું. તે તરત નજીક આવ્યો. બાઈક પાર્ક કરીને બોલ્યો: ‘સારું થયું તું અહીં જ મળી ગયો. તારું જ સરનામું પૂછતો હતો.’ સોહમે ઈશારા વડે બીજી ચાનો ઑર્ડર આપ્યો. મનોહરે બાંકડા પર બેસીને કહ્યું: ‘આજે જ તને પહેલી વર્દી મળી ગઈ છે. શેઠજીએ સૂરત એક પાર્સલ આપવા જવાનું કામ સોંપ્યું છે. હું સ્ટેશને આપણા બંનેની રાતની ટ્રેનની ટિકિટ બુક કરવા જ નીકળ્યો છું.’ ‘આપણે બંને?’ ‘હા સોહમ, પહેલી વાર છે એટલે મને સાથે જવા શેઠે કહ્યું છે. આજે તો માત્ર પચાસ લાખનો જ દાગીનો છે.’

પચાસ લાખની કિંમત સાંભળીને સોહમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. ‘સોહમ, આ પછી તો કરોડનું પાર્સલ હશે તોપણ તારે એકલાએ જ જવાનું રહેશે.’ ચા પી લીધા બાદ સોહમે વિવેક કર્યો: ‘મનોહરભાઈ સામેની ગલીમાં જ મારું ઘર છે. ચાલો, ઘર જોવા.’ સોહમ મનમાં તો ઇચ્છતો જ હતો કે અત્યારે મનોહરભાઈ ઘરે આવવાની ના પડે તો સારું. ‘ના સોહમ, અત્યારે નહી. ફરી ક્યારેક આવીશ. આમ પણ ચા તો પી જ લીધી છે.’ મનોહરે હસતાં હસતાં કહ્યું. મનોહરે કિક મારીને બાઈક ચાલુ કરીને કહ્યું: ‘સાંજે છ વાગે તૈયાર રહેજે. આ જ જગ્યાએથી તને લેતો જઈશ. ઘરે કહી દેજે કે કાલે સાંજ સુધીમાં તું અમદાવાદ પરત આવી જઈશ.’

સોહમે હકારમાં માથું હલાવ્યું. મનોહરે ઘરે કહી દેવાની વાત કરી તેથી સોહમને ઘર યાદ આવ્યું. સોહમના ચહેરા પર વિષાદની રેખાઓ ઊભરી આવી. આવું તે ઘર હોય? જ્યાં જવાની ઇચ્છા જ ના થાય.. વળી આજે તો મા અને બાપુનો સંવાદ સાંભળીને સોહમના જીવનમાં રીતસર વિષાદયોગનું આગમન થયું હતું!

આટલાં વર્ષ સુધી સોહમ જેને બાપ માનતો હતો, જેની સાથે એક જ છત નીચે રહેતો હતો એ તેનો બાપ નહોતો…! સોહમને એ વાતનું દુ:ખ નહોતું કે એ દારૂડિયો તેનો બાપ નહોતો, પણ દુ:ખ એ વાતનું હતું કે આજ સુધી તે અંધારામાં રહ્યો હતો. આટલી મહત્ત્વની વાત તેનાથી માએ પણ છુપાવી હતી… એ મા જેને તે ભગવાન માનતો હતો, એ મા જે તેની દુનિયા હતી. માએ શા માટે આજ સુધી આવડી મોટી વાત તેનાથી છુપાવી રાખી? માની એવી તે શું મજબૂરી હશે? વળી આજે તો એ વાતનો પણ પર્દાફાશ થઈ ગયો હતો કે મા સાથે એક જ છત નીચે રહેતો તેનો કહેવાતો બાપ માનું ઈમોશનલ બ્લેક મેઇલિંગ પણ કરી રહ્યો હતો. આખરે સોહમે ઊંડો શ્વાસ લઈને ઘર તરફ પગ
ઉપાડયા. અચાનક ચાવાળાએ બૂમ પાડી: એ ભાઈ…’ સોહમ ચમક્યો, કારણ કે બે અડધી ચા ના પૈસા તો તેણે મનોહરની હાજરીમાં જ આપી દીધા હતા. ચાવાળાએ ઈશારો કરીને બાંકડા પર પડેલું મીઠાઈનું પેકેટ બતાવ્યું જે સોહમ ભૂલીને જઈ રહ્યો હતો. સોહમે આભારની લાગણી સાથે ચાવાળાની સામે જોયું અને પેકેટ લઈ લીધું. ઘરે આવીને સોહમે જોયું કે બાપુ ઘરની બહાર નીકળી ચૂક્યા હતા. કદાચ માએ આપેલા પૈસામાંથી દારૂ પીવા જ ગયા હતા. સોહમના હાથમાં મીઠાઈનું બૉક્સ જોઈને માએ પૂછયું:

‘સોહમ, શું વાત છે? કાંઈ સારા સમાચાર છે?’ ‘હા.. મા, મારો પગાર ડબલ થઈ ગયો છે..!’ સોહમે બૉક્સ ખોલીને એક પેંડો માના મોઢામાં મૂકતાં કહ્યું. માએ અડધો પેંડો ખાઈને બાકીનો અડધો ટુકડો સોહમના મોઢામાં મૂકતાં કહ્યું: ‘બેટા, આ તો ખૂબ સારા સમાચાર છે, પણ આ વાત તારા બાપુને ન કરતો.’ ‘કેમ?’ સોહમે જીવનમાં પહેલી વાર માને સવાલ કર્યો હતો. ‘દીકરા, તું તો જાણે જ છે કે એ કાંઈ કામ ધંધો કરતા નથી. રોજ દારૂ પીધાં કરે છે. થોડી વાર પહેલાં જ મારી પાસે છેલ્લી પાંચસોની નોટ હતી એ લઈને બહાર ગયા છે. ‘મા, તું મક્કમ થઈને એને પૈસા આપવાની ના પાડી દેતી હોય તો?’ ‘દીકરા, પૈસા ન આપું તો એ મોટો ઝઘડો કરે. ગામને ભેગું કરે.’ ‘મા, એક વાર મોટો ઝઘડો થવા જ દે ..જોઈએ તો ખરા એ શું કરે છે?’ ‘ના ..ના સોહમ, એવું ન થવા દેવાય. ઝેરનાં પારખાં ના હોય.’ ‘મા, તું નાહકની ગભરાય છે. આમ પણ હું મોટો થયો પછી એણે તારા પર હાથ ઉપાડવાનું તો બંધ કરી જ દીધું છે ને? તેમ છતાં પણ જો એ હાથ ઉપાડશે તો હું તેને જાનથી મારી નાખીશ. સોહમની આંખમાં ખુન્નસ ઊતરી આવ્યું હતું.

‘સોહમ, આ શું બોલે છે? ગમે તેમ તોપણ એ તારો બાપ છે.’ ‘ખરેખર?’ સોહમે માની આંખમાં જોઈને પૂછયું. મા ચમકી. તે સોહમની આંખમાં વધારે સમય સુધી જોઈ ન શકી. તે નીચું જોઈ ગઈ. સોહમે પોતાના એક હાથ વડે માનો ચહેરો ઊંચો કરીને ફરીથી ધારદાર નજરે તેની આંખમાં જોઈને આખરે પૂછી જ લીધું: ‘મા, સાચું બોલ મારો ખરો બાપ કોણ છે?’
(ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button