કેરોલિના રીપર પ્રકરણ-૭૮
ક્યાંથી આવતી હશે આટલી બધી અમાનવીય ક્રૂરતા?
પ્રફુલ શાહ
ગોડબોલેએ કિરણને અભિનંદન આપ્યા: આપે જે કરી બતાવ્યું એ કોઈ વિચારી પણ ન શકે
માંડમાંડ ઉધરસ બંધ થયા પછી સ્વસ્થ થવામાં બાદશાહને ઘણો સમય લાગ્યો. પોતે જ બહાર ઊભેલા ગાર્ડને જણાવ્યું કે અબ બત્રાસા’બ કો બુલાઓ.
એટીએસના પરમવીર બત્રા અંદર આવ્યા ત્યારે તેમની સાથે એક કૉન્સ્ટેબલ પાણીની બોટલ, થર્મોસ અને બે સેન્ડવીચ મૂકી ગયો. બત્રાએ સેન્ડવીચ ભણી આંગળે ચીંધી પણ બાદશાહે ઈનકાર કરીને જમણા હાથની પહેલી આંગળી ઊભી કરીને એના પર ડાબા હાથની પહેલી આંગળી આડી રાખીને ‘ટી’નો ઈશારો કર્યો. બાદશાહને પ્લાસ્ટિકના કપમાં આ ચા અપાઈ. ચાનો પહેલો ઘૂંટ પીને તેણે કપ નીચો મૂકીને બત્રા સામે જોયું. બત્રાએ માથું હલાવતા બાદશાહે આગળની વાત કહેવાની શરૂઆત કરી.
“અમે હોટલમાં ભડકિયું બનાવીને એમાં શસ્ત્રો- દારૂગોળો- હથિયારો રાખતાં હતાં. એનું વેચાણ અને વહેંચણી કરતા હતા. અમારું કામ સરળતાથી ચાલતું હતું. આની વચ્ચે અમારું મુખ્ય અને ગુપ્ત મિશન પૂરું કરવાની તારીખ પણ મેં નિયત કરી લીધી હતી. હોટલ પ્યોર લવના ભંડકિયામાં શોર્ટ- સર્કિટ થતા હોવાનો એનડીનો ફોન આવ્યો હતો. આસિફ શેઠ જવાના હતા એટલે એનડીએ મને બધો સામાન હટાવવાની વ્યવસ્થા કરવા માટે આજીજી કરી હતી. આસિફ શેઠે તેને કહ્યું હતું કે એનું જલ્દી સમારકામ કરાવી લઈશું, પરંતુ મિશન પૂરું કરવાની ધૂનમાં મેં એ બાબતને ઝાઝું મહત્ત્વ આપ્યું નહિ. અમે- હું અને આસિફ શેઠ- મુરુડ પહોંચ્ચાએ એ અગાઉ જ શોર્ટ-સર્કિટ અને લીકેજથી ધડાકા થયા. હોટલમાં હાજર બધા માર્યા ગયા. સગો ભાઈ એનડીએને ગુમાવવાથી હું એકદમ વ્યથિત થઈ ગયો. નહોતો હું એના શબને વળગી શકતો કે નહોતો રડી શકતો. અરે! દફનાવવા માટે એની લાશ સુધ્ધાં ક્યાં હાથ લાગી હતી? એટલે એક મૌલવીને એની રુહની શાંતિ માટે દુઆ કરવાની અરજ કરી હતી.
“સોલેમન એટલે સલમાને શબનમને મારી નાખી એ સમજ્યા, પરંતુ પિંટયાભાઉનું કાસળ કેમ કાઢી નખાયું?
“મને અને ખાસ તો સોલોમન- સલમાનને થતું કે એના પકડાઈ જવાથી અમારું કિનારે આવેલું જહાજ ડૂબી જશે. હું એનો ઈલાજ વિચારતો રહ્યો. ત્યાં સોલોમન- સલમાને પોતાનો માણસ ટાગોર ઉર્ફે પ્રસાદરાવ થકી પિંટયાને કસ્ટડીમાં ઝેર આપીને પતાવડાવી નાખ્યો.
પરમવીર બત્રા જોઈ રહ્યા કે આ માણસ મોટા મોટા અપરાધ અને કતલની કેટલી આસાનીથી, સહજતા અને ચહેરા પર લેશમાત્ર પસ્તાવાના ભાવ વગર કેવી કબૂલાત કરી શકે છે? ક્યાંથી આવતી હશે આવી અમાનવીય ક્રૂરતા?
મુરુડ પોલીસ સ્ટેશનમાં કિરણ મહાજનનું આગમન ઈન્સપેક્ટર પ્રશાંત ગોડબોલેને ગમ્યું. અમુક હવાલદારો પણ એમની સાથો સેલ્ફી પડાવવા માંડ્યા. કોઈકે ઓટોગ્રાફ લીધા.
કિરણ, ગૌરવ અને વિકાસ જઈને ગોડબોલેની કેબિનમાં બેઠા. ગોડબોલેએ ચા-નાસ્તાનો ઓર્ડર આપ્યો. ગોડબોલેએ કિરણ સામે સ્માઈલ કરીને અભિનંદન આપ્યા. “આપે જે કરી બતાવ્યું છે એવું કોઈ કરી તો ઠીક વિચારી પણ ન શકે. આને લીધે અમને પણ ખૂબ મદદ મળી. થેન્ક્યુ.
ગૌરવ ભાટિયા વચ્ચે બોલ્યો, “હકીકતમાં અમે તમને અલવિદા કરીને મુંબઈ જવા માટે ઉતાવળા થઈ રહ્યા હતા, પરંતુ કિરણબેનના મનમાં એક નવો વિચાર આવ્યો છે. એમાં આપના સાથ-સહકારની જરૂર છે જો શક્ય હોય તો…
ગોડબોલેએ ઉત્સાહપૂર્વક કામ જાણ્યા વગર વચન આપી દીધું: “જે હોય તે બોલો આપનું કામ થઈ જશે.
કિરણે ગંભીર ચહેરે વાતની શરૂઆત કરી. “મને એક મહિલાનો ફોન આવ્યો હતો. એના ખેડૂત પતિ હોટલ બ્લાસ્ટમાં માર્યા ગયા. એને આંતકવાદી ગણાવવાથી ગામમાં એના ઘર પર હુમલો થયો. આગ ચંપાઈ અને એ માંડમાંડ બે નાનાં બાળકો સાથે જીવ બચીને ભાગી ગઈ. હવે તો પોતાના પતિના મૃતદેહનો કબજો લઈને અંતિમ સંસ્કાર કરી શકે એમ નથી. તેણે વિનંતી કરી કે આ જવાબદારી હું પૂરી કરું. પ્લીઝ, વિકાસ વધુ માહિતી તમે આપશો?
વિકાસ હળવો ખોંખારો ખાઈને બોલ્યો: “સર, એ મહિલાના ફોન બાદ મેં બધા મૃતકોના ઘરે ફોન કર્યા પણ એ સિવાય કોઈ આવી શકે એમ નથી અથવા આવવા માગતા નથી. આ સંજોગોમાં કિરણને એક વિચાર આવ્યો પણ એમ કરવું કેટલું શક્ય છે એ વિશે અમે આપનું માર્ગદર્શન ઈચ્છીએ છીએ.
“શું વિચાર આવ્યો છે કિરણજીને?
“એ જ બધાનો સામૂહિક અંતિમ સંસ્કાર મુરુડમાં જ કરીએ તો?
આ સાંભળીને પ્રશાંત ગોડબોલેને લાગ્યું કે આ કાર્ય જેટલું સારું લાગતું હતું એટલું આસાન નહોતું. તેઓ એકદમ વિચારમાં પડી ગયા. તેમણે અચાનક ફોન કાઢીને એક નંબર ડાયલ કર્યો. “હલ્લો એડવોકેટ શાસ્ત્રી કેમ છો? આપનું અર્જન્ટ કામ છે. ક્યારે મળી શકાય?
રાજાબાબુ મહાજન જાણતા હતા કે કિરણને મહાજન મસાલાની સર્વેસર્વા બનાવવાની ઘટનાના પડઘા ઘરમાં પડશે જ. ખરેખર દીપકે જ મોઢું બગાડીને સામેથી પૂછ્યું: “પપ્પા, આમ છડેચોક મને નકામો જાહેર કરવાની શી જરૂર હતી?
“બેટા, એ સમાચારમાં તારો ઉલ્લેખ સુધ્ધાં નથી.
“આપ અને ભાભી મૂઢ માર મારવામાં માહેર છો? ભાભી, નાના કિરણજી, એકમાત્ર કાબેલ એટલે હું સાવ નકામો?
“દીપક નથી એવું હું બોલ્યો કે નથી કોઈએ એવું લખ્યું. છતાં તને સૌથી વધુ તું જ ઓળખે. એક વાત સમજી લે કે કિરણને મેં મહાજન મસાલાની સર્વેસર્વા બનાવી છે એ જેટલું સૂરજ જેટલું સ્પષ્ટ છે એટલી જ હકીકત એ છે કે તું અમારો દીકરો હતો છે અને રહીશ.
“થેન્ક યુ પપ્પા આપની ઉદારતા બદલ જો દીકરો માનતા હો તો મારો ભાગ આપી દો.
“સરસ બોલ્યો. હું કહી શકું કે મારા જીવતેજીવ કોઈને ભાગ નહિ મળે. પણ એવું નથી કરવું મારે. હું વસિયત બનાવીશ કે મારા મોત બાદ બધું તારા મમ્મી, કિરણ, મમતા, દીપક અને રોમા વચ્ચે સરખે ભાગે વેચાઈ જાય.
“પણ પપ્પા, અમારે હવે આ ઘરમાં નથી રહેવું. મારે એ કિરણ…
“કિરણભાભી થાય એ તારા.
“હા, એ જે હોય એ. એમનો ચહેરો જોવો નથી.
“ઠીક છે. પોતાના માટે ઘર જોઈ લે. કંપનીમાં ન રહેવું હોય તો નવો ધંધો શોધી લે. હું વગર વ્યાજે લોન આપીશ. મારા મર્યા સુધી લોન પાછી ન ચૂકવી તો તમારા બંનેના ભાગમાંથી એટલી રકમ કપાઈ જશે. ઈઝ ઈટ ક્લીઅર?
એટીએસના બત્રાએ ફેરવી ફેરવીને પૂછ્યું પણ અપ્પાભાઉ અને પીયૂષ પાટીલના મર્ડર સાથે પોતાને કે સોલોમન- સલમાનને તસુભાર સંબંધ ન હોવાનો કક્કો બાદશાહે પકડી રાખ્યો.
પરમવીર બત્રા એની સામે જોઈ રહ્યા. આટલી બધી કબૂલાત છતાં અપ્પા ભાઉ અને પીયૂષ પાટીલની હત્યા કરવાની હોય તો શા માટે ન સ્વીકારે? બત્રાને બગાસું આવ્યું. થર્મોસમાંથી અડધો કપ ચા કાઢીને એક શ્ર્વાસ ગટગટાવી ગયા.
“તમારા આ ખેલ કે કહેવાતા જૂનાપુરાણા મિશનમાં બિચારા પવલાને શા માટે ફસાવ્યો?
“અરે એ તો અમારું મિશન પૂરું કરનારો કેપ્ટન, સેનાપતિ અને આખેઆખું લશ્કર હતો.
“એટલે?
“એ ચેમ્પિયન સ્વીમર હતો. નેશનલ કે ઓલિમ્પિકસ મેડલ જીતી શકે એનો અફલાતૂન તરવૈયો હતો એ. એની એ આવડત, સ્ફૂર્તિને કાટ ચડી ગયો નથી ને એ ચકાસવા માટે અમે તેને નાનવેલ દિવાદાંડી આસપાસના જંગલમાં સંતાડીને દરિયામાં આખો દિવસ તરતા રાખવાની ખૂબ પ્રેક્ટિસ કરાવી. એ ક્યારેય ન થાક્યો. અમે ૧૨૧૨ માટે એકદમ ગંભીર હતા?
“એટલે શું?
“બારમી ડિસેમ્બરે મુરુડ ઝંઝીરા કિલ્લાને ફૂંકી મારવાનો દિવસ હતો એ. (ક્રમશ:)