તરોતાઝા

કેરોલિના રીપર પ્રકરણ-૪૪

પ્રફુલ શાહ

ત્રણેયે ચિયર્સ કર્યું પણ એના અવાજમાં કોઈને આફતના ભણકારા ન સંભળાયા

બાદશાહના મોબાઈલ ફોનના રેકોર્ડિંગ સાંભળીને પરમવીર બત્રાને એ શંકાસ્પદ માણસ લાગ્યો

કફ પરેડના એ ફલેટમાં રાચરચીલું અને સગવડ – સુવિધા સેવન સ્ટાર હોટલને શરમાવે એવા હતા. અજય રૂઈયા ઈમ્પોર્ટેડ શોર્ટસ અને ટી-શર્ટમાં કંઈક પીતા – પીતા લેપટોપ જોઈ રહ્યો હતો. ડોરબેલ વાગી એટલે સીસીટીવી કેમેરામાં જોઈને અજયના ચહેરા પર સ્માઈલ આવી ગયું. ‘પધારો સાળાસાહેબ અને સાળાવેલી. કંઈક કામની વાતો કરીએ.’ તેણે હાથમાં રીમોટ લઈને બટન દબાવીને દરવાજો ખોલ્યો. દરવાજો ખોલવા સાથે કોઈ સુંદરીના મીઠા અવાજમાં સંભળાયું “વેલકમ.

અંદર પ્રવેશતી વખતે દીપક – રોમાને આશ્ર્ચર્ય થયું કે ‘વેલકમ’ કરનારી દેખાઈ નહિ પણ બંને કંઈ બોલ્યા નહિ. અજય લેપટોપ બંધ કરીને બંને આવકારવા ઊભો થઈ ગયો. ‘આવો આવો, પધારો અમારા નાનકડા ઘરમાં.’

આ સમૃદ્ધિના વરવા પ્રદર્શનની એક શૈલી હતી, જેનાથી મહાજન થોડા ઘણાં પરિચિત ખરા. બન્ને સામે બેઠા. અજયે બે હાથ જોડયા, ‘થેન્કસ ફોર કમિંગ ઑલ ધ વે ટુ કફ પરડે. પણ હોટલ કરતાં આ સલામત છે. વધુ આરામદાયક પણ છે એ તમે જતી વખતે સ્વીકારશો. બોલો, શું લેશો?’

દીપક બેફિકરાઈથી બોલ્યો, “બ્લેક કોફી ફોર મી.

“કમ ઓન દીપકભાઈ નો ફોર્માલિટી. પ્લીઝ ફિલ ફ્રી. આ આપણું, તમારું જ ઘર છે. રીલેક્સ થવાનું છે. બોલો, જે જોઈએ મળશે…

“હોટલમાં હોત તો ઘણાં વિકલ્પ હોત….

“એક કામ કરો. મારી પસંદને ટેસ્ટ કરો. ઓકે?

જીજાજની ઓફર સામે દીપકે હાથ ઊંચા કરીને માથું હલાવ્યું. અજય એક બટન દબાવીને બોલ્યો, “ટુ જોહની વૉકર ડાયમંડ જ્યુબિલી વ્હીસ્કી ઑન ધ રૉક્સ…

પછી તેણે રોમા સામે જોયું. રોમા તરત બોલી, “આ ડૉન્ટ માઈન્ડ જોઈનિંગ યુ ટુ… મારે માટે પણ એ જ…

બ્રિટનની રાણી ક્વીન એલિઝાબેથ બીજીની ષષ્ઠીપૂર્તિ માટે માર્કેટમાં મુકાયેલી વ્હીસ્કી ખૂબ રેર અને મોંઘી હતી એ દિપક – રોમા જાણતા હતા. ઈન્ટરનેટ પર ખાંખાખોળાથી ખબર પડી ગઈ હોત કે ક્રીમી વેનીલા, ફ્રૂટ અને મસાલાના સ્વાદની છાંટ ધરાવતી ૧૯૫૨માં ડિસ્ટીલ કરાયેલી આ વ્હીસ્કી અડધા કેરેટના ડાયમંડના ખૂબ સૂરત ક્રિસ્ટલ પેકિંગમાં આવે છે. એની પહેલી બોટલનું વેચાણ રૂા. ૧,૮૮,૩૦,૬૫૩ (હા, પૂરા એક કરોડ અઠ્ઠાસી લાખ ત્રીસ હજાર અને છસો ત્રેપન)માં થયું હતું.

ભાવિ જમાઈની સમૃદ્ધિ, ટેસ્ટ અને ઔકાતથી યંગ મહાજન કપલ એકદમ ક્લીન બોલ્ડ થઈ ગયું. આ અફલાતૂન ડ્રિન્કસ સાથે ડેન્માર્કની ચીઝની વાનગી, પંજાબથી લાવેલી ફ્રાઈ કરેલી ખટમીઠી મકાઈ અને ન જાણે શું શું આવ્યું. મહેમાનોના ચહેરા પરના ભાવ જોઈને અજય રૂઈયાને સંતોષ થયો કે બન્નેને આંજી નાખવાનો પહેલો મકસદ પૂરો થયો. હવે મુખ્ય મુદ્દો અજયે એક ઘૂંટડે ગ્લાસ ખાલી કરીને નાખ્યો. દીપક સામે જોયું, તો તેણે ગ્લાસ ઉપાડયો ને રોમાએ પણ. અજયે ઈન્ટરકોમ પર સૂચના આપી, “પ્લીઝ રિપીટ ધ ડ્રીન્ક ફૉર ઓલ.

“દીપકભાઈ, આ મારી, તમારી લાઈફ સ્ટાઈલ છે. મારે મમતા માટે તો આનાથી ઘણું વધુ કરવું છે. મહાજન પરિવાર અને રૂઈયા પરિવાર માટે આ જરાય મુશ્કેલ નથી, પણ ઘણીવાર અમુક વિચારો, પૂર્વગ્રહ વચ્ચે આવે છે.

દીપક ચીઝનો એક મસ્ત ટુકડો કાંટામાં ઉપાડીને મોંઢામાં મૂકતા બોલ્યો, “હું સમજયો નહિ.

“જુઓ મહાજન અંકલ, કિરણભાભી અને મમતાના વિચાર થોડા અલગ છે. ખોટા છે એમ હું નથી કહેતો પણ જે લોકો વચ્ચે ઊઠબેસ કરવાની હોય એમની સાથોસાથ રહેવું પડે, ક્યારેક એમનાથી બે-ચાર વ્હેંત ઊંચા દેખાવું ય પડે.

“યસ, યુ આર રાઈટ. પણ કરવું શું?

“જુઓ મહાજન મસાલા મોટી બ્રાંડ છે. એ આપનું ગૌરવ છે. એને સમય સાથે અપગ્રેડ કરવી પડે. ઓનલાઈન સેલ શરૂ કરી દો. ભલે દુનિયાભરને સ્વાદ ચાખવા મળે.

“પણ પપ્પા નહિ માને.

“અરે, તમે ઓવરસીઝ અને ઓનલાઈન સેલની જવાબદારી કોઈકને સોંપી દો. બધા માલનું એડવાન્સ પેમેન્ટ મળે એવું કરાવી આપું. મારું માનો તો આમાં એક કાંકરે બે પંખી મારી શકાય.

“એ કેવી રીતે? જુઓ તમારા કોમ્પિટીટર કરણ રસ્તોગી મારા કહ્યામાં છે. એની ઘણી કંપની છે. એમાં એ આ ઓનલાઈન સેલનું કામ કરશે. આપણા થકી કમાશે એટલે આપણા ક્ધટ્રોલમાં ય રહેશે.

“વાહ અજયકુમાર વાહ. શું ધાંસુ આઈડિયા છે. અમારી મમતાને ય આ બધુ શીખવાડી દેજો, રોમા ઉત્સાહપૂર્વક બોલી.

“તો વાત આગળ વધારું?

“હા, હા. એકદમ ઝડપથી.

“પણ એક વાતનું ધ્યાન રહે. હમણાં કંપની કે પરિવારના નામ સાથે કોઈ વિવાદ ન જોડાવો જોઈએ.

“વિવાદ એટલે…?

“હમમ.. જુઓ આકાશભાઇનું ભેદી રીતે ગાયબ થવું… બાકી બધું. તમે જાણો છો, સમજો છો. રસ્તોગીને મોટી રાજકીય મહત્ત્વાકાંક્ષા છે. બધા વિવાદોથી એ ખૂબ દૂર રહેશે. પણ હું એને સંભાળી લઈશ. તમે બન્ને એટલું જુઓ કે ઘરમાંથી કોઈ, કોઈ કરતાં કોઈ, આકાશભાઈ વિશે ન કંઈ કરે કે ન કોઈ સ્ટેટમેન્ટ આપે. આપમેળે સત્તાવાર પણે બધું બહાર આવવા દઈએ, ત્યાં સુધીમાં આ ડીલ પણ સાઈન થઈ જશે. ઓકે.?

દીપકે જામ ઉઠાવ્યો, “યસ, યસ. ચિયર્સ ટુ ઘટે. ત્રણેય જામ ટકારાયા પણ એના અવાજમાં રહેલા આફતના આગમનના ભણકારા કોઈને ન સંભળાયા.


મુરુડ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર પ્રશાંત ગોડબોલે લાંબો વિચાર કરીને ઊભા થયા. કેબિનમાં એક બે આંટા માર્યા. શરીરને ઝટકો આપીને જાણે આળસને ખંખેરી અને જૂના વિચારોને ફગાવી દીધા. ટેબલ પર બેસીને બેલ મારીને પ્યુનને બોલાવ્યો. તેને સૂચના આપી કે વૃંદા સ્વામી આવે એટલે અંદર મોકલજો.

વૃંદા સ્વામી પાંચેક મિનિટ પહેલા જ આવી હતી. આજે બધા એને કંઈક અલગ નજરથી જોતા હતા. ‘ગુડ મોર્નિંગ’નો કોઈએ જવાબ ન આપ્યો, કોઈએ સાંભળ્યું – ન સાંભળ્યું કર્યું અને અમુક સાવ ફિક્કો પ્રતિસાદ આપ્યો. બધા એકદમ બદલાઈ ગયા કે પછી પોતાની માનસિક અવસ્થાને લીધે એવું લાગે છે. પ્યુને સૂચના આપતા તે ઊભી થઈ.

વૃંદા કેબિનમાં ગઈ. મહામહેનતે પરાણે સેલ્યુટ કરીને ગોડબોલેના ઈશારે ખુરશીમાં બેસી ગઈ. એ નજર મેળવી શકતી નહોતી. ગોડબોલેને થયું કે આને આકરા ડોઝ અને આંચકાની જરૂર છે.

“સબ-ઈન્સ્પેટર વૃંદા સ્વામી પ્લીઝ લુક એટ મી…જુઓ અને ધ્યાનથી સાંભળો. આપણા માટે આ ખાખી વર્દી અને ફરજ સૌથી પહેલાં છે. બરાબર?

“જી, જી સર.

“તો ધ્યાનથી સાંભળો એક પ્રોફેશનલ પોલીસવાળાની જેમ. પિંટ્યાના મોત સાથે સંકળાયેલો મનાતો પ્રસાદ રાવ એકદમ ગાયબ છે. મોબાઈલ ફોન બંધ છે. એ કંઈ કામ-ધંધો કરતો નહોતો એવું ય જાણવા મળ્યું છે. આ બધાથી શંકા થોડી વધી જાય છે. હું એને આરોપી, રિપીટ શંકાસ્પદ આરોપી ગણું છું. ગુનેગાર નથી હજી એ. બરાબર?
વૃંદાએ ઉદાસ ચહેરે માથું હલાવ્યું.

“હવે તમે પ્રસાદ રાવ વિશે જે જાણતા હો એ કહો. કદાચ એને પકડવામાં કે બચાવવામાં એ બધું કામ આવે?

“સર, બચાવવામાં?

“હા, અત્યારે આપણી પાસે પિંટ્યા સાથે જોડાયેલું એક જ નામ આવ્યું છે પ્રસાદ રાવનું. જેમ તમે અંધારામાં ભૂલ કરી બેઠા એ જ રીતે કદાચ કોઈએ પ્રસાદ રાવને ફસાવ્યો પણ હોય. આ શકયતા સાવ નકારી ન શકાય. એવું હોય તો પિંટ્યાને મારનારા કદાચ પ્રસાદને પણ નુકસાન પહોંચાડી શકે. સમજયા?

‘હા, સર! એ એમ.કોમ. ભણેલો છે. ખૂબ પ્રેમાળ, સમજદાર છે. પ્રસાદને વાઘ પર ખૂબ પ્રેમ. એ ઈચ્છતો હતો કે વધુ ને વધુ લોકો વાઘને જુએ, મળે અને સમજે. એટલે લોકોને ભારતભરના વાઘોના અભયારણ્યમાં મોકલવા માટેનો ધંધો કરવા માગતો હતો. કોઈક સાથે બધું નક્કી થયું હતું. મુરુડ બાદ આખા મહારાષ્ટ્ર અને પછી આખા દેશમાં એ પોતાની કંપનીની ફ્રેન્ચાઈઝી શરૂ કરવા માગતો હતો.

“આ બાબતમાં તમને કોઈ સાથે મુલાકાત કરાવી હતી. કોઈનો નામોલ્લેખ કર્યો હતો? કોઈ પેપર્સ બતાવ્યા હતા?

“ના. પૂછું ત્યારે પ્રસાદ આ બધી વાતો કરતો હતો.

“હું ભૂલ ન કરતો હોઉં તો ભારતમાં ૫૦થી વધુ ટાઈગર સેંકચ્યુરી છે. એ જોવા દેશ- વિદેશના લોકો જાય. એ બધા સાથે કામ પાર પાડવા માટે પોતાનામાં ખાસ આવડત જોઈએ અને એવી કાબેલ ટીમ જોઈએ. પ્રસાદ કેટલું ભણ્યો હતો? એની પાસે આવી ટીમ છે ખરી?

“એણે એમ.એ. કર્યું છે. ટીમ, ઑફિસ કે પૈસાનું પૂછું ત્યારે કહેતો કે તું ફિકર ન કર, બધું થઈ રહેશે.

ગોડબોલેને આ પ્રસાદ રાવ કંઈક અંશે ભેદી લાગ્યો. વૃંદા સાથે વાત કરતી વખતે તેણે પ્રસાદ રાવનું નામ અને સરનામું લખીને શંભુ ભાઉને એસ.એમ.એસ. પર મોકલી દીધું?
શંભુ ભાઉ માહિતીનો એવો ધડાકો કરવાના હતા કે જેનાથી ઘણું બધું છિન્નભિન્ન થઈ જાય.


બાદશાહના હૉટલના રૂમમાં ફલાવઝમાં મુકાયેલા ઓડિયો – વીડિયો રેકોર્ડિંગમાં થયેલી વાતચીત સાંભળી તો એટીએસના પરમવીર બત્રાને એ વાતો, એ માણસ શંકાસ્પદ જરૂર લાગ્યો. પરંતુ એનાથી નક્કર રીતે કંઈ પુરવાર થતું નહોતું.

એ ટેલિફોનિક વાર્તાલાપની મેન્યુસ્ક્રીપ્ટ નીચે એક નોંધ લખેલી હતી: “આ બધો વાર્તાલાપ આપણા ડેઝાબેઝમાં નોંધાયેલા બાદશાહના મોબાઈલ ફોન પરથી થયો નથી. આ વાતચીત અલગ નંબર પરથી થઈ છે, જે નંબર આ પ્રમાણે છે…

“ઓહ મારો બેટો બાદશાહ ખરેખર ભેદી માણસ છે. તેણે તરત જ સૂચના આપી, “બાદશાહના નવા નંબરના સીડીઆર – કોલ ડિટેઈલ રેકોર્ડસ – ફેંદી વળો. મને બને એટલી ઝડપથી માહિતી જોઈએ.

બત્રા વિચારમાં પડી ગયા. આ બાદશાહની ઘણી હરકત વિચિત્ર છે. એની પાછળનો તર્ક સમજાતો નથી. એના પર ઘણો જાપ્તો રાખ્યો છે છતાં એ આજ સુધી સલામત રહ્યો. એકદમ સ્માર્ટ અને રીઢો માણસ લાગે છે. બત્રાને લાગવા માંડ્યું કે હૉટલ પ્યૉર લવમાં થયેલા વિસ્ફોટોમાં આસિફ પટેલ અને બાદશાહની સીધેસીધી કે આડકતરી સંડોવણી છે જ, પણ શા માટે? કેવી રીતે? હૉટલમાં ધડાકાઓ કરાવીને આ બન્નેને કે કોઈ એકને શું ફાયદો થાય? આ જ સવાલના જવાબ પર બધા તર્ક અને દલીલ માટે સ્પીડબ્રેકર આવી ગયું. બત્રાએ જોરથી બન્ને હાથ ટેબલ પર પછાડયા અને એ ઊભા થઈ ગયા.


વર્દી વગર સિવિલિયન ડ્રેસમાં પ્રશાંત ગોડબોલે મુરુડ બહાર મેઈન રોડ પર એક ઓળખીતાના ઢાબામાં જઈને બેઠા. માલિક હસીને તેને પોતાની કેબિનમાં લઈ ગયો. ચા-પાણીનું પૂછીને એ બહાર નીકળી ગયો. દશેક મિનિટમાં શંભુભાઈ કોઈકની બાઈક પર આવ્યા. ઢાબાના માલિકે તેને કેબિન તરફ ઈશારો કર્યો. શંભુભાઉ અંદર ગયો એટલે તેણે એક છોકરાને કેબિન માટે કડક – મસાલા ચા અને કઢિયલ દૂધ બનાવવાનો ઓર્ડર આપ્યો.

શંભુભાઉએ આવતાવેંત ફરિયાદ કરી. “સાહેબ, હમણાં તમે મને ખૂબ કામ ચીંધો છો હો.
“અરે શંભુભાઉ, બૉમ્બ બ્લાસ્ટ થયા છે મુરુડમાં પહેલીવાર. બીજીવાર ન થાય એટલે આપણે સૌએ મહેનત તો કરવી પડશે જ. આ સાથે ગજવામાંથી ત્રણ હજાર રૂપિયા કાઢીને ગોડબોલેએ શંભુભાઉ તરફ ધકેલ્યા. એ રકમ પાછી હડસેલતા શંભુભાઉ બોલ્યા, “મુરુડ માટે એટલે માતૃભૂમિ માટે કામ. આ રૂપિયા ન ખપે.

“ગમી તમારી લાગણી. બોલો અહીં કેમ મળવા બોલાવ્યો?

“પેલા પ્રસાદ રાવને લીધે.

“શું થયું એનું?

“હવે કંઈ થઈ શકે એમ લાગતું નથી.

“માંડીને વાત કરો ભાઉ.

“સાહેબ, એ પ્રસાદ રાવ સાવ નકામા માણસ છે, ગામનો ઉતાર છે. કંઈક કરતો – કમાતો નથી. ગામને કહેતો ફરે છે કે હું એમ.એ. છું પણ માંડ બારમું પાસ જ છે. ગામના લુખ્ખાઓમાં બડાશ મારે છે કે મારી ગર્લફ્રેન્ડ પોલીસમાં છે હો.

“સાંભળ્યું છે કે વાઘના અભયારણ્યના બુકિંગ માટે કંઈક ધંધો કરવાનો હતો.

શંભુભાઉ હસી પડયા. “એ અને ધંધો કરે? એ તો બીકણ છે. વાઘ સામે તો શું કૂતરા સામે ય ન જાય. હા, ફાંકો ઘણો રાખે. શરીર પર બે ત્રણ જગ્યાએ વાઘના ચહેરા ત્રોફાવ્યા છે. એ આગ્રહ રાખે અને બધા એને ટાઈગર ભાઉ ટાઈગર ભાઉ કહે એ એને ગમે.

“ટાઈગર ભાઉ શબ્દ સાંભળતા જ પ્રસાદ ગોડબોલેના મગજમાં બત્તી થઈ. આ નામ ક્યાં સાંભળ્યું હતું એ યાદ આવી ગયું તરત.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button