તરોતાઝા

વડીલોનાં જન્મદિન કે લગ્નતિથિની ઉજવણી આમ થઈ શકે…

ગૌરવ મશરૂવાળા

રોહિતભાઈને ૭૦ વર્ષ પૂરાં થવાની તૈયારી હતી. એમના સ્વજનોએ આ પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. એમની દીકરીનો પરિવાર છેક અમેરિકાથી આવવાનો હતો અને ભારતમાં રહેતા એમના બન્ને દીકરા તથા એના પરિવારોએ અહીં બધી તૈયારીની જવાબદારી સ્વીકારી લીધી હતી. બધાએ ખર્ચ પણ કેવી રીતે વહેંચી લેવો એ નક્કી કરી લીધું હતું.
જન્મદિવસ માટે બેન્ક્વેટ રૂમ બુક કરવામાં આવ્યો અને ભોજન, સંગીત, આમંત્રણપત્રિકા સહિત સમગ્ર કાર્યક્રમનું ઝીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું.


Also read: હેલ્થ પ્લસ: સ્ટ્રેસ છે તમારી સુંદરતાનો દુશ્મન


આમ છતાં રોહિતભાઈને જરા પણ ઉત્સાહ ન હતો. એમણે ઉજવણી કરવાની ના ન પાડી. પરિવારની ઇચ્છાને માન આપ્યું, પરંતુ જન્મદિવસની ઉજવણી માટેના એમના વિચારો અલગ હતા. એમની ઇચ્છા પોતાના જન્મસ્થળે જઈને બાળપણનાં સંભારણાં તાજાં કરવાની અને ત્યાં મિત્રો તથા પરિવારજનો સાથે ઉજવણી કરવાની હતી.

આવું તો અનેક કિસ્સાઓમાં બનતું હોય છે. ઘણા વડીલોને વધુપડતી ઝાકઝમાળ અને ખાણીપીણીના ખર્ચવાળી ઉજવણી ગમતી નથી. એમને પોતાના ઘરના લોકો અને અમુક મિત્રોથી વધારે લોકો સાથે ઉજવણી કરવાનું મન થતું નથી. સાદગીથી પ્રસંગ ઊજવીને એ અમુક રકમ કોઈ સખાવતી સંસ્થાને આપવાનું પસંદ કરે છે.

અહીં મને મોટી ઉંમરના મારા એક ક્લાયન્ટ યાદ આવે છે. એમનાં લગ્નને પચાસ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે એમણે સજોડે મંદિર જઈને દર્શન કરવાનું અને ત્યાં હોમ-હવન કરાવવાનું નક્કી કર્યું હતું. આવી જ રીતે શાંતાબહેન અને પુરષોત્તમભાઈએ પણ અલગ રીતે ઉજવણી કરી હતી.

એમણે પોતાના જીવનમાં અગત્યની ભૂમિકા ભજવનાર વ્યક્તિઓની યાદી બનાવી હતી, જેમાં એમના શિક્ષકો, નોકરો, પાડોશીઓ, મિત્રો, કેટલાક પરિવારજનો, ઑફિસના સહયોગીઓનાં નામ હતાં. બધાં મળીને આશરે ૭૮ લોકોનાં નામ હતાં.

એ બધા પ્રતિ આભાર વ્યક્ત કરવા પત્ર સાથે એમને નાનકડી ભેટ આપવામાં આવી હતી. એ જેમનાં પુસ્તકોથી પ્રભાવિત થયાં હતાં એવા બે ખ્યાતનામ લેખકોનાં નામ પણ યાદીમાં હતાં.

ઉજવણી કરવામાં સારું કે ખરાબ કંઈ નથી. પોતાને ગમતી રીતે માણસ ઉજવણી કરી શકે છે. આમ છતાં એ વખતે તબિયતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

એક દિવસ હું મારા મિત્રના કાકાના ૮૫મા જન્મદિનની ઉજવણીમાં ગયો ત્યારે એમને વ્હિલચેરમાં લાવવામાં આવ્યા એ જોઈને હું તો ડઘાઈ જ ગયો. એ ડાયાલિસિસ પર હતા તથા અન્ય કેટલીક તકલીફો પણ હતી. ઉજવણીના સ્થળ સુધી આવવામાં એમને પડેલી તકલીફ એમના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી.

ઘણા વરિષ્ઠ નાગરિકોને કેક કટિંગ ગમતું નથી. અમુકને પોતાના પર વધારેપડતું લક્ષ અપાય એ ગમતું નથી અને કેટલાકને ઘણી લાંબી ચાલનારી ઉજવણી પસંદ હોતી નથી. પરિવારજનોએ આ બધી વાતને ધ્યાનમાં રાખીને આયોજન કરવું જોઈએ.

મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવા અને સંગીતનો જલસો સાંભળવો એ બધામાં કંઈ ખોટું નથી. જો એમ કરવાથી આનંદ આવતો હોય તો ભલે કરો. ફક્ત એ વાતનું ધ્યાન રાખવું કે જેમના માટે કાર્યક્રમ ગોઠવાયો હોય એમને તેમાં મજા આવવી જોઈએ.

ઘણી વાર એવું બનતું હોય છે કે વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હોવાને લીધે પરિવારજનો જ ખુદ એ અવસરને માણી શકતા નથી. એમને પોતાને જ કાર્યક્રમમાં થાક વર્તાતો હોય છે. વળી, જેમના માટે કાર્યક્રમ હોય એ વ્યક્તિ કે દંપતી પણ થાકી જતાં જોવાં મળ્યાં છે. દાખલા તરીકે, નિરંજનબહેન-મારા પિતરાઈના આ પાડોશીની ૮૦મી વર્ષગાંઠ ઊજવાયા બાદ એક સપ્તાહ સુધી એ પથારીવશ રહ્યાં.

ઉજવણી પંચતારાંકિત હોટેલમાં થઈ હતી, પરંતુ એનો થાક -લતાડ સહન નહીં થતાં એ માંદાં પડી ગયાં હતાં. આટલી મોટી ઉંમરે ત્રણથી ચાર કલાક સુધી બેસી રહેવું, મહેમાનોથી ઘેરાયેલા રહેવું અને ઘરેણાં તથા નવાં વસ્ત્રોનો ભાર સહન કરવો એ બધાને લીધે થાક લાગે એ સ્વાભાવિક છે.

આ બધા વચ્ચે કાર્યક્રમમાં કોણ આવ્યું હતું અને કોણ નહીં એનો હિસાબ કરવાનું ટાળવું જોઈએ. કોઈનેય બળજબરીથી હાજર કરી શકાતા નથી. ઘણી વાર લોકોએ અનિચ્છાએ આવવું પડતું હોય છે. કોઈ સામે ચાલીને નહીં કહે, પરંતુ યજમાને એ વાતનું ધ્યાન રાખવું કે પ્રસંગ ઉજવણીનો છે, ઝાકઝમાળ કે ઓળખાણ દેખાડવા માટેનો નહીં. મહેમાનો બહારગામથી આવે તો જ માન સચવાયું એમ કહેવાય એવું વિચારવું ન જોઈએ.


Also read: સ્વાસ્થ્ય સુધા : પોષક તત્ત્વોનું પાવર હાઉસ ગણાય છે લીલી-ચોળી – સૂકા-ચોળા


છેલ્લી વાત: આવા અવસરની ઉજવણીનો અર્થ છે, કોઈ સારા પ્રસંગને આનંદપૂર્વક મનાવવો. આવા સમગ્ર પ્રસંગની યાદ-સ્મૃતિ આનંદમય હોય એટલે બસ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button