તરોતાઝા

કેરોલિના રીપર પ્રકરણ-૪

પ્રફુલ શાહ

ખબરીએ અંધારેને આકાશ વિશે સ્ફોટક માહિતી આપી

આસિફ પટેલ બોલ્યા: હા, એનડીએ ખૂબ ચોકસાઈ અને પ્રામાણિકતાથી કામ કર્યું

ટેબલ પર ગોળ પેપરવેઈટ ફેરવતા પરમવીર બત્રા બોલ્યા, “સચ્ચાઈ… પૂરેપૂરી… શરમ… ચાલો એ પણ જાણી લઈએ જી.

ખોંખારો ખાઈને પટેલ શેઠે બત્રા સામે જોયા વગર બોલવાનું શરૂ કર્યું. “ચારેક વર્ષ અગાઉ હું લંડનમાં હતો. ત્યારે ભારતમાં મૂડી રોકાણનું વિચાર્યું. મેં બાદશાહને વાત કરી તો તેણે ઘણાંને વાત કરી. આમાંથી આ એનડી આગળ આવ્યો?

“પોતાની જમીન વેચવા?

“ના, એ બ્રોકર હતો. તેણે શરત મૂકી કે મારી બતાવેલી જમીન ખરીદો તો એગ્રીમેન્ટ થાય એ દિવસથી મને કાયમી નોકરી આપવાની.
“અને તમે શરત સ્વીકારી લીધી? એને જાણ્યા પિછાણ્યા ને ઓળખ્યા વગર?
“હા, મને જોતા કંઈ ખોટું ન લાગ્યું. પછી તેણે ચારેક જમીનના પ્લોટ બતાવ્યા. બાદશાહને મુરુડની જગ્યા ગમી ગઈ એટલે તેણે મને લંડન વાત કરી. મેં આવીને એગ્રીમેન્ટ અને રજિસ્ટ્રેશન પેપર્સ પર સહી કરી.

“ખૂબ ઈન્ટરેસ્ટિંગ પછી?

“ત્યાં હોટલ બનાવવાનું નક્કી થયું. એનડીને વચન મુજબ નોકરી આપી હતી એટલો હોટેલના બાંધકામના નિરીક્ષણની જવાબદારી એને સોંપી દીધી. આ કામ તેણે ખૂબ ચોકસાઈ અને પ્રામાણિકતાથી કર્યું. સાથોસાથ તેણે શહેરની ભીડભાડથી દૂર એવી અમારી હોટલ પ્યોર લવમાં નોકરી કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને અમે સ્વીકારી લીધી.

“અમે એટલે?

“મેં અને બાદશાહે?

“બાદશાહ પણ ખૂબ વિશ્ર્વાસુ લાગે છે ને જી?

“વિશ્ર્વાસુ જ નહિ, ફેમિલી મેમ્બર જેવો છે. વીસેક વર્ષથી મારી સાથે છે.

“આપનું આખું નામ વિશ્ર્વાસ કે વિશ્ર્વાસુ પટેલ નથી ને? એવું પૂછીને બત્રા ખડખડાટ હસી પડ્યા.

પણ પટેલ શેઠે એકદમ ગંભીરતા સાથે જવાબ આપ્યો, “ના જી.

“તો આખું નામ શું છે?

“આસિફ પટેલ… પણ બધા મને પટેલ શેઠ તરીકે જ ઓળખે, જાણે અને બોલાવે…

“ગુડ. તમે ખૂબ રસપ્રદ વ્યક્તિ છો, મિસ્ટર આસિફ.

“મને પટેલ શેઠ કહેશો તો ગમશે.

“હું ક્યાં તમારો વિશ્ર્વાસુ છું કે તમારી નોકરી કરું છું… બકવાસ જવા દો. તમારો જન્મ ક્યાં?

“કેન્યામાં.

“હમણાં કહ્યું કે તમે લંડનમાં હતા…

“હા, કેન્યાથી ભારત પાછો ફર્યો હતો. થોડાં વરસો બાદ યુકે જઈને ત્યાંનું ગ્રીનકાર્ડ મેળવ્યું.

“કેન્યા, ભારત, યુ.કે… બીજે ક્યાંય કનેકશન ખરા?

“હા, બિઝનેસ કનેકશન છે દુબઈ, અબુધાબી, સાઉદી અરેબિયા વગેરે…

“શેનો બિઝનેસ છે આપનો?

“એક્સપોર્ટ ઈમ્પોર્ટનો…

“કઈ વસ્તુઓની લે-વેચ કરો છો?

“લાંબી યાદી છે. બાદશાહ, સરને યાદી મોકલાવી દેજો. હવે હું નીકળી શકું? મારી દવા અને આરામનો ટાઈમ થઈ ગયો છે.

બત્રા એને જોઈ રહ્યા, તો પટેલ શેઠ બોલ્યા, “ઑલમોસ્ટ સિનિયર સિટીઝન અને ઓવરસીઝ નાગરિકના થોડા હક તો હોય કે નહિ? બત્રા કંઈ બોલ્યા નહિ પણ વિચારમાં પડી ગયા.


વિકાસ લેપટોપ સામે ગુમસુમ બેઠો હતો. એથિકલ હેકર તરીકેની આવડત અને કૌશલથી તેણે પોતાની મોના દીદીના મોબાઈલ નંબરનું ટ્રેકિંગ શરૂ કર્યું. એ ગુમ થઈ એ દિવસથી લોકેશન મેળવવા માંડ્યો. વાશીનો ફૂડ જોઈન્ટ ત્યાં ઘણાં મોબાઈલ નંબરમાં એક તેની સૌથી નજીક દેખાયો. પછી એ નંબર અને મોનાના નંબર વચ્ચેના કડી શોધી કાઢી. બન્ને વચ્ચે રોજ રોજ ખૂબ વાતો થતી હતી. કલાકો ફોન સાથે દેખાતા હતા. અને લાપતા થયાના દિવસે બન્નેના નંબર સાથે જ આગળ વધતા હતા. બેઉં નંબર આગળ વધતા-વધતા મુરુડ પહોંચ્યા. ત્યાં એક લોકેશન પર રોકાઈ ગયા. વિકાસે ધ્યાનથી જોયું તો લોકેશનનું નામ દેખાયું “હોટેલ પ્યૉર લવ.
આ નામ ક્યાંક સાંભળ્યા, જોયાનું એને યાદ આવ્યું. તરત તેણે ઈન્ટરનેટ પર સર્ચ પર નામ મૂક્યું જે રિઝલ્ટ મળ્યા એ જોઈને એની છાતીના પાટિયા ભીંસાવા માંડ્યા. એ હોટેલમાં તો મલ્ટીપલ બ્લાસ્ટ્સ થયા હતા. તારીખ અને સમય ચેક કર્યા તો પરસેવો વળવા માંડ્યો. મોના દીદી અને એ અજાણ્યો નંબર જે દિવસે અને જે સમયે એ હોટેલમાં પહોંચ્યા એના કલાકોમાં જ બ્લાસ્ટ્સ થયા હતા. ‘તો શું મોનાદીદી પણ… ના, ના. એવું થઈ જ ન શકે.’

‘પણ મોના દીદીને ત્યાં લઈ જનારો આ નંબર છે કોનો? એને દીદી સાથે દુશ્મની હશે? ફોસલાવી હશે કે પછી મારી નાખવા જ લઈ ગયો હશે?’ વિકાસે મુઠ્ઠી ભીડી દીધી. ‘જે હોય એ એને શોધીને સબક શીખવાડ્યા વગર હું શાંત બેસવાનો નથી….’

મુખ્ય પ્રધાન રણજીત સાળવી અને સાથી પક્ષના સિનિયર નેતા સતીષ ભોસલે લાંબી મસલત બાદ નિર્ણય કરે છે કે આ જ સાચો સમય છે. સરસ તક છે. લોખંડ બરાબર તપેલું છે, ત્યારે હથોડો ઝીંકવામાં વાર ન કરવી જોઈએ. રાજકારણની શતરંજ પર બન્ને સોગઠા ગોઠવવાનું શરૂ કરી દે છે. કંઈ કુકરીને મારવાની છે ક્યા પ્યાદાને ઘેરવાનો છે અને સેનો-ક્યારે કેવી રીતે ઉપયોગ કરવાનો છે એની બ્લુ પ્રિન્ટ ઘડાવા માંડે છે.

ભોસલે સાકર વગરની અને સાળવી ડબલ મીઠી ચા પીને છૂટા પડે છે, ત્યારે બન્નેના ચહેરા પર ખુશાલી છાની રહેતી નહોતી.


જુહુ પોલીસ સ્ટેશનના ઈનચાર્જ પોલીસ ઈન્સ્પેકટર રામરાવ અંધારેને ખાસ ખબરીનો ફોન આવે છે. તે આકાશ મહાજન વિશે એકદમ સ્ફોટક માહિતી આપે છે. મુરુડની હોટેલ પ્યૉર લવમાં થયેલા બૉમ્બ ધડાકાઓમાં આકાશ મહાજનના નામની ચર્ચા થતી હોવાનું સાંભળવા મળ્યું છે. કંઈ ખાતરીબદ્ધ રીતે ન કહી શકાય પણ હું વધુ તપાસ કરું છું.

અંધારે એકદમ અવઢવમાં પડી જાય છે કે આ માહિતી રાજારામ મહાજનને આપવી કે નહિ? વધુ માહિતી કે ક્ધફર્મેશન ન આવે ત્યાં સુધી તે મોઢું બંધ રાખવાનો નિર્ણય લે છે, પરંતુ સાવ નિષ્ક્રિય ન બેસાય એટલે એ રાયગઢમાં એક પોલીસ અધિકારી મિત્રને ફોન કરે છે. અપેક્ષા મુજબ જવાબ મળ્યો કે હવે એટીએસ તપાસ કરે છે એટલે વધુ જાણકારી મળવી મુશ્કેલ છે. મુરુડમાં પ્રયાસ કરવાથી કદાચ કંઈક હાથ લાગે.


એટીએસના પરમવીર બત્રા અને મુરુડ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેકટર પ્રશાંત ગોડબોલે ઊંડા વિચારમાં બેઠા હતા. પરમવીરે સામે મૂકેલા કાગળ પર લખેલા ત્રણ નામ પર કુંડાળા કર્યા.

“આપણને ત્રણ મૃતકના નામ મળી ગયા. આકાશ મહાજન, પ્રિયા પુરોહિત અને નીશીથ દુબે. આમાં એક તો મોટું માથું છે એટલે ચેતતા રહેવું પડે. બાકીના નામ મળ્યા નથી. વળી, આજે પાંચમે દિવસેય આપણે જાણતા નથી કે હોટેલમાં કુલ કેટલા માણસો માર્યા ગયા છે. સમજ પડતી નથી કે આ કેસની તપાસમાં સાચી દિશા કંઈ?

“સર, અત્યાર સુધી આપણે એવું માનીએ છીએ કે મૃતકોમાંથી કોઈક બૉમ્બ, દારૂગોળો લાવ્યું હશે કે મૂક્યો હશે, પરંતુ કોઈ આ વિસ્ફોટક સામગ્રી મૂકીને ચેકઆઉટ કરી ગયું હોય તો?

“યુ આર રાઈટ આવું પણ બન્યું હોઈ શકે. પણ આપણી પાસે હોટેલમાંથી ચેક આઉટ કરી જનારા પેસેન્જરોની વિગતો નથી. તમે વૉચમેન પાટિલને પૂછી જુઓ કદાચ કંઈક મળે તો…?

“મેં ઓલરેડી પૂછી લીધું પરંતુ ચેક આઉટ કરીને ગયેલા પેસેન્જરમાં એને કોઈ વાંધાજનક લાગ્યું નહોતું.

“આસિફ પટેલ શેઠ અને બાદશાહ થોડીવારમાં આવશે. એ લોકોએ તમારો સંપર્ક કર્યો ફરીથી?

“ના હજી સુધી તો નથી કર્યો.

“મારી ટીમ એનડીની કુંડળી કાઢવા માટે વાઈથી સોનગિરવાડીમાં ફિલ્ડિંગ ભરી રહી છે પણ કંઈ ખાસ મળ્યું નથી.

“સર, વાંધો ન હોય તો જાણી શકું કે ક્યા એંગલથી એ લોકો તપાસ-શોધખોળ કરી રહ્યા છે?

“આતંકવાદનો મામલો છે એટલે ક્યાં શું તપાસ કરવી એ તમે બરાબર સમજો છો, ગોડબોલે જી.

“સર, ક્યારેક હકીકત ધારણાથી સાવ અલગ અને ઊંધી પણ ન હોઈ શકે?


સોનગિરવાડીમાં રખડીને એટીએસની ટીમ કંટાળી ગઈ. બધા અલગ-અલગ રખડે અને કલાકે કલાકે વોટ્સએપ ગ્રુપમાં પ્રોગ્રેસ રિપોર્ટ મૂકે. ગઈ કાલથી આજ સુધી બધાના થમ્સ ડાઉન જ આવ્યા હતા.

‘પ્રોડ્યુસર મનમોહન’ને થયું કે પહેલા થોડો રીલેક્સ થવા દે. તે જઈને એક નાનકડા ગંધાતા બિઅર બારમાં બેઠો. મેલી ચડ્ડી અને ઉપર ફાટેલી ગંજી પહેરેલા વેઈટરને તેણે સો રૂપિયાની નોટ આપી ‘દો સિગારેટ લે કે આ બાકી તું રખ લે.

છોકરો હોશભેર દોડીને સિગારેટ લઈ આવ્યો. માગ્યા વગર ગલ્લા પરથી લાઈટર લાવી આપ્યું. ટેબલ પર એશ-ટ્રે મૂકી દીધી. ‘પ્રોડ્યુસર મોહન’નો હાથ ગજવામાં ગયો વીસની નોટ હાથમાં આવી તો એ પણ વેઈટરને આપી દીધી. “જા એકદમ ચીલ્ડ માઈલ્ડ બિઅર લેકર આ.

છોકરો માઈલ્ડ બિઅર લાવ્યો. સાથે ખારી શિંગ, ચણા દાળ અને વેફરના પેકેટ પણ. “સા’બ, ઈસ મેં સે ક્યાં લગેગા? આપ બોલો વહ પેકેટ ખોલુંગા.

“સબ કે સબ ખોલ દે ઓર તું અકેલા હૈ?

“હા, શેઠ બહાર ગયે હૈ. શાયદ બૅન્ક મેં. ઈતના સુબહ-સુબહ કૌન આતા હૈ યહાં?

“મુઝે હૈ ન અકેલે પીના નહિ જમતા. તું સામને બૈઠ બિઅર પીએગા? મેરી પાર્ટી સમજ લે.

“શેઠ દેખેંગે તો ડાટેંગે. ઔર મૈં બિઅર નહીં પીતા સર.

“અચ્છા હૈ, કભી મત પીના. શેઠ દેખેગે તો મૈં સંભાલ લેગા. તું કોઈ ભી કૉલ્ડ-ડ્રિન્ક લે કે આ. સાથે કુછ તીખા ખાના ભી.

“આમલેટ બનાઉ?

“હા, મગર ફટાફટ.

છોકરાએ જતા પહેલાં સંભાળીને ગ્લાસમાં ચોકસાઈપૂર્વક બિઅર કાઢ્યો ન એક ટીપું ઢોળાયું કે ન ફિણ થયા. પછી એ ભાગીને અંદર ગયો ‘પ્રોડ્યુસર મોહન’ના પેટમાં અડધો ગ્લાસ ગયો, ત્યાં છોકરો આમલેટ અને કૉલ્ડ-ડ્રિન્ક લઈને આવ્યો. બન્ને ટેબલ પર મૂક્યું પણ સામે બેસતા એ અચકાતો હતો. ‘પ્રોડ્યુસર મોહન’ તરફથી બેસવાનો ઈશારો થયો એટલે એ સંકોચ સાથે બેઠો.

એકદમ ચીલઝડપમાં પ્રોડ્યુસર મનમોહનનો હાથ કૉલ્ડ-ડ્રીન્કની બોતલ પર પડ્યો અને ઓપનરથી ખોલીને છોકરા સામે મૂકી. સાથે વેફરની ડીશ આગળ કરી. છોકરો ગળગળો થઈ ગયો. પહેલીવાર હોટેલમાં ખુરશી પર બેસીને એ કંઈક ખાઈ-પી રહ્યો હતો. અથવા કહો કે ખાવા-પીવાનો હતો. તેણે કૉલ્ડ-ડ્રિન્કસના ગ્લાસમાંથી એક સીપ મારી ને પછી બે વેફર ઉપાડીને મોઢામાં મૂકી.

“સાંભળ યાર હું છે ને ફિલ્મ પ્રોડ્યુસર છું અમે એક માણસને શોધીએ છીએ એટલે કે એના વિશે માહિતી જોઈએ છે તું સમજે છે ને? તારું નામ તો પૂછ્યું જ નહિ.

“કોઈ નામ પૂછતું નથી. અમે બધા માટે વેઈટર છીએ.

“પણ મારે નામ જાણવું છે. બોલ…

“પીટર… પીટર આલ્વારીસ નામ છે મારું.

“તો પીટર જો આ માણસ વિશે અમારી માહિતી જોઈએ છે…

“જોયો છે આને?

“ના સર જોયો હોય એવું લાગતું નથી.

“અચ્છા, વાઈમાં શૂટિંગ માટે અમારે થોડી સાચી લાગે એવી રિવોલ્વર અને એવું બધુ જોઈએ છે અહિ કોઈ મદદ મળી શકે? બૉમ્બેથી લાવવામાં ખૂબ ટાઈમ બગડશે.

પીટર તરત બોલ્યો, “કદાચ સોલોમન કામમાં આવે.

“અચ્છા એ કંઈ રીતે?

“સાંભળ્યું છે કે એ ન કરવાના ધંધા કરતો રહે છે. ઘણાં તો કહે છે પૈસા ફેંકો તો એની પાસે જોઈએ એ મળી જાય.

સોલોમન ક્યાં અને ક્યારે મળે એ જાણકારી ‘પ્રોડ્યુસર મનમોહન’ને મળી, ત્યાં દરવાજામાં એક માણસ દેખાયો. અંદરનું દૃશ્ય જોઈને તેણે પોતાની બન્ને આંખ ચોળી એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ, “પીટરરર….

પીટર ગભરાઈને એકદમ ઊભો થઈ ગયો. ‘પ્રોડ્યુસર મનમોહન’ એના ખભા પર હાથ મૂકીને ઊભો થયો. દરવાજા તરફ જોઈને બોલ્યો, “કોઈ પ્રોબ્લેમ છે તને? મેં એને બેસાડ્યો છે. મારા પૈસાથી કૉલ્ડ-ડ્રીન્ક પીવે છે અહીં આવ જલ્દી…

બોલનારનો રૂઆબ જોઈને એ નજીક આવ્યો. “જો ટેબલ પર પડ્યું છે એ બધાનું બિલ બનાવીને લાવ.

પીટર નામની બૂમ પાડનારો બીઅર બારનો માલિક હતો. વિચિત્ર લાગણી સાથે બિલ બનાવીને લાવ્યો. ૪૩૦નું બિલ થયું. ‘પ્રોડ્યુસર મોહન’ દ્વારા ૫૦૦ની નોટ મુકાઈ સાથે તે બોલ્યો સારી વ્હીસ્કી મળશે તો સાંજે છ જણાં પાર્ટી કરવા આવીશું. સાતમો આ છોકરો ચાલશે ને?
માલિક ઓળઘોળ થઈ ગયો. “હા, હા હું બીજા બે છોકરાને બોલાવી રાખીશ, સર. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button