તરોતાઝા

કેરોલિના રીપર પ્રકરણ-૭૨

પ્રફુલ શાહ

સાળવી પર બ્રેઈન હેમરેજ સાથે પેરેલિસિસનો હુમલો થયો

કિરણ ચોમેર છવાઈ ગઈ ‘વી સપોર્ટ કિરણ મહાજન’ સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડિંગ થવા માંડ્યું

ગણતરીના કલાકોમાં દુનિયાભરના સોશ્યલ મીડિયામાં કિરણ મહાજન ટ્રેન્ડિંગ થવા માંડી. ‘વી સપોર્ટ કિરણ મહાજન’ ટ્રેન્ડિંગમાં નંબર વન પર આવી ગયું. આમાં કિરણની નિખાલસતા, સહૃદયતા, બેબાકપણા સાથે ન્યાય માટેની ઝંખના કમાલ કરી ગઈ. બેવફાઈ કરનારા પતિ માટે લડનારી મહિલાને સૌએ પહેલીવાર જોઈ. સાસરિયા માટે આવી અનહદ લાગણી અને એ પણ આજના જમાનામાં? બ્રેવો કિરણ બ્રેવો. કિરણ માત્ર પોતાના પતિ, પ્રેમ કે પરિવાર માટે જ નહિ પણ એક અજાણ્યા મૃતકોની ખોટી બદનામી ભૂંસી નાખવા માટે ઝઝૂમી અને અનેક માતાપિતા, પત્ની, ભાઈ, બહેન, દીકરા અને દીકરીના કલેજાને ઠંડક પહોંચાડી સહિતની ટિપ્પણીઓ થવા માંડી.

‘વી સપોર્ટ કિરણ મહાજન’માં કાયદો અને વ્યવસ્થા તંત્ર, એટીએસ, પોલીસ તંત્ર અને રાજકારણીઓને ન ગમે એવી બેફામ ટીકા થવા માંડી. આમાં સૌથી વધુ આક્રોશ, રોષ અને ઝેર દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુંદરલાલ વર્મા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રણજીત સાળવી પર ઓકાયા.

સોશ્યલ મીડિયા એક્સપર્ટ ખુલ્લેઆમ કબૂલવા માંડ્યા કે ભારતમાં કિરણ મહાજન જેટલું અને જેવું ટ્રેન્ડિંગ ભાગ્યે જ કોઈને થયું છે.


મુરુડ પોલીસ સ્ટેશનના ઈનચાર્જ પ્રશાંત ગોડબોલે બાદશાહને પૂછપરછ કરીને કંટાળીને રૂમમાંથી બહાર નીકળી ગયા. ‘પ્રોડ્યુસર મનમોહન’ હવે બેટિંગ પિચ પર આવ્યા. એમના કોઈ ગતકડાં બાદશાહનું મોઢું ખોલાવી ન શકયા. અચાનક સબ-ઈન્સ્પેકટર વૃંદા સ્વામી ઊભા થઈને જવા માંડી ત્યાં ગોડબોલે સાથે પરમવીર બત્રા અંદર આવ્યા.

બત્રા એકદમ ગુસ્સામાં હતા. “ગોડબોલેજી, આપને મુઝે રોકી હી ક્યોં જી?

“સર, આમને આમ તો એ મરી ગયો હોત.
“ક્યાં ફરક પડતા હય જી? મૈં ઐસે ઝહરીલે સાંપ કે જીને યા મરને કી પરવા નહિ કરતા જી. વો કુછ બોલેગા નહિ તો ક્યાં ઉસ કા મુહ ખુલવાને મેં જિંદગી ગુજાર દે હમ?

“સર, આપ શાંતિ સે બૈઠો.

“મૈં દશ મિનિટ બૈઠુંગા વર્ના ઈસ બાદશાહ કી હાલત ભિખારી સે ભી બદતર કર ડાલુંગા. આટલું બોલીને ગુસ્સામાં બત્રા રૂમની બહાર જતા રહ્યા.

ગોડબોલેએ હાથમાં રાખેલું લેપટોપ કાળજીપૂર્વક એક ખુરશી પર મૂક્યું. ખુરશીને બાદશાહ સામે મૂકી. “આ લેપટોપમાં જોઈ લે. પછી ય તારે ન બોલવું હોય તો તમારા લોકોના નસીબ.

ગોડબોલેએ લેપટોપ પર એક બટન દબાવતા વીડિયો શરૂ થયો. વીડિયોની ફ્રેમમાં અંધારિયા રૂમમાં સોલોમન દેખાયો. ચહેરા પર ઠેર-ઠેર લોહી વહેતું હતું. એક આંખ સોજી ગઈ હતી, બીજીની નીચે લોહી નીકળતું હતું. કપાળમાં ત્રણ-ચાર જગ્યાએ મારઝુડથી ચાંભા પડી ગયા હતા. શર્ટ ઠેર-ઠેર ફાટી ગયેલું હતું. ફાટેલા ભાગમાંથી પણ શરીર પર જ્યાં-ત્યાં લોહી દેખાતું હતું. હાથ પર દાઝ્યાના ડાઘ હતા. બન્ને હાથની આંગળીઓ લોહીલુહાણ હતી. બેમાંથી નખ ઊખડી ગયેલા દેખાતા હતા. અંગૂઠો કપાયેલો હતો. કાનમાં સળગતી સિગારેટ ઠુંસી દેવાઈ હોય એવું લાગતું હતું.

સોલોમનની હાલત મરવાને વાંકે જીવતા જાનવર જેવી લાગતી હતી. એ માંડમાંડ બોલ્યો, “પાણી… પાણી… એ બોલતી વખતે એના દાંત તૂટેલા લાગતા હતા. હોઠ, જીભ અને પેઢા લોહીથી લાલચોળ થઈ ગયા હતા.

“પાણી… પાણી…ના પોકાર વધતા એના મોઢા પર એક તમાચો પડ્યો. બત્રાનો રોબદાર અવાજ સંભળાયો, પહલે બોલના શરૂ કર. સબકુછ બતા દે. વર્ના પ્યાસા હી મરેગા. હરામી.

બાદશાહથી વધુ જોઈ ન શકાયું. તેણે ગોડબોલે સામે હાથ જોડ્યા. “સોલોમનને પાણી આપો… મરી જશે મારો ભાઈ… પ્લીઝ એને પાણી આપો અને મારવાનું બંધ કરો.


કિરણ મહાજન ઍન્ડ કંપનીની બેબાક પ્રેસ કોન્ફરન્સ, ટીવી-ઈન્ટરનેટ પર એના ધમાકા અને સોશ્યલ મીડિયા પર કિરણ મહાજનના ટ્રેન્ડિંગે મુંબઈ અને દિલ્હીના માંધાતાઓને વિચારતા કરી દીધા. દોષનો પૂરેપૂરો ટોપલો પક્ષ પર આવે એના કરતાં એકાદ-બે વ્યક્તિને નુકસાન થાય એ બહેતર વિકલ્પ ગણાવા માંડ્યો.

દિલ્હીમાં થતી હિલચાલનો અણસાર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રણજીત સાળવીને આવી ગયો. આજે ઑફિસે જવાને બદલે તેમણે ખાસ સાથીઓ અને સલાહકારોને ઘરે બોલાવી લીધા હતા. ટીવી અને સોશ્યલ મીડિયા પર પોતાની આકરી ટીકા અને ધૂંધળા ભવિષ્યની શક્યતાથી સાળવીનું બ્લડ પ્રેશર એકદમ સંતાકૂકડી રમવા માંડ્યું. એર-કન્ડિશન ચાલુ હોવા છતાં એમને પરસેવો વળવા માંડ્યો. આંખ ચકળવકળ થવા માંડી. તેણે માંડમાંડ સ્વસ્થ બેસી રહેવાનો પ્રયાસ કર્યો. ત્યાં જ ટીવી પર દિલ્હીથી બ્રેકિંગ ન્યૂઝ આવ્યા.
“મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનની વિદાયની ગણાતી ઘડીઓ.

આ જોઈ સાંભળીને એક આંચકી જેવું કંઈક આવ્યું અને સાળવી ખુરશી પરથી પડી ગયા. હવે એ ક્યારેય પોતમેળે સત્તાના સિંહાસન કે સાદી ખુરશી પર બેસી શકવાનો નહોતો. બ્રેઈન હેમરેજ સાથે પેરેલિસિસ શક્તિશાળી નેતાને કાયમ માટે પાંગળો બનાવી દેવાના હતા.


ગોડબોલે અને વૃંદા માની ન શકયા કે મિલનસાર, મીઠા અને સહૃદય લાગતા બત્રા આટલા બધા નિષ્ઠુર, ક્રૂર અને પાશવી બની શકે. બાદશાહની આંખમાં તો આંસુ આવી ગયા પણ ગોડબોલે કે વૃંદા ય વધુ ન જોઈ શક્યા. એ બન્ને માટે પરમવીર બત્રાનું આ રૂપ એકદમ આંચકાજનક હતું, કહો કે અસ્વીકાર્ય હતું.

બાદશાહ સહેજ સ્વસ્થ થયો. તેણે ગોડબોલે સામે હાથ જોડ્યા. “આપે હવે કંઈ પૂછવાની જરૂર નથી. હું પોતે સ્વચ્છાએ બધે બધું કહી દેવા તૈયાર છું… પણ પ્લીઝ સોલોમનની મારપીટ બંધ કરો, એને પાણી આપો. પ્લીઝ.


બીજી રૂમમાં બેસેલા એટીએસના પરમવીર બત્રાએ આ સાંભળ્યું. તેમણે ઊભા થઈને સામે બેસેલા બન્ને આઈટી અને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ એક્સપર્ટની પીઠ થાબડી. “વંડરફુલ જોબ જી. આપ કે ડીપફેકને કમાલ કર દિયા. હમારા કામ એકદમ હી આસાન કર દિયા.

હકીકતમાં બત્રા તો ઠીક, કોઈએ સોલોમનને આંગળી સુધ્ધાં લગાડી ન હતી. એટીએસની કાબેલ ટીમના બે ઉત્સાહી સભ્યોએ બત્રાની સૂચના મુજબ ડીપફેક ટેક્નિકથી સોલોમનનો વીડિયો બનાવ્યો હતો. આ અત્યંત જટિલ ટેક્નિક છે પણ હવે ધીરે – ધીરે લોકપ્રિય થઈ રહી છે. આમાં ડિકોડર અને ઍનકોડર અલ્ગોરિધમના ઉપયોગ થાય છે. આના સમન્વયથી ફેક અર્થાત બનાવટી ક્ધટેન્ટનું સર્જન થાય છે.

સોલોમનના કેસમાં એક કોરિયન ફિલ્મના સીનમાં માત્ર સોલોમનના ચહેરાનો ઉપયોગ કરાયો હતો. અન્ય એક હિન્દી ફિલ્મના સીનમાંથી “પાણી… પાણી…’નો ઓડિયો અર્થાત અવાજ વપરાયો હતો. કોઈને શંકા ન જાય એટલે આખા સીનને વધુ ડાર્ક બનાવી દીધો હતો. આ વીડિયો એક માત્ર ઓરિજીન બાબત હતી, બત્રાનો અવાજ “પહલે બોલના શુરુ કર. સબકુછ બતા દે. વર્ના પ્યાસા હી મર જાયેગા હરામી. બત્રાએ નોર્મલ ટોનમાં બોલેલા આ સંવાદને સ્પેશ્યલ સાઉન્ડ ઈફેકટથી વધુ ભયજનક ટોન અપાયો હતો.

હવે બત્રાએ બાદશાહના બોલવા એટલે કબૂલાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button