તરોતાઝા

સાવધાન! મોબાઇલનો અતિરેક ગરદનની સમસ્યા વધારી શકે છે

કવર સ્ટોરી -પ્રથમેશ મહેતા

એક સમય હતો જ્યારે તમને ગાડીના ડબ્બામાં દર ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિ પુસ્તક કે છાપું વાંચતા જોવા મળતી હતી જેમાં ગરદનને નીચી કરવાની જરૂર પડતી ન હતી. મહદંશે પુસ્તકોની પોઝિશન આંખની સામે રહેતી. ગરદન ટટ્ટાર કરીને વાંચી શકાતું. જ્યારે આજે પુસ્તકોની જગ્યાએ દરેક જણના હાથમાં મોબાઇલ આવી ગયા છે. મોબાઇલને હાથમાં રાખીને ગરદન તદ્દન નીચે રાખીને માણસો એમાં ગળાડૂબ થઇ જાય છે એમાં ગળાના ખાસ કરીને ગરદનનાંદર્દો વધતા જાય છે.

સાધારણ રીતે ૫૦ વર્ષની વય બાદ ગરદનના દુખાવાના કેસ વધે, પરંતુ હવે ૧૬થી ૩૦ વર્ષ સુધીના યુવાનોમાં ગરદનના દુ:ખાવાના કેસ વધતા જાય છે. આ માટે મોબાઇલ અને આધુનિક જીવનશૈલી જ જવાબદાર છે. તાજેતરમાં થાણે જિલ્લાની એક હોસ્પિટલમાં ૪૦ ટકા દર્દીઓ આ બીમારીથી પીડાતા જોવા મળ્યા હતા.

આજે શારીરિક શ્રમ અને કસરત ઓછા થઇ ગયા છે. કોરોના કાળમાં અને ત્યાર બાદ વર્ક ફ્રોમ હોમ તેમ જ સ્ટડી ફ્રોમની આદતો પડી ગઇ છે. મોબાઇલ હવે સ્માર્ટ બની ગયા છે અને દરેક નાના મોટા કામ આ ઉપકરણ વડે જ પાર પડવા લાગ્યા છે ત્યારે ઊંચી ગરદન રાખીને કામ કરતો વર્ગ હવે નીચી નજરે મોબાઇલ પર કામ કરતો થઇ ગયો છે. સતત ગરદનને નીચી રાખીને કામ કરવા જતાં ડોકના દુખાવાના કેસ વધતા જાય છે. આની સાથે હાથના આંગળાઓ પણ મોબાઇલ, ડેસ્કટોપ કે લૅપટોપના કી-બૉર્ડ પરના ટાઇપિંગને કારણે જવાબ આપવા લાગ્યા છે. હાથમાં ખાલી ચડવી, હાથની પકડ ઢીલી થવી. ડોક દુખવી કે ચક્ક્ર આવવા એ બધી સમસ્યાઓ સતત આવાં ડિજિટલ ઉપકરણોને કારણે વધી છે.

બદલાતી લાઇફ સ્ટાઇલ, કવેળાએ ભોજન, સતત હાથમાં મોબાઇલ, અધૂરી ઊંઘ તેમ જ કસરતના અભાવે શારીરિક અને માનસિક બીમારીઓ વધતી જાય છે. અડધું આયખું વીતી ગયા પછી જે બીમારીઓ આવતી હવે તરુણાવસ્થામાં જ દેખાવા લાગી છે.

જો તમે પણ ગરદનના દુખાવાથી પીડિત હોવ તો લાઇફ સ્ટાઇલ બદલો. મોબાઇલ વાપરવામાં સંયમ રાખો. ફિજિયોથેરાપિસ્ટની સલાહ લઇને ગરદનની યોગ્ય કસરત કરો. સૂતી વખતે યોગ્ય ઓશિકું વાપરો. કેલ્શિયમ અને વિટામિન ડી તેમ જ બી-૧૨યુક્ત આહારને ભોજનમાં સ્થાન આપો. પરિસ્થિતિ વધુ વકરે પહેલાં ફેમિલી ડૉક્ટરની સલાહ લો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button